સ્વર્ગ-ગંગા બની શિવગંગા
આવા અપ્રતીમ ભગીરથ કાર્યને જ ભગીરથ કાર્ય કહી શકાય
આ સાંઠ હજાર ભાગીરથોએ પેલા રાજસૂય યજ્ઞાના ભપકાદાર ઘોડાને પકડવાનું નક્કી કર્યું. પણ ઘોડો એમમ કંઈ હાથમાં આવે? તે દોડયો. દોડતો રહ્યો અને કપિલ મૂનિના આશ્રમમાં જઈ પેઠો
શ્રી રામ જે વંશના હતા, એ બધાં સૂર્યવંશી કહેવાતા હતા. દશરથ રાજાના પિતામહ, પ્રપિતામહ બધાં સૂરજના નામ સાથે જ સંકળાયાં. સૂર્યદેવ, સૂર્યપ્રકાશ, સૂર્યેશ્વરજી, સૂર્યરત, સૂર્યસિંહજી!
એ બધાં જ સૂર્યવંશીઓને ચક્રવર્ર્તી થવાની નેમ અને હોંશ. ચક્રવર્ર્તી થવા માટે રાજસૂય યજ્ઞા કરવો પડે. એક ખૂબજ શણગારેલા ભવ્ય ઘોડાને રમતો મૂકવો પડે. ઘોડા પાછળ સૂર્યવંશીઓનું મસમોટું લશ્કર હોય જ.
ઘોડો જ્યાં જ્યાંથી પસાર થાય એ બધી ભૂમિ સૂર્યવંશીઓએ જીતી લીધેલી ગણાય. જે કોઈ રાજ રાજા કે રાજવી, આ શરત નહિ સ્વીકારે, તેણે ઘોડાને બાંધવો પડે. સૂર્યવંશી એના સાથે લડવું પડે. પાછો આગળ વધતો રહે, મરજી મુજબ.
હવે આવા એક ઘોડા ખાતર ધમાસાણ યુધ્ધ થયું. જેમ શ્રીરામજીના વડવાઓ સૂર્યવંશી હતા તેમજ ભગીરથ રાજાના વડવાઓ ભાગીરથી હતા. આ ભાગ્યરથી રાજાઓના કુટુંબ-કબીલા ઘણાં મોટા. શાસ્ત્રો ગણાવે છે તેમ તેમની સંખ્યા સાઠ હજાર જેટલી હતી. પુરાણ એટલે અતિશયોક્તિનું પુરાણ. એ બધી કથા-વાર્તાઓ અક્ષૌહત સેનાની જ વાત કરે!
હવે આ સાંઠ હજાર ભાગીરથોએ પેલા રાજસૂય યજ્ઞાના ભપકાદાર ઘોડાને પકડવાનું નક્કી કર્યું.
પણ ઘોડો એમમ કંઈ હાથમાં આવે? તે દોડયો. દોડતો રહ્યો અને કપિલ મૂનિના આશ્રમમાં જઈ પેઠો.
મહાન તાપસ કપિલ મૂનિજી પોતાના તાત્પર્ય તપમાં ખોવાયેલા હતા. ઘોડો બાજુમાં આવીને ઊભો રહી ગયો. સાંઠ હજાર ભાગ્યરથીઓ અહીં આવી લાગ્યા. ેતેમણે કહ્યું : ''એ ભગતડા! ઘોડો આપી દે. નહિ તો અમારું સૈન્ય તને છૂંદી નાખશે.''
કર્તવ્યશ્રેષ્ઠ કપિલ મૂનિને ઘોડાનીય ખબર ન હતી. પણ ભાગમ ભાગ આવતાં લશ્કરથી તેઓ જાગી ગયા. તેમના તપમાં ભંગ પડયો. ઘોડો જોયો. નારાજ થયા. ક્રોધે ભરાયા ત્રીજું નેત્ર કંઈ માત્ર શિવ ભગવાન પાસે જ ન હતું. કપિલ મૂનિના ક્રોધનયન તેમનાથી વધુ અગ્ન્યાસ્ત્ર ભરેલાં હતાં.
તેમણે સાંઠે સાંઠ હજાર ભાગી કે અભાગીઓને ફૂંક મારી કે તમામ ભાગીરથીયાની રાખ પાતાળમાં પહોંચી ગઈ. બધાં જ અવગતે ગયા. અજંપિત રહ્યા. શાંતિ કોઈને મળી નહિ. અશાંતિમાં જ અટવાતા રહ્યા.
એ ભાગીરથોના વંશમાં આગળ ઉપર એક વિચારશીલ વિનયશીલ હેતુશીલ ધ્યેયશીલ દ્રઢ નિર્ધારના રાજા ભગીરથ પેદા થયો. તે મહાન દાનવીર, ઉદાર, હિતવર્ધક, હેતપ્રિય અને દ્રઢ મહામાનવ કે મહારાજવી કે મહાતપસ્વી હતો. તેણે અડગમાં અડગ તપ આદર્યું ને નક્કી કર્યું કે 'મારા વડવાઓને અજંપમાંથી જંપમાં લાવીશ. અશાંતિમાંથી તેમને શાંતિ અપાવીશ અને પાતાળી પતનભૂમિમાંથી તેમને સ્વર્ગમાં સ્થાન અપાવીશ.
ત્રિમૂર્તિના ત્રિમાથાએ એક સાથે ભાગીરથને કહ્યું, ''માગ માગ, માગે તે આપીએ.''
ભાગીરથ કહે : ''મારા વડવાઓને સ્વર્ગવાસ અપાવો. મારે બીજું કંઈ જોઈતું નથી.''
બ્રહ્મા કહે : ''એ અશક્ય અસંભવિત અકલ્પ્ય કાર્ય તો એક માત્ર પવિત્ર ગંગા જ કરી શકે. આવું અતિકપરું કામ અમરગંગા વગર કોઈ કરી શકે નહિ. પણ તે તો સ્વર્ગની દેવી છે. સ્વર્ગના દેવતાઓ એ સ્વર્ગ-ગંગાને કદી ધરતી પર આવવા દે નહિ.''
''તો પછી,'' ભાગીરથ ભડવીરે પૂછ્યું : ''મારા તમામ વડવાઓ શું અતૃપ્ત જ રહેશે? અશાંત? અને અજંપિત? અવગતીયા? મારી તપશ્ચર્યા અને બ્રહ્મદેવ આપના આશિર્વાદ શું નકામા જ જશે? શું બ્રહ્મ કદી પરબ્રહ્મ નહિ કહેવાશે?''
ઝાટકો વાગ્યો બ્રહ્માને. તેઓ કહે : ''આપણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થી જોઈએ. તેમની આજ્ઞા ગંગાસતી અવજ્ઞા નહિ કરી શકે.''
ભગવાન વિષ્ણુએ સહકાર આપ્યો અને સ્વર્ગગંગાને આદેશ આપ્યો કે, ''ભાગીરથીઓના ઉધ્ધાર માટે પૃથ્વી પર જાવ.''
સ્વર્ગમાં રહેનાર બધાંને સ્વમાન બહુ હોય છે. આપણે જેને અભિમાન કહીએ છીએ તે જ સ્વર્ગીયોનું સ્વમાન.
ગંગા કહે : ''મારે સ્વર્ગ છોડવું નથી. પૃથ્વી પરથી આવનારા સ્વર્ગમાં આવે છે. કોઈ સ્વર્ગમાંથી પૃથ્વી પર ગયું, સાંભળ્યું નથી.''
વિષ્ણુશ્રીએ વિનંતીના સ્વરમાં કહ્યું : ''ગંગાજી, પૃથ્વી પર જવાથી તમે સ્વર્ગ પૃથ્વી અને પાતાળ, ત્રણે લોકના મહાદેવી બની રહેશો. તમારી કીર્તિ એટલી વધી જશે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા ત્રણે દેવોથી તમારું મહત્વ વધી જશે. પૃથ્વીના લોકો તો તમારું જળ-ગંગાજળ સ્વીકારીને જ અંતિમ આરાધના કરશે.''
થોડી કે ઘણી સમજાવટથી ગંગાદેવી માન્યા પણ શરત કરી : ''મારો વેગ આવેગ ધરતી નહિ ખમી શકે. ભગવાન શિવને કહો કે - તેઓ મારું સ્વાગત કરે.''
''તથાસ્તુ'' ભગવાન વિષ્ણુએ કહ્યું. અને શિવશંકરને તૈયાર કર્યાં : ''હે શિવકાર્યના મહાશિવશંકર. એક વધુ પૂણ્ય કાર્ય તમારા દ્વારા થઈ રહ્યું છે. ગંગાજીને સ્વીકારો, સન્માનો, તેનું સ્વાગત કરો અને પછી જ તેને પૃથ્વીને પાવન કરવા દો. સ્વર્ગમાંથી તે ચિરંતન સમય સુધી ત્યાં જ રહેશે અને સ્વર્ગનું જ કાર્ય પાર પાડશે.''
શિવશંકરની જટા એકદમ શુષ્ક રૂષ્ક અને અતૂટ હતી. તેના બંધનમાંથી કોઈ ઊછળીને બહાર જઈ શકે નહિ. તેમણે કહ્યું : ''ભલે પધારો ગંગાજી. હું આપને મારી જટામાં ઝીલી લઈશ. અને પછી જ આપ આપનું પવિત્ર પરાક્રમ શરૂ કરી શકશો.''
સ્વર્ગના તમામે તમામ દેવતાઓએ વિદાય પ્રાર્થના કરી અને ગંગાસતીને શુભેચ્છા પાઠવી.
ગંગાજીનો કોપ પ્રકોપ ધોધ ધ્વનિ આક્રોશ એટલો પ્રચંડ હતો કે એક વખત ત્રિલોકનેય સંદેહ થયો કે શિવશંકર તેને ઝીલી શકશે કે નહિ?
પણ હિમાલયની વજ્રશિલા પર મજબૂત પગો ટેકવીને શિવજીએ પોતાની પોલાદી વાળની જટાને ઊંચે આકાશમાં ફેલાવી. અભેદ્ય એવી એ જટાના પિંજરમાં એટલું તામ્રબળ આવી ગયું કે ગંગા પૂરા જોશ જુસ્સા ઝનૂન સાથે જટામાં સમાઈ ગઈ. કેદ થઈ ગઈ. લપેટાઈ ગઈ. સમેટાઈ ગઈ.
સ્વર્ગના દેવ-દેવીઓએ ભગવાન શિવશંકરની આ સિધ્ધિને જયનાદથી બિરદાવી. જયજય શિવ શિવ, જયજય શંકર, જયજય મહાદેવ, જયજય દેવાધિદેવ.''
ભાગીરથ પ્રાર્થનાના સ્વરૂપે ત્યાં જ ઊભો હતો. બ્રહ્માંડભરમાં ઘંટારવ થઈ રહે તેવા સ્વરમાં તેણે જયઘોષ ગજાવ્યો.
જયજય શિવશિવ જટાજૂટ ધારી
સ્વર્ગની ગંગાને દીધી ઉધ્ધારી
બનાવી ધરતીને પરમ ઉપકારી
અહીંથી તહીંના પૂલ પરોપકારી
ગંગાનો વેગ પ્રચંડ હતો. શિવશંકરે પોતાની ઝટામાંથી તેને આઘાત પ્રત્યાઘાત વગર સરકવા દીધી.
તો પણ તેના પ્રવાહમાં ગતિ હતી. જેમ તે દેવલોકમાંથી ધરતી પર આવી હતી, તેમજ તે ધસમસતી નીચેના ઢોળાવ તરફ વહેતી રહી.
ઢોળાવે તેને નદીમાંથી મહાનદમાં ફેરવી નાખી. મહાનદ એટલે મહાસાગર. તે એવા ઝંઝાવાત સાથે પાતાળમાં પહોંચી કે અવગતિયા આત્માઓની રાખ તેના સાથે વહેવા લાગી. પાણીના કણ અને રાખના કણ એક થઈ ગયા. ભળી ગયા. પવિત્ર ગંગાસરિતા સાથે તમામ દુઃખિયારા સ્વર્ગીય બની ગયા.
સ્વર્ગના તમામે તમામ દેવી-દેવતાએ આશિષવચનો ઉચ્ચારી કહ્યું : ''ધન્ય ગંગે, પૂણ્ય ગંગે, નંદ ગંગે, આનંદી ગંગે, વંદન ગંગે, હરહર ગંગે, હરહર ગંગે!''
ત્યારથી ગંગા નદી ધરતી-સ્વર્ગની માધ્યમ બની છે. પાપીઓના પાપ ધોઈ તેની રખિયાને ત્રિલોકનું પૂણ્ય પ્રદાન કરે છે.
ગંગા નદી, ગંગાસાગરના અનેકાનેક નમસ્કારીય નામો છે. સ્વર્ગમાં હતી એટલે સ્વર્ગ-ગંગા કહેવાય છે. સડસડાટ આવી સૂર રેલાવતી એટલે સ્વરગંગા કે સૂરગંગા સ્વરૂપે સંબોધાય છે. શિવશંકરની કૃપાથી ઉતરી હોવાથી, શિવંગંગા તો ખરી જ, ભાગીરથની તપશ્ચર્યા દ્વારા તેનું પ્રાગટય થયું એટલે ભાગીરથી કહેવી જ રહી, હિમગિરિથી ઉતરતી ઉતરતી આવી એટલે હિમગંગાનું બિરૂદ મળ્યું, એના પૂણ્યકાર્યથી ચઢિયાતું બીજું કોઈ પૂણ્યકાર્ય આ ધરતી પર હતું નહિ, છે નહિ, એટલે પંડિતોએ તેને પૂણ્યગંગા જ કહી દીધી. પેલી ધરતીને સ્વચ્છ કરવાનું અમૂલ્ય અદ્ભુત મહાકાર્ય કર્યું. એટલે સ્વરગંગા રૂપે ય વંદનીય બની રહી, તેના વારિ ધવલ હોવાથી તેને શ્લોકોમાં ધવલગંગા રૂપે ગૂંથવામાં આવી. આકાશમાંથી તેનું અવતરણ થયું એટલે આકાશગંગા રૂપે પંકાઈ.
બજરંગ સહસ્ત્રનામ, શ્રીકૃષ્ણ સહસ્ત્રનામ,
શ્રીરામ સહસ્ત્રનામ, શ્રીગણપતિ સહસ્ત્રનામ,
ઓમ નમઃ શિવાય સાથે શિવશંકર.
સહસ્ત્રનામ! તે જ પ્રમાણે જેટલી માતાઓને ધરતીવાસી ભક્તોએ મમત્વ પુરું પાડયું છે, એ તમામ માતાઓના સહસ્ત્ર નામની ગીત ગાથા પોથી ચોપડીઓ મળે છે.
પણ ગંગા નદીના સહસ્ત્રનામ પ્રત્યક્ષ છે. તમે તેને નિહાળી શકો છો. પામી શકો છો. તેના પૂણ્યસલિલા જળમાં સ્નાન કરી શકો છો. તેનું ગંગાજળ સંગ્રહીને ઘરમાં રાખીને અંતિમ વિદાય લેનાર માનવીના મુખમાં તેની અંજલિ ઢોળી ઢાળી શકો છો.
એ પૂણ્ય આપણને આપવા માટે ગંગાને અવતરણ કરાવનાર શિવશંકરને માટે આપણે કહેવું જ પડશે : ઓમ નમઃ શિવાય.