- ધરમશી કહે - 'પંડિતજી, અમારી એક મુશ્કેલી છે.'
- અરે આ તો કળજુગ છે... પાપનો કોઈ પાર નથી.
- હરીશ નાયક
જૂ ના જમાનાની વાત. એક દિવસ પંડિતજી બે કલાક બસસ્ટેન્ડ પર ઊભા રહ્યા ત્યારે તેમને બસમાં ચઢવાની તક મળી.
પહેલી બસ ઊભી નહોતી રહી.
તેના પછીની બસ ઊભી રહી પણ કંડક્ટરે 'હવે જગા નથી કહીને છેક પગથિ યા પર ચઢેલા જગા પંડિતને ધક્કો મારી હેઠે ઉતારી મૂક્યા.
ત્રીજી બસમાં ચઢ્તા તો ખરા પણ બે મિનિટ થઈ કે બસ બ્રેક ડાઉન થઈ ગઈ.
ઉતારૂઓ ઉતરી ગયા.
થોડા બસ-સ્ટેન્ડ પર પાછા આવ્યા.
તે પછીની બસમાં જગા પંડિતજીને જગા મળી.
પણ બસ ખીચોખીચ ભરેલી હતી.
જગા પંડિતને બસમાં ઊભા રહેવું પડયું.
એવામાં બીજા સ્ટેન્ડ પર બસ ઊભી રહી કે એક સ્ત્રી સીટ પરથી ઊભી થઈ અને બસમાંથી ઊતરી ગઈ.
સીટ ખાલી થઈ.
આ ખાલી સીટ જોઈને જગા પંડિત તેના પર બેસી ગયા.
સીટ પર બીજો એક ઉતારૃં બેઠો હતો.
જગા પંડિત તેની સામે જોઈ રહ્યા.
પેલાએ બોલવાની શરૂઆત કરી - 'ક્યાં જવું છે પંડિતજી?'
પંડિતજી કહે - 'એક સગાને ઘેર લગ્ન છે. ચાંદલો કરવા અમે જઈ રહ્યા છીએ. તમે કોણ?'
પેલો બોલ્યો - 'મારું નામ ધરમશી, ગામડેથી આવું છું. આ શહેરનો અજાણ્યો છું. બસમાં પહેલી વાર બેઠો છું. તમે તો બસના ભોમિયા હશો?'
પંડિતજી કહે - 'અમે તો એકેએક બસના જાણકાર છીએ. ક્યા નંબરની બસ ક્યાં જશે એ અમને મોઢે છે. ગીતાના શ્લોક જેમ એમને મોઢે છે, તેમ કઈ બસ ક્યાં જાય છે તે અમને મોઢે છે.'
ધરમશી કહે - 'પંડિતજી, અમારી એક મુશ્કેલી છે.'
પંડિતજી કહે - 'બોલો, શી મુસીબત છે? અમારું નામ જગાપંડિત છે. ગામ આખું અમને ઓળખે છે. અમે મોટા જોશી છીએ.'
ધરમશી કહે - અમારી પાસે એક સોની નોટ છે.
પંડિતજી કહે - 'તમારી પાસે તે હશે. ગામડાના લોકો પણ ઘણું કમાય છે.'
ધરમશી કહે - 'તેના છૂટા લેવા છે.'
પંડિતજી કહે - 'છુટા કેમ ન હોય? અમે ઘરેથી નીકળીએ છીએ ત્યારે ખિસ્સામાં બસો-ત્રણસોની નોટો લઈને નીકળીએ છીએ.'
ધરમશી કહે - 'તો અમને દસ દસની નોટો ન આપો?'
પંડિતજી કહે - 'કેમ ન આપીએ? અમે તો લોકોને મદદ કરવા જ આવ્યા છીએ.'
ધરમશી કહે - 'તમારા જેવા ભગવાનેય નહિ. નહિ તો શહેરમાંથી ઘણીવાર સોની નોટ વટાવવા ઘણી દુકાનો ફરવી પડે છે. કોઈ સોના છૂટા આપતાં નથી.'
પંડિતજી કહે - 'અરે આ તો કળજુગ છે. પાપનો કોઈ પાર નથી.'
ધરમશી કહે - 'સાચું છે. તમારા જેવા પુણ્યવાન લોકોથી પૃથ્વી ટકી રહી છે. એટલું કહીને તેણે ખિસ્સામાંથી સોની નોટ કાઢી.'
પંડિતજીએ એ સોની નોટ એક હાથમાં લીધી અને બીજા હાથમાંથી દસ-દસની નોટો કાઢી. પછી તે નોટો ધરમશીના હાથમાં મૂકી.
ધરમશી કહે - 'ભગવાન તમારું ભલું કરે.'
પંડિતજી કહે - 'અરે, એ તો અમારી ફરજ છે. અજાણ્યા લોકોને મદદ કરવી એ જ સાચો ધર્મ છે.'
એવામાં બસ એક સ્ટેન્ડ પર ઊભી રહી.
પંડિતજી કહે - 'ધરમશીભાઈ, તમારે લાલ દરવાજે જ ઉતરવું છે ને?'
ધરમશી કહે - 'ના, તેના આગળના સ્ટેન્ડે ! ત્યાં મારો એક ભાણિયો રહે છે તેને મળી લઉં. પછી લાલ દરવાજે આવી પહોંચીશ.'
ધરમશીભાઈ ઊતરી ગયા.
જગા પંડિતજીને આનંદ થઈ રહ્યો કે ધરમશીભાઈને પોતે મદદ કરી!
એવામાં લાલ દરવાજે બસ ઊભી રહી. ઊતારૂઓ બસમાંથી ઉતર્યા. જગા પંડિતજી પણ નીચે ઉતર્યા.
પછી જેને ત્યાં લગ્ન હતા ત્યાં જઈ પહોંચ્યા.
મોટા મંડપમાં પ્રવેશ દ્વાર આગળ એક માણસ બેઠો હતો. બધાના ચાંદલા લખતો હતો.
ચાંદલો લખનાર કહે - 'કેટલા રૂપિયા લખું?'
પંડિતજી કહે - 'એકસો એક!'
ચાંદલો લખનાર કહે - 'સગામાં લાગો છો?'
પંડિતજી કહે - 'પરણનાર ભત્રીજો થાય છે. તેનો બાપ અને હું મામા-ફાઈના ભાઈ થઈએ.'
એટલું કહીને પંડિતજીએ ખિસ્સામાંથી ધરમશીભાઈએ આપેલી પેલી સોની નોટ અને એક રૂપિયો રોકડા બહાર કાઢીને પેલાના હાથમાં મૂક્યા.
પેલાએ નોટ પાછી આપવા માંડી કે પંડિતજી બોલ્યા - 'અલ્યા ભાઈ, અમારો ચાંદલો લખવાનો છે. અમારી દીકરીનાં લગ્નમાં પણ આ લખમશીભાઈએ એકસો એક ચાંદલો કર્યો છે.'
ચાંદલો લખનાર કહે - તે હશે, પણ આ નોટ તો જુઓ! છોકરાઓને રમવા માટે બજારમાં ખોટી નોટો વેચાય છે તેવી છે.
પંડિતજી કહે - 'હેં ! શું...શું...?'
પેલો બોલ્યો - 'હા આ તો છોકરાઓને રમવાની નોટ છે. પાંચ દસ પૈસામાં વેચાય છે. તમે ક્યાંથી વેચાતી લીધી?'
પંડિતજી કહે - 'અલ્યા, મેં તો પૂરી દસ-દસની નોટો આપીને લીધી છે.'
અને પંડિતજી ધુ્રસકે ધુ્રસકે રડી પડયા. રડતાં રડતાં તેઓ કહેતા હતા. ચાંલ્લો બસમાં જ થઈ ગયો. ધરમશીભાઈ ધરમકરમ કરી ગયા. ચાતુર્માસનાં પુણ્ય મેળવી ગયા...


