- સાંકળચંદ પટેલ
એક હતી મમ્મી, એક હતા પપ્પા. એમને ત્રણ કચ્ચાં-બચ્ચાં હતાં. એક તો અક્કુલુ, બીજો તે બક્કુલુ અને ત્રીજો તે તુક્કુલુ. ત્રણેયની ઉંમર પાંચ-છ વર્ષથી વધારે, પરંતુ નિશાળે જતા ન હતાં.
એક દિવસે પપ્પા કહે: 'અરે અક્કુલુ, અહીં આવ તો. જો, આ તારી સ્કૂલ બેગ છે. એમાં પેન છે, પેન્સિલ છે, ચોપડી છે, નોટબુક છે, વૉટરબેગ છે અને લંચ બૉક્સ પણ છે. કાલથી તારે નિશાળે જવાનું છે.'
અક્કુલુ મોઢામાં આંગળી નાખીને ઊભો હતો. તે મોઢું બગાડીને કહે:
'પપ્પાજી રે, પપ્પાજી!
મને થોડું રમવા દો,
મને થોડું ખાવા-પીવા દો,
મને થોડો મોટો થવા દો,
પછી હું નિશાળે જઈશ... જઈશ... જઈશ!'
એટલું કહીને તે રફુચક્કર થઈ ગયો.
પછી બૂમ પાડીને મમ્મીને બોલાવી: 'ઓ! સાંભળે છે?'
બીજા રૃમમાંથી આવતાં મમ્મી બોલી: 'એ હા-હા, સાંભળું છું. લ્યો, આ આવી. બોલો શું કહેતા હતા?'
પપ્પા લગીર નારાજ થઈને કહે: 'કહું છું, આ તારો અક્કુલુ છે ને, તે નિશાળે જવાની ના પાડે છે...!'
મમ્મી જરાક હસીને કહે: 'તમે એની ચિંતા કરશો નહીં, હું તેને સમજાવી લઈશ.'
બીજે દિવસે પપ્પા કહે: 'અરે ઓ બક્કુલુ, અહીં આવ તો જરા જો, આ તારી સ્કૂલ બેગ છે. એમાં પેન, પેન્સિલ, ચોપડી, નોટબુક, વૉટર બેગ અને લંચ બૉક્સ છે. લે આ, કાલથી તારે નિશાળે જવાનું છે.'
બક્કુલુ ઢીલો થઈને ઊભો હતો. મોં મચકોડીને તે કહે:
'પપ્પાજી રે, પપ્પાજી!
મને થોડું રમવા દો,
મને થોડું ખાવા-પીવા દો,
મને થોડો મોટો થવા દો,
પછી હું નિશાળે જઈશ... જઈશ... જઈશ!'
આટલું કહીને તે પણ રફુચક્કર થઈ ગયો.
પછી બૂમ પાડીને પપ્પા કહે: 'અરે... સાંભળે છે કે?'
'હા સાંભળુ છું, સાંભળું છું. પરંતુ તમે ઘાંટા શા માટે પાડો છો?' આવીને મમ્મી બોલી.
મમ્મી મલકાઈને કહે: 'એની ચિંતા તમે કરશો નહીં, તેને હું સમજાવી લઈશ.'
ત્રીજે દિવસે તુક્કુલને બોલાવીને પપ્પા કહે, 'લે, આ તારી સ્કૂલ બેગ. કાલથી તારે નિશાળે જવાનું છે.'
તુક્કુલુ મોઢું ફુલાવીને કહે:
'ઓ પપ્પાજી રે, પપ્પાજી!
થોડું મને રમવા દો,
થોડું મને ખાવા-પીવા દો,
થોડો મને મોટો થવા દો,
પછી હું નિશાળે જઈશ!'
એમ કહીને તે પણ રફુચક્કર થઈ ગયો.
પપ્પા કહે: 'હેં શ્રીમતીજી, હવે આપણે શું કરીશું? ત્રણેય છોકરા નિશાળે જવાની ના પાડે છે...!'
મમ્મી કહે: 'તમે એની ચિંતા કરશો નહીં. એક ઉપાય મારી પાસે છે.'
પછી ત્રણેય છોકરાઓને પાસે બેસાડીને તે કહે: 'મારા વહાલા દીકરાઓ! તમારે નિશાળે જવું નથી ને? ભલે, ના જતા.પરંતુ ઘરે હું જે કામ સોંપું, તે તમારે કરવાનું છે. અક્કુલુ દિવસમાં બે વાર કચરો વાળી-ઝૂકીને ઘરને સાફ રાખશે. બક્કુલુ બે વાર પોતું મારીને ઘરને સાફ કરશે અને તક્કુલુ બગીચાને સાફસૂફ કરીને બે વાર પાણી પાશે. બસ, તમારે આટલું જ કામ કરવાનું છે. જેનું કામ પૂરું થશે તે આવીને ખાવા માટે બેસી જશે. બસ હવે જાઓ. રમો, ખાઓ-પીઓ, મોટા થાઓ ને મોજ કરો.'
ત્રણેય છોકરાઓ તહખાનામાં ગયા, મસલત કરી, ને પછી મમ્મી-પપ્પાની પાસે આવીને કહે: 'અમે આજે જ નિશાળે જવા માટે તૈયાર છીએ.'
'શાબ્બાશ! મારા દીકરીઓ...' કહીને મમ્મી-પપ્પાએ તેમને બાથમાં લઈ લીધા. પછી તેઓ અક્કુલુને, બક્કુલુને, ને તક્કુલુને મૂકવા માટે નિશાળ તરફ ચાલ્યા.


