રિયલ કૂલ સ્ટાર ટેટી, તરબૂચ અને દ્રાક્ષ!

- મોનુ વાંદરો બોલ્યો, 'કાકા! આ પીણું પીશું તો આપણે 'સુપર કૂલ' થઈ જઈશું! આ ઉફ્ફ ગરમીથી રાહત મળશે.'
- કોકુ કાચબાકાકા હસ્યા, 'સુપર કૂલ? કે સુપર ભૂલ?'
- ડૉ. પારુલ અમિત 'પંખુડી'
એક વખત જંગલમાં એવી ગરમી પડી કે બધાં પ્રાણીઓ 'ઉફ્ફફ!' કરવા લાગ્યાં. 'તોબા આ ગરમી! આ માણસોએ ઝાડ કાપી નાખ્યાં અને હવે જંગલો માંડ બચ્યાં છે. હવે આ ગરમીથી કોણ બચાવશે આપણને?'
વાંદરો મોનુ ઝાડની ડાળી પર લટકતો હતો અને જીભ બહાર કાઢીને બોલ્યો, 'હું તો પરસેવે રેબઝેબ થઈ જાઉં છું! કોઈ મને ફ્રીઝરમાં મૂકી દો!' સસલી સીલી હસીને બોલી, 'અરે વાંદરાભાઈ! કૂદકા ઓછા મારો. ચાલો આપણે ગરમીથી બચવા શેર રાજાની ગુફામાં જઈએ અને ટીવી જોઈએ. આઈપીએલ શરૂ થવાની છે.'
તેઓ ત્યાં પહોંચ્યા તો કિલ્લુ કાગડો, ચીકુ ચકલી, અપ્પુ હાથી, સિગ્ગી ખિસકોલી અને ગજ્જુ ગધેડો બધાં બેઠાં હતાં. મેચ ચાલતી હતી એટલામાં એક એડ આવી- 'સુપર-કૂલ ડ્રિંક પીવો! એક સિપ અને બમ્મ્મ! ઠંડક!' એડમાં બોટલમાંથી ધુમાડો નીકળતો હતો અને પ્રાણીઓ ડાન્સ કરતાં હતાં!
મોનુ વાંદરો ઉછળી પડયો, 'બસ! મને આ જ જોઈએ! હું તો હવે આ જ પીશ!'
ચીકુ ચકલી બોલી, 'હું પણ! હું પણ!'
એટલામાં કોકુ કાચબાકાકા આવ્યા. 'હું... હું... હું... શું ચાલે છે અહીં?'
મોનુ વાંદરો બોલ્યો, 'કાકા! આ પીણું પીશું તો આપણે 'સુપર કૂલ' થઈ જઈશું! આ ઉફ્ફ ગરમીથી રાહત મળશે.'
કોકુ કાચબાકાકા હસ્યા, 'સુપર કૂલ? કે સુપર ભૂલ?'
બંને ચોંકી ગયા, 'એ શું?'
કાચબાકાકા આંખ મારીને બોલ્યા, 'ચાલો, હું તમને 'કૂલ ગેંગ' સાથે મળાવું!'
બધાં પ્રાણીઓ તેમની પાછળ જંગલના એક સિક્રેટ ઠંડા સ્પોટ તરફ ગયાં. અચાનક તેઓ એક હરિયાળી વાડી પાસે પહોંચ્યા જ્યાં ખૂબ ઠંડક હતી. ત્યાં ત્રણ સ્ટાઈલિશ ફળો હતાં. લીલું, ગોળમટોળ 'તરબૂચસિંહ' કાળા ગોગલ્સ પહેરીને વેલ પર લટકી રહ્યા હતા. સહેજ આગળ આછી પીળી 'ટેટીબેન' હતાં, જે ગુલાબી ગોગલ્સ પહેરી મીઠી સ્માઈલ આપી રહ્યાં હતાં. અને સહેજ દૂર 'દ્રાક્ષ' રંગબેરંગી ગોગલ્સ પહેરી, ફુલ એનર્જી સાથે ડોલી રહી હતી.
મોનુ વાંદરો તો આંખો મોટી કરીને બોલ્યો, 'વાહ! તમે તો ફિલ્મ સ્ટાર કે કોઈ ક્રિકેટર લાગો છો!'
દ્રાક્ષ ડોલતી ડોલતી બોલી, 'યસ! અમે છીએ 'કૂલ સ્ટાર!'
મોનુએ પૂછયું, 'તમે શું કરો છો?'
તરબૂચસિંહ ગર્વથી બોલ્યો, 'અમે આપીએ કુદરતી ઠંડક!'
મોનુ હસ્યો, 'એડમાં જે પીણું છે એ વધારે કૂલ છે!'
દ્રાક્ષ બોલી, 'ઓહ્હ... ચાલ, એક 'કૂલ ટેસ્ટ' કરીએ!'
પહેલાં મોનુ અને ચીકુને બોટલનું પીણું આપ્યું. મોનુ બોલ્યો, 'વાહ! ઠંડું છે!' પણ બે મિનિટ પછી જ તે બોલ્યો, 'ઓહ... ફરી ગરમી!'
ચીકુ ચકલી બોલી, 'મને તો ફરી તરસ લાગી!'
હવે તરબૂચસિંહ બોલ્યો, 'મારો વારો!'
તે તરબૂચના કટકા લાવ્યો. મોનુએ ખાધું, 'ઓ...! અંદરથી ઠંડક આવી ગઈ!'
ચીકુ બોલી, 'મારા કાન સુધી ઠંડક પહોંચી ગઈ!'
પછી ટેટીબેન બોલ્યાં, 'હવે મીઠાશનો જાદુ!'
બધાએ ટેટી ખાધી અને બોલ્યા, 'વાહ! મીઠી, રસદાર, સુપર!'
છેલ્લે દ્રાક્ષ બોલી, 'હવે મારો મીની પાવર જુઓ!'
સૌએ દ્રાક્ષ ખાધી. મોનુ તો એનર્જીમાં આવી ડાન્સ કરવા લાગ્યો.
કોકુ કાચબાકાકા ધીમેથી બોલ્યા, 'સમજાયું સૌને?'
મોનુ બોલ્યો, 'હા! બોટલનું પીણું ફક્ત થોડા સમય માટે ઠંડક આપે છે, પણ ફળો તો અંદરથી ઠંડક આપે છે!'
દ્રાક્ષ સ્ટાઈલમાં બોલી, 'છીએ ને અમે 'રિયલ કૂલ સ્ટાર!'
સૌ મજા કરતાં ગુફામાં પાછા પહોંચ્યાં. ટીવી પર ફરી એડ આવી પણ આ વખતે મોનુએ રિમોટ લઈને બોલ્યો, 'સ્કિપ એડ!'
બધા હસી પડયાં.









