શૅર ધ સ્નેક્સ! .


- તને ખબર છેને કે ક્લાસમાં સીસીટીવી કેમેરા લગાડેલા છે? આચાર્યને કોઈ ફરિયાદ કરશે તો તને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે અને... 

- અર્જુનસિંહ કે. રાઉલજી 

આ જે ફરીવાર માલુએ ક્લાસની બીજી છોકરીના લાંચબોક્સમાંથી સ્નેક્સ-નાસ્તાની ચોરી કરી! એ છોકરીએ રડતાં રડતાં રીસેસ પછી મેડમ ઉમાને ફરિયાદ કરી, 'હું રીસેસમાં મારો લંચબોક્સ ખોલીને બેઠી તો એ ખાલી હતો. કોણ જાણે માલુએ રીસેસ પહેલાં ક્યારે મારા લંચબોક્સમાંથી સેન્ડવીચની ચોરી કરી ખાઈ ગઈ. હવે હું શું કરીશ? મારે આખો દિવસ ભૂખ્યાં જ રહેવું પડશે?' ઉમામેડમે તેને શાંત પાડતાં કહ્યું, 'ના બેટા, તું આ પીરિયડ પૂરો થાય પછી સ્ટાફરૂમમાં આવી જજે. હું તને નાસ્તો આપીશ.' 

આખો સ્ટાફ માલુની વિરૂધ્ધની આ ફરિયાદોથી ખરેખર કંટાળી ગયો હતો. દર એક-બે દિવસે માલુ ક્લાસની કોઈકને કોઈક છોકરીના લંચબોકસમાંથી સ્નેકસની ચોરી કરી ખાઈ જતી હતી. દરેક શિક્ષકે એક પછી એક વારાફરતી માલાને ફેરવી ફેરવીને પૂછયું, પણ તે માત્ર રડયાં કરતી હતી. તે શા માટે નાસ્તાની ચોરી કરતી હતી તેનો કોઈ જવાબ આપતી નહોતી. કોઈને કશી ખબર પડતી નહોતી. બધાના મનમાં આ એક જ સમસ્યા હતી, પણ તેનો કોઈ પાસે ઉકેલ નહોતો. માલુને બધાયે ધમકીઓ આપી હતી - તને ખબર છેને કે ક્લાસમાં સીસીટીવી કેમેરા લગાડેલા છે? તેનું રેકોર્ડિંગ જોવાથી તારો ગુનો પુરવાર થઈ જશે. આચાર્યને જો કોઈ ફરિયાદ કરશે તો તને સ્કૂલમાંથી કાઢી મૂકેશે, હાથમાં સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ પકડાવી દેશે... પણ માલુ ઉપર જાણે કે તેની કોઈ ધમકીની અસર થતી જ નહોતી. જવાબમાં તે માત્ર રડતી જ રહેતી હતી! 

માલુ આમ તો હોંશિયાર છોકરી હતી. ભણવાની બાબતમાં તેની કોઈ ફરિયાદ નહોતી. એક ટોપિક એક જ વાર ભણે તો પણ તે તેને તૈયાર થઈ જતો હતો. તેને ગોખણપટ્ટી કરવાની જરૂર પડતી નહોતી. મેથ્સની તો તે માસ્ટર હતી. જોકે આથક રીતે તે ઘણી ગરીબ હતી, માંડ માંડ સ્કૂલની ફી ભરી શકતી હતી. આથી બધા શિક્ષકોએ ભેગા થઈ તેની ફી પણ માફ કરાવી આપી હતી. આમ તો માલુ બધા શિક્ષકોની લાડકી હતી, પણ હમણાં હમણાંથી છોકરીઓના લંચબોક્સમાંથી સ્નેકસની ચોરી કરવાની તેની આ આદતે તેને બધાં શિક્ષકોમાં અળખામણી બનાવી દીધી હતી. 

ઉમામેડમે આ વખતે તો નક્કી જ કરી નાખ્યું કે માલુની આ આદતની જડમાં પહોંચીને તેનો હલ શોધવો જ છે. ફરીથી છેલ્લો પિરીયડ ઉમામેડમનો જ હતો. તેમણે માલુને ઊભી કરી અને પ્રેમથી લાડભર્યા અવાજે બોલ્યાં, 'બેટા માલુ , તું તો હોંશિયાર અને પ્રામાણિક છોકરી છે, પછી તારે બીજી છોકરીઓના લંચબોક્સમાંથી સ્નેક્સ ચોરવાની કેમ જરૂર પડે છે? શું કારણ છે, બેટા? મને તો કહે...'

જવાબમાં દર વખતની માફક માલુ પાછી રડવા લાગી. ઉમામેડમે તેની બાજુવાળી છોકરીને ઈશારો કરી તેને પાણી આપવા કહ્યું. એ છોકરીએ પાણીની બોટલ માલુના હાથમાં પકડાવી. માલુ પાણીની બોટલ હાથમાં પકડી રડતી રહી એટલે ઉમામેડમે કહ્યું, 'પાણી પી લે, બેટા અને શાંત થા. તને કોઈ લડશે નહીં. તને કોઈ શિક્ષા પણ નહીં કરે, પણ તું મને કહે કે તારે આવું કરવાની કેમ જરૂર પડે છે?' પણ માલુ જવાબ આપવાના બદલે રડતી જ રહી. ઉમામેડમ વિચારતાં જ રહ્યાં કે હવે આ છોકરીનું શું કરવું? 

લાંબા વિચારના અંતે તેઓ બોલ્યાં, 'સારું બેટા, તું ના બોલે તો કંઇ નહીં, હું આજે સ્કુલ છૂટયા પછી તારી સાથે તારી ઘેર જ આવીશ... તારી મમ્મીને મળવા.' 

આવું કહ્યું એટલે માલુ તો વધારે જોરથી રડવા લાગી. મેડમે પૂછયું, 'કેમ પાછું શું થયું?' 

માલુ શાંત થઈ ગઈ અને બોલી, 'ના, મેડમ. તમારે મારા ઘેર આવવાની જરૂર નથી, તમને મારા ઘેર કોઈ મળશે નહીં. મારી મમ્મી બીમાર છે તેને એક મહિનાથી સરકારી દવાખાનામાં દાખલ કરેલી છે, મારા પપ્પા નથી. મારો ભાઈ કંપનીમાં નોકરી જાય છે. હું બાજુવાળાં કુસુમમાસીને ત્યાં જ રહું છું આખો દિવસ. સાંજે મારો ભાઈ નોકરી ઉપરથી આવે ત્યારે મારા માટે કેન્ટીનમાંથી ખાવાનું લેતો આવે છે. આવામાં મને લાંચબોક્સ કોણ તૈયાર કરી આપે? મને ભૂખ લાગે એટલે બધાંની નજર ચૂકાવી હું કોઈનાને કોઈના લંચબોક્સમાંથી નાસ્તો ચોરીને ખાઈ લઉં છું.' ફરી તેની આંખો ઝળહળી ઉઠી.  

ઉમામેડમ આખા વર્ગ તરફ તાકી રહ્યાં પછી બોલ્યાં, 'તારે હવે નાસ્તાની ચોરી કરવાની જરૂર નથી. હું પણ નાસ્તો લાવું છું. આઈ વિલ શૅર ઇટ વિથ યુ. આપણે બંને સાથે બેસીને નાસ્તો કરીશું.' 

તેમનું વાક્ય પૂરું થાય તે પહેલાં તો વર્ગની ઘણી બધી છોકરીઓ એક સાથે બોલી ઉઠી, 'આઈ વિલ શૅર માય સ્નેક્સ વિથ હર...' ઉમામેડમ ખુશ થઈ ગયાં. તેમણે એ છોકરીઓને તાળીઓથી વધાવી લીધી અને બોલ્યાં, 'જોયું છોકરીઓ? કોઈપણ વસ્તુ બીજા સાથે શૅર કરીને ખાવી જોઈએ. બધાંએ શૅર કરવાની જરૂર નથી, માત્ર માલુની બેન્ચ પર બેસતી છોકરીઓ માલુ સાથે શૅર કરશે. ઓકે?'  માલુની બેન્ચની છોકરીઓ એક સાથે જ બોલી ઉઠી, 'યેસ, મેડમ.'

આખો ક્લાસ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો. માલુનાં આંખમાં ફરી આંસુ આવ્યાં, પણ આ વખતનાં આંસુ દુખનાં નહીં, હરખનાં હતાં...!  

City News

Sports

RECENT NEWS