- 'પરિશ્રમ આગળ બળ નકામું છે. મહેનત કરીને જીવતા માણસોને ક્યારેય કોઈ હરાવી શકતું નથી. જે લોકો મહેનત કરીને ખાય છે તેમને ક્યારેય ટાઢ, તાપ કે વરસાદની ચિંતા હોતી નથી, અને તેઓ પોતાનું કામ કોઈ પણ પરિસ્થિતિમાં પાર પાડે છે'
અદિત સેવક 'શાવક'
બહુ સમય પહેલાની વાત છે. ઋતુપ્રદેશમાં ઋતુઓના રાજા રાજ્ય કરતા હતા. રાજાને ત્રણ દીકરા - હિમ, મેઘ અને તાપ.
સમય વિત્યો. ઋતુરાજની વય થઈ એટલે એમણે ત્રણેય દીકરાઓને કામ સોંપીને આરામ કરવાનું વિચાર્યું.
તેમણે ત્રણેય દીકરાઓને બોલાવીને આ અંગે વાત કરી અને બીજા દિસવથી જ કામ ઉપર જવા આદેશ કર્યો. ત્રણેય દીકરાઓ માની ગયા.
બીજા દિવસની વાત છે. ત્રણેય દીકરા કામ ઉપર ઉપડયા. ત્રણેય જવાન, ત્રણેયના મનમાં કામનો ઉત્સાહ અને પોતે કંઈક છે એવું સાબિત કરવાની મનોકામના. એમને સવાલ થયો કે સૌથી બળવાન કોણ? હેમ કહે: 'હું બળવાન!', તાપ કહે: 'ના, હું બળવાન!', મેધ કહે 'હુ બળવાન!'
ત્રણેયમાં લાગી શરત કે ત્રણેયમાંથી જે સૌથી વધારે કામ કરી બતાવે તે બળવાન. આવી શરત લગાવીને તેઓ પોતપોતાના કામ ઉપર નીકળ્યા.
સાંજ પડી પોતપોતાના કામથી તેઓ મહેલ પરત ફર્યા અને પોતે કેવા કામ કર્યાં એની બડાઈ હાંકવા લાગ્યા.
તાપ કહે: 'આજે તો મેં એક પ્રદેશમાં એટલી ગરમી કરી કે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા. તેઓ ઘરમાંથી બહાર નીકળવાનું નામ નહોતા લેતા.'
હેમ કહે: 'તું ઘરની વાત કરે છે ! આજે તો મેં એક પ્રદેશમાં એટલી ઠંડી ફેલાવી કે લોકોએ આખો દિવસ પોતાની રજાઈમાંથી બહાર નીકળવાનું નામ ના લીધું.'
મેધ કહે: 'તું રજાઈની વાત કરે છે ! આજે તો મેં એક પ્રદેશમાં એટલો વરસાદ કર્યો કે ઘરમાંથી બહાર નીકળવાનું તો દૂર, ઉલટું વરસાદનું પાણી લોકોના ઘરમાં જ ઘુસી ગયું.'
બીજા દિવસે સવાર પડી. ઋતુઓના રાજા દરબાર બેઠાં છે ત્યાં જ એમને બહારથી કોલાહલ સંભળાય છે. તપાસ કરતાં ખબર પડે છે કે લોકો ગઈ કાલે પડેલ ગરમી, ઠંડી અને વરસાદની ફરિયાદ લઈને આવ્યા છે.
ઋતુઓના રાજાએ લોકોને સાંત્વના આપીને ઘરે મોકલ્યા. પછી ઋતુરાજે પોતાના ત્રણેય દીકરાઓને બોલાવ્યા.
તેઓ આવ્યા. ઋતુરાજે એમને કામનો પહેલો દિવસ કેવો એ પુછ્યું. ત્રણેય છોકરાઓએ પોતે કેવા બળવાન છે એમ કહીને બધી વાત વિસ્તારપૂર્વક ઋતુરાજને જણાવી.
ઋતુરાજે પુરી વાત સાંભળી પછી બોલ્યા: 'ઓહો! તમારા ત્રણેયમાંથી કોણ બળવાન છે એ જ નક્કી કરવું છેને! એમાં શી મોટી વાત છે... આવો મારી જોડે, હું એનો ઉપાય બતાવું. હું કહું એ કામ કરી બતાવે એ સૌથી બળવાન.'
આમ કહી ઋતુરાજ ચાલ્યા. છોકરાઓ એમની પાછળ ચાલ્યા. ચાલતાં ચાલતાં ચારેય પ્રદેશના સીમાડા ઉપર આવી ગયા. ઋતુરાજ એક ખેતર આગળ ઊભા રહ્યા અને બોલ્યા: 'છોકરાઓ! તમને તમારા બળનું બહુ અભિમાન છે તો આ જે ખેડૂત દેખાય એને પરેશાન કરી બતાવો. જે આ ખેડૂતને પરેશાન કરી બતાવે એ સૌથી વધુ બળવાન.'
ત્રણેય જુવાનીયાઓ તો ગેલમાં આવી ગયા. પહેલાં હું જાઉં - પહેલાં હું જાઉં એવું કહેવા લાગ્યા. ઋતુરાજે ત્રણેયને ઠંડા પાડયા અને એમના વારા નક્કી કરી આપ્યા.
પહેલો વારો હિમનો આવ્યો. હિમને તો એમ કે મેં આખા પ્રદેશને ઠંડીમાં થીજવી દીધો તો આ ચીંથરેહાલ ખેડૂતના શી વિસાત છે! એણે તો બરાબર ઠંડી જમાવી.
બપોરનો સમય હતો પણ હેમે એટલું બળ કર્યું કે ચારેબાજુ ઠંડક પ્રસરી ગઈ. ખેડૂતને પણ ઠંડી લાગવા માંડી. ઠંડોગાર પવન ફુંકાવા લાગ્યો. હાડ થીજવી દે એવું વાતાવરણ થઈ ગયું. પણ ખેડૂત જેનું નામ, એણે ઠંડીને સહેજ પણ ગણકારી નહીં અને પોતાના કામ ઉપર જ ધ્યાન આપ્યું. તેનો પાક તૈયાર થઈ ગયો હતો. એ તો મંડયો લણવા. જાણે કે ઠંડીની કોઈ અસર જ એને થઈ નહીં.
આ જોઈને હેમને આવ્યો ગુસ્સો. એણે ઠંડીનું જોર વધાર્યું. પણ આ તો ખેડૂત. જેમ ઠંડી લાગે એમ વધારેને વધારે પરિશ્રમ કરતો જાય. હેમ આખો દિવસ હેરાન કરીને થાક્યો. પણ ખેડૂતને હેરાન ન કરી શક્યો. ખેડૂતનો બધો પાક લણાઈ ગયો અને આ બાજુ હેમ થાકી, હારીને પાછો ફર્યો.
પછીના દિવસે તાપનો વારો હતો. એ તો હેમની ઠેકડી ઉડાડતો હસતો હસતો કહે: 'જો એ ખેડૂતને તો હું ચપટી વગાડતામાં જ હેરાન કરી નાખીશ.'
તાપ પહોંચ્યો ખેતરે. ખેતર પહોંચીને તાપે પોતાનું કામ શરૂ કર્યું. ચારે દિશાઓથી જાણે અગન વર્ષા થઈ રહી. ગરમી એટલી વધી ગઈ કે નાના-મોટા જીવ જંતુઓ તો પોતપોતાના દરમાં જ છુપાઈ ગયાં. પણ કાલે લણણી થઈ ગઈ હતી એટલે ખેડૂતને તો આજે નવા પાક માટે ખેતર ખેડવાનું હતું. એણે તો જોડયા બળદ અને માંડયું ખેતર જોતવા. ખેતરમાં પાણીનો મોટો કુંડ હતો. ખેડૂતને બહુ ગરમી લાગતી તો એ પાણીથી પોતાને અને બળદોને ડાઢક આપતો પણ કામ કરનાનું બંધ બંધ ન કરતો.
તાપે પોતાનું જોર વાપરી કાઢ્યું, પણ ખેડૂતે ખેતર જોતવાનું બંધ ના કર્યું તે ના જ કર્યું. તાપ આખરે થાકીને હાર માનીને વીલા મોંએ પાછો ફર્યો.
હવે વારો હતો મેઘનો. મેઘ પણ તાપ અને હેમ ઉપર હસતો હસતો ખેડૂતને હરાવવા નીકળી પડયો. ખેડૂત તો વિચારતો બેઠો હતો કે ગઈ કાલે ખેતર તો જોતાઈ ગયું. હવે બીજ વાવવાના જ બાકી છે. ત્યાં જ મુશળધાર વરસાદ ચાલુ થયો. બીજા લોકો તો આવો મુશળધાર વરસાદ જોઈને ડરી જાય, પણ ખેડૂત તો આનંદમાં આવી ગયો. એને થયું ભગવાને જ વરસાદ મોકલી આપ્યો છે. એ તો ભગવાનનો આભાર માનીને તરત જ બીજ વાવવામાં લાગી ગયો.
આવા મુશળધાર વરસાદમાં પણ ખેડૂતને કામ કરતો જોઈ મેઘને ખુબ આશ્ચર્ય થયું. એણે વરસવાનું ચાલુ જ રાખ્યું, પણ એ જેટલું વધારે વરસતો એટલો જ ખેડૂતનો આનંદ વધતો અને સાથે સાથે ખેડૂતનું કામ તો ચાલુ જ હતું. મેધ વરસી વરસીને થાક્યો, હાર્યો પણ ખેડૂતને હેરાન ન કરી શક્યો. આખરે હારીને એ મહેલ પાછો ફર્યો.
પછીનો દિવસ.
ઋતુરાજે ત્રણેય દીકરાઓને બોલાવ્યા. ત્રણેય આવ્યા એટલે ઋતુરાજે પૂછ્યું, 'કાં છોકરાઓ, કરી શક્યા ખેડૂતને હેરાન?'
ત્રણેયના ચહેરાઓએ જ જવાબ આપી દીધા.
ઋતુરાજ બોલ્યા: 'બળનું અભિમાન ક્યારેય કરવું નહીં. પરિશ્રમ આગળ બળ નકામું છે. મહેનત કરીને જીવતા માણસોને ક્યારેય કોઈ હરાવી શકતું નથી. જે લોકો મહેનત કરીને ખાય છે તેમને ક્યારેય ટાઢ, તાપ કે વરસાદની ચિંતા હોતી નથી, અને તેઓ પોતાનું કામ કોઈ પણ પરિસ્થિતિમાં પાર પાડે છે. એ શીખામણ જીંદગીભર યાદ રાખજો.'
આમ, ત્રણેય છોકરાઓનું બળનું અભિમાન ઉતરી ગયું અને એમને જીંદગીભરનો પાઠ શીખવા મળ્યો.


