Get The App

દોડતું ઝાડ .

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
દોડતું ઝાડ                                      . 1 - image

- 'રતન! વૃક્ષ બનીને જૂઠું જ બોલશે કે? માનવી જૂઠું બોલે છે, વૃક્ષ નહિ. આ બીજા ઝાડ સાંભળશે તો તારી દોસ્તી નહિ રાખે હં!'

- અરરર! આ કરુણ કષ્ટમાંથી કોણ બચાવે મને?

- નાહક ફાંફાં ન માર. તને અહીં કોઈ જ નહિ બચાવે.

- હરીશ નાયક

રતન એકદમ જંગલમાં આવી પડયો.

તે જંગલમાં કેવી રીતે આવ્યો તેની કંઈ જ ખબર તેને નથી. તે શું કામ આવ્યો? તેની જાણ પણ તેને નથી.

તે એટલું જ જાણતો હતો કે તે એકાએક જંગલમાં આવી પડયો છે અને વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. તે નીકળવાનો પ્રયત્ન કરે છતાં તે નીકળી શકતો નથી. જાણે નવું જંગલ તેની સામે ઊભું રહી ગયું.

બાવરો બેબાકળો બનીને તે દોડાદોડ કરતો હતો ત્યાં જ તેની સામે કોઈક આવીને ઊભું રહી ગયું.

ડરી જઈને રતને પૂછ્યું - 'ક-કોણ છે તું?'

'તું કોણ છે?'

'હું...હું રતન છું. જંગલનો રસ્તો ભૂલી ગયો છું.'

'તું રસ્તો ભૂલ્યો નથી.' પેલા અજાણ્યા માનવીએ કહ્યું - 'પણ તું મારી જાળમાં ફસાઈ ગયો છે. કેટલા દિવસથી હું તારી રાહ જોતો હતો. હવે કેવી રીતે તું અહીંથી છટકી શકશે?'

'કોણ છે? કોણ છે તું?' રતને કંપી જતા પૂછ્યું.

'મને ન ઓળખ્યો?' એ માનવીએ મોઢા પરનું કપડું દૂર કરતાં કહ્યું- 'હું માળી છું. તારી નિશાળની પાસેની વાડીનો માળી. યાદ છે? પથરાઓ મારીને ચોરીછૂપીથી પેસી જઈને છોકરાંઓને ઘૂસાડી દઈ તું હંમેશાં મારા ફળ ચોરી જતો હતો. મારો શેઠ રોજ મારા ફળોનો હિસાબ પૂછતો હતો. છેવટે એને મારી પર જ શક ગયો. એને,યું કે હું જ ફળ વેચી મારતો હોઈશ. એણે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. ઓહ...!'

માળી પોતાની વાત કહેતો હતો. રતનને એ બધી વાતો યાદ આવવા લાગી. બધું સાચું હતું. અક્ષરે અક્ષર સાચું હતું.

માળી આગળ બોલતો ગયો, 'ત્યાર બાદ મારા કેવા મુશ્કેલીના દિવસો પસાર,યા તે હું જ જાણું છું. મારો ભૂખમરો, મારી બેકારી, મારી લાચારી. જવા દે. છેલ્લા કેટલાય વખતથી અહીં જંગલમાં લાકડાં કાપી જીવન વિતાવું છું. પણ હું તને નથી ભૂલ્યો. મારી આ વલે કરનાર તું જ છે. મેં તને કહ્યું હતું કે તારા હાથ ભાંગી નાખીશ. ચોરી કરનારના હાથ ભાંગવા જ જોઈએ. આજે હું મારું એ વચન પૂરું કરીશ.'

માળીએ તેની કુહાડી ઉગામી. રતન આજીજી વિનંતી કરતો હતો. પણ માળી કોઈ રીતે માનવા તૈયાર ન હતો. ત્યાંથી બે ઋષિઓ પસાર થયા. તેમના નામ શંખ અને લિખિત હતા. રતને તેમની પાછળ દોડીને કહ્યું - 'મને બચાવો.'

'તેં ઝાડ પરથી ફળ ચોર્યાં?'

રતને માથું હલાવી હા કરી.

શંખ ઋષિ કહે - 'અમે બંને ભાઈઓ છીએ. એના. વૃક્ષો હું સાચવતો હતો. મારા ભાઈ યાત્રાએ ગયા હતા. એક વખત લાલચવશ મેં એમના વૃક્ષનાં ફળ ખાધા. એ ચોરી જ હતી. અને ચોરીની સજા...'  તેણે હાથ આગળ કર્યા. રતન ધૂ્રજી ઊઠયો. શંખ ઋષિના બંને હાથ કપાયેલા હતા. બંને ઋષિ ત્યાંથી પસાર થઈ ગયા તો કોઈક વૈજ્ઞાનિક ત્યાંથી નીકળ્યા. ભારે પ્રભાવશાળી ચહેરો, આંખ પર ગોળ ચશ્મા. હાથમાં પુસ્તક.

'સાંભળો છો?' રતને પૂછ્યું - 'આપ.... આપ કોણ છો?'

'હું જગદીશચંદ્ર બોઝ છું.'

'આપ મને બચાવી શકો છો?'

'શું કર્યું છે તેં?'

'મેં,થોડાક ઝાડ...થોડાંક ફળ...'

'હું માનું છું કે વનસ્પતિમાં પણ જીવ છે. માનવીની જેમ વૃક્ષો પણ જીવંત છે. તેઓ પણ આપણા જેવા જ ભાવ અને ભાવના ધરાવે છે. તેમનો વિકાસ, તેમનો ફેલાવો. તેમનો પરિસ્થિતિ પ્રમાણેનો પ્રભાવ, વગેરે વાતો જણાવે છે કે તેમનામાં જીવ છે, જીવન છે. માનવીના અંગો કાપવાથી જે વેદના માનવીને થાય છે એ જ વેદના ડાળી અને પાંદડાં કપાવાથી વૃક્ષને થાય છે. પથરા મારીને પડાતાં ફળ, ઝાટકા મારીને નિર્દયી રીતે તોડી નખાતી ડાળીઓ.... ના. એ ગુનાઓ માફ કરવા યોગ્ય નથી.'

રતન એમની પાછળ દોડતો રહ્યો. વૈજ્ઞાનિક બોઝ ન થંભ્યા. હાથમાં તીક્ષ્ણ કુહાડી લઈ માળી કહે - 'નાહક ફાંફાં ન માર. તને અહીં કોઈ જ નહિ બચાવે.'

ખચ્ચ! તેણે પ્રહાર કરી જ દીધો. ઓ....!

અપાર વેદનાની ચીસ રતનના મોઢામાંથી નીકળી ગઈ. તેના બંને હાથ કાંડા આગળથી કપાઈ ગયા.

હા-હા-હા-હા! માળી હસતો રહ્યો અને રતન લોહી ટપકતાં હાથે દોડાદોડ કરવા લાગ્યો. પારાવાર પીડાથી તે ત્રાસી જતો હતો. અસહ્ય દુખ દર્દથી તે આકુળ વ્યાકુળ બની જતો હતો.

ઓહ! અરે! અરરર! આ કરુણ કષ્ટમાંથી કોણ બચાવે મને?

'હું બચાવી શકું છું.' એક મીઠો સૂરીલો અવાજ આવ્યો. એ શબ્દમાં માની મમતા હતી. બહેનના લાડ હતા. કોઈક પરી જેવી એ મનોહર સ્ત્રી હતી. અત્યંત મોહક મીઠી ઠાવકી અને સુંદર. એ જરૃર કોઈક વનપરી હોવી જોઈએ.

'બચાવો મને... બચાવો...'

'મારી પાસે બીજો ઉપાય નથી પણ હું તને વૃક્ષ બનાવી શકું છું.'

'વૃક્ષ? હું વૃક્ષ બનીને શું કરું?'

'વૃક્ષ બની જવાથી તારી આ હાથની પીડા જતી રહેશે.'

'પણ વૃક્ષ બની હું જીવીશ કેવી રીતે?'

'જેવી રીતે બીજા વૃક્ષ જીવે છે એવી રીતે.'

'ઓહ! આ જીવલેણ પીડા... ભલે વનદેવી! મને વૃક્ષ બનાવી દો, પણ મને અસહ્ય વેદનામાંથી...?'

જંગલમાં થઈને સરસ મજાનો પવન વાયો. જાણે સૂરીલો પાવો વાગ્યો. વૃક્ષો હાલી ઊઠયાં. તડકો અને છાંયડો ડોલી ઊઠયાં. કોઈ અદ્ભુત કર્ણપ્રિય સંગીતથી વાતાવરણ ગૂંજી ઊઠયું. વનમાતાનાં એ સૂર હતા કે શ્લોકો? જાદુ એવી રીતે ફેલાયો ગયો કે રતનને ખબર જ નહિ. તેનું ધીરે ધીરે વૃક્ષમાં રૃપાંતર થઈ ગયું. તે સાચેસાચ એક ઝાડમાં ફેરવાઈ ગયો. મૂળિયાં, થડ, ડાળી, પાંદડાં, ફળ બધું જ. અરે! પેલી બે ડાળીઓ? હા, એ બંને ડાળીઓ તેના ઠૂંઠા હાથ જેવી ઠૂંઠી જ હતી.

'હવે તો વેદના નથી ને?'

'ના. જરાય નથી. હું તો જુઓ કેવો વૃક્ષ જેવો લાગું છું.'

'વૃક્ષ જ છે તું અને પાછું બોલતું વૃક્ષ...' વનદેવીએ કહ્યું - 'પણ તું માત્ર મારી સાથે વાત કરી શકશે. હું જ તારી વાત સાંભળી શકીશ.'

એકદમ ઝાડ પાન વલ્કલ પહેરેલી એ પરીને જોઈને રતન વૃક્ષના સ્વરૃપમાં પણ ખુશ થઈ ગયો. વનપરી ખરેખર તેને હવે વધુ સુંદર લાગતી હતી. તેણે વન-માતાના ખૂબ વખાણ કર્યા. તે કહે - 'મા! તું તમે મને હાથ નહિ આપી શકો?'

'હાથ તો તારે જાતે જ મેળવવા રહ્યા.'

'તે વળી કેવી રીતે?'

'પહેલાં એ તો કહે કે એ કપાયા કેવી રીતે?'

'માળીએ કાપી નાખ્યા.'

'કારણ?'

'કારણ વળી શું, એ દુષ્ટ હતો. ઘાતકી.'

વનદેવી કહે - 'રતન! વૃક્ષ બનીને જૂઠું જ બોલશે કે? માનવી જૂઠું બોલે છે, વૃક્ષ નહિ. આ બીજા ઝાડ સાંભળશે તો તારી દોસ્તી નહિ રાખે હં!'

રતને બધી વાત કહી સંભળાવી.

વનપરી કહે - 'એક રીતે સારું જ થયું. ચોરી કરનારા હાથની એ જ સજા હોઈ શકે. એ કપાવા જ જોઈએ. હવે તું કદી ચોરી નહિ કરી શકે.'

રડમસ સ્વરમાં રતન કહે - 'પણ સજા ઘણી આકરી થઈ છે.'

'ઘણી બધી ચોરીઓની સજા છે રતન!'

વનદેવી જાણે આજ સુધી રતનની તમામ ચોરી જાણતી હોય તેમ કહેવા લાગી -  એ હિસાબે તો સજા ઘણી નાની જ કહેવાય!

'હા.' રતન પોતાની એકે એક ચોરી યાદ કરવા લાગ્યો. હાથ તો આજે પહેલી વાર જ કપાયા હતા.

તેણે એકાએક પરીની હાજરીનો લાભ લઈ પૂછ્યું - 'પણ મા! તમે તો કહેતા હતા કે મારે મારા કપાયેલા હાથ જાતે જ મેળવવા પડશે, એ કેવી રીતે?'

ભલી સ્ત્રીએ કહ્યું - 'આજ સુધી તેં જેટલી ચોરીઓ કરી છે એટલા જ ભલા કામ તું કરજે. ગણતરી એની મેળે જ થતી રહેશે. જે દિવસે તારાં સારાં કામો તારી ચોરી જેટલાંથઈ જશે તે દિવસે એની મેળે તારા હાથ તને પાછા મળી જશે.'

વનમાતા જવા લાગી. રતન કહે - 'મા? હું તો વૃક્ષ છું. એક જગાએ ઊભો ઊભો હું કામ કેવી રીતે કરી શકું?'

પરીએ રતન-વૃક્ષને પોતાની સાથે દોરતાં કહ્યું - 'લે.' 

ચાલતા વૃક્ષના સ્વરૃપમાં તે વૃક્ષ સ્વરૃપે દોડવા લાગ્યો. પણ પરી તો પછી પાંખો ફેલાવી ઊડવા લાગી. વૃક્ષ ત્યાંનું ત્યાં જ રહી ગયું. અલબત્ત, એ વૃક્ષ નવી જાતનું હતું. એ જ્યાં જવા ધારે ત્યાં જઈ શકતું હતું.

એ વૃક્ષની ખુશીનો પાર ન હતો. ઘડીમાં તે નદી કિનારે જતું, ઘડીમાં મેદાનમાં, ઘડીમાં ગામમાં, ઘડીમાં ડામરની સડકની પાસે.

વૃક્ષને ભલાઈ તથા પરોપકાર સિવાય બીજું શું સૂઝે? રતન-વૃક્ષે તો દોડી દોડીને ભલાઈ શરૃ કરી.

એક ઘરડો પ્રવાસી મેદાન પસાર કરતો હતો. તાપનો પાર નહિ. તાપથી કંટાળી તે થાકી  જતો હતો. રતન-વૃક્ષ તેની છત્રી બની ગયું. તેને છત્રી ઓઢાડી એ પ્રવાસીને દૂર મુકી આવ્યું. પ્રવાસીના આનંદનો પાર નહિ.

એક ભીખારણ ડામરની સડક પર ભીખ માગતી હતી. તરફડતી હતી. રતન-વૃક્ષે તેને છાંયડો કરી દીધો. લોકો પણ એ છાંયડામાં આવીને ઊભા રહેવા લાગ્યા. ભીખારણના વાડકામાં ખનન ખનન પૈસા પડવા લાગ્યા.

રતનને થયું કે એકાદ ડાળી ઝુકાવી એમાંથી તે થોડાક પૈસા લઈ લે.

પણ તરત જ તેને પેલી બે કપાયેલી ડાળીઓ નજરે પડી. એ તેના કપાયેલા હાથ હતા.

એક પિતા-પુત્રી ઝુંપડીમાં રગરગતા હતા. પિતા કહે - 'આજે પણ કામ નહિ મળ્યું.'

'થોડાક લોટ જેટલા પૈસા તો મળ્યા હશે ને?' પુત્રીએ પૂછ્યું.

'કામ જ નથી મળ્યું.' ડોસાએ કહ્યું - 'ત્યાં વળી પૈસા કેવા? આજે પણ ભૂખે જ મરવું પડશે.'

રતન વૃક્ષ ત્યાં પહોંચ્યું. ખનન ખનન જેમ ભીખારણના પાત્રમાં પૈસા પડતા હતા તેમ તેણે ફળ ખંખેરવા માંડયા.

ફળ ફળ ફળ! જોતજોતામાં મીઠા ફળના ઢગલા થઈ ગયા. પિતાપુત્રી તો ઘેલા અને ગાંડા બનીને ફળ ખાવા લાગ્યા.

એક ઉઘાડપગી સ્ત્રી દાઝતી હતી. દોડતી હતી. રતન વૃક્ષે તેને પાંદડાના પગરખાં પગે બાંધી આપ્યા.

વૈદે દર્દીને તપાસીને કહ્યું - 'અશક્તિ વધારે છે. ફળ ખાવાનું રાખો.'

દર્દી કહે - 'ફળ? મારા જેવો ગરીબ વળી ફળ ક્યાંથી...?'

હજી તે આગળ બોલે તે પહેલાં રતન વૃક્ષે તેની સામે ફળ ધરી દીધા અને ત્યાર પછી એ દર્દીને ફળ મળતાં જ રહ્યા.

પતંગ ફાટયો. છોકરો બોલી ઉઠયો - 'હઠ! અહીં વળી સાંધવા માટે ગુંદર ક્યાંથી ...?'

હજી તેનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ રતનવૃક્ષે ગુંદર હાજર કરી દીધો.

'લાકડાં પણ કેવા લીલા છે.' ચૂલો ફૂંકતી એક ગૃહિણી બોલી ઉઠી. તેની આંખોમાં ધુમાડો પેસી ગયો હતો. શ્વાસમાં ધુમાડો પેસતાં તેને ખાંસી ચડી હતી.

'લો વૃક્ષની સૂકી છાલ.' રતનવૃક્ષે પોતાના થડ પરની સૂકી છાલનો ઢગલો કરી દેતાં કહ્યું.

ચુલો ભડભડ સળગવા લાગ્યો.

ચિકિત્સક કહે - 'ઔષધમાં ઝાડના મૂળનો રસ...'

લો, મૂળિયા હાજર.

શહેરથી ગામ સુધી, નદીથી નહેર સુધી, રતનવૃક્ષે દોડી દોડીને બધાંને મદદ કરવા માંડી. એ વૃક્ષ જાણે કલ્પવૃક્ષ બની ગયું હતું. તેની પાસે હરેક ફરિયાદનો ઉપાય હતો. દરેક રોગની દવા હતી. કોઈ પણ માગણીની ચીજ તેની પાસેથી મળી શકતી હતી.

નવો બંધ બંધાતો હોય કે પૂલનું કામ ચાલતું હોય. ગાડીના પાટા નંખાતા હોય કે ડામરની સડક નવી બનતી હોય, રતનવૃક્ષ એ બધી જગાએ પહોંચી જતું. મહેનત મજૂરી કરતાં મજૂરોને તે શીળી છાંય અને મીઠાં ફળ આપતું. પોતાની ડાળી પર ઝુલતાં મજૂર સ્ત્રીઓનાં બાળકોને તે હીંચકા નાખીને સૂવડાવતું. કિશોર કિશોરીઓને તે ડાળીઓ પર ચઢાવી આમલી પીપળી રમાડતું.

વાંદરા, ખિસકોલી, પક્ષીઓને તે પાંદડા, મહોર, કૂંપળ, ફળ ખાવા દેતું અને પંખીઓને માળા પણ બાંધવા દેતું.

રતનવૃક્ષે ન દિવસ જોયો ન રાત. તેણે તો દોડા દોડ કરી મૂકી. ભલાઈ ભલાઈ ભલાઈ! આપ્યા સિવાય બીજું કામ નહિ. કષ્ટ નજરે પડયું નથી કે રતનવૃક્ષની કૃપા ઉતરી નથી.

કંઈ કેટલાય દિવસો સુધી આ ભલાઈનું કામ ચાલ્યું. અરે, દિવસોની મહિનાઓની તો ગણતરી જ રહી નહિ. પછી તો ભલાઈની ગણતરી પણ ભૂલાઈ ગઈ. ઉપકાર જીવનમાં વણાઈ ગયો. જાણે એકમાત્ર સારા કામ માટે જ રતનવૃક્ષનો જન્મ થયો છે એમ ભલાઈ હાડમાં જ વસી ગઈ. પેલી બે ઠૂંઠી ડાળીઓ પર ક્યારે આંગળા જેવી ડાંખળીઓ ફુટી, પલ્લવ જેવા સુશોભિત પાંદડાં ક્યારે આકાર પામ્યા એની પણ રતનવૃક્ષને ખબર રહી નહિ. નવા રૃપરંગવાળી એ બે ડાળી હવે પહેલા જેવી બોદી કે કઢંગી લાગતી ન હતી. તેની રમણીયતા જોવી ગમે તેવી હતી.

એક દિવસ તો રતનવૃક્ષે અપરંપાર દોડાદોડી કરી મૂકી. ભલાઈ માટેની એની એ દોડ પછી એનેય થાક લાગ્યો.

'બહુ થાક લાગ્યો છે ખરું?' લાંબે સમયે વનપરીનું આગમન થયું. એ વનમાતા તેને ભૂલી ગઈ હતી કે શું?

'હા' રતનવૃક્ષે કહ્યું - 'આજે તો મારે દૂર દૂર સુધી જવું પડયું. દુનિયા ખરે જ દુખી છે. ભલાઈ ગમે તેટલી કરો તો પણ ઓછી જ પડવાની. ઓહ!'

તેને બગાસું આવ્યું. ભારે ઊંઘ ચઢી.

વનદેવીએ કહ્યું - 'સૂઈ જા. જાગશે ત્યારે એક ચમત્કાર જોઈને તું રાજી થઈ જશે.'

'કેવો ચમત્કાર?'

'તારી જાતે જ જોઈ લેજે.'

હસતી હસતી વનપરી વિદાય થઈ ગઈ.

રતન જ્યારે જાગ્યો ત્યારે એકદમ સફાળો બેઠો થઈ ગયો. તે અતિ ઉત્સાહમાં આનંદની ઉત્તેજનામાં બોલતો હતો - 'મારા હાથ મને પાછા મળી ગયા... હાથ... હું પાછો છોકરો બની ગયો છું. માણસ...'

પોતાનાં હાથને તે વારંવાર નિહાળતો હતો. પોતે વૃક્ષ નથી તેની ફરીને ફરીને ખાતરી કરતો હતો. ઓહ! આજે તેને કેટલી જબરી ઊંઘ ચઢી ગઈ હતી. અને સપનુંય કેવું ગજબનું! તેને એકદમ ઉઠવાનું ગમ્યું નહિ. આંખ બંધ કરી દોડતાં વૃક્ષનું એ સપનું વાગોળવાનું ગમ્યું.

તે પોતાના ઘરમાં હતો, પોતાની પથારીમાં જ હતો, છતાં તેણે પ્રતિજ્ઞા કરી કે હવે માળીના વૃક્ષ નહિ ચોરું, આ હાથે તો હરગીઝ નહિ કરું. અને ભલાઈના કામ...? હા આ હાથનો એક એક જ ઉપયોગ. ભલાઈ ભલાઈ અને ભલાઈ.

તેની બંધ આંખો સામે જાણે વનદેવી કૃપા વરસાવતી હસતી હતી.