- વિજયકુમાર જી. ખત્રી
શા ળામાં પહેલી પરીક્ષા પૂરી થઈ અને દિવાળી વેકેશનની જાહેરાત થઈ. સૌ બાળકો ખુબ ખુશ હતાં. હરકોઈ નવાં કપડાં અને ફટાકડાં ખરીદવા ઉત્સાહિત હતા.
જયમીન સરે વિદ્યાર્થીઓને સમજાવતા કહ્યું, 'બાળકો, ફટાકડાં ફોડતી વખતે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. તોફાનમસ્તીમાં પોતાને કે બીજાને નુકસાન ન થાય એની ખાસ કાળજી રાખજો. સાથે નાનાં બાળકો, વૃદ્ધો અને પશુ-પંખીઓનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ફટાકડાના ખૂબ મોટા અવાજથી તેઓ બહુ હેરાન થાય છે. તહેવારની સાચી મજા એકબીજાને ખુશી આપવામાં છે. નહિ કે કોઈને હેરાન-પરેશાન કરવામાં, ખરૃં ને?'
બધાં વિદ્યાર્થીઓએ કહ્યું, 'જી સર, અમે દિવાળીનો તહેવાર હરખભેર ઉજવીશું. સાથે કોઈને પણ નુકસાન કે હેરાનગતિ ન થાય એ વાતનું ધ્યાન રાખીશું.'
જયમીન સરે સ્મિત સાથે કહ્યું, 'બિલકુલ. ફટાકડાં ફોડતી વખતે માતા-પિતા કે કોઈ વડીલને સાથે રાખજો. પાણી ભરેલ ટબ પણ બાજુમાં મુકજો જેથી જરૂર પડે તો તેનો ઉપયોગ થઈ શકે. તારામંડળ બાળ્યા બાદ ગરમ તારને પાણી ભરેલા વાસણમાં નાખવા. ચકરડી- કોઠી સળગાવી દૂર જતા રહેવું. કોઈની ઉપર જાણીજોઈને ફટાકડા ફેંકવા નહીં. અને મોટાં ધડાકિયા...?'
બાળકો એકસાથે બોલી ઉઠયાં, 'બિલકુલ નહીં ફોડીએ. અમને સારી શીખામણ આપવા માટે આભાર...'
બાળકોને જયમીન સરની વાતો ખુબ ગમી.
પરંતુ એક હાથની બધી આંગળીઓ સરખી હોય? આ વર્ગનો સમીર નામનો છોકરો ભારે તોફાની. તે દર દિવાળીએ મોટો અવાજ કરતા ફટાકડાઓ ફોડીને સૌને ખૂબ ડરાવતો. આમ કરવામાં તેને આનંદ આવતો.
તેના મિત્રો પણ તેને સમજાવે, 'ભાઈ, ફટાકડા ફોડવા હોય તો તારામંડળ, ચકરડી, કોઠી, ટપુસિયા વગેરે છે ને..! પછી આવા ધડાકિયાં ફોડીને કોઈને હેરાન કરવાથી શો લાભ?'
પણ માને તો સમીર શાનો? એમ કરતાં દિવાળીનો તહેવાર આવી પહોંચ્યો. દિવાળીના દિવસે ચારે બાજુ દીવડાઓ ઝગમગી રહ્યા હતા. ઘરે-ઘરે રંગોળીઓ શોભી રહી હતી. સૌના હૈયે ઉમંગ અને ઉત્સાહ છલકાઈ રહ્યો હતો.
એકબાજુ ઘરમાં વડીલો પૂજાપાઠ કરવામાં વ્યસ્ત હતા. બીજી બાજુ શેરીનાં બધાં બાળકો ફટાકડાં ફોડવા માટે ભેગા થયાં. સૌ બાળકો તારામંડળ, ચકરડી, કોઠી, દોરી, ભીંત-ભડાકિયા વગેરે ફટાકડાઓનો નિર્દોષ આનંદ માણી રહ્યાં હતાં.
આ શેરીમાં એક રમતિયાળ અને સૌને વહાલું એવું ટીલુ નામનું નાનું કૂતરું પણ રહે. હાલ ટીલુ થોડે દૂર એક બાજુ મજાથી આરામ ફરમાવી રહ્યું હતું. એવામાં સમીરને ટીખળ સુઝી. તેણે ટીલુની પૂંછડી સાથે ફટાકડાની નાની સેર બાંધી અને એને સળગાવી.
અચાનક ફટાકડા ફૂટવાનો મોટો અવાજ થતાં ટીલુ ભડકીને આમતેમ દોડવા લાગ્યું. પોતાના પર કોઈએ હુમલો કર્યાનું જાણીને ટીલુ બાળકો પર સામો હુમલો કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યું. બાળકો તો એનાથી બચવા માટે આમતેમ દોડવા લાગ્યા. એ જોઈ સમીર ખૂણામાં ઊભો ઊભો ખડખડાટ કરતો હસવા લાગ્યો.
એવામાં સમીરના દાદાજી બજારમાંથી ખરીદી કરીને ઘર તરફ આવી રહ્યા હતા. સમીરના પરાક્રમથી અજાણ દાદાજી બાળકોની નાસભાગ જોઈ નવાઈ પામ્યા. તેઓ કાંઈ પૂછે એ પહેલાં ટીલુ દોડીને દાદાજી પાસે ગયું અને એમના પગને પોતાના જડબામાં જકડી લીધું.
ટીલુના અચાનક હુમલાથી હેબતાઈ ગયેલા દાદાજી જમીન પર ફસડાઈ પડયા. એ જોઈ બાળકોએ રાડારાડ કરી મુકી. શોરબકોર સાંભળીને બે-ચાર પાડોશીઓ દોડી આવ્યા. તેમણે ટીલુને ભગાડયું અને દાદાજીને બચાવ્યા. દાદાજીને હાથપગમાં ખાસ્સી ઈજા થઈ હતી. તેઓ બેહોશ પણ થઈ ગયા. તેમને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યા.
રમતિયાળ ટીલુના હિંસક વર્તનથી સૌને આશ્ચર્ય થયું. આ બધું સમીરના લીધે થયું હતું એ જાણીને સૌને ગુસ્સો આવ્યો. સમીર ખૂબ ગભરાઈ ગયો. તેનું નાનું સરખું તોફાન આટલું મોટું સ્વરૂપ ધારણ કરશે એ બાબતની એણે કલ્પના પણ નહોતી કરી. દિવાળીની મજા થોડી જ વારમાં ગાયબ થઈ ગઈ.
તેણે અપરાધભાવથી કહ્યું, 'મેં ખરેખર બહુ મોટી ભૂલ કરી છે. મને માફ કરશો. મમ્મી-પપ્પા, મેં વડીલોનું કહેવું માન્યું નહીં તેનું આ પરિણામ આવ્યું. પણ...પણ...દાદાજી ઠીક તો થઈ જશે ને..?'
એને ખરો પસ્તાવો કરતાં જોઈ પપ્પાએ નરમાશથી કહ્યું, 'બેટા, સદનસીબે દાદાજીને વધારે ઇજા નથી થઈ, પરંતુ તારા આ તોફાનનું ગંભીર પરિણામ પણ આવી શકત, છે કે નહીં? તે જોયું? તારી મજાકના લીધે નિર્દોષ ટીલુ પણ હિંસક બની ગયો. એ થોડો દાઝી પણ ગયો.'
સમીરે કાન પકડી વચન આપતાં કહ્યું, 'હવે પછી હું આવું તોફાન ક્યારેય નહીં કરું. પ્રોમિસ..!'
પછી એક અઠવાડિયા સુધી સમીરે દાદાજીની ખુબ સેવા કરી. દાદાજીને સમયસર દવાઓ આપવી અને ફળફળાદિ ખવડાવવા વગેરે નિયમોનું સમીરે બરોબર પાલન કર્યું. દાદાજીની તબિયતમાં ધીરેધીરે સુધારો આવવા લાગ્યો. એ જોઈ સમીર હવે ખુશ હતો. તેનામાં પરિવર્તન આવેલું જોઈ ઘર-શેરીમાં પણ સૌ કોઈ ખુશ હતા.
સમીર આ દિવાળીએ એક પાઠ શીખ્યો કે બીજાને ખુશી આપવામાં જ તહેવારની સાચી મજા છે. અન્યને હેરાન કરવામાં સરવાળે વ્યક્તિ પોતે જ હેરાન થાય છે.


