Get The App

ક્રાંતિવીર બંદાસિંહ .

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
ક્રાંતિવીર બંદાસિંહ                                                   . 1 - image

- ભારતની આઝાદીના ઇતિહાસનું એક સનસનાટી ભરેલું સાચું દ્રશ્ય

- ભગતસિંહ, ઉધમસિંહ અને રાજગુરુ ત્રિપુટીનો આઝાદીના સમરાંગણનો સિંહ સમો સાથીદાર

- એ પગે જ સત્યનાશ નોતર્યું. 

- આ પૈસા તમને કોણ આપે છે? 

- હરીશ નાયક

બંદાસિંહનો આ છેલ્લો વિસામો હતો. તેને દરેક રીતે ખાતરી થઇ ગઈ હતી કે હવે તે કોઈ રીતે બચી શકે તેમ નથી. એક વખત તે પલંગ પર પડશે પછી કદી ઊઠી શકશે નહિ. તેના જેવા આઝાદીના લડવૈયાને માટે પડી રહેવું મોત બરાબર હતું અને હવે તે ઊઠી શકવાનો નથી એ વાત સો ટકા સાચી હતી.

તેના પગ વાના રોગથી ઝીલાવા લાગ્યા હતા. ગઠિયાના રોગને લઇને પગ એવા ગંઠાઈ ગયા હતા કે તે હવે દોડી શક્તો ન હતો. ચાલી શક્તો ન હતો. અરે ક્યારેક તો એવી પીડા ઊઠતી કે તે બોલી ઉઠયો : 'કાપી નાખો આ પગ નહિ તો આ પગ કોઈક દિવસ સત્યાનાશ નોતરશે.'

એ પગે જ સત્યનાશ નોતર્યું. જો કે એ સત્યનાશ કહેવાય કે કેમ, એ એક સવાલ હતો. આઝાદીનો વીર યોદ્ધો એક વાર શહીદ થવા તૈયાર થઇ જાય પછી કઇ કસોટી તેની આડે આવી શકે ? તેમ છતાં આ કસોટી અણધારી અને આકરી હતી તેણે આવી કસોટીની આશા નહોતી રાખી. એ જ ટોપલામાં સાપ અને નોળિયો સાથે ઊછર્યો હશે, એવી કલ્પના વળી કોણ કરી શકે ?

વાત એવી બની કે તેનાં તોફાનોએ તેના કુટુંબ ઉપર ભારે આફત નોતરી. તેના કુુટંબને ગોરી સરકારે હેરાન પરેશાન કરી મૂક્યું. એટલે સુધી કે તેમને અનાજ પાણીની પણ મુશ્કેલી થઇ પડી. તેના ભાઈ સોહનલાલના કુટુંબની અવદશા એટલી તો ભૂંડી હતી કે સોહનલાલને માટે જીવવું અશક્ય થઇ પડયું.

તેના કુટુંબીજનો એવી કપરી દશામાં પણ વટ અને ખુમારીથી જીવતા હતા. અમૃતા કહેતી કે : 'આપણો ભાઇ, આપણો બંદો દેશને ખાતર માથું મૂકે છે, અને આપણે થોડી ઘણી મુશ્કેલીથી ડરી જઈશું ? હરગીઝ નહિ !' ભાભી મનજીત કહેતી : 'દિયરનાં પરાક્રમો પર તો હું ખુશ છું. મને તો થાય છે કે હું હાથમાં પિસ્તોલ લઇ બંદાસિંહની સાથે ચાલી જાઉં અને કહું કે બંદા ! તું મુશ્કેલીમાં હોય ત્યારે હું તને મદદ કરીશ. મને તારી પાસે રાખ.'

પણ સોહનસિંહની વાત જુદી હતી. એને ન દેશની પડી હતી, કે ન આઝાદીની. એને તો પોતાના સ્વાર્થની પડી હતી. શરૂઆતમાં તો તે પણ આઝાદીનાં ગીતો ગાતો, પણ જેમ જેમ પરિસ્થિતિ વિકટ બનતી ગઇ તેમ તેમ તે બદલાતો ગયો.

ગરીબીએ તો તેને સાવ બદલી નાખ્યો. એ બદલો કેટલી હદે પહોંચી ગયો હશે તેની કુટુંબને તો કલ્પનાય શેની આવે ? જ્યારે વાત આવતી કે : આજે સોહનસિંહ કોઇક ગોરા અધિકારી સાથે મહેફિલ માણતો હતો, ત્યારે તેની સ્ત્રી મનજીત એ વાત માનવા હરગિઝ તૈયાર થતી નહિ, પણ પતિના મોઢાની દુર્ગંધ જ્યારે તે પારખી જતી, ત્યારે અરેરાટીના કંપ સહિત તેનું હૈયું હાહાકાર કરી ઊઠતું. એ દુર્ગંધમાં તેને દ્રોહની બદબો વરતાતી.

ઘરમાં અમૃતા હોવાને લઇને તે પતિ સાથે કોઈ વાતનો વિવાદ ઊભો કરતી નહિ, પણ પતિ ઘણાબધા પૈસા કાઢીને બતાવતો ત્યારે એ જરૂર બળવો પોકારી બોલી ઊઠતી : 'ક્યાંથી લાવ્યા છો એ પૈસા ? કહો, તમને મારા સોગંદ છે. આ પૈસા તમને કોણ આપે છે ? કયું કામ કરીને તમે ધાડ મારો છો કે તમને આટલા પૈસા મળે છે ? બોલો.'

સોહનસિંહ બોલતો નહિ. જવાબ આપતો નહિ. તે માત્ર એટલું જ જણાવતો : 'મનજીત ! જીતવા માટે પૈસાની જરૂર છે. પૈસા ક્યાંથી આવે છે એ ન પૂછો પૈસા ઘરમાં રાખ અને સુખી થા.'

'આ તમારા સુખી થવાના લક્ષણ નથી.' પત્ની મનજીત સંભળાવી દેતી.

તે એ પૈસાને હાથ પણ લગાડતી નહિ. છતાં ગરીબાઈ હવે એવી તો ભીંસ આણતી હતી કે ક્યારેક એ પૈસા સુધી તેનો હાથ લંબાઈ જ જતો. ત્યારે તે ભગવાને પ્રાર્થના કરીને પોકારી ઊઠતી : 'ભગવાન ! મારા આ હાથમાં પિસ્તોલ મૂકજે પણ પાપના પૈસા ન મૂકતો.'

જ્યારે કુટુંબની દશા આવી કટોકટી ભરેલી હતી ત્યારે જ ભૂગર્ભમાં સંતાતો ફરતો બંદાસિંહ તેમને ત્યાં આવી પહોંચ્યો એક અંધારી રાતે તેના સાથીઓ તેને એક પલંગમાં ઊંચકીને એ પલંગ જ સોહનસિંહના ઘરમાં મૂકી ગયા. અલબત્ત ત્યારે રાત ઘણી વધી ચૂકી હતી પણ સોહનસિંહ ઘરમાં ન હતો. ભાભી મનજીતસિંહ તો દિયરના આગમનથી અતિ આનંદમાં આવી ગઈ. અને હર્ષોલ્લાસની વચમાંથી તે કહેવા લાગી : 'દિયરજી ! મારા સોગંદ છે જો હવે તમે અહીંથી બીજે ક્યાંય ગયા છો તો !'

બંદાસિંહ કહે : 'ભાભી ! એટલું હેત ન વરસાવો. હું તો જોખમી બોમ્બ છું. ક્યારે ફૂટી જાઉં તેનું ઠેકાણું નહિ.'

'ભલે બંદાસિંહ,' ભાભીએ કહ્યું : 'મારે એવા બોમ્બની જ જરૂર છે. આ ઘર જો એકાદ વખત એવા બોમ્બથી ઊડી જાય તોય મને આનંદ થશે !'

'પણ એટલું બધું કંઇ...?' બંદાસિંહે પૂછ્યું.

અને ત્યારે જ સોહનસિંહનું આગમન થયું. તેના દીદાર કંઈ સારા ન હતા. અમૃતાએ દોડી જઇને વધાઈ આપી : 'ભાઈ ભાઈ ! બંદા આવ્યા છે.'

પણ મનજીતે પતિને ચોખ્ખી સંભળાવી : 'જીભ અને જીવ કાબૂમાં રાખજો. બંદો આપણો જ નહિ. સારાય દેશનો વીર છે.' સોહને બંદાસિંહ પાસે જઇને કહ્યું : 'તું આવી પહોંચ્યો એ સારું થયું બંદા, મને બહુ ચિંતા રહેતી હતી.'

'ખરેખર?'

'હા. તારી ભાળ મેળવવા જ મારે ગોરા અમલદારોની દોસ્તી કરવી પડતી.'

'શું કહો છો ? અને એ લોકો તમારી દોસ્તી કરતા ખરા ?'

'એમના સ્વાર્થ ખાતર કરતા.'

બંદાસિંહ કહે : 'હવે તો હું ક્યાંય જઇ શકીશ નહિ. કમ્બખ્ત આ પગે મને લાચાર બનાવી મૂક્યો છે.

'તારે ક્યાંય જવાની જરૂર પણ નથી બંદા !'

'પણ હું આવી કેદ પસંદ કરતો નથી. હું ગારી સરકારને ઉડાવી મૂકવા માગું છું. હું કંઇક અણધાર્યું કરવા માગું છું.'

'તું અહીં જ રહે.' સોહનસિંહે કહ્યું : 'અને અણધાર્યું જ થશે.'

ઘર જૂના જમાનાનું હતું. મોટું હતું. પાછળની બાજુના ઓરડામાં બંદાસિંહને ગોઠવી દેવામાં આવ્યો. ત્યાં સુધી કોઇના જવા આવવાનો ડર નહતો. ઘરનું જે કંઇ કામ હતું તે બધું અમૃતા પતાવતી. હજી હમણાં જ જુવાનીમાં પગ માંડતી અમૃતાને બંદાસિંહ કહેતો હતો : 'અમૃતા ! તારાં લગ્ન તો હું આઝાદ ભારતમાં જ કરીશ. પ્રતિજ્ઞાા કર કે જ્યાં સુધી ભારત આઝાદ ન થાય ત્યાં સુધી તું...'

અમૃતા હસીને કહેતી : 'લગ્નની વાત વિચારવાનો તને સમય જ ક્યાંથી મળે છે બંદા ? પહેલા અહીં પડયો પડયો ગોરાઓને તો ઉડાડવાની યોજના ઘડ.'

બંદાસિંહ કહેતો : 'યોજના થઇ ગઇ છે અમૃતા ! ભગતસિંહ, રાજગુરુ અને હું. અમે ત્રણે જણાએ ભેગા થઇને એ યોજના બનાવી છે. સાથમાં ઉધમસિંહ છે. એણે તો પ્રતિજ્ઞાા કરી છે કે, જો અહીં ફાવટ નહિં આવે તો ઠેઠ એ લંડન જઇને પાર્લામેન્ટ ઉડાવશે. ગોરી સરકારના વડાનું માથું તેના સિંહાસન પર ચકનાચૂર કરી નાખશે.'

કોઇકના પગલાનો અવાજ સંભળાતો અને અમૃતા બોલી ઊઠતી : 'બધી વાતો જાહેર ન કર બંદા ધીમે બોલ. ભીંતનેે પણ કાન હોય છે.'

ભાઈબહેનને લાગતું ખરું કે ભીંત ક્યારેક ખરેખર કાન ધરીને બધું સાંભળી રહી છે. બહેન અમૃતા મોટે ભાગે હવે બંદાસિંહની સાગરિત બની ગઈ હતી. તે બંદાસિંહના સાથીદારોના સંદેશા લાવવા પહોંચાડવાની કામગીરી પણ બજાવતી. ક્યારેક તેને જોખમ જેવું જણાતું તો રસોડું તે સંભાળી લેતી અને ભાભી મનજીત બંદાનું કામ કરવા ઊપડી જતી. બંદાસિંહનું ઘર એ રીતે આઝાદીની લડત માટેનું હેડ ક્વાર્ટર બની ગયું. અહીં પલંગમાં પડયા પડયા બંદાસિંહ ઘણી કામગીરી બજાવતો હતો અને ત્યાં જ એક ધડાકો થયો. ગોરા અમલદાર કર્નલ સ્મીથનું ખૂન થઇ ગયું. કર્નલ કોઇક જગાએ રેડ પાડવા ગયો હતો. તેને ભારતીય લોકોએ દાખલ થવા દીધો નહિ. ધમાલ વધી ગઈ અને તેમા કરડાકી વાપરવા જતાં કર્નલનું કાટલું નીકળી ગયું.

ગોરી સરકાર આ હત્યાથી હચમચી ઉઠી. આ હત્યામાં ભગતસિંહ, રાજગુરુ અને બંદાસિંહનો હાથ છે, એવી વાત બહાર આવી. ગોરી સરકાર પાસે એવી બાતમી પણ પહોંચી કે સરકારના તમામ ગોરા અધિકારીઓને એક પછી એક ઉડાવી મારવાની યોજના થયેલી છે.

એ ઘટનાના થોડાક દિવસ બાદ અમૃતા બજારમાંથી દોડતી ભાગતી આવી. તેને હાંફ ચઢી ગયો હતો. તે કહેવા લાગી : 'ભાઈ ! ભાઈ !! એે લોકોએ તમારે માટે ઇનામ જાહેર કર્યું છે.'

બંદાસિંહે હસીને કહ્યું : 'કેટલુંક ઇનામ''

'પચાસ હજારનું...' અમૃતાએ કહ્યું

હાજર રહેલા સોહનસિંહના હોઠ ફફડી રહ્યા : 'પચાસ હજાર...'

અને બંદાસિંહ તો હજીય હસવામાં જ હતો. તે કહે:'અમૃતા ! આ માંદલા જર્જર શરીરની હજીય કિંમત પચાસ હજાર જેટલી છે એ જાણીને આનંદ થયો. મને લાગે છે કે જ્યારે હું સાવ સશક્ત અને લાચાર બની જઈશ ત્યારે કોઈક ગરીબ કુટુંબને...'

'ભાઈ...!' ચીસ પાડી ઊઠી અમૃતા.

ભાઈ બંદાસિંહ હજી વિવાદમાં જ હતો તે કહે : 'બહેન! આમેય ગોરાઓ આ દેહને પકડયા વગર છોડવાના નથી. તું શું એમ માને છે અમૃતા કે એ લોકો મને આવી જગાએથી પકડયા વગર રહેશે ? એ સંજોગોમાં કોઈ ગરીબ કુટુંબનું કલ્યાણ થતું હોય તો.'

અત્યાર સુધી ચૂપ રહેલી ભાભી મનજીત બોલી ઉઠી: 'દિયરજી ! તમારું શરીર માત્ર તમારી સંપત્તિ નથી, આખા દેશની સંપત્તિ છે. તમારા દેહની કિંમત માત્ર પચાસ હજાર હોઈ શકે નહિ. એની કિંમત આઝાદી જેટલી જ અમૂલ્ય છે. મુક્તિની કિંમત કદી કોઈ આંકી શક્યું નથી. આંકી શકે નહિ. અમે પ્રાણના જોખમે તમારું રક્ષણ કરીશું.'

બંદાસિંહ હજીય હાસ્ય વિનોદમાં હતો તે કહે : 'તમારા બધાના પ્રાણ જશે. એથી શું એ લોકો મને છોડી દેશે ?'

ભાભી મનજીત બોલી ઊઠી : 'અમે જીવતાં હોઈશું ત્યાં સુધી તો તમારો વાળ વાંકો નહિ થવા દઇએ.'

આ વાતોની વચમાંથી સરકવા લાગ્યા સોહનસિંહ.

તરત જ મનજીતે પતિને પૂછ્યું : 'તમે ક્યાં જાવ છો?'

'જરા બજારમાં શી હવા છે તે જોઈ આવું.'

સોહનસિંહે કહ્યું : 'આપણી આ જગા સુરક્ષિત રાખવા માટે બહારની જાણકારી રાખવી જરૂરી છે. એવું ન બને કે આપણે ઊંઘતા હોઈએ, અને કોઈ છાપો મારી જાય.'

મનજીત કહે : 'તમે બંદા પાસે રહો, બહારની માહિતી અમે મેળવીશું. બંદાની તબિયત હવે ઠીક રહેતી નથી. ચોરી છૂપીથી કરેલી કોઈ દવા એને અસર કરતી નથી. તમારા પુરુષો કરતા અમે સ્ત્રીઓ વધુ સલામતીથી બજારમાં હરીફરી શકીએ છીએ.'

'ભાભી !' બંદાસિંહે કહ્યું : 'હવેની પરિસ્થિતિમાં તમારું જવું યોગ્ય નથી. ગોરાઓ ઉપર બિલકુલ ભરોસો કરવા જેવો નથી. એ લોકો સ્ત્રી-પુરુષ કોઇની આમન્યા રાખતા નથી.'

બંદાસિંહના આગ્રહ આગળ ભાભી ઝાઝી જીદ કરી શકી નહિ. પતિ બહાર જાય એ તેને ગમ્યું નહિ. આ બાજુ બંદાસિંહ કહે : 'ભાભી ! આ બધા મામલાઓ વ્યગ્રતાથી ઊકલતા નથી. એમાં દ્રઢતા જોઇએ. હા, જરા મારી પિસ્તોલ લાવો તો.'

ભાભીએ જાણે સાંભળ્યું જ નહિ. તે કામમાં પડી ગયા અમૃતા ભાભીને જઇને મદદ કરવા લાગી. અંધારું વધુને વધુ ઘેરુ બનતું હતું.

અમૃતા કહેતી હતી : 'ભાભી ! આજે તમારા હાથ કેમ લથડે છે ? ચીજવસ્તુઓ કેમ પડી જાય છે ? બંદાએ કહ્યું નહિ કે આપણે દ્રઢતાથી કામ લેવું જોઇએ ?'

'એટલેસ્તો હાથ કંપે છે' ભાભીએ કહ્યું : 'એણે પિસ્તોલ કેમ માંગી ? જરૂર મામલો ખતરનાક હશે. જરૂર એના છેલ્લા સંકેત સંદેશામાં કોઇક જોખમી વાત આવી હશે.'

'પિસ્તોલ ન આપી કે ભાભી ?' મોડી રાતે બંદાસિંહે પાછું કહ્યું

'અમૃતા કહે : 'હું આપું ?''

બંદાસિંહ કહે : 'ના અમૃતા ! તારે એ શસ્ત્રને હાથ લગાડવાની હજી વાર છે.'

મનજીતે પેટીમાંથી પિસ્તોલ કાઢી ખરી, પણ બંદાસિંહને આપી નહિ તે ,હે : 'મને તો વાર નથી ને ? હા, પિસ્તોલ ભરીને જ રાખું ને ?'

'એ બધું જોખમ તમે ન ઉઠાવો ભાભી ! એ ઓટોમેટિક છે.' બંદાસિંહે કહ્યું.

'ગોળીઓ કાઢીને મનજીત કહે : 'દિયરજી, હવે તો મારા હાથ સ્થિર છે. જુઓ તમે દ્રઢતા કહો છો ને એવી જ દ્રઢતા આવી ગઈ છે. આ હાથમાં, જુઓ આમ જ આ ભાગ ખોલી શકાય ને...?'

'આ શું કરો છો ભાભી ?' પિસ્તોલ ભરવાનો પ્રયાસ કરતા ભાભીને જોઈ બંદાસિંહ હળવી ચીસ પાડી ઊઠયો : 'એ કંઇ રમવાનું રમકડું નથી.'

'અને હું પણ રમત નથી રમતી' ભાભીએ કહ્યું : 'તમે ઊઠશો નહિ ઊઠવાનો પ્રયત્ન પણ કરશો નહિ. તમે ઊઠી શકશો નહિ. હું એટલા માટે જ તૈયાર થવા માગું છું. ક્યાંક તમે ઊઠી ન શકો. અને કોઈ મામલો આવી પડે, તો શું અમે જોયા કરીશું ? જુઓ, આ એક... આ બીજી... આ ત્રીજી... છ સુધી તો ગોળીઓ ભરી શકાય છે, નહિ દિયરજી ?'

'ભાભી...!' પલંગમાંથી ઉઠવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં હચમચી ઊઠીને બંદાસિંહ કહે : 'મને પિસ્તોલ આપી દો. એ શસ્ત્ર સાથે તમે વધુ જોખમ ન ઉઠાવો. લાવો ભાભી... લાવો આપી દો ભાભી...'

ઠક ! ઠક !! ઠક !!! ઠક !!!!

ત્યારે જ બારણે ટકોરા પડયા.

બંદાસિંહ કહે : 'સમાચાર મેળવી ભાઈ આવ્યા લાગે છે. પિસ્તોલ મને આપી દો ભાભી, અને બારણું ઉઘાડો.'

હાથમાં પિસ્તોલ રાખીને જ મનજીતે બારણું ઉઘાડયું બંદાસિંહ પોતાના અંધારાધૂપ ઓરડામાં માત્ર વાતો સાંભળી શક્યો.

'તમે ?' ભાભીથી બોલી જવાયું.

'હા, હું કેપ્ટન રીડ, હું જાતે જ આવ્યો છું મને જાણવા મળ્યું છે કે બંદાસિંહ અહીં જ છે.'

'અહીં કોઈ બંદાસિંહ નથી.'

ગોરા કેપ્ટન કરડું હસીને કહે : 'અમને કોઈ માહિતી ખોટી નથી મળતી. ખસી જાવ બાનુ ! નહિ તો...'

'આ ઘરમાં તમે હરગિઝ દાખલ થઇ શકશો નહિં.' મનજીતે પૂરી મગરૂબી સાથે કહ્યું : 'એક મહિલાના ઘરમાં દાખલ થવાનો કોઈ અધિકારીને અધિકાર નથી.'

'ખસી જાવ બાનુ !' કરડા કર્કશ અવાજે ગોરા રીડે કહ્યું : 'નાહક મને ગોળી ચલાવવાની ફરજ ન પાડો.'

'એવી ખોટી ધમકી ન આપો ગોરા સાહેબ !' જોતજોતામાં દયાની દેવીમાંથી રૌદ્ર રૂપધારિણી દેવી બની ચૂકેલી મનજીતે કહ્યું : 'હિંમત હોય તો ચલાવો ગોળી અને હઠાવો આ મનજીતને બાકી મારા જીવતેજીવ આ ઊંબરામાં પગ મૂકવાની હિંમત કરશો તો...' એકદમ પિસ્તોલ ખેંચી તે કહે : 'તમે પણ જીવતા નહિ રહી શકો

ગોરા સાહેબ !'

(વધુ આવતા અંકે...)