- શરૂઆતમાં તો એ મુક્તિ ઘંટ કેટલાકને માટે મૃત્યુ ઘંટ બની રહ્યો, પણ એક નાનકડા બાળકિશોર કિમીયાગરે તેને ખરેખરો મુક્તિ ઘંટ બનાવી દીધો.
- 'એ ઘંટ જરૂર વાગશે, સાહેબ...'
- 'એનો ગુંજારવ કૃત્રિમ અને બોદો છે!'
- હરીશ નાયક
ભારે દબદબા સહિત એ મુક્તિ ઘંટને જહાજમાં ઇંગ્લેંડથી અમેરિકા લાવવામાં આવ્યો. જહાજમાં ઘંટ સિવાય બીજું કંઈ જ ન હતું. જહાજની પૂરતી કાળજી લેવા માટે તથા તેનું રક્ષણ કરવા માટે એક શાહી લશ્કર જહાજમાં અવશ્ય હતું.
ફિલાડેલ્ફિયાના રાજ્ય-ભવનમાં જ્યારે એ ઘંટને ઉતારવામાં આવ્યો ત્યારે જોનારાઓની મોટી ભીડ જામી ગઈ.
'જબરો અફલાતૂન ઘંટ છે.' વિશાળ નયનરમ્ય ઘંટને નિહાળી રાજયપાલ શ્રી એબલ વિલિયમ્સ બોલી ઉઠયા.
તેમની પુત્રી પ્રુડન્સની તો ધીરજ જ રહી નહિ. તે બોલી ઉઠી - 'પપ્પા! હું હાથ લગાડીને એ ઘંટને જોઈ શકું?'
'અવશ્ય જો મારી બેટી.' રાજ્યપાલે પુત્રીને કહ્યું. અને પુત્રી એ અદ્ભુત ઘંટને સ્પર્શીને એવો રોમાંચ અનુભવવા લાગી કે વાત ન પૂછો.
'ઘંટ વગાડનાર હાજર છે?' રાજ્યપાલે પૂછ્યું.
'હા, સાહેબ' એક ઇંગ્લિશમેને આગળ આવીને કહ્યું - 'ઘંટને જેવો બેલ-ટાવરમાં લટકાવી દેવામાં આવશે કે તરત જ હું તેને વગાડીશ.'
'એટલે શું?' રાજ્યપાલે પૂછ્યું - 'ઘંટને આ અગાઉ વગાડવામાં નથી આવ્યો?'
'ના જી,' આ વખતે એક નાનકડા કિશોરે આગળ આવીને કહ્યું - 'ખાસ કરીને આ મુક્તિ ઘંટ હોવાથી એવો પ્રયોગ કરવાનું અમે ઇષ્ટ ધાર્યું નથી. ઉપરાંત લંડનથી અહીં સુધી આવતાં દરિયાઈ પવન પણ એના અવાજમાં ફેરફાર કરી શકે છે.'
'અને... તું કોણ છે છોકરા?' રાજ્યપાલે આ બધી માહિતી આપે જતાં છોકરાને પૂછ્યું.
'મારું નામ એન્ડ્રુ એન્ડરસન છે.'
રાજ્યપાલે કંઈક નારાજ થઈને પૂછ્યું - 'નામથી આગળનો એટલે કે હું કંઈક વધુ પરિચય માગું છું.'
'હું ઘંટની સાથે આવ્યો છું સાહેબ!'
'ઠેઠ લંડનથી? જહાજમાં?'
'જી સરકાર, ઘંટના નિર્માતા થોમસ લીસ્ટરનો હું સહાયક છું.'
'તું...? આટલો નાનો છોકરો...'
'મારી ઉંમર બાર વર્ષની છે, સાહેબ!'
'અને થોમસ લીસ્ટરનો સહાયક?'
'હું નાનપણથી જ એમને ઘંટ બનાવવામાં મદદ કરું છું. આ ઘંટ વખતે મેં પગાર નથી લીધો સાહેબ! મેં મારા શેઠને એટલી જ વિનંતી કરી હતી કે પગારને બદલે મને ઘંટ સાથે અમેરિકા મોકલજો બસ...'
'અને, તું અહીં આવ્યો?'
'ઘંટ સાથે સાહેબ!'
ત્યાં સુધીમાં ઘંટ વગાડવાનો પ્રયોગ શરૂ થઈ ચૂક્યો હતો. બધાં કાનમાં આંગળી નાખીને ઉભા હતા.
ઘંટ વાગ્યો.
પણ આ શું? પ્રયોગની દશામાં જ ઘંટમાં તિરાડ પડી ગઈ.
'આપણે છેતરાયા છીએ.' રાજ્યભવનના અધિકારી શ્રીમાન રોજર્સ પોકારી ઉઠયા - 'આપણે એક એવા ઘંટ પાછળ ખજાનો લૂંટાવી ચૂક્યા છીએ જે વાગતો નથી અને વાગશે પણ નહિ.'
'એ ઘંટ જરૂર વાગશે સાહેબ.' કિશોર એન્ડરસને કહ્યું - 'એ ઘંટ જરૂર વાગશે.'
'આ શું કોઈ છોકરાના ખેલ છે?' રાજ્યપાલ વિલિયમ્સે તાડૂકી ઉઠીને કહ્યું - 'એક છોકરો અભિપ્રાય આપી રહ્યો છે કે વાગશે, પણ એ વાગતો કેમ નથી?'
'એમાં થોડુંક સમારકામ થતાં જ એ વાગશે સાહેબ!' છોકરાએ કહ્યું.
'એનું સમારકામ?' રાજ્યપાલ તો એક એક ફૂટ અધ્ધર ઉછળતા હતા - 'એટલે શું અમારે એને પાછો ઇંગ્લેન્ડ મોકલવો પડશે?' રોજર્સ! મેં તમને કહ્યું જ હતું કે ઘંટ અહીં જ કોઈકની પાસે બનાવડાવો.
'સાહેબ!' રોજર્સે કહ્યું - 'આપણે ત્યાં સારો ઘંટ બનાવનારા કારીગરો જ નથી.'
'અને આ રહ્યો આપણો સારો ઘંટ,'રાજયપાલે ખળભળી ઉઠતાં કહ્યું.''
'ચૂપ રહે છોકરા, રાજ્યપાલે નારાજ થઈ જઈને કહ્યું - 'તું ઘંટ વિષે શું જાણે? અને હવે આ ઘંટને અમે ક્યાં સમરાવીશું?''
'આ ઘંટની સંપૂર્ણ બનાવટ વખતે હું હાજર રહ્યો છું સાહેબ! કિશોરે પૂરી નમ્રતાથી અને આત્મવિશ્વાસ સહિત કહ્યું - અને ઘંટને સમરાવવાની ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. અહીં પાસ એન્ડ સ્ટો ફાઉન્ડ્રીમાં એ ઘંટ અવશ્ય રીપેર થઈ શક્શે.'
'પાસ એન્ડ સ્ટો?' રાજ્યપાલે કહ્યું - 'તને એ ફેક્ટરી વિષેની માહિતી ક્યાંથી?'
'મને મારા માલિકે કહ્યું હતું કે બંદર પર ઉતરતાંની સાથે આવી ફેક્ટરીઓની તપાસ કરજે.'
'એટલે કે ઘંટ નથી વાગવાનો એની તારા શેઠને પહેલેથી જ ખબર હતી?'
'ના જી, સંજોગવશાત જો ન વાગે તો...'
'અને પાસ એન્ડ સ્ટોને સમારકામ નહિ આવડે તો?'
'હું એમને શીખવાડીશ સાહેબ?'
છોકરાની આ વાત પર તો સાહેબ ગાંડા અને ઘેલા બની ગયા. તેઓ રાડારાડ કરીને કહેવા લાગ્યા - 'આ છોકરાની કોઈ વાત તો સાંભળો, કહે છે કે એ શીખવાડશે. આજે રાજ્યસભામાં મારું નાક ન કપાય તો સારું.'
'નહિ કપાય સાહેબ!' છોકરાએ સંપૂર્ણ શ્રદ્ધા સહિત કહ્યું - 'મને થોડો સમય આપી દો બસ.'
પાસ એન્ડ સ્ટો ફાઉન્ડ્રીમાં ઘંટને નવેસરથી સજવામાં આવ્યો. કોઈ જાતની જવાબદારી લેવા ન માગતા ફેક્ટરીના સંચાલકો એ કિશોર એન્ડ્રુ એન્ડરસનના કહેવા મુજબ જ કામગીરી બજાવી પણ જ્યારે કિશોરની બધી વાતો ગળે ન ઉતરી, ત્યારે પોતાનું ડહાપણ ઉમેર્યું. સારો એવો સમય થયો.
એન્ડરસનની જિંદગી ખરેખર ઘંટ સાથે સંકળાયેલી હતી.
ઘંટને બેલ-ટાવર પર ચઢાવવામાં આવ્યો.
'અને આજે તે કેવોક વાગશે?' રાજ્યપાલે એન્ડ્રુને પૂછ્યું.
'કંઈ કહી શકાય નહિ સાહેબ' એન્ડ્રુએ કહ્યું - 'એ લોકોએ મૂળ ધાતુમાં રતલે એક ઔંસ અમેરિકન તાંબુ ઉમેર્યું છે. તેમનું માનવું છે કે એજ મિશ્રણ બરાબર છે. પણ આ પ્રકારના વિશાળ ઘંટ પાસે એંસી ટકા ત્રાંબા સાથે વીસ ટકા પતરું મેળવવું જરૂરી છે.'
'તો હવે શું થશે?'
'ત્રાબું થોડુંક વધારે છે ખરું, છતાં વાગે તો નવાઈ નહિ.'
'શી...' વાતાવરણમાં શાંતિ ફરી વળી.
ઘંટ રણકાવવામાં આવ્યો.
ઘંટ ગર્જના સહિત પડઘાઓ પાડવા લાગ્યો.
લોકો ખુશીની કિકિયારીઓ પાડી ઉઠયા.
'એનો રણકો કંઈ ખોટો નથી' રોજર્સે કહ્યું.
'અને બુલંદ પણ ઘણો છે.' વિલિયમ્સે કહ્યું.
'છતાં રણકો સ્વાભાવિક નથી સાહેબ! છોકરાએ સ્પષ્ટ અભિપ્રાય આપતાં કહ્યું - 'એનો ગુંજારવ જ કૃત્રિમ, ભારે તથા બોદો લાગે છે.'
'તું કહેવા શું માગે છે?'
રાજ્યપાલ પાછા ઉકળી ઉઠયા.
'ઘંટને ફરીથી સમારવો પડશે.'
'કેટલી વાર સમારવો પડશે?' રાજ્યપાલે બાવરા બની જઈને કહ્યું - 'શું તું મારી નોકરી ગુમાવડાવશે.'
'નહિ સાહેબ.' આ વખતે પાસ એન્ડ સ્ટો કંપનીના માલિક મિસ્ટર પાસે કહ્યું - 'અમે આપને જરૂર સંતોષ આપી શકીશું. છોકરો જેમ કહેતો હતો તેમ અમે નથી જ કર્યું. લાગે છે કે એની જ ફોર્મ્યુલા સાચી હતી. આ વખતે અમે એના શબ્દને શબ્દશ - અનુસરીશું. એક વધુ તક અમને આપો સાહેબ!'
બરાબર બાળ કલાકાર એન્ડ્રુ એન્ડરસનના કહેવા મુજબ જ નવેસરથી ધાતુનું મિશ્રણ તૈયાર થયું. એન્ડરસને દ્રાવણ તથા તાપણની પરીક્ષા કરી જોઈ.
ત્રીજી વખતે જૂન ૭, ૧૭૫૩ના રોજ ઘંટને ફિલાડેલ્ફિયાના રાજ્યભવનના બેલટાવર ઘર પર ચઢાવવામાં આવ્યો.
ઘંટ વાગ્યો. આહ! શું એનો રણકો હતો? ચારે બાજુ હર્ષનું વાતાવરણ ખીલી ઉઠયું. મુક્તિના એ ઘંટ સાથે બાળક એન્ડ્રુ એન્ડરસનનો પણ જયજયકાર થઈ રહ્યો.
ત્રીસ વર્ષ બાદ એપ્રિલ ૧૬, ૧૭૮૩ના રોજ એ ઘંટે પ્રજાજનોને ભેગા કર્યા. ક્રાંતિ તથા યુધ્ધની પૂર્ણાહુતિના રણકાથી એ ઘંટ ત્યારે ગાજી ઉઠયો, હવે ઘંટને નવું નામ મળ્યું. અત્યાર સુધી એ મુક્તિ-ઘંટ (લીબર્ટી-બેલ- તરીકે ઓળખાતો હતો. હવે તેને (ઇન્ડીપેન્ડન્સ-બેલ) સ્વાતંત્ર્ય ઘંટનું બિરુદ મળ્યું. આ નવા નામકરણનું કારણ એ હતું કે આજ ઘંટના ઘંટનાદ હેઠળ જુલાઈ ૧૭૭૬ના રોજ સ્વાતંત્ર્ય બંધારણનું વાચન થયું હતું અને આઝાદીની જાહેરાત થઈ હતી.
નવયૌવનમાં પ્રવેશી ચૂકેલી પ્રુડન્સ વિલિયમ્સ તથા એવા જ નવયુવાન એન્ડ્રુ એન્ડરસન ત્યારે સહુથી આગળની હરોળમાં સ્થાન પામ્યા હતા.
'આજે ભલે લોકો પોતાની આઝાદી મેળવી રહ્યા હોય' ઠાવકી પ્રુડન્સે કહ્યું - 'પણ આવતી કાલે તું તારી આઝાદી ગુમાવી બેસશે એન્ડ્રુ. હું તને મારી સાથેના લગ્ન બંધનથી બાંધી દેવા માગું છું.'
'મને એ બંધન ગમશે' એન્ડ્રુએ લગ્નનો એ પ્રસ્તાવ સ્વીકારતાં કહ્યું.
એકબીજાને રણકતા ઘંટનાદ સાથે વરી ચૂકેલા એ બંને જણાએ પોતાની જિંદગી દેશને ચરણે ધરી દીધી. અમેરિકાના ઇતિહાસમાં પ્રુડન્સ તથા એન્ડ્રુ એન્ડરસનનું મોટું નામ છે. એન્ડ્રુએ તો ઘંટનાદના રણકે રણકે દેશની સેવા તથા પ્રગતિ સાધી છે. તેણે પોતાની વ્હાલસોઇ પત્ની પ્રુડન્સને કહ્યું હતું - 'મારી જિંદગી આ ઘંટ સાથે સંકળાયેલી છે. જે દિવસે એમાં કસર આવશે તે દિવસે મારી જિંદગીની પણ એ જ દશા હશે.'
અમેરિકાના એ મુક્તિઘંટને લોકો આજે પણ માનથી જુએ છે.
અને એમ જ થયું. જુલાઈ ૮,૧૮૩૫ના રોજ ઘંટનાદમાં ફેર વરતાયો. અવાજ કંઈક બદલાયેલો લાગ્યો. મુખ્ય ન્યાયાધીશ માર્શલના મૃત્યુ માટે ઘંટ રણકતો હતો. માર્શલના અંતિમ સંસ્કારની અંજલિ માટે રણકતા એ ઘંટને સંબોધી એન્ડ્રુ બોલી ઉઠયો - 'પ્રુડન્સ! સાંભળ, ઘંટમાં તિરાડ પડી છે...'
'ખોટી વાત.' ડરી ગયેલી પ્રુડન્સે કહ્યું - 'તમારા કાન હવે પહેલાં જેટલા જુવાન નથી રહ્યા.'
'તે નથી જ રહ્યા.' વયોવૃદ્ધ એન્ડરસને કબૂલાત કરતાં કહ્યું - 'પણ તું જરા ઝટ જા. દોડ રાજ્યભવન તરફ અને જઈને જાણી લાવ કે ઘંટને શું થયું છે?'
પતિ પાસેથી ખસવાની ઇચ્છા નહિ હોવા છતાં એટલી જ વૃધ્ધાવસ્થા ભોગવતી પ્રુડન્સ રાજ્યભવન તરફ દોડી ગઈ. તેણે પાછા ફરીને પતિને કહ્યું - 'તમારી વાત સાચી છે. ઘંટમાં ફરીથી તિરાડ...'
એન્ડરસન સામે તે જોઈ રહી. જોઈ જ રહી. એન્ડરસનની જિંદગી ખરેખર ઘંટ સાથે સંકળાયેલી હતી. ઇંગલેન્ડમાં એની મૂળ ધાતુ મિશ્રણ પામી ત્યારથી તેની જિંદગી એ ઘંટમાં મિશ્રિત થઈ ચૂકી હતી. ઘંટના રણકા મનોહર રીતે ગુંજી રહેતાં ત્યારે તે સુંદરમાં સુંદર કામગીરી બજાવી શક્તો. આજે વર્ષો બાદ ફરીથી ઘંટમાં તિરાડ પડતાં તેનાં હૃદયમાં પણ તિરાડ પડી ગઈ હતી. તેનું મોઢું ઉઘાડું રહી ગયું હતું. જિંદગીનો રણકો કાયમને માટે તેમાંથી ચાલ્યો ગયો હતો.
એન્ડરસનની યાદમાં તેની જ ફોર્મ્યુલા પ્રમાણે ફરી એક વાર એ યાદગાર ઘંટને રીપેર કરવામાં આવ્યો. પણ આત્માવિહીન શરીર જેવી જ તેની કામગીરી રહી. જાણે કે એન્ડરસન વગર ઘંટ મૂળ રણકો રણકાવવા જ તૈયાર ન હતો.
૧૮૪૬માં વોશિંગ્ટનની વર્ષગાંઠ પર એ ઘંટે એવો ને એવો પણ છેલ્લો રણકો ગૂંજાવ્યો. પછી તે એવો તો બગડયો કે રીપેર થવાની કોઈ શકયતા રહી નહિ.
ત્યારબાદ એ ઘંટને ફિલોડેલ્ફીયાના રાજ્યભવન પરથી ઉતારી લેવામાં આવ્યો. અને ઇન્ડીપેન્ડસના હોલ કહેવાતા એ જ ઇમારતના ઐતિહાસીતક ભવનમાં એ ઘંટને પૂરા દોરદમામ સહિત ગોઠવવામાં આવ્યો.
ત્યારથી આજ સુધી એ ઘંટ ત્યાં જ બેઠક ધરાવે છે. અમેરિકાની આઝાદી રણકાવનાર એ ઘંટને આજે પણ લોકો જોવા, નિહાળવા, વંદના કરવા દોડે છે.
અને જ્યારે એ મુક્તિઘંટ ઉર્ફે સ્વાતંત્ર્ય ઘંટને નીરખે છે. ત્યારે એના સર્જક એન્ડ્રુ એન્ડરસનને પણ યાદ કર્યા વગર રહેતા નથી.
એન્ડ્રુ એન્ડરસન અમેરિકાની જિંદગીનો એક ભાગ બની ગયો છે. બરાબર આ યાદગાર લીબર્ટી ઘંટની જેમ જ.


