પ્રામાણિક રામુ .
- કિરણબેન પુરોહિત
એક દિવસ ધનસુખ શેઠ બાજુના ગામમાં ખરીદી કરવા ગયા હતા. જથ્થાબંધ સામાન ખરીદીને તેઓ એક રીક્ષામાં જવા લાગ્યા. ત્યાં પાછળથી કોઈએ બૂમ પાડીને શેઠને ઊભા રાખ્યા. શેઠે જોયું તો પંદર વર્ષનો કોઈ છોકરો દોડીને આવતો હતો. રસ્તામાં શેઠનું પૈસાનું પાકીટ પડી ગયું હતું, જે આ છોકરાને મળ્યું હતું. છોકરો તે શેઠને આપવા આવ્યો હતો. પાકીટમાં ખૂબ પૈસા અને જરૂરી કાગળો હતા.
શેઠે ખુશ થઈને એને એક હજાર રૂપિયાનું ઇનામ આપ્યું, પણ છોકરાએ પૈસા ના લીધાં. છોકરાનું નામ રામુ હતું અને એ અનાથ હતો. છૂટક કામ કરી અને થોડુઘણું કમાઈ લેતો હતો. શેઠને પોતાની દુકાનમાં કામ માટે આવા પ્રામાણિક માણસની જરૂર હતી. તેમણે રામુને નોકરીએ રાખી લીધો.
રામુ ખૂબ મહેનતુ હતો. થોડા સમયમાં એણે દુકાનનું કામ સાંભળી લીધું. ક્યારેક એ શેઠનાં ઘરનું કામ પણ કરતો. શાકભાજી અને જરૂરી વસ્તુ લાવી આપતો. શેઠનાં બાળકોની સ્કૂલ બસ ન આવી હોય તો એમને સ્કૂલે મૂકવા પણ જતો.
શેઠને રામુ ઉપર ખૂબ વિશ્વાસ બેસી ગયો હતો. તેઓ રામુને ખૂબ મહત્ત્વ આપતા એ મનુ, રમેશ અને કાનજી નામના બીજા નોકરોને ન ગમતું. તેમને રામુની ઈર્ષા થવા લાગી. ત્રણેયે ભેગા થઇ અને રામુને કાઢવા માટે એક યુક્તિ વિચારી.
એક દિવસ તેઓ રામુ સાથે શેઠ વિરુદ્ધ વાતો કરવા લાગ્યા: શેઠ તારી પાસે ખૂબ કામ કરાવે છે અને પગાર ઓછો આપે છે... તું દુકાન છોડીને જતો રહે!
રામુએ એમની વાત ધ્યાનમાં ન લીધી અને પ્રામાણિકતાથી પોતાનું કામ કરતો રહ્યો. એને દુકાનમાંથી કાઢવા માટે ત્રણેયે એક બીજી યુક્તિ કરી. એક દિવસ સાંજે દુકાન બંધ કરવાના સમયે ત્રણેયે રામુને કહ્યું: 'શેઠને શહેરમાં ખરીદી કરવા જવું છે એટલે એક લાખ રૂપિયાની જરૂર છે. તારે આ પૈસા એમને ઘરે આપવા જવાનું છે. તું બહાર ગયો હતો એટલે અમને કહેતા ગયાં છે.'
આટલંુ કહી અને ત્રણેય જતા રહ્યા. પછી શેઠના કાન ભંભેર્યો કે રામુ આજે તમારી દુકાનમાં ચોરી કરી અને ભાગી જવાનો છે. તેને રંગેહાથ પકડવો હોય તો અત્યારે જ દુકાને જાવ! નોકરોએ એવું માન્યું કે રામુ તિજોરીમાંથી પૈસા ગણતો હશે તે જોઈને શેઠ માની જશે કે રામુ ચોરી કરી રહ્યો છે. શેઠને રામુ ઉપર ખૂબ વિશ્વાસ હતો. તેને આ નોકરોની વાત માનવામાં ના આવી.
પણ રામુ બહુ ભોળો હતો. એ આ ત્રણેયની વાતોમાં આવી ગયો. તિજોરીની ચાવી દુકાનમાં ક્યાં રાખવામાં આવતી તે શેઠ અને રામુને બંનેને જ ખબર હતી. આથી રામુ તિજોરીમાંથી પૈસા કાઢીને ગણવા લાગ્યો.
રામુને જેલમાં પુરી દેવા માટે અગાઉથી જ આ ત્રણ નોકરોએ પોલીસને જાણ કરી દીધી. શેઠ દુકાને પહોંચ્યા ત્યારે રામુ પૈસા ગણતો હતો. શેઠ સંતાઈને જોવા લાગ્યા. રામુ ભોળો હતો પણ બુદ્ધિશાળી હતો. તેણે વિચાર્યું કે શેઠને ઘરે ફોન કરીને પૂછી જોઉં કે આટલા બધા પૈસાની કેમ જરૂર પડી? શેઠ ક્યારેય આટલી રોકમ રકમ સાથે રાખીને બહારગામ ન જતા.
રામુએ ઘરે ફોન કર્યો. શેઠાણી સાથે વાતચીત કરી. રામુની વાત સાંભળી શેઠને ખબર પડી ગઈ કે રામુ નિર્દોષ છે ને તેને ફસાવવા માટે બીજા નોકરોએ ચાલ કરી છે. તેમણે ત્રણેય નોકરોને બોલાવીને ધમકાવ્યા. રામુ જેવા નિર્દોષ છોકરાને ફસાવવાનો પ્રયત્ન કરવા બદલ એમને સજા કરી. ત્રણેયને નોકરીમાંથી કાઢી મુક્યા અને નવા નોકરો ગોતવાની જવાબદારી રામુને જ સોંપી.