છીંકણીનો ડબ્બો .
- એક વાંદરો હળવેકથી નીચે આવ્યો. ડબ્બો લઈને સીધો ઝાડ ઉપર!
- ડો.પ્રીતિબેન ત્રિભોવનદાસ કોટેચા
એક સુંદરપુર નામનું ગામ હતું. આ ગામમાં મંગુ ડોશીમા રહે. એને ખાવાનું ખૂબ જોઈએ.એક ડબ્બામાં હંમેશાં ખાવાનું સાથે લઈને જ બેસે.
એમાં શિયાળાના દિવસો આવ્યા. મંગુમાએ અડદિયા બનાવ્યા. રોજ ભગવાનની પૂજા કરે. અડદિયા ડબ્બામાં ભરે અને તડકામાં ખુરશીમાં બેસી અડદિયા ખાય.એક દિવસ બાજુના ઝાડ પર વાંદરાનું ટોળું આવ્યું. માજીને ડબ્બામાંથી ખાતા જોઇ એમને મોમાં પાણી આવ્યા. અડદિયા ખાવાનું મન થયું. એ તો ડબ્બો જોઈ ધીમેથી ગીત ગાય-
'ડોશીમા આવ્યાં,
ડબ્બો લાવ્યાં,
ડબ્બામાં લાડુ,
ઝટપટ ખાવા માંડું.'
હવે તો વાંદરાઓને આ જોવાની મજા પડે. કોઈક દિવસ ખાવા મળશે એવી રાહમાં તેઓ હુપ હુપ કરતા ઝાડ પર બેસી રહે.
એક દિવસ ડોશીમા ખુલ્લામાં બેઠાં હતાં. થોડીવારે તેમને કામ યાદ આવ્યું. ડબ્બો મૂકીને એ તો અંદર ગયાં. ત્યાં જ એક વાંદરો હળવેકથી નીચે આવ્યો. ડબ્બો લઈને સીધો ઝાડ ઉપર! બધા વાંદરાઓ લાડુ ખાઈ ગયા. પછી ખાલી ડબ્બો મૂકી ગાવા લાગ્યા...
'ડોશીમા આવ્યાં,
ડબ્બો લાવ્યાં,
ડબ્બામાં લાડુ,
ઝટપટ ખાવા માંડું.'
હવે તો વાંદરાઓને અડદિયાનો ચસ્કો લાગ્યો. બીજા દિવસે જેવાં ડોશીમાં બેઠાં કે એક વાંદરો ધીમેથી અંદર જઈ વાસણ ખખડાવી દોડી ગયો. ડોશીમાં જેવાં અંદર ગયાં કે વાંદરાભાઈ ડબ્બો લઈ ગયા. એ તો ખાતા જાયને ગીત ગાતા જાય.
'ડોશીમા આવ્યાં,
ડબ્બો લાવ્યાં,
ડબ્બામાં લાડુ,
ઝટપટ ખાવા માંડું.'
ડોશીમાં વિચારે કે ડબ્બામાં તો હું લાડુ લાવું છું, પણ આ લાડુ ગાયબ કેમ થઈ જાય છે? એ જોવા માટે બીજા દિવસે એ બારણાની પાછળ સંતાઈ ગયાં. વાંદરાભાઈએ જોયું કે ડોશીમા નથી. એ જલ્દીથી નીચે આવ્યા ડબ્બો લઈ જઈને ગીત ગાવા લાગ્યા-
'ડોશીમા આવ્યાં,
ડબ્બો લાવ્યાં ,
ડબ્બામાં લાડુ,
ઝટપટ ખાવા માંડું.'
ડોશીમા તો આ જોઈને વિચારે કે આ વાંદરાઓને તો મજા ચખાડવી પડશે! એટલે બીજા દિવસે ડોશીમાએ ડબ્બામાં છીંકણી ભરી. ધીરેથી આરામખુરશીમાં બેઠાં. થોડીવાર પછી ઊભા થઈ, અંદર ગયાં. વાંદરા આવ્યા અને ડબ્બો લઈ ગયા. ડબ્બો ખોલતાં જ અંદર લાડુની જગ્યાએ છીકણી.... આહ! છીંકણી બધાના નાકમાં ગઈ. બધા વાંદરાઓ હાંક.. છી.. હાંક.. છી.. હાંક.. છી... કરવા લાગ્યા. એમના નાકમાંથી જે પાણી જાય! એમના ડબ્બો પણ નીચે પડી ગયો.
વાંદરાઓની અક્કલ હવે ઠેકાણે આવી ગઈ. તેઓ હવે ડોશીમાને જોઈને ગાવા લાગ્યા...
'ડોશીમા આવ્યાં
ડબ્બો લાવ્યાં
ડબ્બામાં છીકણી
હાંક... છી! હાંક... છી!
હાંક...છી!'