Get The App

સ્વાર્થી પતંગિયું .

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
સ્વાર્થી પતંગિયું                                         . 1 - image

- 'જો તારી પાંખમાંથી કોઈ એક રંગ છીનવી લે, તો તને કેવું લાગે? તારી એક મિનિટની મજા માટે તેં આ છોડનું ઘણું નુકસાન કર્યું છે. તને તારી ભૂલ સમજાવવા માટે જ હું તારી સામે આવી છું!'

નિમિષા શાહ

એક સુંદર મજાનો બગીચો હતો. એમાં રંગબેરંગી ફૂલો ખીલ્યાં હતાં. આ બગીચામાં ચિંકુ નામનું એક પતંગિયું રહેતું હતું. ચિંકુ ખૂબ જ ઘમંડી હતું. એ પોતાને જ સુંદર માને. તેને દરરોજ અવનવી ફેશન કરવાનો બહુ શોખ હતો. સેલ્ફી લેવાનું તો તેનું પ્રિય કામ.

એક દિવસ, ચિંકુને એકદમ ચમકદાર પીળા રંગનું ગુલાબ દેખાયું. વાહ! આ ફૂલ સાથે સેલ્ફી લેવાની બહુ મજા આવશે.... એમ વિચારીને તે ફૂલની નજીક ગયું. પણ છોડ પર ઊગેલા ફૂલ સાથે સેલ્ફી બરાબર લાગતી ન હતી.

ચીકુ પતંગિયાએ વિચાર્યું ફૂલને જરાક હાથમાં લઇ સેલ્ફી પાડું તો મારો ફોટો વધુ સુંદર લાગશે.

આથી, ચિંકુએ સહેજ પણ વિચાર્યા વગર, જોરથી ફૂલને ડાળખી પરથી તોડી નાખ્યું! તોડેલું ફૂલ પકડીને તે જુદા-જુદા પોઝમાં ધડાધડ સેલ્ફીઓ લેવા લાગ્યું. પોતાની આ હરકત પર એ ખૂબ ખુશ હતું.

જ્યારે છોડે જોયું કે પોતાના બાળક સમાન ફૂલને કોઈએ પોતાના આનંદ માટે તોડી નાખ્યું છે, તો તે ડુસકાં ભરીને રડવા લાગ્યો. 

'ઓહ! મારા ફૂલને તોડી નાખ્યું! હવે તે ક્યારેય મોટું નહીં થાય...'

પાસે જ ફૂલોમાંથી મધ એકઠું કરી રહેલી મધુ નામની મધમાખીનું ધ્યાન છોડના રડવા તરફ ગયું.

'શું થયું, ભાઈ છોડ? તું કેમ રડે છે?' મધુએ પૂછયું.

છોડે રડતાં-રડતાં ચિંકુ પતંગિયા તરફ ઈશારો કર્યો અને કહ્યું, 'જો પેલું લાલચી પતંગિયું! પોતાના થોડાક આનંદ માટે, એક સેલ્ફી લેવા માટે મારા ફૂલને તોડી નાખ્યું!' 

'આ તો ખોટું કહેવાય! પોતાના આનંદ માટે બીજાને નુકસાન કરવું યોગ્ય નથી. તેને પાઠ ભણાવવો જ પડશે. મધુ, તું મારી મિત્ર છે, મને તારી મદદની જરૂર છે.'

મધુ કહે, 'તું ચિંતા ન કર, મિત્ર. હું ચિંકુને સારો એવો પાઠ ભણાવીશ.'

થોડી જ વારમાં, ચિંકુ પતંગિયું સેલ્ફી લેવામાંથી નવરું પડયું અને પછી મસ્તીથી તૂટેલું ફૂલ લઈને ઊડવા લાગ્યું. 

લાગ જોઈને મધુ મધમાખી ગણગણાટ કરતી જોરથી તેની સામે આવી અને ચિંકુને ડંખ મારી દીધો... અને પછી તેની આસપાસ ચક્કર લગાવવા લાગી.

ડરના માર્યા ચિંકુ પતંગિયાના હાથમાંથી ફૂલ નીચે પડી ગયું. એ ગભરાઈ ગયું હતું. 

'કેમ મધુ, તું કેમ મને હેરાન કરે છે? કેમ તેં મને ડંખ માર્યો?' ચિંકુએ ગભરાઈને પૂછયું.

મધુએ કડક અવાજે કહ્યું, 'કેમ શું? તેંં તારા આનંદ માટે આ નિર્દોષ ફૂલને તોડી નાખ્યું! તે હવે ક્યારેય મોટું નહીં થાય અને ન તો બીજા ફૂલોને ઉગાડી શકશે! જો તારી પાંખમાંથી કોઈ એક રંગ છીનવી લે, તો તને કેવું લાગે? તારી એક મિનિટની મજા માટે તેં આ છોડનું ઘણું નુકસાન કર્યું છે. તને તારી ભૂલ સમજાવવા માટે જ હું તારી સામે આવી છું!'

ચિંકુ પતંગિયાનું માથું શરમથી ઝૂકી ગયું. તેને સમજાયું કે તેણે કેટલું ખોટું કામ કર્યું છે.

'મને માફ કરી દે, મધુ. અને માફ કરી દે, ભાઈ છોડ! મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું ક્યારેય મારા સ્વાર્થ માટે કોઈને નુકસાન નહીં કરું...' ચિંકુએ પસ્તાવો વ્યક્ત કરતાં કહ્યું.

બસ, તે દિવસથી ચિંકુ પતંગિયું બદલાઈ ગયું. તે હવે માત્ર ફૂલોની સુંદરતાની પ્રશંસા કરતું અને ક્યારેય કોઈ ફૂલ તોડતું નહીં. એ બધાને કહેતું-

'પોતાના નાના સ્વાર્થ કે આનંદ માટે ક્યારેય બીજાને દુઃખ પહોંચાડવું જોઈએ નહીં. પ્રકૃતિની દરેક વસ્તુનું સન્માન કરવું જોઈએ.'