Get The App

રૂપિયાનું ઝાડ .

Updated: Jun 17th, 2022

GS TEAM

Google News
Google News
રૂપિયાનું ઝાડ                                                 . 1 - image


- એ પીપળાની બીજી ડાળીને હાથ લાગડી 'હે પીપળા દેવ! પીપળા દેવ! ખરરર...ખટ' એમ બોલે ને એ ડાળી પરથી રૂપિયાની નોટોનો નીચે ઢગલો થઇ જાય.  

મૂ ળજી એક નાનો ખેડૂત પણ ભારે મહેનતુ. એ આખો દિવસ ખેતરમાં કોઇને કોઇ કામ કરતો જ હોય. ખેતીનું કામ ના હોય ત્યારે એ ખેતરને શેઢે ઉછેરેલ ઝાડવાંના ખામણામાંથી ઘાસ-કચરો કાઢે. કોઇને પાણી આપે. કોઇને ખામણામાં ઉધઇ લાગી જાય તો તે દૂર કરી વૃક્ષના નાના નાના છોડવાને બચાવી લે. કુમળા રોપની એ ખૂબ માવજત કરે. એને મન તો વૃક્ષના આ નાના છોડને ઉછેરવા એ નાના બાળકને ઉછેરીને મોટું કરવા જેટલું કઠિન કામ.

મૂળજીની પત્ની લખમી પૈસાની ઘણી લાલચુ ને લોભી. મૂળજી જ્યારે ખેતરને શેઢે ઉછેરેલ વૃક્ષના રોપા પાછળ મહેનત કરતો ત્યારે લખમીથી એ સહન થતું નહીં અને એ કહેતી, 'આ ઝાડવાં આપણને શું આપવાનાં છે? એના કરતાં એટલી મહેનત ખેતરમાં કરો તો બે પૈસા વધુ મળશે.' પણ મૂળજી જેનું નામ. એ ઝાડવાંના મૂળ સુધી ઉતરીને તેમની ખાતરબરદાસ્ત કરતો. સાથે સાથે ખેતરમાં પણ મન લગાવીને મહેનત કરતો. તેની પાસે આ એક જ નાનું ખેતર એટલે તેના ઘરનું ગુજરાન ચલાવવામાં તેને ઘણી તકલીફ પડતી.

સમય જતાં મૂળજીએ પોતાના ખેતરને શેઢે વાવેલ વૃક્ષો મોટાં ઘનઘોર થઇ ગયાં. એ વૃક્ષો પર કાગડા, કોયલ, પોપટ, કાબર ને બગલા જેવાં પક્ષીઓએ પોતાના માળા બાંધ્યા ને મૂળજીનું એ નાનું ખેતર પક્ષીઓના કલરવથી કિલ્લોલ કરતું થઇ ગયું.

આ ઝાડથી પેલું ઝાડ. ચકલીઓ ઊડે, બગલા ઊડે. ઊડે કળાયેલ મોર! આવાં પક્ષીઓની હગારથી ખેતરમાં ખાતર ઉમેરાયું. પાકને નુકસાન કરતી જીવાત એ પક્ષીઓનો ખોરાક. આવી જીવાત પક્ષીઓ વીણીને ખાઈ જતાં આથી પાક સારો પાકવા લાગ્યો. આમ, ખેતર વધુ ઉપજ આપતું થયું.

ખેતરને શેઢે ઉછેરેલા એક પીપળાના વૃક્ષની મૂળજી પૂજા કરે. એ માનતો હતો કે પીપળાના ઝાડમાં તો ભગવાનનો વાસ. રોજ સવારે એ પીપળાના થડમાં લોટો પાણી નાખી તેને નમન કરી પછી એ ખેતરમાં કામ ચાલુ કરે.

એક રાત્રે ઊંઘમાં તેને સપનું આવ્યું કે તે પીપળાના ઝાડ પર ચડી એક ડાળીને હાથ લગાડી બોલે છે કે, 'હે પીપળા દેવ! પીપળા દેવ! ખરરર...ખટ.' ને એ ડાળીનાં બધાં પાન રૂપિયાની ચલણી નોટોમાં ફેરવાઈ જાય છે. લાગલગાટ ત્રણ દિવસ સુધી તેને આવું સપનું આવ્યું.

મૂળજીએ તેના આ સપનાની વાત તેની પત્નીને કરી. પત્નીને હાજર રાખી એ પીપળાના ઝાડ પર ચડયો. ઝાડને સાત ડાળીઓ હતી તે પૈકી એક ડાળીને હાથ લગાડી બોલ્યો, 'હે પીપળા દેવ! પીપળા દેવ! ખરર...ખટ.'' અને તેના આશ્ચર્ય વચ્ચે પીપળાની જે ડાળી પર તેણે હાથ લગાડયો હતો તે ડાળીનાં બધાં પાન રૂપિયાની ચલણી નોટોમાં ફેરવાઈ ગયાં. કોઇ પાંચની, કોઇ દસની, કોઇ વીસની, કોઇ પચાસની તો કોઇ વળી સો રૂપિયાની ચલણી નોટો બની ગઈ ને બધી નીચે ખરી પડી. મૂળજીની પત્ની લખમી તો રાજી રાજી થઇ ગઇ. તેણે બધા રૂપિયા ભેગા કરી ઘરમાં મૂકી દીધા.

જે ડાળીનાં પાન રૂપિયાની નોટ બની ખરી ગયાં તેના પર સાત દિવસે નવી કુંપળો ફૂટી. પછી તો મૂળજી દર સાત દિવસે એ પીપળાની બીજી ડાળીને હાથ લાગડી 'હે પીપળા દેવ! પીપળા દેવ! ખરરર...ખટ' એમ બોલે ને એ ડાળી પરથી રૂપિયાની નોટોનો નીચે ઢગલો થઇ જાય.  લખમી તે લઇ ઘરમાં જમા કરી દે. આમ વારા ફરતી બધી ડાળીઓ પરથી રૂપિયા ખરતા ગયાને મૂળજી ને લખમી રૂપિયાવાળાં બની ગયાં.

લોભને થોભ થોડો હોય! પીપળો દર અઠવાડિયે જે રૂપિયા ખેરવતો હતો તે લોભી લખમીને ઓછા પડવા લાગ્યા, કારણ કે પીપળા પરથી ક્યારેય બસો રૂપિયા, પાંચસો રૂપિયા કે બે હજાર રૂપિયાની નોટો ખરતી ના હતી. લખમીને તો એકી સાથે કરોડપતિ થઇ જવું હતું.

એક વખત એવું બન્યું કે મૂળજીને સામાજીક કામે બહાર ગામ જવાનું થયું. બેચાર દિવસ ત્યાં રોકાવાનું થયું. આ બાજુ લોભી લખમીને પીપળા પરથી રૂપિયા ઉતારવાની ઉતાવળ હતી. મૂળજીની રાહ જોયા વગર એ તો પીપળા પર ચડી ગઈ ને એક જ દિવસે વારાફરતી સાતે સાત ડાળીઓ ને હાથ લગાડી 'હે પીપળા દેવ! પીપળા દેવ! ખરરર...ખટ.' એમ બોલતી ગઈ. ઝાડની સાતેસાત ડાળીઓનાં પાન રૂપિયા બની નીચે ખરી પડયાં.

ઝાડે તો રૂપિયાનો વરસાદ વરસાવ્યો. અધધધ... રૂપિયા જ રૂપિયા. એ તો ઘણી ખુશ થઇને બધા રૂપિયા એક ડબ્બામાં ભરીને ઘરમાં રાખી દીધા. મૂળજી ઘરે આવ્યો ને તેણે જોયું કે એ દેવતાઈ પીપળાનાં બધાં પાન ખરી ગયેલાં હતાં. કોઇપણ ઝાડનાં પાંદડાં એ ઝાડનું રસોડું કહેવાય. ઝાડ પોતાનો ખોરાક તેના પાંદડામાં તૈયાર કરે પછી એ ખોરાક થડ, ડાળીઓ, ફળ ફુલમાં મોકલી આપે. આથી જો ઝાડનાં બધાં પાન એક સાથે ખરી પડે તો ખોરાક ના બને ને ખાધા વગર ઝાડ જીવી ના શકે. એણે લખમીને પૂછ્યું, 'પીપળાનાં બધાં પાન ખરી કેમ ગયાં?' 

લખમીએ બધી વાત કરીને રૂપિયા ભરેલો ડબ્બો તેને દેખાડયો. લખમીએ પીપળાની બધી ડાળીઓનાં પાન રૂપિયા બનાવી ખેરવી દીધાં તેથી તે ઘણો નિરાશ થઇ ગયો.

સાતેય ડાળીઓનાં બધાં પાન ખરી જવાથી પીપળો થોડા દિવસોમાં સુકાઈ ગયો. એક દેવતાઈ વૃક્ષના જવાથી મૂળજીના ખેતરના શેઢા પરનાં બીજા વૃક્ષો પણ ધીરે ધીરે સુકાઈ ગયાં. ભેગા કરેલા રૂપિયા પણ થોડા સમયમાં વપરાઇ ગયા. આમ ઓછા સમયમાં માલદાર થઇ જવાની લખમીની  લાલચથી પૈસા આપતું ઝાડ સુકાઈ ગયું ને મૂળજીનું સુખ પણ ધીરે ધીરે છીનવાઈ ગયું.

- સરદારખાન  મલેક

Tags :