- કિરીટ ગોસ્વામી
હાથીભાઇ બધાના લાડકા દોસ્ત! હંમેશા પોતે પણ મોજમાં રહે અને બધાંની સાથે પ્રેમથી, હળી-મળી જાય. સસલો સામે મળે કે ખિસકોલી... જિરાફ રસ્તે મળે કે વાંદરાભાઇ... બધાંયને પોતાની સૂંઢ આગળ કરીને એ તો હાય-હેલ્લો કરે અને બધાંના ખબર-અંતર પૂછે. તેથી બધાં દોસ્તો લાડથી તેમને 'સૂંઢાળા' કહીને બોલાવે!
સૂંઢાળા હાથીભાઇ આમ તો જંગલમાં જ રહે, પરંતુ એક વખત તેઓ શહેરમાં ગયા. ત્યાં તેમણે એક નવો દોસ્ત બનાવ્યો- મોન્ટુ!
મોન્ટુની સાથે તેઓ શહેરમાં હર્યા-ફર્યા, ખાધું-પીધું અને ખૂબ મોજ કરી.
શહેરમાં ફરતાં-ફરતાં તેમણે એક નવી વસ્તુ જોઈ. બધાય માણસોના હાથમાં એક લંબચોરસ વસ્તુ હતી. કોઇ એનાથી વાત કરતું હતું, તો કોઈ એમાં કંઇક જોઈ રહ્યા હતા. કોઈ વળી કંઇ લખી રહ્યા હતા તો કોઈ એનાથી ફોટા પાડી રહ્યા હતા. હાથીભાઇ તો નવાઇ પણ લાગી. એમને આ વસ્તુ જાદુઇ લાગી. તેમણે પોતાના મિત્ર મોન્ટુને પૂછયું -'આ કઇ વસ્તુ છે? શહેરમાં બધાની પાસે તે છે!'
મોન્ટુએ કહ્યું- 'હાથીભાઇ, આ તો મોબાઇલ ફોન છે!'
'ઓહો! તો આ જાદુઇ વસ્તુને મોબાઇલ કહેવાય એમ ને!' હાથીભાઇએ કહ્યું.
'હા, મોબાઇલ ઘણું કામ કરે છે હો! દૂર હોય એની વાત કરી શકાય, મેસેજ કરી શકાય, એમાં ગીતો સાંભળી શકાય અને ફિલ્મ પણ જોઈ શકાય! એનાથી ફોટા પણ પડે અને સેલ્ફી તો ખૂબ મસ્ત આવે હો!' મોન્ટુએ કહ્યું.
હાથીભાઇએ નવાઇભેર પૂછયું- 'સેલ્ફી? એ વળી શું?'
મોન્ટુ કહે- 'મોબાઇલને ચહેરા સામે રાખીને આપણે બધાંય દોસ્તોની સાથે મસ્ત ફોટો પાડીએ એને સેલ્ફી કહેવાય! '
'એમાં ફોટો પાડનાર પણ આવી જાય?' હાથીભાઇએ પૂછયું.
'હા, હા, આવી જાય!' મોન્ટુ બોલ્યો.
હાથીભાઇ કહે- 'મને પણ સેલ્ફી લેતાં શીખવાડને!'
'જરૂર..' કહીને મોન્ટુએ હાથીભાઇને સેલ્ફી લેતાં શીખવ્યું અને હાથીભાઇએ તો મોન્ટુ સાથે ઘણી સેલ્ફી પણ લીધી.
પોતાની મસ્ત-મસ્ત સેલ્ફી જોઈને રાજી થતાં હાથીભાઇ બોલ્યા- 'ઓહો! વાહ, ભાઈ, વાહ! મોન્ટુ, મારે આ મોબાઇલ જંગલમાં લઇ જવો છે.'
મોન્ટુએ કહ્યું- 'હા,લઈ જાવ, હાથીભાઇ!'
મોન્ટુ પાસેથી મોબાઇલ લઇને હાથીભાઇ તો જંગલમાં આવ્યા.
મોબાઇલ જોઇને વાંદરો, સસલો, ખિસકોલી, જિરાફ એમ બધાંય દોસ્તો કહેવા લાગ્યા- 'વાહ! આપણા દોસ્ત સૂંઢાળા તો શહેરમાંથી જાદુઇ વસ્તુ લાવ્યા છે!'
હાથીભાઇએ કહ્યું- 'ચાલો,દોસ્તો! આ જાદુઇ મોબાઇલનો જાદુ તમને સહુને બતાવું...'
બધાને હાથીભાઇની વાતમાં રસ પડયો. હાથીભાઇએ કહ્યું તેમ બધાંય ગોઠવાઈ ગયા અને હાથીભાઇએ હરખભેર બધાંય દોસ્તો સાથે ઘણી બધી સેલ્ફી પાડી!
મોબાઇલમાં બધા દોસ્તોને સેલ્ફી બતાવી. ત્યાં તો સહુ દોસ્તો આનંદથી ઊછળકૂદ કરતાં બોલવા લાગ્યા- 'વાહ, વાહ, સૂંઢાળા હાથીભાઇ! વાહ, દોસ્ત! વાહ!'
...ને સૂંઢાળાની સેલ્ફીનો જાદુ જંગલમાં છવાઈ ગયો!


