Get The App

શાહમૃગ સાથે શાહી દ્વન્દ્વ

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
શાહમૃગ સાથે શાહી દ્વન્દ્વ 1 - image

- શાહી સમ્રાટ શાહમૃગે બધી પળોજણ સાથે તેમના ઘણ જેવા પગનો ય પ્રયાસ શરૂ કરી દીધો હતો. જો હું તેના પગમાં આવી જાઉં તો એ હડફેટ મારી જિંદગીની છેવટની જ ફેંટ બની રહે!

- મેં સર્પાકારમાંથી ચક્રાકાર દોડ શરૂ કરી

- હું પાંખ છોડું તો મરી જ જાઉં ને!

હરીશ નાયક

આજોબાએ ભારતીય રેલવેમાં નોકરી શરૂ કરી, તે પહેલાં તેઓ પૂર્વ આફ્રિકામાં ફરજ બજાવતા હતા. નવી નંખાતી રેલ-પટરી પર નજર રાખવાનું તેમનું કામ હતું. 

આજ દિવસો દરમિયાન તેમને શાહમૃહ સાથેના પેલા પ્રસિદ્ધ મુકાબલાનો પ્રસંગ બન્યો હતો. આજોબાના મુખે એ પ્રસંગ હું કંઈક વાર સાંભળી ચૂક્યો છું. આજે તેમના જ શબ્દોમાં એ સાહસ કે દુ:સાહસ કથા તમારી સમક્ષ રજૂ કરું છું.

નવી રેલવે લાઈન નાખવાનું અમારું કામ ચાલુ હતું. ત્યારે આ જ જીવસટોસટની ઘટનામાંથી હું માંડમાંડ બચ્યો. સાવ બચ્યો, એમ તો ન જ કહી શકું, પણ જીવી ગયો ખરો.

હું નાના સરખા અવાવરૂ અને અણઘડ ગામમાં રહેતો હતો. એ જગા મારા કામના ઠેકાણાથી ૧૮/૧૯ કિલોમીટર દૂર હતી. કામની જગાએ મારે માટે તંબૂ ઠોકવામાં આવ્યો હતો. મોટે ભાગે હું ઘોડા ઉપર જ આવ-જા કરતો.

એક વખતે મારા ઘોડાને અકસ્માત નડયો. હું ગામ જતો હતો અને મને કોઈકે મંઝીલ સુધી પહોંચાડી દીધો. નસીબ મારું. બીજે દિવસે કામ પર જતી વખતે પણ કોઈક સાથી-સહવાસી મળી જશે, એવી ધારણા હતી. પણ એવું કોઈ મળ્યું નહીં. મેં નક્કી કર્યું કે, 'ચાલો, કામ સુધી ચાલી જ નાખીએ. ક્યારેક પગની સવારીનો પણ લાભ લેવો જોઈએ ને!'

વચમાંની શિખર ટેકરી ઓળંગીને હું જઈ શકું તો નવ કિલોમીટરનો જરૂર ફરક પડી જાય! પણ આ 'શોર્ટકટ' લેવા માટે શાહમૃહના ફાર્મમાં થઈને પસાર થવું જ પડે. 

શાહમૃગના ટોળામાં થઈને પસાર થવું હમેશા જોખમી મનાયું છે. કારણ, આ સમય નર શાહમૃગ ખરેખર ઝનૂનમાં હોય છે. એમ તો મને શાહમૃગ વિષે થોડીઘણી માહિતી હતી કે મારો જોડીદાર શ્વાન, એમ તો બહાદુર હતો, પણ તે શાહમૃગથી ડરીને જ ચાલતો. તમને નવાઈ લાગશે પણ શાહમૃગોને પણ કૂતરાઓ પસંદ નથી હોતા. ભલે શ્વાન નાનો હોય પણ શાહમૃગ તેનો એવો પીછો કરે છે કે, તેને ઉછાળીને જ રહે છે. એ વખતની શાહમૃગની દોડ અચ્છા દોડવીર અશ્વોથી પણ ચઢિયાતી હોય છે. 

શાહમૃગની સરેરાશ ઊંચાઈ નવ ફૂટની મનાય છે પણ કેટલાક વળી બાર ફૂટ જેટલા અમિતાભ પણ હોય છે. મારો શ્વાન મને મદદરૂપ થશે એવું લાગતું ન હતું. આ શ્વાનનો સાથ મને એકાદ મહિનાથી જ મળ્યો હતો.

શાહમૃગ કેમ્પમાંથી પસાર થવા માટે મારે કાંટાળા તારમાંથી પસાર થવાનું હતું. સાવધ રહીને ખમીસ કે પાટલૂન તારચૂંકમાં ન ભરાઈ જાય, તે રીતે હું પસાર થઈ ગયો. શ્વાનને વાંધો આવ્યો નહીં. શાહમૃગો પોતપોતાની રીતે છૂટા છવાયા ચરતા હતા. 

મેં શાહમૃગ ક્ષેત્રમાંથી દોઢેક કિલોમીટર કાપ્યા હશે કે, મારા કૂતરાની નજરે એક સસલુ પડી ગયું. સસલું એમ જ દોડતું હતું કે મારા કૂતરાને તે ભાળી ગયું હતું! પણ ઊંચા કાન ઊછાળતું કૂદતું દોડતું સસલું શ્વાનને આમંત્રણ આપી ચૂક્યું. સસલાની પાછળ દોડી જતાં શ્વાનને મેં ઘાંટા પાડી પાડીને પાછા બોલાવવાનો પ્રયાસ કર્યો. પણ સસલાનો પીછો એ શ્વાનની મનગમતી રમત છે.

મારા ઘાંટાઘાંટને લઈને કે કૂતરાની દોડને લઈને એ બધું થયું! અને હું કહી શકું નહીં. પણ મારા મનમાં જે શંકા હતી, એ જ કારસ્તાનનું સર્જન થઈને રહ્યું. સસલા-કૂતરાની આ દોડ નિહાળી શાહમૃગોમાં ચેતન આવ્યું. ટોળાંમાંના એક વિશાળ નર શાહમૃગે પહેલાં તો શ્વાન પાછળ જ દોટ મૂકી. પણ એ દોટની વચમાં તેની નજર મારી પર પડી ગઈ. તે થોભી ગયો. તેણે દિશા બદલી અને મારી પાછળ આક્રમણ નિરધાર્યું. પાંખ ફૂલાવી, પૂંછડી ફૂલાવી, તરત જ તેણે ગતિ પકડી. 

હવે બચવા સિવાય કોઈ આરો નથી. સમજીને મેં ઘટાટોપ અર્ધ ટેકરી તરફથી જીવ-દોટ શરૂ કરી. મારી હાંફદોટને મેં દોઢી ગતિ આપી. પણ ક્યાં મારી ત્રણ ફૂટી દોડ અને ક્યાં તે તેર ફૂટી જમ્પીંગ!? 

શાહમૃગને જ્યારે ઝડપની જરૂર પડે છે ત્યારે તે પાંખ ફેલાવે છે. એ પાંખનો તે હલેસાં જેવો જુસ્સો લે છે. દોડતાં દોડતાં સહેજ ઊડી પણ લે છે. રસ્તા પરની આ સ્વાભાવિક ઓલિમ્પિકમાં શાહમૃગને કોઈ ટપી શકે નહીં. ઘોટા, ગધેડા, વાઘ, સિંહ કે ચિત્તા દીપડાય નહીં. સર્પાકારે દોડીને પણ આપણે તેને છેતરી શકતા નથી. તે પોતાની પાંખ, ગરદન, ચાંચ, પગના પ્રહારો એક સાથે શરૂ કરે છે. 

શાહમૃગના આ અંગોમાં અપ્રતિમ બળ અને ઝાપટ હોય છે. તે લડાઈમાં પોતાના પગનો પાછળથી ઉપયોગ કરતા નથી, આગળથી ઠોકર મારે છે. એ ઠોકરમાં સિંહનું જડબું તોડી નાખવાની તાકાત રહેલી હોય છે. મોટા દ્વન્દ્વ કે યુદ્ધ વખતે તે ગરદનથી પ્રહાર કરીને શત્રુને હાર કે છક્કડ ખવડાવી દે છે.

મેં દોડમાં પાછી ભૂલ કરી. મેં સર્પાકારમાંથી ચક્રાકાર દોડ શરૂ કરી. મરવાનો જ થયો હોઈશ ને હું! તેના અણિદાર નખમાં શત્રુને ચરરર ચીરી નાખવાની તિક્ષ્ણતા હોય છે જ.

તેણે એક વખત તો લાત ફટકારી મને દૂર ફેંકી દીધો. હું ધૂળ ચાટતો થઈ ગયો. પણ મારે બચવાનું જ હતું. જો હું ગેં-ગેં, ફેં-ફેં કરું તો તે મને તેનો ફૂટબોલ જ બનાવી દે. હું બન્ને હાથ ફેલાવી ઊભો થઈને કંઈક પકડવાનો પ્રયાસ કરવા લાગ્યો. અહીં પકડવા માટે બીજું શું હોય? એ બાર ફૂટિયાની ચોવી ફૂટી આંગ જ મારા હાથમાં આવી ગઈ. 

એ પકડ-યુક્તિ કેવી રીતે સૂઝી તેની ય ખબર નથી પણ કમર તૂટેલી હોવા છતાં તેના પીંછા-પકડની નેમ ફાવી ખરી. પહેલાં એક હાથે અને પછી બે હાથે મેં તેના કાષ્ટ-પંખ જોરથી પકડી રાખ્યા. 

તેને આ દશા ન ગમી. તે પીંછા પરથી મને ફેંકવા પાંખ ફફડાવતું રહ્યું. હું પાંખ છોડું તો મરી જ જાઉં ને! હું તેની પાંખની એટલો નજીક હતો કે જો તે પાંખ જમીન પર પટકે પછાડે કે ઝાટકે, તોય મારા હાડકાંની કચૂંબર નીકળી જાય! પણ તેણે જોરજોરથી ફરવા માંડયું. તેને એમ કે એ રીતે તે મને ફેંકી દેશે. પણ હું ય જંગલમાં જીવ્યો હતો. તેના પાંખની ડાળી છોડી નહીં, ઢીલી પડવા દીધી નહીં, જરાય સરકવાય ન જ દીધી. 

શાહભાઈએ પોતાની ગોળ ચકડોળની ગતિ વધારી દીધી. પોતાના સંવનન કાળમાં ય તે આ રીતે એકલું એકલું ગોળગોળ ફરીફરીને માદાને રીઝવવાના પ્રયાસ કરે છે. ફુદરડી ફરવાનું તથા તેને વક્રાકાર કે ચક્રાકારનો ચાક ચઢાવવાનું તેને ફાવતું જ હોય છે. અત્યારે તો એ જરૂરી હતું. 

મારા પગ હવામાં કેટલે દૂર સુધી ગોળાકારે ઘૂમતા હતા, તેનો ખ્યાલ હું કરતો ન હતો. પણ ચક્રાકારની ગતિ માણસને તો શું, કોઈ બીજા જીવને ય ફાવતી નથી. દેહનું ઘૂમવું માથાને અને મગજને ઘૂમતું કરી દે છે.

મારી એ ઘમ્મર ઘેરી શરૂ થઈ ગઈ હતી. માથામાં સણકાનાં તણખાં નહીં, છણખાં પીંખાવા લાગ્યા હતા. પણ જે ભાન હતું, તેમાં મારો એક જ ખ્યાલ રહેતો કે હાથ છોડવો નથી. 

શાહી સમ્રાટ શાહમૃગે આ બધી પળોજણ સાથે તેમના ઘણ જેવા પગનો ય પ્રયાસ શરૂ કરી દીધો હતો. જો હું તેના પગમાં આવી જાઉં તો એ હડફેટ મારી જિંદગીની છેવટની જ ફેંટ બની રહે! હું કેમ અને કેવી રીતે મર્યો, તેનું મને તો શું, શોધનારને ય કારણ જાણવા ન જ મળે.

મારા હાથ હવે છૂટું છૂટું થઈ રહ્યા હતા. મને ખરેખર શાહી યોદ્ધાએ ચક્કરમાં નાખી દીધો હતો. છેલ્લી ઘડીએ કોઈ ઇશ્વર-સ્મરણ કરતું હશે? મેં બચાવ માટે પવિત્રસ્મરણો શરૂ કરી દીધા! એકાએક ન થવાનું થયું. શાહમૃગ એક બાજુ ફરીને થાકી કંટાળી કે ત્રાસી ગયો હશે! તે રોકાયો અને બીજી તરફનું ભ્રમણ શરૂ કર્યું.

આ ભ્રમણ વળી વધારે ચકરાતું હતું. શાહમૃગે નક્કી જ કર્યું હતું કે તે મારા હાથ છોડાવીને જ રહેશે. મને ય મારા હાથ છૂટું છૂટું થવા લાગ્યા.

અને છૂટ્યા હાથ! તોપમાંથી ફેંકાયેલા ગોળાની જેમ હું ફેંકાયો. સહેજ દૂરની કાંટાળી વાડમાં જઈને પડયો.

શાહમગૃને રાહત મળી અને ફાવટ આવી. હું વાડમાં હતો અને તેણે મને તેના માથા વડે માર શરૂ કર્યો. હું વાડમાં વધુને વધુ ખૂંપતો ગયો. તે કદાચ તેની ચિપિયા જેવી ચાંચ વડે મને ખેંચીને બહાર કાઢત. મારો છૂંદો રોટલો જ કરી નાખત.

પણ તેવું બન્યું નહીં.

ચમત્કાર જ કહી શકાય!

કેમ કે સસલા પાછળ પડેલો મારો શ્વાન આવી લાગ્યો હતો. તે સસલાને પકડી શક્યો ન હતો. અને તેને છોડીને મને મારવા આવેલા શાહમૃગને તે ભૂલવા કે છોડવા તૈયાર ન હતો.

જ્યારે હું કાંટાઓમાં ફસાઈને મરતો હતો, ત્યારે જ શ્વાને તેનો એક ટાંગો પકડી લીધો. શાહમૃગનું ધ્યાન મને મારવા હતું. તે શ્વાન સાથે યુદ્ધ માટે તૈયાર ન હતો. પણ શ્વાનને જુએ પછી શાહમૃગને માણસમાં રસ હોતો નથી.

શ્વાને પજવેલા અને પરેશાન કરેલા શાહમૃગે શ્વાન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. દોડયા એ શાહજી શ્વાનની પાછળ.

શ્વાન કંઈ શાહમૃગથી વધુ ઝડપથી દોડી શકે નહીં, પણ શાહજી મારી સાથેના ચક્રવ્યૂહમાં થાક્યા હશે! ચક્કરેય ચઢ્યા હશે!! શ્વાનને ઝપટમાં લેવાનું ફાવ્યું નહીં. શ્વાને પોતાની જીત નિહાળી જોરજોરથી ભસવાનું શરૂ કર્યું. એ ભસવાનું શ્વાનને ઉશ્કેરવા માટે પૂરતું હતું. પણ શાહઆલમ અત્યારે બીજા કોઈ આલમ સાથે યુદ્ધ પડકારવા તૈયાર ન હતા.

હું પેલી ફરકીભરી ફેરફુદરડીથી, હાથની કઠણ-લીસા પકડની અક્ડથી અને શાહમગૃના માથા મારથી એવો ટિચાયો હતો કે ત્યારબાદ શું બન્યું તેની જાણ મને નથી.

એકાદ મહિના મારે રેલવેની કામચલાઉ પણ કામ આવે તેવી હોસ્પીટલમાં રહેવું પડયું. ત્યારે જાણેલી વાત એવી હતી કે મારા કૂતરાના જોરજોરથી ભસવાને લઈને દૂર ઊભેલો શાહમૃગના રખેવાળનું ધ્યાન ખેંચાયું. આ રખેવાળ ક્યાં તો શાહમૃગ ઉપર સવારી કરીને જ શાહ પશુઓને ચરાવતા હોય છે યા તેમણે શાહમૃગ-ગાડી બનાવી હોય છે.

કહે છે કે રખેવાળ શાહમૃગની ગાડી દોડાવતો આ તરફ આવ્યો. મારી દશા નિહાળી તે પ્રભાવિત થયો. ઘસાતા કાંટાની વચમાંથી યુક્તિ અને શક્તિ મુજબ તેણે મને બહાર કાઢ્યો અને શાહમૃગની ગાડીમાં જ તે મને હોસ્પિટલમાં લઈ ગયો.

શરીરમાં કેટલા જખ્મો હશે તેનો તો ખ્યાલ જ આવે તેમ ન હતો. સારું હતું કે હું ભાન ગુમાવી બેઠો હતો!

હું સારો થયો ત્યાં સુધી મારો ઊડઝૂડ શ્વાન મારી સાથે જ રહ્યો. જ્યારે લાકડી લઈ ડગુમગુ ચાલતો થયો ત્યારે તે ભસીભસીને કંઈક કહેતો હતો. કદાચ કહેતો હશે, 'હવેથી સાવધ રહેજે. શાહમૃગ સાથે શાહી લડાઈ ઠેરાવી દેતો નહીંં' અથવા તેની ભસ્ય કે ભાસ્ય ભાષામાં તે એમ પણ કહેતો હોય : 'મેં તને બચાવ્યાં, મેં હાઉ હાઉ!'

ફરીથી હું કામે લાગ્યો ત્યારેય દેહ પર પાટાપિંડી તો હતા જ. મારા સાથીઓ કહે : 'અજાણી ધરતી પર પાટા બાંધવાને બદલે જાણીતા દેહ ઉપર પાટા બાંધી બેઠો? ખરો છે તું!' 

(રસ્કિન બોન્ડની કથા પર આધારિત)