- કનુજી કેશાજી ઠાકોર 'કનકસિંહ'
મેહુલિયા ઓ મેહુલિયા
મેહુલિયા ઓ મેહુલિયા
વરસીને તું......
ભરી દેજે નદી ને સરોવળિયા
મેહુલિયા ઓ મેહુલિયા
પશુ,પંખી,ફળ,ફૂલ,ઝાડ ને જીવો
તારી જોવે વાટ
તળાવ કાંઠે સુના પડયા છે તારા વિના ના ઘાટ
મેહુલિયા... વરસીને તું ભરી દેજે ખેતરિયા
મેહુલિયા ઓ મેહુલિયા
મોર,દેડકાઓ તને બોલાવવા કરે છે સાદ
ચાતક અને બપૈયાનો તું સાંભળજે રે સાદ
મેહુલિયા.... તું ભરીને આવજે વાદળિયાં
મેહુલિયા ઓ મેહુલિયા
તુ આવીશ તો ધરતીમાતા ઓઢશે લીલા ચીર
નદી, તળાવ ને સરોવરમાં ખુટવા ના દેતો નીર
તારા આગમનથી પંખીઓ ખુશીથી ટહુકિયા
મેહુલિયા ઓ મેહુલિયા
કાચબાનો રેઈનકોટ
કાચબો કહેતો મમ્મી, મને લાવી આપજે રેઈનકોટ
વરસાદ તો બહુ પડે પલળી જાશે પુસ્તકો ને નોટ.
ચોમાસામાં વરસાદ આવે, વરસાદની મને લાગે બીક
વરસાદમાં પલળીશ તો મને તાવ આવે આખું વીક.
છત્રી લઈને શાળામાં જાઉં તો છત્રીનો બને કાગડો
સૌ મારા મિત્રો મજાક કરતા - કાચબો થયો કાગડો!
મમ્મી, વરસાદમાં લપસીશ તો આવશે મને ચોટ
કાચબો કહેતો મમ્મી, મને લાવી આપજે રેઈનકોટ
મમ્મીએ કાચબાને લાવી આપ્યો રેઈનકોટ કાળો
કાચબો કહેતો હવે નિશાળમાં વટ પડશે રે મારો.
કાચબો વરસાદમા રેઈનકોટ પહેરી મુકતો દોટ
કાચબો કહેતો મમ્મી, મને લાવી આપજે રેઈનકોટ...
મગર હાલ્યો વરસાદમાં ફરવા
મગરભાઈ છત્રી લઈને હાલ્યા વરસાદમાં ફરવા
ઝરમર ઝરમર વરસાદમા હાલ્યા એ તો પલળવા.
રસ્તામાં આવ્યું દેડકાનું ઘર,
દેડકાને પણ લીધો સાથમાં
દેડકાને થયો બહુ આનંદ,
તેણે રેઈનકોટ લીધો હાથમાં.
મગરે કહ્યું ચાલ વરસાદથી ભરેલ ખાડામાં તરવા,
મગરભાઈ છત્રી લઈને હાલ્યા વરસાદમાં ફરવા
બંને મિત્રો ખૂબ જ પલળ્યા, ખાબોચિયામાં ખૂબ ના'યા,
વરસાદ બંધ થતાં બંને મિત્રો, છાનેમાને પોતાના ઘેર આયા.
પપ્પાએ કહ્યું વરસાદમાં તમે કેમ ગયા પલળવા?
મગરભાઈ છત્રી લઈને હાલ્યા વરસાદમાં ફરવા.
ધરતીનો વાદળને સંદેશ
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત
ગરમી અને ઉકળાટ પડે છે દિવસ ને રાત
સવાર-સવારમાં વરસાદ આવા ના કરે ડોળ
વીજળીબેનને કહેજો ઓછું બતાવો જોર.
તું વાદળને ફોન કરી જણાવ મારી હાલત
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત.
વૃક્ષભાઈએ વાદળને તાત્કાલિક કર્યો ફોન,
વાદળ કહે, તમે બોલો છો અરે ભાઈ કોણ?
હું છું કમભાગી વૃક્ષ ને ધરતી મારી માત,
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત.
ધરતી પર વરસાવો તમે અમરતરૂપી જળ.
વાદળ બોલ્યું,માણસનાં મળ્યાં તમને ફળ
તમારું ક્યાં સારું વિચારે છે માણસ જાત?
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત.
વૃક્ષ કહે માણસ જેવું આપણે ના જ થવાય,
માણસની ભૂલે બીજા જીવોને ના તડપાવાય.
વાદળ બોલ્યંુ કહેજો કે હું આવીશ સાક્ષાત્
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત.
વૃક્ષે ધરતીને વાદળના મેસેજ આપ્યા સારા,
રાતે વાદળની પાછળ સંતાઈ જશે સૌ તારા.
ધરતી કહે ઓ માણસ તું ના બતાવીશ જાત.
ધરતીબેને વૃક્ષને કહ્યું સાંભળજે મારી વાત.
દેડકાભાઈ હાલ્યા નિશાળ
દેડકાભાઈ હાલ્યા નિશાળ,
લઈને છત્રી નવીનકોર.
વરસાદ તો વરસી રહ્યો,
પાણી ભરાયાં ચારેકોર.
દેડકાભાઈએ મમ્મીને કહ્યું,
નિશાળે મારે જાવુ કેમ?
નવીનકોર છે છત્રી મારી,
પવનમાં રમશે એ ગેમ.
મમ્મી નિશાળે મુકવા હાલ
ઘેર હું થઈ જઇશ બોર.
દેડકાભાઈ હાલ્યા નિશાળ,
લઈને છત્રી નવીનકોર
મમ્મી સાથે વરસાદમાં દેડકો,
છત્રી લઇ આવ્યો નિશાળ,
દરવાજે આવીને ચોંકી ગયો
મમ્મી આજે છે રવિવાર!
મમ્મી કે'તી બેટા ભણવામાં,
આપણે બનવું પડે ચકોર,
દેડકાભાઈ હાલ્યા નિશાળ,
લઈને છત્રી નવીનકોર...


