Get The App

શેતાનની તાન .

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
શેતાનની તાન                                        . 1 - image

એક મુસાફર રણમાં અટવાતો હતો. મરતો જ હતો. પાણી તો હતું જ નહિ. ખાવાનુંય ન હતું. દિવસો સુધી તે એમ જ રઝળતો રહ્યો. ગળું સૂકું. હાડ સુક્કાં, આંખો સુક્કી, આંતરડાં સુક્કાં, જીભ સુક્કી, ભાવનાઓ તો એકદમ જ સુકાઈ ગઈ હતી.

શેતાનને લાગ મળી ગયો. શેતાન એટલે ભગવાનનો વિરોધી. શેતાન એટલે દુષ્ટ માનવી. શેતાન એટલે પાપનો બાપ.

ખુશ થતો થતો શેતાન પેલા રઝળતા મુસાફરને આવીને કહે -  'હું તને ખાવાનું આપીશ, પીવાનું આપીશ. દરેક રીતે તને તૃપ્ત કરી દઈશ, ખુશ કરી દઈશ...'

'તો કર ને' ભૂખે તરફડતા રણભેરુએ કહ્યું.

'શરત છે મારી.' શેતાને કહ્યું -  'હું જે આપું તેના બદલામાં શરત છે મારી. હું શરત વગર કોઇને કંઇ આપતો નથી. કંઇક લઇને જ કંઇક આપું છું. મારી શરત છે...'

'જલદી શરત બોલ ને !' તરફડતા માનવીએ કહ્યું -  'શી શરત છે, બોલ !'

શેતાન કહે -  'તારે તારું ઇમાન મને આપી દેવું પડશે. તારું સત્ય, તારી ખાનદાની, તારી ભલાઈ... મને આપી દેવી પડશે. બોલ તૈયાર છે, સોદા માટે ?'

પેલો ગબડી પડેલો, દાઝેલો, બળતો, શેકાતો માનવી કહે -  'મંજૂર છે. જે જોઇએ તે લઇ લે. આપીશ. આપી જ દઈશ. પણ જલદીથી ખાવાનું આપ, પાણી આપ, આપી દે... આપી દે... આપી દે.'

શેતાને તેને થોડી વાર તડપાવ્યો. પછી સરસ મઝાનું ખાવાનું આપ્યું. પાણી તો પાણી, ઉપરથી તાજગી મળી રહે તેવું ઠંડું પીણું પણ આપ્યું.

તૂટી પડયો મુસાફર. ખાણીપીણી પર તૂટી જ પડયો. એટલું ખા-ખા કર્યું કે શેતાન જોઈ જ રહ્યો. હસતો રહ્યો.

જ્યારે ભૂખ્યો મુસાફર ખાઈને તૃપ્ત થયો. ઓડકાર પર ઓડકાર ખાવા લાગ્યો ત્યારે શેતાન કહે -  'ચાલ, હવે આપી દે તારો ધરમ આપી દે તારું ઇમાન, આપી દે તારું સત્ય આપી દે તારી ભલાઈ...'

હસવા લાગ્યો મુસાફર, ઓડકાર ખાતો જાય, હસતો જાય -  હા હા હા હા...

શેતાન નારાજ થયો. ગુસ્સે થયો. તેણે જોરથી પૂછ્યું -  'અલ્યા માણસ ! તારું વચન ભૂલે છે ? તારી પ્રતિજ્ઞા તોડે છે ? તારું બોલેલું થૂંકે છે ???'

હસીને, બરાબર હસીને રણભેરુ રણવીર કહે -  'શેતાન ! ભૂખ્યાનાં વળી વચન કેવાં ને બોલ કેવા ? ભૂખે મરનારની ભલાઈ કેવી ને સચ્ચાઈ કેવી ? ભૂખને કોઈ ઇમાન હોતાં નથી, ધરમ હોતા નથી ! ભૂખાળવાની કોઈ ફરજ હોતી નથી ! અરે કોઈ વાત વાદ કે વાયદાય હોતા નથી. ભૂખે મરનારનું એક જ સત્ય -  ખાવાનું અને પીવાનું એ મળી જાય એટલે તે રાજીનો રેડ. જા શેતાન ! કોઈ બીજી જગાએ જઈને જમીન ખેડ.'

શેતાન કહે -  'તું મને પણ છેતરી ગયો. માનવી ? થોડી વાર પહેલાં, ખાધા પહેલાં. તેં જે વાત કહી હતી તે તું જ હતો કે બીજો કોઈ ?'

'બીજો જ કોઈ.' ઓડકાર ફરીથી ખાઈને તૃપ્ત માનવીએ કહ્યું -  'એ કોઇક બીજો જ હશે. બીજો જ હતો. એ ભૂખ્યો હશે, ભૂખ્યો જ હતો. ભૂખ અનેક વેણ વદાવે છે અને કહેણ કહેવડાવે છે, વચન અપાવે છે, અને વાયદાઓ કરાવે છે. પણ એ બધાં ભૂખનાં વેણ દેણ કહેણ ફેણ હોય છે. હો-ઇ-યાં ! એ કોણ હતો, મને ખબર નથી શેતાન ! હું તો ખાધેલો પીધેલો છું. તૃપ્ત છું. હો-ઇ-યાં ! મારે હવે કોઇની જરૂર નથી, કોઈ વાત કરવી, નથી. આવ-જે...'

શેતાન કહે -  'તેં મને એવો છેતર્યો છે કે તું મને જીવનભર યાદ રહી જશે ?'

'એના કરતાં હો-ઇ-યા !' મોટો ઓડકાર ખાઈને જતા માનવીએ કહ્યું -  'શેતાન ! તું આ છેતરવાનો ધંધો જ બંધ કરે તો કેમ ? ભૂખ્યાંને ભોજન આપવામાં, તરસ્યાંને પાણી આપવામાં કેટલાં પુણ્ય છે તેનો તને ખ્યાલ આવે છે ખરો ?'

'પુણ્ય ? હં !!' શેતાન સમસમી ગયો. ધમધગતા રણમાં જ શમી ગયો.