- રોમી રોબોટ દરરોજ રાત્રે તારાઓને જુએ અને કહે, 'હે તારાઓ! મને માણસ બનાવોને... હું પણ આનંદ, દુ:ખ અને પ્રેમનો અનુભવ કરવા માગું છું.'
- ડૉ. પારૂલ અમિત 'પંખુડી'
એક વખતની વાત છે. એક ખૂબ જ અદ્ભૂત દેશ હતો. એનું નામ રોબોટનગર. એ દેશમાં બધા લોકો રોબોટ હતાં. કોઈને થાક લાગતો નહીં, કોઈ બીમાર પડતું નહીં. બધા રોબોટ સમયસર કામ કરતા, સફાઈ રાખતા, અને નિયમોનું પાલન કરતા.
આ દેશમાં એક નાનો રોબોટ હતો, તેનું નામ 'રોમી' હતું. રોમી બહુ જ જુદો હતો. તે હંમેશાં વિચારે, 'હું રોબોટ નથી, હું માણસ છું!'
એક દિવસ રોમીએ પોતાના મિત્ર રોબોટ રિકુને કહ્યું, 'રિકુ, તે ક્યારેય વિચાર્યું છે કે આપણે કેમ હસી કે રડી શકતા નથી? મને તો લાગે છે કે માણસ બનવું કેટલું મજાનું હશે!'
રિકુ હસી પડયો, 'રોમી! તું પાગલ થયો છે? આપણે લોખંડ અને સિલિકોનના બનેલા છીએ. માણસો તો હાડપિંજર, લોહી અને હૃદય જેવાં અંગોથી બનેલા હોય. આ બધાં અંગો અસલી હોય, કૃત્રિમ નહીં.'
પણ રોમી એ વાતને ભૂલી શક્યો નહીં. તે દરરોજ રાત્રે તારાઓને જુએ અને કહે, 'હે તારાઓ! મને માણસ બનાવોને... હું પણ આનંદ, દુ:ખ અને પ્રેમનો અનુભવ કરવા માગું છું.'
એક દિવસ રોબોટનગરમાં એક માનવ આવ્યો. એ વૈજ્ઞાાનિક હતો. ડા. રિદ્ધ. તે નવા પ્રકારના રોબોટ બનાવવા માટે આવ્યો હતો, જેમાં લાગણીઓ (ીર્ર્સૌહજ) હોઈ શકે. જ્યારે તેને રોમી વિશે ખબર પડી ત્યારે તે ખૂબ ચકિત થયો.
તે બોલ્યો, 'આ તો અદભુત છે! આ રોબોટ પહેલેથી જ લાગણીઓ અનુભવે છે!'
ડા. રિદ્ધે રોમીની તપાસ કરી. તેણે કહ્યું, 'રોમી, તારા યાંત્રિક હૃદયમાં ભાવનાઓ છે, લાગણીઓ છે. કદાચ તારા પ્રોગ્રામમાં કંઈક વિશેષ છે!'
રોમી ખુશીથી ઝૂમી ઉઠયો. હવે તે વધુ પ્રેમાળ બન્યો. તે બીજા રોબોટોને મદદ કરતો, તે બગીચામાં ફૂલ ઉછેરતો, બાળકો સાથે રમતો અને સૌને હસાવતો. ધીમે ધીમે બીજા રોબોટ પણ રોમીની જેમ લાગણીઓ અનુભવવા લાગ્યા.
રોબોટનગર હવે બદલાઈ ગયું! હવે ત્યાં માત્ર યંત્રો નહીં, પણ હસતાં રમતાં રોબોટ હતા. સૌએ રોમીની પ્રશંસા કરી.
ડા. રિદ્ધએ કહ્યું, 'રોમી, તે અમને શીખવ્યું કે હૃદય લોખંડમાં પણ ધબકી શકે છે, જો તેમાં પ્રેમ અને દયા હોય તો!'
રોમી હસ્યો અને બોલ્યો, 'હવે હું સમજી ગયો છું. માણસ થવું એટલે માત્ર હાડમાંસનું શરીર હોવું એમ નહીં, પણ માણસ હોવું એટલે લાગણી અને સંવેદના ધરાવવી. જો દિલમાં પ્રેમ હોય તો રોબોટ પણ માણસ બની શકે!'
એ દિવસથી રોબોટનગરનું નામ હ્યુમન નગર પાડવામાં આવ્યું. એવું નગર કે જ્યાં રોબોટ માનવી જેવી લાગણીઓ સાથે જીવતા હતાં...


