Get The App

લુચ્ચાઈનો બદલો .

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
લુચ્ચાઈનો બદલો                                        . 1 - image

- 'અરે, ઊંટભાઈ, તમે તો કેવા દૂબળા થઈ ગયા છો! આવું સૂકું ઘાસ ખાઈને કેમ જીવાશે? તમો તો ઊંચા છો, તેમજ દોડવામાં પણ ઝડપી છો, તો આ ટેકરીની પેલી બાજુ ચરવા કેમ નથી આવતા? 

- ભૂપેન્દ્ર ત્રિવેદી 'સ્વયંભૂ'

આખા જંગલમાં એક સમયે રાજા સિંહની ધાક હતી. તેની એક  ત્રાડે કાચા-પોચાં જનાવરો ડરના માર્યા આઘા-પાછા થઈ, સંતાઈ જતાં. તે સિંહ પાછલી અવસ્થામાં શારીરિક રીતે કમજોર થતાં, હવે ઝડપથી દોડીને શિકાર કરી શકતો ન હતો. તેથી શિકારને નાસી છૂટવા સમય મળી જતો. સિંહણ પણ તેને છોડી અન્ય વિસ્તારમાં જતી રહી હતી. હવે શિકાર માટે તેને હવે શિયાળ સહારો બન્યું હતું.

શિયાળ જંગલનાં ભોળા પ્રાણીઓને મીઠી-મીઠી બોલીથી ભોળવી ગુફાની પાસે લાવતું. ત્યાર બાદ 'લાળી' એટલે કે ખાસ પ્રકારનો અવાજ કરી સિંહને સાવધ કરતું. સિંહ શિકાર માટે તૈયાર જ હોય, તેથી ગુફા નજીક આવેલ પ્રાણીઓને પકડી મારણ કરતો. શિયાળને પણ તેમાંથી થોડો હિસ્સો ખાવા મળી રહેતો. આમ, બન્નેની જુગલ જોડી એક-બીજાના સહારે દિવસો પસાર કરતા હતા.

જોકે સમય જતાં, જંગલનાં પ્રાણીઓ શિયાળની લુચ્ચાઈ સમજી ગયાં. તેથી શિયાળની મીઠી બોલીથી ભોળવાઈને તેની સાથે આવતા બંધ થયાં. શિયાળ તો જંગલમાં ભટકી ખાવાનું મેળવી લેતો, પણ સિંહને હવે ભૂખ્યા રહેવાના દિવસો આવ્યા હતા. તેથી ક્યારેક બાજુમાં આવેલી નદીમાં તણાઈ આવતા માછલાઓને પકડી પેટનો ખાડો પૂરવા પ્રયત્ન કરતો. 

કહેવાય છે કે 'સિંહ કદી ઘાસ ન ખાય.'

પણ, હવે તો ભૂખથી અકળાતો ત્યારે ક્યારેક કિનારાની આજુબાજુ ઉગેલ લીલુછમ્મ કૂણું ઘાસ ખાઈને પણ જીવન ટકાવવા કોશિશ કરતો.

બીજી બાજુ, શિયાળને પણ ઘણા દિવસથી કોઈ મોટા પશુનું માંસ ખાવા મળ્યું ન હતું. તેથી એને સંતોષ થતો નહોતો. સિંહ પણ વારવારે શિકાર શોધી લાવવા ટકોર કરતો હતો. પરિણામે નવા શિકારની તલાશમાં જંગલ તરફ જવાને બદલે એણે બાજુની ટેકરીએ ચઢી, પાછળની બાજુ તરફ ઉતરી, શિકાર માટે નજર દોડાવી. 

ત્યાં દૂર મેદાનમાં એક અલમસ્ત ઊંટને સૂકું ઘાસ ચરતા જોયું. તે તો મનોમન ખૂબ હરખાયું. ધીમે પગલે ઊંટની પાસે જઈ, મીઠી બોલીમાં બોલ્યું,'અરે, ઊંટભાઈ, તમે તો કેવા દૂબળા થઈ ગયા છો! આવું સૂકું ઘાસ ખાઈને કેમ જીવાશે? તમો તો ઊંચા છો, તેમજ દોડવામાં પણ ઝડપી છો, તો આ ટેકરીની પેલી બાજુ ચરવા કેમ નથી આવતા? ચાલો મારી સાથે. એ બાજુ તો કૂણું લીલુછમ્મ ઘાસ, વેલા-પાંદડા અને ખટ-મીઠી આંબલી તેમજ ઘેઘૂર લીમડાના અનેક ઝાડ છે, નજીક જ નદી વહે છે, તેનું મીઠું પાણી પીવા મળશે.'

શિયાળની મીઠી વાણી સાંભળી ઘડીભર તો ઊંટભાઈનું મન લલચાયું. પરંતુ તેને તેના પૂર્વજ સાથે શિયાળના પૂર્વજે કરેલી લુચ્ચાઈ યાદ આવી. શેરડીના ખેતરના માલિક પાસે એને માર ખવડાવ્યો હતો. તેણે શિયાળને તે વાત દોહરાવી. 

શિયાળ સમજી ગયું કે ઊંટભાઈ માનશે નહીં. તેણે ગંભીર થઈ કહ્યું, 'ઊંટભાઈ, તેમાં અમારા પૂર્વજનો વાંક ન હતો. એ સમયે ચારેબાજુ અલબેલી વસંત ખીલી હતી. વાતાવરણ પણ ખુશનુમા હતું. તેથી તેઓએ મસ્તીમાં આવી ગીત ગાવાનું શરૃં કરેલું. તેને ખેતરનો માલિક આવી જશે તેવી ખબર જ ન હતી. છતાં તમારે હજુ એ અતીત યાદ રાખી ન આવવું હોય તો હું કંઈ પરાણે લઈ જઈશ નહીં. આ તો તમારા જેવા બહાદુર અને ચપળ મિત્રને આવું સૂકું  ઘાસ ખાવું પડે તે મારાથી જોવાયું નહીં, તેથી તમને સાથે આવવા કહ્યું.'

ઊંટે વિચાર્યું કે, શિયાળની વાત તો સાચી છે. જો મીઠું મધ જેવું ભોજન મળતું હોય તો જોખમ ખેડવામાં વાંધો નથી. છતાં તેવી કોઈ ઘટના બનશે તો એ સમયે જોયું જવાશે. 

તેણે શિયાળની સાથે જવા 'હા' કહી. શિયાળ મનોમન ખૂબ હરખાયું. એને થયું,આજે ઘણા દિવસો બાદ સારું ભોજન મળશે અને સિંહ પણ રાજી-રાજી થઈ જશે. આગળ શિયાળ અને પાછળ ઊંટ, એમ બન્ને ચાલતા-ચાલતા ધીમે પગલે ટેકરી ચઢયા. ઊંટે ટેકરીની બીજી બાજુ જોયું તો સાચ્ચે જ નીચે મેદાનમાં લીલુછમ્મ ઘાસ ધરતી ઉપર છવાયું હતું. અનેક ઘટાદાર વૃક્ષો પણ હતાં. તે રાજી થયું. 

બન્ને ટેકરીનો ઢાળ ઉતરવા લાગ્યા. અર્ધે રસ્તે પહોંચ્યા ત્યારે શિયાળે સિંહને સાવધ કરવા 'લાળી' કરી. પેલી તરફ સિંહ તો શિકાર માટે તૈયાર જ હતો. તે ગુફાની બહાર આવ્યો. તેણે ઉપરની દિશામાં જોયું તો શિયાળની પાછળ અલમસ્ત ઊંટ આવી રહ્યું હતું. તેણે દોડવા કોશિશ કરી, પણ કમજોર પગ દોડી શક્યા નહ ીં.  તે ઝડપથી એ બન્ને તરફ ચાલ્યો. ઊંટ તો આ જોઈને  પહેલાં તો ગભરાઈ ગયું. તેને શિયાળની લુચ્ચાઈ ધ્યાન પર આવી. દગાખોર શિયાળને પાઠ ભણાવવા શિયાળની પૂંઠે જોરદાર લાત મારી. શિયાળ ગબડી પડયું. ઊંટ  ઝડપથી ટેકરી ચઢી, બીજી બાજુ ઉતરી, દોડવા લાગ્યું. થોડે દૂર ગયા પછી પાછળ જોયું તો સિંહ આવતો ન હતો. એક વૃક્ષની નીચે બેસી નિરાંતે શ્વાસ લીધો.

આ બાજુ શિયાળને ઊંટની જોરદાર લાત વાગી હતી. તેથી ગબડતું-ગબડતું તે છેક સિંહની આગળ જઈ પડયું. સિંહને તો શિકાર છટકી જવાથી શિયાળ ઉપર ગુસ્સો આવ્યો હતો. તેમજ આઠેક દિવસથી ભૂખ્યો હતો તેથી તેણે શિયાળનું જ મારણ કરી, પેટની ભૂખ સંતોષી. ત્યાર બાદ નદીએ જઈ પાણી પીધું અને ગુફામાં આવી આરામથી ઊંઘી ગયો!

ખરાબ દાનતવાળા શિયાળને મરવાનો વારો આવ્યો. તેથી જ સંતો એ કહ્યું છે કે, 'પોતાના નિજ સ્વાર્થ માટે કદી બીજાનું બૂરું ઈચ્છવું નહીં. તેનો અંજામ હંમેશા ખરાબ જ આવે છે.'