Get The App

જંગલમાં ચડ્ડીની ફેશન .

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
જંગલમાં ચડ્ડીની ફેશન                                       . 1 - image

- સૌથી વધુ આશ્ચર્યની વાત તો ત્યારે થઈ કે જંગલના કેટલાંક મોટાં પશુઓને ચડ્ડી પહેરવાની તાલાવેલી જાગી. દરજીકાકાને તો આ કામ કરવાની ખૂબ મજા પડી ગઈ. તેમણે બધાંની ચડ્ડીઓ સીવી આપી.

- જિજ્ઞોશ વરસાણી

એક છોકરો હતો. નામ તેનું ગુનુ. હશે સાત-આઠ વર્ષનો. એકદમ શાંત અને હોશિયાર. તેનું ગામ સમજો કે ગીરના જંગલની વચ્ચે. તેને જંગલ ખૂબ ગમે. હરણ તો બહુ ગમે. કેવાં સુંદર, ભોળાં, શાંત. તેને જ્યારે જુઓ, તો લાગે કે ડરતાં ડરતાં જીવે છે ! તેથી વારેઘડીએ ચારે બાજુ જોયાં કરે. ગુનુને રંગબેરંગી પક્ષીઓ પણ બહુ ગમે. મીઠું મીઠું બોલ્યાં જ કરે. તેની બહેન તો કહે કે આ શું આંખો દિવસ કચકચ કર્યાં કરે છે, થાકતાં જ નથી ! ક્યારેક તો પક્ષીઓ સામે જોઈને બૂમ પણ પાડે, 'હવે થોડીવાર તો ચૂપ રહો, બાપલા!'

ગુનુ ત્યારે બહેન પર ખીજાય, ઝઘડો પણ થઈ જાય. હા, ગુનુને હાથી પણ ગમે. કેવા શાનદાર, સુંદર લાગે. સાવ ભોળા લાગે. ગુનુને શિયાળ ન ગમે. લુચ્ચું લાગે. હંમેશા એવું લાગે કે જાણે કંઈક કાવત્રું ઘડી રહ્યું છે. ગુનુને દીપડાનો પણ ડર લાગે. લાગે કે હમણાં હુમલો કરશે. જોકે ગુનુને સિંહ ગમે! ક્યારેક સિંહ ગામમાં પણ આવી જાય. ગુનુ તો જોયા કરે. ચાલતો હોય, તો જાણે એક રાજા ચાલતો હોય! ગુનુ પણ ક્યારેક તેની જેમ ઘરમાં ચાલે. પપ્પા-મમ્મી ત્યારે ડરવાનો અભિનય કરે અને બોલે, 'ભાગો, ભાગો! સિંહ આવ્યો !' 

પછી સૌ હસી પડે. ગુનુ શરમાઈ જાય. 

એકવાર એક અજબ વાત થઈ ગઈ. સમય હતો ઉનાળાનો. બહુ ગરમીના દિવસો. આ સમયે ગુનુને ભારે કપડાં પહેરવા ન ગમે. ગુનુ તો ઉનાળામાં ચડ્ડી અને હલકુંફૂલકું ટી-શર્ટ પહેરીને ફરે અને જંગલમાં વહેતા ઝરણાં પાસે રમવાનું પસંદ કરે. અહીં ઠંડક લાગે. ક્યારેક બાળ-વાર્તાનું સાપ્તાહિક લઈ જાય, ઝરણાં કિનારે બેસીને વાંચવાની મજા પડી જાય. ક્યારેક લેશન અહીં જ કરે. 

હવે વાત એવી બની કે એકવાર ગુનુ ઝરણાના કિનારે ક્રિકેટના બોલથી રમતો હતો અને ત્યાં એક હરણ તેના બચ્ચા સાથે આવી ચડયું. હરણનું બચ્ચું ગુનુને જોઈને ખુશીથી હસવા લાગ્યું. તે બોલ્યું, 'ગુનુ, તારી ચડ્ડી ખૂબ સરસ છે, તને કેવી સુંદર લાગે છે ! ઉનાળામાં તો ચડ્ડી પહેરવા મળે, તો મજો પડી જાય !'

ગુનુ કહે, 'ઉનાળામાં મને ચડ્ડી પહેરવી ખૂબ ગમે. ગરમી ન લાગે અને પહેરવામાંય ખૂબ અનુકૂળ!'

હરણ કહે, 'અમે તો રહ્યાં પશુની જાત, અમે ક્યાં કપડાં પહેરીએ છીએ. તમારે કેટલું સારું કે રોજ નવાં કપડાં પહેરવાં મળે !' 

હરણનું બચ્ચું ઉદાસ થઈ ગયું.

ગુનુને દયા આવી. બોલ્યું, 'દોસ્ત, તને ચડ્ડી ગમે છે ? તારે ચડ્ડી પહેરવી છે ?'

તે ખુશ થઈ ગયું, 'હા, હા ! શું હું પણ ચડ્ડી પહેરી શકું ? વાહ, મજા પડી જશે ! તું મને ચડ્ડી લાવી આપીશ?'

ગુનુએ કહ્યું, 'ચોક્કસ! હું મમ્મીને વાત કરીશ, તે દરજી કાકાને કહેશે, તો તે જરૂર ચડ્ડી સીવી આપશે !'

હરણ તો ખુશ થઈ ગયું, ખુશ થઈ જંગલની અંદર દોડી ગયું. ગુનુએ ઘરે જઈને મમ્મીને વાત કરી. મમ્મી તો હસી પડી, 'હરણ... અને ચડ્ડી પહેરશે ! ભારે કૌતુક કહેવાય ! ભલે, હું દરજી કાકાને વાત કરીશ.'

ગુનુ તો રાજીરાજી થઈ ગયો. બે દિવસ પછી મમ્મીએ એક મોટી થપ્પી ગુનુ પાસે મૂકી. તે બોલી, 'અરે, મારી વાત સાંભળીને દરજીકાકા તો હસીને લોટપોટ થઈ ગયા હતા. હરણ અને વળી ચડ્ડી! અંતે તેમણે આટલી બધી ચડ્ડીઓ સીવી આપી. તે કહે કે એક નહિ, ભલે બધાં પહેરે.' 

ગુનુ તો ખુશીથી પાગલ થઈ ગયો. તે મમ્મીને 'થન્ક યૂ' કહેતો ચડ્ડીની પોટલી લઈને જંગલ તરફ ભાગ્યો. તે જેવો ઝરણા પાસે ગયો કે તે હરણ સાથે તેનું પૂરું ફમિલી આવ્યું હતું. ગુનુ હરણને કહે, 'તારા માટે જ નહિ, પણ દરજી કાકાએ બધાં હરણનાં બચ્ચાં માટે ચડ્ડી સીવી આપી છે.'

હરણનાં બચ્ચાં તો ચડ્ડી પહેરીને ખુશ થઈ ગયાં. તેઓ એકબીજાંને ચડ્ડીમાં જોઈને હસી પડયાં. તેમને હલકી-ફૂલકી ચડ્ડી પહેરવાંની તો મજા પડી ગઈ. તેઓ જંગલમાં નાચતાં, કૂદતાં રમવાં લાગ્યાં.

હવે વાત એવી બની કે આખા જંગલમાં ચડ્ડીની વાત ફેલાઈ ગઈ. રીંછ, વાનર, સાબર, હાથી, દીપડા, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ વગેરેનાં બચ્ચાંઓએ ચડ્ડી પહેરવાની જિદ્દ પકડી. બધાં ગુનુ પાસે દોડી આવ્યાં. ગુનુ તો અંચબિત થઈ ગયો. આ તો નવાઈ કહેવાય. ગુનુએ મમ્મીને વાત કરી. મમ્મી અને બહેન તો એટલાં હસ્યાં કે આંખોમાં આંસું આવી ગયાં. દરજી કાકાની પણ એ જ હાલત થઈ, પણ જો કે તે આ વાત સાંભળીને ખુશ થઈ ગયા. તેમણે તો ફટાફટ ચડ્ડીઓ સીવી આપી.

જંગલમાં તો સૌને નવો નજારો જોવા મળ્યો. પૂરા જંગલમાં પશુઓનાં બચ્ચાં ચડ્ડીઓ પહેરીને દેખાવાં લાગ્યાં. ગુનુ તો દુનિયાની આઠમી અજાયબી જોઈ રહ્યો હોય તેમ બધાં બચ્ચાં સામે જોતો હતો. જંગલમાં તો જાણે ચડ્ડીની ફેશન આવી હોય તેવું લાગવું હતું. 

સૌથી વધુ આશ્ચર્યની વાત તો ત્યારે થઈ કે જંગલના કેટલાંક મોટાં પશુઓને ચડ્ડી પહેરવાની તાલાવેલી જાગી. દરજીકાકાને તો આ કામ કરવાની ખૂબ મજા પડી ગઈ. તેમણે બધાંની ચડ્ડીઓ સીવી આપી. ચડ્ડીની ફેશન જંગલમાં ચેપી રોગની જેમ ફેલાઈ ગઈ. હવે તો બધાં પ્રાણીઓને ચડ્ડી પહેરવી હતી. એક દિવસ તો એવો આવ્યો કે પૂરા જંગલમાં બચ્ચાં હોય કે મોટાં, સૌ ચડ્ડીઓ પહેરીને ઘુમવાં લાગ્યાં.

એક દિવસ સાસણ ગીરના રાજા સિંહે કોઈ કામ માટે સભા બોલાવી. સભામાં બધાં જ પ્રાણીઓ હાજર થઈ ગયાં. રાજાને આવતા જોઈને મંત્રી રીંછે હાકલ કરી, 'સાવધાન ! હોશિયાર  ! સાસણ ગીરના મહારાજ, રાજાધિરાજ સિંહ પધારી રહ્યા છે !'

બધાં પ્રાણીઓ રાજાના માનમાં ઊભાં થઈ ગયાં. જંગલના રાજા સિંહ સભામાં પધાર્યા કે બધાં પ્રાણીઓમાં ગુસપુસ શરૂ થઈ ગઈ. કેટલાંક તો મોંએ હાથ રાખી હસવાં લાગ્યાં. ધીરે ધીરે તો સભામાં ખળભળાટ મચી ગયો. પ્રાણીઓ અંદરોઅંદર બોલવાં લાગ્યાં, 'એય, આ તો કેવું ! બધાંએ કપડાં પહેર્યા છે અને જંગલનો રાજા નંગોપૂંગો ! જંગલનો રાજા નંગોપૂંગો !' કોઈક તો બોલ્યું, 'આવડા મોટા સાસણ ગીરના જંગલનો રાજા કપડાં પણ નથી પહેરતો ! ભારે શરમ કહેવાય !'

આ તો ભારે જોવા જેવી થઈ ! બધા પ્રાણીઓએ સરસ મજાની ચડ્ડીઓ પહેરી હતી અને તેનો રાજા...! સિંહ માટે તો નીચું જોવા જેવું થઈ ગયું. તે તો શરમનો માર્યો સભા છોડીને ભાગી ગયો. જંગલના પ્રાણીઓને તો વાત કરવાનો વિષય મળી ગયો. હવે તો સિંહ માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું. બહાર નીકળે અને બધાં સિંહને જોઈને હસે.

સિંહે તાત્કાલિક મંત્રી રીંછને બોલાવ્યું અને ગુનુ અને દરજી કાકાને બોલાવવાનું તેડું મોકલ્યું. 

બીજા દિવસે ગુનુ અને દરજીકાકા સિંહ સમક્ષ હાજર થયાં. મંત્રી રીંછની સિંહની નંગાપૂંગાની વાત સાંભળીને બન્ને મનોમન હસી પડયાં. દરજીકાકાએ કહ્યું, 'મહારાજ ! તમે ચિંતા ન કરશો ! હું રાજાને શોભે તેવો સરસ મજાનો સૂટ સીવી આપીશ.'જંગલનો રાજા સિંહ ખુશ થઈ ગયો.

દરજીકાકાએ સિંહ માટે સરસ મજાનો શૂટ  સીવી આપ્યો, ટાઈ, પેન્ટ અને કાટ ! બધાં પ્રાણીઓએ કહ્યું, 'હવે તમે અમારાં રાજા જેવા લાગો છો !'

આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ. ગામમાંથી દેશ-વિદેશમાં પ્રસરી ગઈ. દેશ-વિદેશથી પ્રવાસીઓ પ્રાણીઓને જોવાં ઉમટી પડયા. સાસણ ગીર પહેલું જંગલ હતું કે જ્યાં પ્રાણીઓ ચડ્ડીઓ પહેરતાં હતાં અને સિંહ મહારાજ શૂટ પહેરતા હતા. ટીવી અને ન્યૂઝ પેપર્સવાળા પણ શૂટિંગ કરવા અને અહેવાલ લખવા દોડી આવ્યા.

જંગલમાં ચડ્ડીની ફેશને પ્રાણીઓ સાથે ગુનુ અને દરજી કાકાને પણ દેશ-વિદેશના ન્યૂઝ પેપર્સ અને ટીવી પર ચમકાવી દીધા !