Get The App

કેટલાક મેસેજ માત્ર અનુભવાય છે

Updated: Sep 9th, 2023

GS TEAM

Google News
Google News
કેટલાક મેસેજ માત્ર અનુભવાય છે 1 - image

- ઝાકળઝંઝા

- 'આમ તો કંઈ ખાસ નહીં છતાં હું તમને એક વાર્તા કહું છું. બે મિત્રોની વાર્તા છે. જો તમને લોકોને એ સમજાશે તો હું જે કહું છું એ પણ સમજાઈ જશે.'

'સિ દ્ધાર્થ તે ફિલ્મ બનાવવા માટે ખૂબ મહેનત કરી પણ લોકોએ વખાણી નહીં... મને ખરેખર દુઃખ થયું. તમે બધાએ દિવસ રાત ભેગા થઈને મહેનત કરી હોય, આટલું બધું કામ થયું હોય અને આટલો સારો મેસેજ આપતી ફિલ્મ બનાવી હોય છતાં લોકો તેને સ્વીકારે નહીં. લોકોને હવે માત્ર કોમેડિ ફિલ્મોમાં જ રસ પડે છે અને પેલી વાહિયાત વેબસિરીઝોમાં જ રસ હોય એમ લાગે છે' - આઈઆઈએમ રોડ ઉપર આવેલી એક કિટલીના બાંકડે બેઠા બેઠા ચાની ચુસ્કીઓ મારી રહેલા મિત્રોમાંથી એક દિવ્યાંગ બોલ્યો.

'તારી વાત થોડીઘણી તો મનેય સાચી લાગે છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોની વાત આવે ત્યારે ગુજરાતીઓને જોવું છે શું અને ગમે છે શું તેનું તો ભાન જ નથી. ગમે તેને સુપરહિટ અને ગમે તેને સુપરફ્લોપ કરી નાખે છે. ગુજરાતી ટેસ્ટ કળાતો નથી. તું ચિંતા ના કરીશ તારી ફિલ્મ ધીમે ધીમે ચાલશે ખરી...' - ચેતને પણ ચાની ચુસ્કી મારી અને સિદ્ધાર્થની તરફ નજર કરીને કહ્યું.

'યાર તમે લોકો માત્ર ગુજરાતીઓના ટેસ્ટને ખોટો ના ઠેરવશો. અત્યારે ચારેતરફ એટલું બધું કન્ટેન્ટ અને એટલા બધા પ્લેટફોર્મ ઉપર અવેઈલેબલ છે કે લોકોને જ્યાં જે ગમે ત્યાં તે એન્જોય કરે. ફિલ્મ ચાલી કે નહીં તેના માટે માત્ર ગુજરાતી વ્યૂઅર્સને બ્લેમ કરવા યોગ્ય નથી. સિદ્ધાર્થે જે મેસેજ આપ્યો તે કદાચ વ્યૂઅર્સ માટે બહુ કોમન હોય અથવા તો તેમને વધારે હાઈપોથેટિકલ લાગતો હોય એવું પણ બને. આ બંને શક્યતાઓમાં તેઓ ફિલ્મ જોવાનું ટાળે તે સ્વાભાવિક છે. બોલિવૂડની પણ ઘણી સારા મેસેજ આપતી ફિલ્મોના ફિયાસ્કા થયા જ છે. યુ નેવર જજ ઓર અન્ડરસ્ટેન્ડ ધ માઈન્ડસેટ ઓફ પીપલ' - પૃથા થોડી વધારે જ રેશનલ થઈને જવાબ આપતી હતી.

'લો આ કોફો પિનારા બુદ્ધિજીવી બોલ્યા. અલ્યા ભઈ.. આપણા મિત્રએ એક ફિલ્મ બનાવી અને તેની ફિલ્મને સારો પ્રતિભાવ ન મળ્યો તો તેને સધિયારો આપવાનો હોય. તું પાછી ફિલ્મ ક્રિટિક થવા જાય છે. તારો ત્રાસ હજી ઓછો થયો નથી. ખબર નહીં આનો વર અને છોકરા કેમના જીવતા હશે આની જોડે...' - અનિકેતે પૃથાના માથે ટપલી મારી દીધી. 

'અલ્યા ભઈ સિદ્ધાર્થ દુઃખી છે અને શાંત છે તે સમજી શકાય છે. આપણે એને ચિયરઅપ કરવા ભેગા થયા છીએ... તું કેમ શાંત છે. તે કોફો પીધો કે નહીં... તારે કંઈ કહેવું નથી' - રાજેશે આદિત્યના ખભે હળવેકથી ધબ્બો મારતા કહ્યું. 

'કંઈ ખાસ નહીં યાર. આ તો માત્ર વિચાર કરતો હતો. સારો મેસેજ કોને કહેવો અથવા તો મેસેજ સારો છે કે સાચો છે તે કેવી રીતે નક્કી કરી શકાય. મહત્ત્વનું તો એ છે કે, મેસેજ જે આપવામાં આવ્યો છે તે સામેની વ્યક્તિને સમજાયો કે નહીં. તમારા મેસેજની અસરકારકતા પણ એટલી જ નક્કર પરિબળ બને છે.' - આદિત્યએ કહ્યું અને સિદ્ધાર્થના કાન સહેજ સરવા થયા. 

'બોલ્યો મારો ભઈ... હવે કંઈક નવું આવશે. તો બોલો મારા કવિમિત્ર... તમારી આ રચનામાં કવિ શું કહેવા માગે છે' - અનિકેતે આટલું બોલતા બોલતા દિવ્યાંગના હાથમાં રહેલી સિંગમાંથી એક લઈને આદિત્યને મારી. 

'આમ તો કંઈ ખાસ નહીં છતાં હું તમને એક વાર્તા કહું છું. બે મિત્રોની વાર્તા છે. જો તમને લોકોને એ સમજાશે તો હું જે કહું છું એ પણ સમજાઈ જશે.' - આદિત્યએ કહ્યું.

'તો રાહ શેની જૂઓ છો મહારાજ... ચાલો ઈર્શાદ...' - અનિકેતે ફરીથી મસ્તી કરી.

મેહુલકુમાર અને સુજીત પાંડે નામના બે મિત્રો હોય છે. બંને સાથે અભ્યાસ કરતા હતા અને તેના કારણે રોજિંદી મુલાકાત મિત્રતામાં પરિણમી હતી. સમય પસાર થતો ગયો તેમ મેહુલકુમાર અને સુજીત પાંડે કોલેજમાં પોતાની મનગમતી પ્રવૃત્તિઓમાં જોડાતા રહ્યા અને કામ કરતા રહ્યા. સુજીતના પરિવારમાં બધા સિવિલ સવસમાં હતા અને તેને પણ સિવિલ સર્વિસમાં મોકલવા માગતા હતા પણ સુજીત બિચારો કવિહૃદય હતો. તેને વાર્તાઓ લખવી, નાટકો ભજવવા ગમતા હતા. તેમાંય બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર કે.મસ્તાનનો છોકરો મેહુલકુમાર જેનો મિત્ર થઈ ગયો હોય એને સિવિલ સર્વિસમાં રસ પડે. 

સુજીત તો મેહુલની ભાઈબંધીમાં બોલિવૂડની ગલીઓમાં ફરવા લાગ્યો. નાટકો જોવા લાગ્યો, ક્યાંક ભજવવા લાગ્યો અને ક્યાંક લખવા પણ લાગ્યો. કોલેજકાળમાં આ બધાનો નશો અલગ હતો પણ જેવી કોલેજ પૂરી થઈ કે જવાબદારીઓએ બધું ભાન કરાવી દીધું. સુજીત સિવિલ સર્વિસમાં તો ન ગયો પણ પત્રકારત્વમાં નસીબ અજમાવ્યું. મેહુલે તો પોતાના બાપનો જમાવેલો ધંધો અપનાવી લીધો હતો. તેણે પોતાની આવડતથી ડીઓપી અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ શરૂ કરી દીધું હતું.

આ ઘટનાને લગભગ સાત-આઠ વર્ષ પસાર થઈ ગયા. એક દિવસ સુજીતને ખબર પડી કે, મેહુલકુમારે ડાયરેક્ટ કરેલી ફિલ્મ રિલીઝ થઈ છે. તેને ખૂબ જ આનંદ થયો કે તેનો મિત્ર ડાયરેક્ટર બની ગયો છે જેના તે સપનાં જોતો હતો. તેણે મેહુલકુમારને ફોન કરીને અભિનંદન પાઠવ્યા અને મળવાનો સમય માગ્યો. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મના નશામાં મેહુલ વાદળોની સવારી કરતો હતો. તેણે સુજીતને મળવામાં વધારે રસ દાખવ્યો નહીં. 

થોડા દિવસમાં તો મેહુલકુમારની ફિલ્મ ધોવાઈ ગઈ. બીચારો વાદળમાંથી સીધો જ ખાડામાં આવી ગયો. વાસ્તવિકતાનું ભાન થયું એટલે મિત્રો યાદ આવવા લાગ્યા. વિલાયેલા મોઢે સુજીતને પણ યાદ કરવા લાગ્યો. એક દિવસ મેહુલ અને સુજીત મળ્યા. જે થયું તે ભુલીને આગળ વધવાનું નક્કી કર્યું. સુજીતે તેને મુક્તમને માફ પણ કરી દીધો. બંને સ્ટોરી ઉપર કામ કરવા લાગ્યા અને સારો પ્રોડયુસર શોધવા લાગ્યા. લગભગ ચાર-પાંચ વર્ષ સુધી એક જ સ્ટોરી ઉપર કામ કર્યું અને સરસ સ્ક્રિપ્ટ તૈયાર થઈ પણ કોઈ પ્રોડયુસર મળતું નહોતું. 

સુજીત અને મેહુલ પોત-પોતાની રીતે પ્રયાસ કરતા હતા પણ કોઈ અણસાર દેખાતો નહોતો. આ દરમિયાન સુજીતને દુબઈથી ફોન આવે છે. તેને એક કોમન ફ્રેન્ડનો રેફરન્સ આપે છે અને ફિલ્મ બનાવવા માટે મળવાનું આયોજન કરવાનું કહેવાય છે. સુજીતને આનંદ થાય છે. તે ફોન કરનાર વ્યક્તિ સાથે વિવિધ વિષયો ઉપર વાત કરે છે અને તે જ્યારે મુંબઈ આવે ત્યારે રૂબરૂમાં ફિલ્મના વધુ અને વિગતવાર વિષયો જણાવવાની વાત કરે છે. આ ઉપરાંત ડાયરેક્ટર તરીકે તે મેહુલનું નામ સુચવી દે છે અને મેહુલનો ફોન નંબર પણ તેને આપે છે. 

દુબઈથી ફોન કરનારી વ્યક્તિ સુજીતને કહે છે કે તેના વિષયો વધારે પસંદ નથી. તે ડિસેમ્બરમાં મુંબઈ આવશે ત્યારે વધુ વિષયો અંગે ચર્ચા કરશે. બીજી તરફ મેહુલનો એક વખત સુજીતને ફોન આવે છે કે કોઈ દુબઈની પાર્ટી છે જેણે તારા નામે ફોન કર્યો હતો. સુજીત તેને રેફરન્સ આપ્યાનું સ્વીકારે છે અને ફિલ્મ ઉપર કામ કરવાનું કહે છે. 

આ ઘટના પછી સુજીતને ક્યારેય ફોન આવતો નથી પણ દુબઈની એ વ્યક્તિ મેહુલ સાથે સતત સંપર્કમાં આવી જાય છે. મેહુલ આ વિશે સુજીતને જણાવે છે પણ મેહુલ માત્ર અર્ધસત્ય જ જણાવતો હોય છે. આ દરમિયાન સુજીતના કાકાનું અવસાન થાય છે અને તે પોતાના વતન સુરત આવ્યો હોય છે. આ સમયે તે મેહુલને ત્યાં જૂએ છે. સુરતના એક વિસ્તારમાં મેહુલ કોઈની સાથે ફરતો હોય છે. સુજીત તેને ઊભો રાખીને પૃચ્છા કરે છે તો મેહુલ કહે છે કે, આ તેનો મિત્ર છે અને સુરતની લાઈફ ઉપર ડોક્યુમેન્ટ્રી કરવા માગે છે. એટલા માટે તેને આ લોકેશન બતાવવા લાવ્યો છું. 

આ ઘટના બાદ લગભગ ચાર મહિને મેહુલનો ફોન આવે છે કે, આવતીકાલે મારી એક ફિલ્મનું શૂટ છે તું આવજે જોવા. 

સુજીત ફિલ્મના સેટ ઉપર જાય છે. ત્યારે મેહુલ તેની મુલાકાત એક વ્યક્તિ સાથે કરાવે છે જે દુબઈથી તેની સાથે સંપર્કમાં હોય છે તે જશવંતલાલ મહેતા. સુજીતને મળીને જશવંતલાલ છોભીલા પડી જાય છે અને મેહુલના ચહેરાનું પણ નૂર જતું રહે છે છતાં તેઓ શૂટિંગમાં વ્યસ્ત થઈ જવાના પ્રયાસ કરતા રહે છે. સુજીત મુહુર્તનું શૂટિંગ જોઈને સમજી જાય છે કે, તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તે કશું જ બોલતો નથી. ફિલ્મમાં સીન બદલવા માટેનો બ્રેક પડે છે ત્યારે મેહુલ ખુલાસો આપે છે કે, જશવંતલાલને તારી વાર્તાઓ ગમી નહોતી. તેમને સારી સ્ટોરી જોઈતી હતી. આપણી જે વાર્તા હતી તે મેં એમને કહી. તું લેખક છે એ પણ સમજાવ્યું છતાં વિચાર મારો હતો એવું એમણે કહ્યું એટલે અમે બીજા લેખક પાસે આ વાર્તા લખાવી દીધી. આખો પ્લોટ બદલી કાઢયો. તેમાં અલગ જ પ્રકારનો સોશિયલ મેસેજ નાખી દીધો. તને આપણી સ્ટોરીનું ટ્રાન્સફોર્મેશન જોવાની મજા પડશે.

દોસ્ત મને તો આપણી સ્ટોરીનું આ ટ્રાન્સફોર્મેશન જોવાની પણ બહુ મજા આવી છે અને આગળ તારી સ્ટોરી બદલાશે તે જોવાની પણ મજા આવશે. ઈશ્વર પણ ખુબ જ સરસ મેસેજ આપતો હોય છે. સુજીત આવી વાત કરીને ત્યાંથી નીકળી ગયો. 

લગભગ આઠ મહિના પછી ફિલ્મ રિલીઝ થઈ અને ફિલ્મના ટાઈટલ, બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અને ડાયલોગ્સમાં ચોરી અને ગોટાળા કરાયાનું બહાર આવ્યું. ફિલ્મની સ્ટોરી પણ ભંગાર હતી અને માત્ર ચાર જ દિવસમાં ફિલ્મ થિયેટર્સમાંથી ઉતરી ગઈ.

આદિત્ય આટલું બોલીને અટક્યો અને પૃથાના હાથમાંથી પાણીની બોટલ લઈને ઘુંટડો ભર્યો. 

'તારી વાત બરોબર, સુજીતને પેલા મેહુલિયાએ છેતર્યો એમાં એણે ભોગવવાનું આવ્યું. ભગવાને એને પાઠ ભણાવ્યો. કુદરત બધું બરોબર જ કરતી હોય છે. તારી મેસેજ આપવાની વાત બિલકુલ સાચી છે. આ વાર્તાને આપણા સિદ્ધાર્થ જોડે શું લેવા દેવા. મને એ સમજાતું નથી..' - અનિકેતે માથું ઘુણાવતા કહ્યું.

બધાએ આદિત્ય ઉપર નજર કેન્દ્રિત કરી અને પછી એક નજર સિદ્ધાર્થ ઉપર નાખી. આદિત્યએ માત્ર સ્મિત કર્યું ત્યાં તો સિદ્ધાર્થ ઊભો થઈને ત્યાંથી જતો રહ્યો.