Get The App

દરદી દાદા .

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
દરદી દાદા                                                     . 1 - image

- ચકી નાની હતી ત્યારે તેનાં માબાપનો માળો ક્યાં હતો, ખબર છે? શાળાની બારી ઉપર ફ્રેમ કરેલા ફોટાની પાછળ! શાળાના કલાકો દરમિયાન ચકી શિક્ષકની વાતો સાંભળ્યા કરે. શિક્ષકો ક્યારેક વાર્તા પણ કરે. આ સંસ્કારી વાતો સાંભળીને ચકી મોટી  થયેલી.

પી.ડી. સુથાર

પે ટની બિમારી બાદ ઓપરેશન કરાવ્યા બાદ પથારીમાં મર્યાદિત જ હલનચલન કરનારા ૮૨ વરસના દાદા સમય સારી રીતે પસાર કરવા કાંક નવું, સારું કરવા મનને કહ્યા કરે! કવિતા, બાળવાર્તા, યુવાકથા લખવાની એમણે પ્રેરણા થાય ને તેઓ કલ્પનાના ઘોડા દોડાવ્યે જ રાખે, પણ લગામ ન તાણે, એટલે વાક્યોના આટાપાટામાં અટવાયા કરે. પછી  આગળ જ ના વધી શકે.

દાદાની મુલાકાત એક વાર નાનકડા મહિમ્ન સાથે થઈ. મહિમ્ન હજુ તો બોલતાં માંડ શીખતો હતો. એક વાર મહિમ્નનો અવાજ દાદાને સંભળાયો. દાદાએ અવાજ તરફ જોયું. દરવાજાની જાળી ખૂલી. જાળવી જાળવીને ડગલાં ભરતો મહિમ્ન દાદાના ખાટલા પાસે પહોંચ્યો અને બોલ્યો, 'દાદા... ચકીની વાર્તા કહોને...'

નાનપણમાં બાળકોને ચકીની  વારતા સાંભળવી સૌથી વધુુ ગમતી હોય છે. દાદા તો તૈયાર થઈ ગયા. મહિમ્ન જેવો રસિયો સામે હોય પછી વાર શાની? મહિમ્નની પાછળ એનાં મમ્મી-પપ્પા પણ આવ્યાં. સૌ ગોઠવાયાં એટલે દાદાએ વાર્તા શરૂ કરીઃ 

એક ગામ. સીમાડે બાજરી ઉગાડી હતી. ખેતરના શેઢે ઊભા ઝાડ પર માળામાં ચકી અને ચકો રહેતાં હતાં.

ચકી નાની હતી ત્યારે તેનાં માબાપનો માળો ક્યાં હતો, ખબર છે? શાળાની બારી ઉપર ફ્રેમ કરેલા ફોટાની પાછળ! શાળાના કલાકો દરમિયાન ચકી શિક્ષકની વાતો સાંભળ્યા કરે. શિક્ષકો ક્યારેક વાર્તા પણ કરે. આ સંસ્કારી વાતો સાંભળીને ચકી મોટી  થયેલી. ક્યારેય નુકસાન તો ન જ કરાય એવું ચકીના હૈયે વસ્યું હતું. આ વાક્ય તે મનોમન યાદ પણ કર્યા કરતી.

ખેતરના ઝાડ ઉપર ચકીએ પોતાને ગમતા ચકા સાથે લગ્ન કરી માળો બાંધ્યો અને ત્યાં રહેવાનું શરૂ કર્યું. એણે ચકાને પોતાના મનની વાત કરી, પણ તોફાની ચકાની સમજમાં કશુંય ન આવે.

એક દિવસ ચકી-ચકાએ બાજરીના એકસરખા દાણા લઈને લાઈનમાં ગોઠવ્યાં. ચકાને ભૂખ લાગી હતી, પણ એ દાણો એક જ બાજુથી ખાય. બાકીનો દાણો છોડી દે. ચકી કહે- ચકા, આટલું નુક્સાન ન કરાય. 

ચકીની વાત માંડ માંડ ચકાને સમજાઈ ત્યાં જ સૂડાટોળી (પોપટની એક જાત) ટેં...ટેં... કરતી દાણા ભરેલા બાજરીના કણસલા ઉપર તૂટી પડી. છોડવાઓથી બાજરીયા કાપી કોઈ ચાંચથી પકડીને ઊડયા, તો કોઈ કપાયેલું બાજરીયું અડધુંપડધું જેમનું તેમ પડતું મૂકીને રવાના થયા!

ચકીએ ચકાને તરત જ કહ્યું - જુઓ ચકારાણા, આને નર્યું નુકસાન કહેવાય. ખેડૂત અને એના પરિવારની મહેનતનું વળતર આપવાને બદલે આ તો એમની મહેનત પણ પાણી ફેરવ્યું તેમ કહેવાય. આવું તો ના જ કરાય ને? ચકીની વાત હવે ચકાને તરત સમજાઈ ગઈ. એણે પોતે જે દાણા અડધાપડધા છોડી દીધા હતા તે પણ ચણી નાખ્યા.  ચકીને ખૂબ આનંદ થયો. 

દાદા હસતાં હસતાં મહિમ્ન સામે જોઈને બોલ્યા, 'ભાઈ, તું પણ મમ્ મમ્ કરવા બેસે ત્યારે ખાવાનું એઠું નહીં મૂકતો હં!'  

મહિમ્ન કહે, 'હં...'

...અને બધા મોટેથી હસી પડયા.