Get The App

શેરસિંહનો ન્યાય .

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
શેરસિંહનો ન્યાય                                                       . 1 - image

- 'મંત્રીશ્રીએ તે વિસ્તારમાં મોટા પાયે વૃક્ષારોપણ કરી, પર્યાવરણના જતન માટે આગવા કદમ ઊઠાવેલાં છે. આમ, કાગડાએ કરેલ આક્ષેપો સદંતર પાયાવિહોણા છે.'

- ભૂપેન્દ્ર ત્રિવેદી 'સ્વયંભૂ'

એક વિશાળ જંગલમાં રાજા શેરસિંહનું એકચક્રી શાસન હતું. પશુ-પંખીઓ સંપીને કુદરતના નિયમોને આધીન રહેતા હતા. એક દિવસ સવાર-સવારમાં પત્રકાર પોપટે સનસનાટીભર્યા સમાચાર વહેતા કર્યા કે 'સાંસ્કૃતિક અને વનખાતાના મંત્રી કોયલબહેને તેના ઉપર કાગડાભાઈએ કરેલ ભ્રષ્ટાચારના આક્ષેપોથી દ્રવિત થઈ, હોદા ઉપરથી રાજીનામું આપ્યું છે.'

આખા જંગલમાં આ સમાચાર વહેતા વાયરાના સંગાથે પહોંચી ગયા. પશુ-પંખીઓમાં તરેહ-તરેહની વાતો થવા લાગી. વિરોધપક્ષના નેતા વાંદરાભાઈએ આક્ષેપોની તટસ્થ તપાસની માંગણી કરી. 

રાજા શેરસિંહે નિષ્પક્ષ તપાસ માટે હાથીભાઈના વડપણા નીચે તપાસ પંચ રચવાની જાહેરાત કરી અને પંદર દિવસમાં અહેવાલ આપવા જણાવ્યું. 

હાથીભાઈ સાથે ગરુડ, મોર અને ઘોડો તપાસ પંચના સભ્યો હતા. તપાસપંચે ફરિયાદી કાગડોઅને વનવિભાગના કર્મચારીઓ સહિત અનેક સાક્ષીઓના નિવેદનો લીધા. કથિત ભ્રષ્ટાચાર સંબંધે સભ્યોએ ઝીણવટભરી સ્થળ તપાસ કરી. પંદરમાં દિવસે હાથીભાઈએ તેનો વિસ્તૃત અહેવાલ રાજા શેરસિંહને સુપરત કર્યો. શેરસિંહે તેના વજીર શિયાળને અહેવાલ ચકાસી, અહેવાલના મુખ્ય મુદ્દાઓ તારવવા આદેશ કર્યો. બે દિવસમાં શિયાળે આખો અહેવાલ વાંચી, કથિત ભ્રષ્ટાચાર સબંધેના તપાસપંચના મુખ્ય મુદાઓ શેરસિંહ સામે રજુ કર્યા.

રાજા શેરસિંહ તો આ મુદાઓ વાંચીને ચોંકી ઊઠયા. તાબડતોબ તેણે પત્રકાર પરિષદ બોલાવી. પત્રકાર પોપટ સહિત અન્ય પત્રકારો તથા જંગલના પશુ-પંખીઓ હાજર રહ્યા. ફરિયાદી કાગડાને તથા કોયલબહેનને પણ હાજર રાખવામાં આવેલ.

શેરસિંહે જણાવ્યું કે 'હાથીભાઈ અને તેની ટીમે ઊંડાણથી ભ્રષ્ટાચારના આક્ષેપો બાબતે તપાસ હાથ ધરી છે. સત્ય સામે આવ્યું છે. કોયલબહેન સાવ નિર્દોષ સાબિત થયા છે, કાગડાએ વેર લેવાની ભાવનાથી આ આક્ષેપો કરેલ છે. તેના મૂળમાં એ વાત બહાર આવી છે કે આ અગાઉ કાગડાના ભત્રીજાને જંગલના સૂકા વૃક્ષો કાપવાનો ઈજારો મળેલ. પરંતુ તેણે વધુ પૈસા કમાવવાની લાલચે સૂકા સાથે લીલા વૃક્ષો પણ કાપી નાંખેલ, તેથી વનવિભાગે તેનો ઈજારો રદ કરી, દંડ વસુલી, તેને કાળી યાદીમાં મૂકેલ. આથી ઈર્ષાની આગમાં જલી, તેણે તેના કાકા કાગડાને ફરિયાદ કરતાં, આ કાગડાએ કોયલબહેન ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરેલ હતા. સાંસ્કૃતિક ભવન બાંધવા સાગનું લાકડું જ વપરાયું છે, અન્ય કોઈ લાકડાનો ઉપયોગ થયેલ નથી. વળી, તે વિસ્તાર આપણા જંગલની હદમાં જ આવે છે, બહારથી આયાત કરાયેલું નથી કે તેમાં કોઈ કમિશન લેવાયું નથી. નવા ઈજારદારે સૂકા વૃક્ષોના લાકડા જ કાપેલ છે. જે લીલાં વૃક્ષો કાપવાનો આક્ષેપ થયો છે, તે વૃક્ષો ગયા મહિને જંગલ વિસ્તારમાં આવેલ ભયાનક વાવાઝોડાને લીધે પડી ગયેલાં, તે જ કાપેલાં છે. ત્યાર બાદ મંત્રીશ્રીએ તે વિસ્તારમાં મોટા પાયે વૃક્ષારોપણ કરી, પર્યાવરણના જતન માટે આગવા કદમ ઊઠાવેલાં છે. આમ, કાગડાએ કરેલ આક્ષેપો સદંતર પાયાવિહોણા છે.'

ત્યાર બાદ શેરસિંહે સખ્તાઈથી કાગડાને તેનો ગુનો કબૂલી લેવા જણાવતા, કાગડાએ બે હાથ જોડી, ગુનો કબૂલી, તેને માફ કરી દેવા અપીલ કરી 

જો કે ભવિષ્યમાં કોઈ ખોટા આક્ષેપો કરી, કોઈ નિર્દોષને બદનામ ન કરે તે માટે શેરસિંહે તેવો દાખલો બેસાડવા, કોયલબહેન સામે ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરી, તેને બદનામ કરવાના આરોપસર કાગડાને રાજમહેલમાં ત્રણ મહિના ચાકર તરીકે સેવા કરવાની સજા ફરમાવી. 

રાજા શેરસિંહનો સજાનો આદેશ સાંભળી, કાગડાની નાતે કાગારોળ મચાવી દીધી. 'અન્યાય, અન્યાય...'ના પોકારો શરૂ કર્યા. શેરસિંહની એક ત્રાડે બધા ચૂપ થઈ ગયા. રાજા શેરસિંહ અને હાજર પશુ-પંખીઓના અતિ આગ્રહે, કોયલબહેને ફરી મંત્રીપદ સ્વીકાર્યું. તેણે હાથીભાઈ તથા અન્ય તપાસપંચના સભ્યોનો આભાર માન્યો. કાગડાને હાથકડી પહેરાવી, સેનાપતિ વાઘ તેને રાજમહેલે લઈ ગયા. સજાના આદેશ મુજબ કાગડો ચાકર તરીકે સેવામાં લાગી ગયો. સૌ પશુ-પંખીઓ રાજા શેરસિંહના ન્યાયને વખાણી, હર્ષનાદ કરી વિખેરાયા.