Get The App

સુરક્ષિત ઉત્તરાયણ .

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
સુરક્ષિત ઉત્તરાયણ                                        . 1 - image

- અપ્પુ હાથીએ પોતાનો રૂમાલ કાઢીને ચતુરાના હાથ પર બાંધ્યો. 'દોરીથી હાથ કપાઈ શકે છે. એટલા માટે આંગળીઓની કાળજી રાખવી જોઈએ.' ચતુરા શિયાળને પોતાની ભૂલ સમજાઈ. 'મને માફ કરજો, મિત્રો. હવે હું વધારે ધ્યાન રાખીશ.'

- ડૉ. પારુલ અમિત 'પંખુડી '

એક હરિયાળા જંગલની નજીક નાનું ગામ હતું. એ ગામમાં એક ઊંચું મકાન હતું, જેના ધાબા પર દર વર્ષે ઉત્તરાયણ ઉજવાતી.

આ વર્ષે પણ ઉત્તરાયણ આવી ગઈ હતી અને જંગલના પ્રાણીમિત્રો બહુ ઉત્સાહમાં હતા.

વિન્ની વાંદરો, ચંચળ સસલું, અપ્પુ હાથી, ચતુરા શિયાળ અને ક્યૂટી કબૂતર બધાં મિત્રોએ નક્કી કર્યું કે આજે તેઓ ધાબા પર જઈને પતંગ ઉડાડશે.

'વાહ! આજ તો આકાશ રંગબેરંગી બનશે,' વિન્ની ખુશીથી બોલ્યો.

'પણ ધ્યાન રાખજો,' અપ્પુ હાથીએ ગંભીર અવાજમાં કહ્યું, 'ધાબા પર રમવું હોય તો સાવચેતી બહુ જરૂરી છે.'

બધા મિત્રો ધાબા પર આવ્યાં.

ચંચળ સસલીએ બધાને યાદ અપાવ્યું, 'બચ્ચાઓ, ધાબાની પાળીની નજીક બહુ ન જશો. નીચે પડી જશો તો મુશ્કેલી થશે.'

ક્યૂટી કબૂતર આકાશમાં ઉડતી હતી અને પતંગો પર નજર રાખતી હતી. 'અરે જુઓ! કેટલા બધા પતંગો! લાલ, પીળા, લીલા... બધાં જ બહુ સુંદર છે!'

વિન્ની વાંદરાએ પોતાની પતંગ ઉડાડી. 'કાઈ પો... છે!' એણે ખુશીથી ચીસ પાડી. 

ચતુરા શિયાળ પોતાની પતંગ સાથે તૈયાર હતી, પણ એ બહુ ચતુરાઈ કરતી હતી.

'હું તો સામેના પતંગની દોરી પકડી લઉં!' ચતુરાએ કહ્યું.

એ જ સમયે અપ્પુ હાથીએ એને રોકી. 

'અરે ચતુરા! ધ્યાન રાખ. દોરી બહુ તેજ હોય છે. હાથમાં વાગી શકે.'

પણ ચતુરા શિયાળે ધ્યાન ન આપ્યું. એ દોરી પકડવા દોડી. અચાનક... આહ! ચતુરાના હાથમાં દોરી વાગી.

ચંચળ સસલું તરત દોડી આવ્યું. 'જુઓ! મેં કહ્યું હતું ને સાવચેતી રાખજો.'

અપ્પુ હાથીએ પોતાનો રૂમાલ કાઢીને ચતુરાના હાથ પર બાંધ્યો. 'દોરીથી હાથ કપાઈ શકે છે. એટલા માટે આંગળીઓની કાળજી રાખવી જોઈએ.'

ચતુરા શિયાળને પોતાની ભૂલ સમજાઈ. 'મને માફ કરજો, મિત્રો. હવે હું વધારે ધ્યાન રાખીશ.'

થોડી વાર પછી વિન્ની વાંદરો બોલ્યો, 'અરે! મારી પતંગ કપાઈ ગઈ!'

પતંગ સામે ધાબાની પાળી પાસે લટકી રહી હતી. વિન્ની એને પકડવા દોડયો.

'ઊભો રહે!' અપ્પુએ જોરથી કહ્યું, 'ધાબાની પાળીની નજીક ન જશો.'

વિન્ની વાંદરો થંભી ગયો. ક્યૂટી કબૂતર ઉડીને પતંગ પાસે ગઈ અને પોતાની ચાંચથી દોરી ખેંચી. ધીમે ધીમે પતંગ પાછી આવી ગઈ.

'વાહ ક્યૂટી! તેં તો કમાલ કરી!' બધા બોલ્યાં.

ક્યૂટી કબૂતરે હસીને કહ્યું, 'મિત્રો મજા લેવાની, પણ સલામતી સૌથી પહેલા.'

બધાં મિત્રોએ નક્કી કર્યું કે, ધાબાની પાળીથી હંમેશા દૂર રહેશે. દોરી પકડતી વખતે સાવધાની રાખશે.

કોઈ પડી જાય કે ઈજા થાય તો તરત મદદ કરવી. મજા સાથે સમજદારી રાખવી.

સાંજ પડી. આકાશમાં સૂર્યાસ્ત થયો. બધા મિત્રો થાક્યા હતાં, પણ સૌ ખુશ હતાં.

અપ્પુએ કહ્યું, 'ઉતરાયણનો સાચો આનંદ ત્યારે જ આવે, જ્યારે આપણે સુરક્ષિત રહીને મજા કરીએ.'

બધાએ એકસાથે કહ્યું-

'સુરક્ષા સાથેની મજા એ જ સાચી ઉતરાયણ!'