- માત્ર બાળકો જ નહીં, પરંતુ બાળકોનાં માતા-પિતાઓ પણ દાદાની વાત વાંચીને વિચારવા લાગ્યાં કે ઉમંગના દાદાએ આજે માત્ર બાળકોને જ નહીં, અમને પણ ઉત્તમ રીટર્ન ગીફટ આપી છે.
ભારત પી. શાહઆજે ઉમંગ ખૂબ ખુશ હતો. આજે તે વહેલો વહેલો ઉઠી ગયો. પ્રાતઃકાર્ય પરવારીને નીતાદાદીની સાથે મંદિરે ગયો. દાદીના માર્ગદર્શન હેઠળ તેણે મહાદેવજીની પૂજાવિધિ કરી, અને મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને બિસ્કીટના પેકેટ વહેંચ્યા. આમ કરવાનું કારણ ? કારણ એ હતું કે આજે તેનો જન્મદિવસ હતો, અને સાંજે તેનું ફ્રેન્ડ્ઝ, સગાસ્નેહી બધા તેના ઘરે આવવાના હતા.
ઉમંગની બહેન પ્રિયાંશીએ આખા ઘરને સજાવી દીધું હતું. ફૂલહારનાં તોરણ અને લાઈટોની સજાવટ જોઈને ઉમંગ ખૂબ ખુશ હતો. ઉમંગના ભાઈ ઉજ્જવલે પ્રિયાંશીને ખૂબ મદદ કરી હતી. પરાગમામા અને કેતનમામાના પરિવાર આજે સવારથી જ અહીં હતા. ઉમંગના મુખ પર ખુશી, પગમાં થનગનાટ હતો, એનું હૃદય આનંદના હિલોળે રહ્યું હતું. ઉમંગ સાંજ પડે તેની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો.
ભુવન ભાસ્કરે ધરા પરથી વિદાય લીધી, સંધ્યા ઢળી અને ઉમંગનું ઘર રોશનીથી ઝળહળી ઉઠયું. ઉમંગના પરિવારના બધા જ સભ્યો નવા વેશપરિધાન સાથે તૈયાર થઈ ગયા. ઓર્ડરથી મંગાવેલી કેક પણ આવી ગઈ. બેઠક રૂમમાં મોટું ટેબલ સજાવીને મૂકવામાં આવ્યું. તેના પર કેકનું બોક્સ મૂક્યું. મહેમાનો માટે ખુરશીઓ ગોઠવી દેવામાં આવી. ઉમંગ ઉત્સાહપૂર્વક બધાના આવવાની રાહ જોવા લાગ્યો. તેની નજર વારંવાર બારણા તરફ જતી હતી. સૌ પ્રથમ નિલયમામા અને મેઘનામામી, નાઈશા-સાયશા સાથે આવી પહોંચ્યાં. ઉમંગને જોઈને બંને બહેનો તેને ભેટી પડી. ધીરે ધીરે બીજા અંગત સગા-સ્નેહી પણ આવવા લાગ્યા. ઉમંગનું મિત્રમંડળ ધુ્રવ, દિશિતા, પરીન, સૂરજ, રિવા અને ધ્વનિલ પિપૂડાં વગાડતાં નાચતાં કૂદતાં આવી પહોંચ્યાં. છેલ્લે ઉમંગની માસીઓ રીનાબેન, પાયલબેન અને રાજશ્રીબેન ઉમંગ માટે નવી સાયકલની ભેટ લઈને આવી પહોંચી. વાતાવરણ ખુશી, હાસ્ય અને આનંદ ઉલ્લાસથી ભરાઈ ગયું.
ટેબલને ડ્રોઈંગરૂમની મધ્યમાં ગોઠવી તેના ઉપર કેક મૂકી, તેને કાપવાની તૈયારી થઈ. મીણબત્તી વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી, પછી તેને પ્રગટાવીને ફૂંક મારીને ઉમંગે કેક કાપવાની શરૂઆત કરી. બધા તેને હેપ્પી બર્થડેની વધાઈ દેવા લાગ્યા અને ગાવા લાગ્યા. આનંદ ઉલ્લાસના વાતાવરણ વચ્ચે ઉમંગે કેક કાપી અને પછી પરસ્પર કેક ખવડાવવાનો સિલસિલો ચાલ્યો. બધાએ તેને ગિફટ આપી. તે મેળવીને ઉમંગનો આનંદ ટોચ પર પહોંચી ગયો. ઉમંગ બિપિનદાદા, નીતાદાદી અને બીજા વડીલોને પગે લાગ્યો. ઉમંગે વડીલોના આશીર્વાદની સાથે સાથે ભેટ-સોગાદો મેળવી.
કેક ખાધા પછી જમવાનો પ્રોગ્રામ શરૂ થયો. ઉમંગનાં માતા-પિતા બધાને આગ્રહભેર જમાડવા લાગ્યા. બધાએ ગપાટા મારતાં મારતાં હસીખુશી સાથે ભોજન પૂરું કર્યું. પછી સોફા પર ગોઠવાઈ સૌ વાતચીત કરવા લાગ્યા. બાળકો પોતાનું અલગ સર્કલ કરીને ગોઠવાયાં.
નાનકડો ધુ્રવ નાઈશાના કાનમાં કહેવા લાગ્યો, 'નાઈશા, તને ખબર છે કે ઉમંગ આપણને રીટર્ન ગિફટમાં શું આપવાનો છે?'
'ના... મને કંઈ ખબર નથી.'
'મારે પણ જાણવું છે કે રીટર્ન ગીફટમાં શું છે?' નાનકડી સાયશા બોલી.
'સાયશા ચૂપ રહે...કોઈ સાંભળશે તો?' દિશિતાએ સાયશાને ઈશારાથી ચૂપ રહવાનો ઈશારો કર્યો.
રાત પડવા આવી. હવે બધાએ ઘરે જવાની તૈયારી શરૂ કરી. એટલામાં ઉમંગ બિપિનદાદાની સાથે ત્યાં આવી પહોંચ્યો અને બધાને રીટર્ન ગિફટમાં કંપાસ બોક્સ આપવા લાગ્યો. તેની સાથે સાથે બિપિનદાદાએ આપેલાં કવર પણ વહેંચતો ગયો. બાળકો ગિફટ મેળવી ખૂબ ખુશ થયાં. બધા વિચારવા લાગ્યા કે કવરમાં જરૂર રૂપિયા જ હશે.
'જય શ્રીકૃષ્ણ, ગુડ નાઈટ, બાયબાય...' વગેરે શુભવચનની આપ-લે કરીને સૌ વિખરાયા. ઘરે પહોંચી ચૂકેલાં બાળકો હવે કવર ખોલવા આતુર હતાં. દરેક બાળકે પોતાની અનુકૂળતા મુજબ કવર ખોલીને જોયું. તેમાં એક કાગળ હતો. તેમાં લખ્યું હતું-
'વ્હાલા બાળકો, તમારા જીવનમાં ગીફટ મેળવવાના અનેક પ્રસંગો આવશે, પણ હું તમને કેટલાંક ઉમદા વચનો અને નિયમોની રીટર્ન ગીફટ આપવા માગું છું તેને જીવનમાં ઉતારી લેજો.
(૧) માતા-પિતા ઈશ્વરને સમકક્ષા છે, તેમની જીવનભર સેવા કરજો. કોઈ પણ બુઝુર્ગનું સમ્માન કરજો, એને મદદ કરજો.
(૨) બધા ધર્મ સમાન છે, માટે ભવિષ્યમાં તમે ધર્મના નામે લડશો નહીં.
(૩) ગુસ્સા પર કાબુ રાખી, શાંતિનું વાતાવરણ બનાવજો.
(૪) કોઈપણ જાતના વ્યસન જેવા કે, દારૂ, જુગાર, ચોરીથી દૂર રહેજો.
(૫) સમાજમાં ફેલાયેલા કુરિવાજોને ડામજો.
(૬) લાલચથી દૂર રહેજો, અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડજો.
(૭) કોઈપણ સારા-માઠા પ્રસંગે જમણવારમાં અન્નનો વ્યય ન કરતા.
(૮) દેશની મૂડી દેશમાં જ રહે તે માટે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો.
(૯) તમારાથી બની શકે તો દીન-દુખિયા અને જરૂરિયાતમંદોની મદદ કરો.
(૧૦) દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો સત્ય, અહિંસા, શાંતિનો સંદેશ ચારેબાજુ ફેલાવજો...'
માત્ર બાળકો જ નહીં, પરંતુ બાળકોનાં માતા-પિતાઓ પણ દાદાની વાત વાંચીને વિચારવા લાગ્યા કે ઉમંગના દાદાએ આજે માત્ર બાળકોને જ નહીં, અમને પણ ઉત્તમ રીટર્ન ગીફટ આપી છે.
બાળમિત્રો, દાદાએ આપેલા ઉપરનાં સુવચનો આશીર્વાદ સમજી તમે પણ જીવનમાં જરૂર ઉતારજો.


