Get The App

આકાશનો પ્રવાસ .

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
આકાશનો પ્રવાસ                                        . 1 - image

- કાઝીરંગામા તો બહુ ઠંડી. ત્રણેય વડીલ આંગણામા બેસી ચાની ચૂસકી લેતાં હતાં. બાળકોની ધમાચકડી જોઈ પ્રસન્ન થતાં હતાં. રમતાં બાળકો પાસે જઈ મૃદુલાબેન કહે, 'કાલે  તમને નેશનલપાર્કમાં એકશીંગી ગેંડા અને હાથી જોવા લઈ જવાનાં છે.'

ભારતી ભંડેરી 'અંશુ' આકાશ નામનો એક બાળક હતો. તેની ઉંમર બાર વર્ષ. તેને નવું નવું જાણવું,  શીખવું બહું જ ગમે.

આકાશના મમ્મીનું નામ રાધાબેન. પપ્પાનું નામ સુનીલભાઈ. તેઓને પણ પુત્રનો આ તરવરાટ ખૂબ ગમે. તેઓ એને સાથ આપે. ઉત્સાહ આપે. આથિક સગવડતા મુજબ નજીકનાં - દૂરનાં સ્થળો ઉપર લઈ જાય. તેનો પરિચય કરાવે. અવનવું બતાવે. આકાશને તો જાણે ઘી-કેળાં મળી જાય!

રજાઓમાં આકાશ મસ્તીમાં ઘૂમે. નવાં પુસ્તકો ફંફોસે. મેગેઝિનો શોધે ને વાંચે. અવનવી માહિતી ભેગી કરે. ઓનલાઇન રિસર્ચ કરે.   

મમ્મીને કહે,  'જો, મમ્મી! આ રેશમની સાડીનો ફોટો. એ કીડામાથી તૈયાર થાય. એ કીડા રેશમનાં ઝાડ ઉપર હોય.'

પપ્પાને ફોટા દેખાડી કહે,  'પપ્પા, જુઓ!  આ સિંહના પગલાં. આ સર્પની કાંચળી. આ  જહાજવાડો!'

બસ, આમ ઘરમાં મમ્મી - પપ્પા સાથે અને બહાર ભાઈબંધો સાથે આકાશનું જ્ઞાાન - વિજ્ઞાાનનું  લબૂકઝબૂક થયાં જ કરે. 

એક દિવસ સુનીલભાઈ વધારે ખુશ થતાં  ઘેર આવ્યા. તેણે રાધાબેનને  કૈક વાત કરી.  તે પણ રાજી થયાં. કહે, 'બસ, બે દિવસ પછી જ નીકળવાનું છે? કંઈ 

વાંધો નહીં. ફટાફટ બધું તૈયાર કરીશું. આવો લ્હાવો ચૂકાય?'

બંનેએ આકાશને આ સમાચાર આપ્યાં. આકાશ  તો 'અરે, વાહ! ' કહીને ઉછળી પડયો. પપ્પાને વળગી પડયો. કહે, 'ચલો, હું પણ સાથે લેવાની મારી વસ્તુઓ થેલામાં ભરવા માંડુ.'   

બે દિવસ પછી એ ઘડી આવી પહોંચી. ત્રણેય જણ હરખથી ઉપડયા આસામના પ્રવાસે. હેમખેમ પહોંચ્યાં. થાક ઉતાર્યો. ફરવાનાં સ્થળના  નકશા જોયાં. એ પ્રમાણે આયોજન કર્યું . 

પ્રથમ શીલોન્ગ ફર્યાં. પછી ચેરાપુન્જી અને એક દિવસ પહોંચ્યા કાઝીરંગા.

કાઝીરંગાના નેશનલપાર્ક વિશે આકાશે વાંચેલું . આજ તો હવે એ બધું રૂબરૂ જોવા મળશે તેથી તે ખૂબ ઉત્સુક હતો, પરંતુ તેની સાથે અન્ય બે બાળકો પણ ખૂબ રાજી થયેલાં. એ હતાં હેત અને ખુશી.  

વાત એમ હતી કે આકાશનો પરિવાર આજ સવારે જ કાઝીરંગા આવેલા. અહીં તેઓ એક હોમ સ્ટેમાં ઉતર્યાં હતાં, જે મૃદુલાબેન નામના એક માયાળુ બહેનનુ હતું. 

તેને બે બાળકો. હેત અને ખુશી. આકાશ સાથે આ બેઉં બાળકો એટલાં હળીમળી ગયાં કે જાણે કાયમ સાથે રહેતાં હોય!

કાઝીરંગામા તો બહુ ઠંડી. ત્રણેય વડીલ આંગણામા બેસી ચાની ચૂસકી લેતાં હતાં. બાળકોની ધમાચકડી જોઈ પ્રસન્ન થતાં હતાં. રમતાં બાળકો પાસે જઈ મૃદુલાબેન કહે, 'કાલે  તમને નેશનલપાર્કમાં એકશીંગી ગેંડા અને હાથી જોવા લઈ જવાનાં છે.'

ત્રણેય બાળકો આ વાત સાંભળીને ઝૂમી ઊઠયાં. હેત તેનાં હાથની સૂંઢ બનાવી હાથીનો  અભિનય કરવા લાગ્યો. ખુશીએ પણ તેને સાથ આપ્યો. ત્રણેય ગાવા  લાગ્યાં-

'અમે તો જંગલમાં  ફરીશું,

અમે તો ગેંડાભાઈને મળીશું.

સવારી હાથીભાઈની કરીશું,

વાઘભાઈથી તો ચેતીને ચાલીશું...!'

બીજા દિવસે સવારે જ સફારી જીપ લેવા માટે આવી. સાથે એક ફોરેસ્ટ ગાઈડ. બાળકો તો ખુલ્લી જીપ જોઈને જ ખુશ ખુશ થઈ ગયાં. ફટાફટ ચડયાં. એક મિનિટ 

પણ જીપમાં નીચે ન બેઠાં. તેઓ ગાઈડને આ ઉદ્યાન વિશે પૂછપૂછ કરે. ગાઈડ પણ ઉમંગથી જવાબ આપે.  

કહે , 'કાઝીરંગાનું આ રાષ્ટ્રીય ઉદ્યાન છે.  આસામ રાજ્યનાં ગોલાઘાટ અને નાગાંવ જિલ્લામાં આવેલું છે. ઇ.સ. ૨૦૦૬ માં તેને વાઘ અભ્યારણ જાહેર કરાયું. આ 

ઉદ્યાન ઘણું મોટું છે. તે બ્રહ્મપુત્રા નદીની આસપાસ ૮૫૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.'

ત્યાં વચમાં ખુશી બે હાથ ફેલાવી  કહે , 'તને ખબર છે આકાશભાઈ!  ૮૫૮ ચોરસ કિલોમીટર એટલે આટલું બધું મોટું  કહેવાય!'

તેની વાત સાંભળી સૌ હસી પડયાં . 

ગાઈડભાઈ વિશેષ પરિચય આપતા કહે, 'આ ઉદ્યાન એક શિંગડાવાળા ગેંડા માટે જાણીતું છે.'  

અને ત્યાં જ ...  સૌથી પહેલો ગેંડો જોવા મળ્યો. તેને જોતાં જ બધાં ખુશીથી નાચી ઉઠયાં. પછી તો હાથીઓના ઝુંડ જોયા. જંગલી ભેંસ, હરણ અને જાતભાતનાં 

પક્ષીઓ જોયા. ગેંડા તો કેટલાય જોયા.

સુનીલભાઈ બાયનોક્યુલર સાથે લાવ્યા હતા. એટલે દૂર દૂર ફરતા આ પ્રાણી - પંખીઓને ખૂબ સરસ રીતે જોવાની બહુ જ મજા આવી. હાથીઓનાં નાનાં- નાનાં 

બચ્ચાઓને જોઇને તો બચ્ચા પાર્ટી ખુશ - ખુશ થઈ ગઈ. વાઘ જોવા ન મળ્યા એટલે થોડાં ઉદાસ થયાં, પરંતુ એક સ્થળે રસ્તો ઓળંગતા હાથીઓના ઝુંડ અને 

ગેંડાને ખૂબ જ નજીકથી જોવા મળ્યાં. તેમનું કદાવર શરીર જોઈને તો બધા દંગ રહી ગયા. થોડો ડર પણ લાગ્યો. એક હાથીએ તો સૂંઢ ઊંચી કરીને જોરથી એવો 

ચિંઘાડયો કે બાળકો ડરી ગયાં. ચીસ પાડી ઉઠયાં. પરંતુ જીપના ડ્રાયવરે સમયસૂચકતા વાપરી જીપને થોડી પાછળ લઈ લીધી.

ચારેતરફ ઊંચું - ઊંચું ઘાસ અને પાણીની તળાવડીઓ. ખુલ્લી જીપમાંથી આ કુદરતી વાતાવરણ માણવાની સૌને મજા આવી ગઈ. 

રાધાબેન આકાશને પૂછે, 'બેટા, ઉદ્યાન કેવું લાગે છે?' 

 આકાશ કહે,  'મીઠા મીઠા મેવાજેવું.'

સુનીલભાઈ પૂછે,  'બાળકો, તમને અહીં રોજ રોજ ગમે?'

ત્રણેય બાળકો એક સાથે જોરથી બોલ્યાં,'હા...! ' 

મૃદુલાબેન કહે, 'તો એક કામ કરીએ. રોજ રોજ અહીં આવવું તેનાં કરતાં તમે ત્રણેય અહીં જ રોકાઈ જાઓ.' 

તેમાં પણ જોરથી  'હા...' બોલીને  બાળકોએ સૂર પૂરાવ્યો. 

ત્રણેય વડીલો બાળકોની નિર્દોષતા જોઈને હસી પડયાં.

આ પ્રવાસની યાદગીરી રૂપે સૌએ ખૂબ ફોટા પાડયા. સાથે લાવેલુ ખાણું ખાતાં જાય. અચરજ ભરતાં જાય. બાળકો ગાતાં જાય-

'આ તો કાઝીરંગા નેશનલપાર્ક છે,

અહીં એકશિંગી ગેંડાનું રાજ છે,

ચારેકોર ચાના બગીચા અપાર છે ,

હાથીઓની અહીં ચિંધાડ છે...!'

આખો દિવસ સૌએ ખૂબ જ મજા કરી. મોડી સાંજે ઘેર પાછા આવ્યાં. અવનવી વાતો કરતાં અરધી રાત્રે સૂતાં .

બીજે દિવસે સવારે સુનીલભાઈના પરિવારને જવાનો સમય થયો. સૌ એટલા હળીમળી ગયાં હતાં કે છૂટાં પડવાનું મન નહોતું થતું. સૌની આંખો ભીની થઈ. 

આકાશ, હેત અને ખુશી પણ ઉદાસ થયાં.  

એકબીજાનો આભાર માન્યો. આકાશના મમ્મી -પપ્પાએ મૃદુલાબેનને હેત - ખુશીને લઈને  પોતાના ઘેર આવવાનું આમંત્રણ આપ્યું. કહે 'આવજો  ને  આવજો. 

બાળકો સાથે તમે પણ અમારા વતનને માણજો.' 

મમ્મી , પપ્પા સાથે આકાશ ગાડીમાં બેઠો. એકમેકને દેખે ત્યાં સુધી હાથ હલાવતાં જ રહ્યાં, હલાવતાં જ રહ્યાં. તેઓનો આ પ્રવાસ ખૂબ યાદગાર  બની રહ્યો. 

જેમાં એક મધુર યાદ હતી કાઝીરંગા નેશનલ પાર્કની. બીજી હતી તેથીય વધુ મધુરતા મૃદુલાબેનના પરિવારની!