Get The App

રહીમનો કૂવો .

Updated: Mar 24th, 2023

GS TEAM

Google News
Google News
રહીમનો કૂવો                                                  . 1 - image


- 'હું તારી ઈચ્છા મુજબનું સોનું ચાંદી રૂપું હીરા મોતી માણેક નીલમ ઝવેરાત આપીશ. પણ, અલ્યા એટલું બધું રાખશે ક્યાં?'

- ખબરદાર! જો કૂવાથી આગળ-પાછળ થયો છે તો!

- અરેબિયન નાઈટ્સથી માંડીને હરીશિયન નાઈટ સુધીની અનુપમ વાર્તા

'કૂ વા ખોદાવો... કૂવા...! ઊંડા ઊંડા, ચોખ્ખા પાણીના, મજબૂતમાં મજબૂત કૂવા...! જિંદગીભરની નિરાંત થઈ જાય તેવા કૂવા! આખું ગામ પાણી પાણી થઈ જાય તેવા કૂવા એ... કૂવા ખોદાવો કૂવા આઆઆ...!'

રહીમ એવો જ કૂવા ખોદનારો હતો. ના તે માત્ર વાતો જ કરતો નહીં, ખરેખર એવા સરસ મઝાના પહોળા ઊંડા કૂવા ખોદતો કે પાણી સામું આવીને ઠંડક કરે.

કૂવા ખોદનારાઓમાં રહીમનું નામ હતું. કંઈ કેટલા ગામોમાં એણે કૂવા ખોદ્યા હતા. પૂછનાર પૂછે કે, અલ્યા કેટલો સમય લાગશે?

રહીમ કહે : 'એ તો પાણીનું કામ. પાણી વહેલું નીકળે તો ઓછો સમય લાગે, પાણી ઊંડું નીકળે તો વાર લાગે, પણ હું પાણી બતાવું પછી જ તમારે પૈસા આપવા, બસ?' અને પાણી બતાવીને જ રહેતું.

રહીમના કૂવાની ખ્યાતિ એટલી વધી ગઈ કે શાહી ફરમાન આવ્યું. શહેનશાહ કહે : 'અમારા મહેલના બગીચામાં કૂવો ખોદી દે. એટલો ઊંડો ખોદજે કે પાણી ખૂટે જ નહીં.'

'એમ જ થશે, જહાંપનાહ!' રહીમે કહી દીધું : 'પાણી, પાણી બતાવે પછી જ આપે મહેનતાણું આપવાનું અને કૂવો એટલો ઊંડો હશે કે આપના પોરિયાના પોરિયા સુધી તેમાં પાણી રહેશે.'

'કામ શરૂ કર,' શહેનશાહે કહ્યું: 'પણ કેટલીક શરત છે!'

'કહો.'

'મહેલમાં આવવું નહીં. કોઈને ખલેલ પહોંચાડવી નહીં. રાજમહેલના માણસો સાથે દોસ્તી કરવી નહીંં.'

'એમ જ થશે, હજુર', રહીમે કામ શરૂ કરતા કહ્યું. 

પણ એનું કમનસીબ કહો. એક વખત શાહજાદી મહેરૂન્નિસા તેને જોઈ ગઈ. એમાં એનો કાંઈ વાંક ન હતો.

શાહજાદીને જ બગીચામાં લટાર મારવાની આદત હતી. મોટે ભાગે તે બીજી બાજુ જતી, જ્યાં ફુલ ક્ષીણ હતાં. આજે વળી આ તરફ આવી લાગી. અહીં પણ હરિયાળી હતી જ. અને ધીમું ગીત હતું.

પરિશ્રમનું ગીત મીઠું હોય છે. રહીમને કામ કરતાં કરતાં ગાવાની ટેવ હતી. અડધાથી વધારે કૂવો ખોદાઈ ગયો હતો. એ કૂવો કોદાળી પાવડાએ ખોદે કે તેના ગીતે, તેની ખબર ન હતી.

માથે ટોપલો લઈ, સીડી ચડીને રહીમ કૂવાની બહાર માટી ફેંકવા આવ્યો અને...શાહજાદી દેખાઈ ગઈ.

શાહજાદીનું રૂપ જોઈને તે તો હાંફળાંફાંફળો બની ગયો. માટી પાથરવામાં થોડીવાર કરી પછી ઝડપથી પાછો કૂવામાં ઉતરી ગયો.

શાહજાદીએ તેને જોયો હશે?

જોયો હોય તો! તો શું, ક્યાં શાહજાદી અને ક્યાં માટીરંગ્યો માટીડો રહીમ? ગમે તેવો તો એ કૂવો ખોદનાર!

પણ શાહજાદી એના તન-મનમાં વસી ગઈ. કામ તે ઝડપથી કરવા લાગ્યો. કૂવો ખોદાઈ જવાની તૈયારીમાં હતો અને તેની કોદાળી કોઈક ચીજ સાથે અથડાઈ. ખોદવાનું ચાલુ રાખ્યું. પાવડાથી જોર કરીને એ ચીજ ખેંચી કાઢી બહાર.

જોયું તો, રણપ્રદેશમાં હોય છે તેવું પાણી પીવાનું વાસણ હતું. કોઈક અદ્ભુત ધાતુનો અદ્ભુત કૂંજો. તેની ગરદન લાંબી હતી અને તૂંબડું મોટું હતું. કૂવામાં જ બેસીને  તેણે એ સૂરાહીનું નિરીક્ષણ કર્યું.

ઉપરથી બંધ હતી. ચારે બાજુ જૂની થયેલી કોતરણી હતી. માટી ખંખેરી તેણે વાંચવા જાણવાનો પ્રયાસ કર્યો. કંઈ ખબર ન પડી.

પણ તેને થયું ખરું કે અલાદીન પાસે આવોજ દીવો હતો. જાદુઈ દીવો. તેમાં જીન રહેતો. અલાદીનની બધી ઈચ્છાએ જીન પૂરી કરી દેતો. એના વડીલોએ એવી ઘણી વાર્તાઓ એને કહી હતી.

આ સૂરાહીમાં જીન છે કે નહીં? એ જાણવા તેણે તૂંબડું ઠોક્યું, ખંખેર્યું, ખખડાવ્યું, ખેંચ્યું, પછાડયું પણ આ વળી કોઈ નવી જ જાતની ચીજ હતી. ખોલ્યું ખૂલે નહીં, તોડયું તૂટે નહીં, ફોડયું ફૂટે નહીં, તેણે જોરથી એ સૂરાહી પર પાવડો ઝીંક્યો. જે પાવડાથી આટલો ઊંડો કૂવો ખોદી કાઢયો હતો, એ પ્રહારે સૂરાહીને કોઈ જ ઈજા ન કરી. પાવડો ઉછળીને પાછો ફેંકાયો. એમ થતું જ રહ્યું.

'આ વળી વિચિત્ર પ્રકારની ચીજ લાગે છે.'કહીને કામ પતાવી, સૂરાહી બગલમાં દબાવી તે ઘરે જવા લાગ્યો. એનો ઈરાદો કોઈક વધારે મજબૂત શસ્ત્રથી પ્રહાર કરવાનો હતો.

ટેકરીઓ અને પહાડી આગળથી તે પસાર થતો હતો અને એને પહાડ જેવા માનવીના દર્શન થયા. માથે પીળી પાઘડી, કિનખાબી પોશાક ઝળાંઝળાં જાકિટ, પગમાં ઊંટડિયાં પગરખાં. તેને લાગ્યું કે આ પેલી અલાદ્દીનના વાર્તાવાળો જ જીન છે. એ જીને જ સામે ચાલીને પૂછયું : 'ખુદા રહેમત રાખે રહીમની. તું મને તૈતાલ કહી શકે છે. હું જીન છું.'

'તું જો જીન હોય,' રહીમે હિંમત કરીને પૂછયું, 'તો તું બોટલમાં કેમ નથી? કોઈ દીવામાં કોઈ સંગીતની પેટીમાં...'

'મારે વળી એવી કોઈ જગાએ પૂરાઈ રહેવાની શી જરૂર? હવે હું બહાર જ રહું છું. અને મારા કરતબ દેખાડું છું. તે જે પેલી સૂરાહી ખોદી કાઢી તે મારી છે. જે મહેનત કરે છે, તેને મળે છે. તને તે મળી છે. ચાલ તારી ખ્વાઈશ કહે, પણ તે પહેલાં તારે એ સૂરાહી મને આપી દેવી પડશે.'

'ઊભા રહો જીનભાઈ,' રહીમ કહે: 'પહેલાં એમાં શું છે, એ તો કહો.'

'જાદુ કરતાં ય વધુ કિંમતી અને અજાયબ ચીજ છે એમાં,' જીન કહે : 'એવી અલભ્ય કારીગીરી કે બીજે ક્યાંય જોવા જાણવાય નહીં મળે. એમ અક્કલ છે અક્કલ છઠ્ઠી સૂઝ.'

 'એ વળી શું? ' રહીમે પૂછયું તો જીન કહે : 'તારા કામની એ ચીજ લાગતી નથી, તો લાવ, આપી દે મને, કે જેથી હું ચાલતો થાઉં.'

 'મારા કામની ચીજ ભલે નહીંં હોય,' રહીમે કહ્યું, 'તારા કામની જરૂર લાગે છે. તો હું તને એમ એમ નહીં આપું. મને મારી જોઈતા ત્રણ વરદાન આપ.'

ગુસ્સે થઈને જીન કહે  : 'ભારે વેપારી છે તું. હું ધારું તો હમણાં તને મુઠ્ઠીમાં મસળી નાખું.' રહીમને પોતાની ભરાવદાર મુઠ્ઠીઓ બતાવી, 'કે હું એમને એમ પણ તારી પાસેથી છીનવી શકું પણ... હું ભલા સ્વભાવનો જીન છું. હા, બોલ તારી શી ઈચ્છાઓ છે.'

 'ત્રણ ઈચ્છાઓ.'

 'ત્રણ જ? બસ? અલ્યા, કહું છું, જે અને જેટલું માગવું હોય તેટલું માંગ.'

 'પહેલી ઈચ્છા. ઘણું બધું ધન અધધધધ માલ-મિલ્કત, ગણ્યા ગણાય નહીંએટલા સિક્કાઓ...'

 'અરેરે,' જીન વચમાં જ કહે  : 'તારી કલ્પના પણ સાવ ગરીબ છે. તને માગતાંય આવડતું નથી. ભલે, હું તારી ઈચ્છા મુજબનું સોનું ચાંદી રૂપું હીરા મોતી માણેક નીલમ ઝવેરાત આપીશ. પણ, અલ્યા એટલું બધું રાખશે ક્યાં? તારા આ નાનકડાં થેલામાં? ઉભો રહે, હું એ બધાં માટે એક એવો જ મોટો સમૃદ્ધ ઝળાંઝળાં મહેલ ઉભો કરી દઉં છું.'

 'હા,' રહીમ કહે : 'મહેલ મહેલાત તો જોઈશે જ.'

 'પછી એ બધી વિશાળ કિંમતી સરસ મજાના મહેલની સાફસફાઈ કોણ કરશે?'

 'હા સૈનિકોનું સૈન્ય તો જોઈશે જ, અને ઘોડાઓ ઊંટ ગધેડાઓ માટે તબેલાઓ! દાસ-દાસીઓનું લશ્કર...'

'સેંકડોની ગણત્રીમાં ચાલશે?' જીન કહે  : 'વિચારી જો. પછી એમ નહીં થાય કે આ માગ્યું નહીં અને તે માગવાનું રહી ગયું. માનવીની ઈચ્છા પાછળથીય વકરતી હોય છે...'

હવે રહીમને નવાઈ લાગી. તેણે તરત જ પૂછયું  : 'અલ્યા જીનીયા, એટલે કે જીનબંધુ, જીનભાઈ, તું...તું મજાક તો નથી કરતો ને? આ... આ.. બધું તું આપશે?'

 'જીન કદી જૂઠ્ઠું નથી બોલતો, ઓ રણિયા મરણિયા માનવી...' જીને કહ્યું  : 'જીન તને એટલું આપશે, એટલું આપશે કે આજ સુધીમાં કોઈ જીને કોઈ માણસને એટલું આપ્યું નહીંહોય!' કહીને જીને તેને લઈને ઊડયો. ઊડયો જને? ચારે બાજુ સોનેરી પહાડીઓની વચમાં એક સુવર્ણનગરી સામે બંને ઊભા હતા. મઘમઘતાં મહેલો, તગતગતા તબેલાઓ, દગદગતા દિવાને-આમ દિવાને-ખાસ! અને જે સ્ત્રી-પુરૂષો દોડધામ કરતાં હતાં એ બધાં જ અમીર ઉમરાવ હતા. ઘોડાઓની રેસ ચાલતી હતી. ઊંટોની દોડ અને ગધેડાઓની લડાઈ.

જોઈ રહ્યો રહીમ. જોઈ  જ રહ્યો.

આંખો નચાવી જીન કહે  : 'આ આહ્લાદ નગરીનાં તું રાજા છે, અમીર છે, શાહજાદો છે, માલિક છે, પણ ઉભો રહે, તારો પોશાક બદલવો પડશે.'

બદલાઈ ગયો પોશાક. કિનખાબ અને ઝરી કસબના ઝભ્ભા જાકિર, અનહદ અલંકારો, સમસમતો લેંઘો, ચમચમતાં પગરખાં, જોવા માટે વિશાળ આયનો.

 'ઊભો રહ,ે જીન!' આયનામાં જોઈને રહીમ કહે : 'એમ તો હું કંઈ જોઉ તેવો નથી, પણ તોય હજી કુવાવાળો જ દેખાઉં છું. મારા રૂપરંગમાં કાંઈ પ્રભાવ ઉમેરી શકે છે?'

'આંખ મીંચી જા,' જીને કહ્યું : 'હવે ઊઘાડ.'

રહીમ કોઈ નવો જ રહીમ બની રહ્યો. નવી દુનિયાનો રહીમ. માલેતૂજાર, ફાંકડાં, ફૂટડો નવજવાં- અને વળી અજીબ પ્રકારની મૂછો. માત્ર કાલ્પનિક શાહજાદાઓને હોય તેવી જ.

'શુક્રિયા દોસ્ત, જીની,' રહીમ રહેમતુલ્લાએ કહ્યું : 'ઘણો ઘણો આભાર. તે તો મારા દીદાર જ બદલી નાખ્યા દોસ્ત! સેંકડો હજારો કૂવા ખોદ્યા હોત તો પણ...'

 'લાવી દે સુરાહી,' જીન કહે, 'આપણી શરતનો અંતિમ મુકામ.'

આપી દીધી સુરાહી રહીમે. ખુશીથી આપી દીધી. આટલું બધું મળ્યાં પછી સૂરાહીની વળી શી જરૂર હતી?

તેણે સુરાહી ક્યારે આપી, ક્યારે જીન અદ્રશ્ય થઈ ગયો, તેની કંઈજ ખબર રહીમને પડી નહીંં. હા, અમુક ચમત્કારિક હસવાનો અવાજ ઠેરઠેરથી આવતો હતો, દૂર થતો થતો, દૂર ચાલ્યો જતો હતો!

અકલ્પિત આયનામાં જોઈને શાહજાદો રહીમ કહે  : 'હવે પેલી શાહજાદી તો શું, એનો બાપ પણ ના પાડી શકે તેમ નથી. એ મેહરૂન્નિસા હશે તો હું રહેમતુલ્લાહ અહેમતુલ્લાહ ખુદાખાનદાન ખજાનચી-એ જિન્નત છું.'

પોતાના અપાર અને અમાપ લશ્કરને લઈને રહીમ ઉપડયો. ઘોડાઓનો પાર નહીં, બધા જ ઝગઝગાટ ઊંટોની ખેપની ખેપ, બધાં જ ચકચકાટ શમિયાણા, તંબૂ, રથ, બાંદીઓ, ખજાના, ભેટસોગાદનો પાર નહીં. હા હા, પાર નહીં.

જાણે કોઈ લશ્કર જીત માટે આવતું હોય!

આખું નગર આ અજબ ગજબનો કાફલો જોવા માટે વળ્યું. પાદરેથી પડાપડી કરવા લાગ્યું. કામકાજ વેપાર ધંધા છોડીને બધા સાથે જ આવવા લાગ્યા.

દરવાજાના દરવાનોને કહેવમાં આવ્યું  : 'રહેમતનગરના રહેમતુલ્લાહ શાહજાદા - એ - ખાનાનખજાના સલ્તનતે અમીર - ઉમરાવ અજેય અજિત ઉત્કુલ્લા! શહેનશાહની નિગાહે મહેરબાન માટે પધાર્યા છે. ખડે રહો. સુનતે જાવ. શાહજાદા રહેમતુલ્લાહનો ઈરાદો શાહજાદી મહેરૂન્નિસાના હાથની માંગણી માટેનો છે, ઠહરો...'

દરવાનો એટલા અધીરા બની ગયા હતા કે શહેનશાહને સંદેશો પહોંચાડવા દોડી ગયા.

મુખ્ય ખંડમાં ભેટ સોગાદોનો જે સુવર્ણ પહાડ ખડકાયો હતો, એ જોઈને જ શહેનશાહ તો અચરજ પામી ગયા હતા. કુતુહલવશ સામે જ આવી ગયા.

રહીમે ઝૂકીને સલામ કરતાં કહ્યું  : 'રહેમત નગરના શાહજાદા રહેમતુલ્લાહ સલામ ગુજારે છે. અને ખ્વાહિશ રાખે છે કે શહેનશાહે હજૂર તેમની શાહજાદી મહેરૂન્નિસા માટેના જાયાતના રૂપમાં ઈન્સાલ્લાહ ફરમાવે.'

શાહજાદા રહેમતુલ્લા ઠેરઠેર ભેટ સોગાદો વરસાવતા ગયા. કાંઈ બાકી નહીંં. સામે કે આજુબાજુ જે મળે કે ઊભું હોય તેને તે દેતો જ ગયો. 'લે... લો... લીજિયે...ખુશી મનાઈએ..ખુદા કી રહેમત માનીએ... હમારી દુવા કબુલ કીજિએ...'

શહેનશાહે તરત જ રહેમતુલ્લાહને, શાહજાદી મેહરૂન્નિાસને તેના અંગત મહેરાવમાં મળવાની પરવાનગી મંજૂર કરી દીધી.

જે ભેટો શાહજાદી સમક્ષ રજૂ કરવામાં આવી તે બધી ખરેખર સ્વર્ગીય હતી. જાણે આ દુનિયામાં બની જ ન હતી. શાહજાદી તો ગાંડી અને ઘેલી થઈ ગઈ. અંગૂઠીઓ જુએ અને કંગનો મૂકે, બાજુબંધ સોહાવે અને કમરબંધ સજાવી જુએ. હાર હારડાંનો પાર નહીં, માથા પરના ટીક્કાઓ તો ઝૂમીઝૂમી રહે....

દેખી શકાતું હતું કે શાહજાદી ખુશ થઈ ગઈ છે. અનહદ ખુશ થઈ જ હતી. અને શાહજાદાને જોઈને તો તે વધુ આફરીન પોકારી ગઈ.

 'શાહજાદા, રહેમતુલ્લાહજી,' રૂપેરી ઘંટડીના રણકતાં સ્વરૂપમાં મહેરૂન્નિસાએ કહ્યું : 'આપ અદ્ભુત છો, આપની ભેટો એથીય વધુ અદ્ભુત છે, આપની હિંમત દોર દમામ મને પુલકિત કરી નાખે છે, હું મારી જાતને ધન્ય માનું છું કે આપે જાતે જ રૂબરૂ પધારી મારી પર ઉપકાર કર્યો. આપની મૂછ, સદાય મારા સ્મરણમાં રહેશે, ખરેખર તે અદ્ભુત અને અલાયદી છે. મારા જેવી કોઈ પણ શાહજાદી તેની પર આફરીન પોકારી શકે છે.'

રહીમ ખુશ થતો હતો, ફુલાતો હતો, પણ રાજકુમારી કહ્યું: હું મારું દિલ બીજાને દઈ ચુકી છું. તેને ખબર છે કે નહીંં તેનીય મને ખબર નથી, એક વખત તેની ઝલક મળી છે. દૂરથી જોયો છે એ અલ્હડ પરિશ્રમિક ફરજંદા રહીમને, કૂવા ખોદનારો છે એ, મારા દિલો-દિમાગનો માલિક એ જ છે. કૂવા ખોદથી વખતનું એનું ગીત એના મજબૂત બાવડાથી ઝીંકાતી ધરતી, પરસેવે રેબઝેબ એની રતુંબડી કાયા, બોજ ઉઠાવતી વખતની એની આસાન જાદુઈ દ્રષ્ટિ... રહીમ... રહીમ જ છે મારા મનનો માણિગર, મારી કાયા માયા, જાગૃતિ અને સપનાના સાથીદાર.'

રહીમની ખુશીનો તો પાર નહીં. તેના તન-મનમાંથી ઝબકઝબક ઝણકાર અને રણકા ઝમઝમવા લાગ્યા. કાયા ફડક ફડક થવા લાગી તમન્નાઓ ઊછળી ઊછળીને કૂદીને બહાર પડી જવા લાગી.

તેને ખબર જ નહીં કે જ્યારે તેણે શાહજાદીને જોઈ હતી ત્યારે શાહજાદીએ પણ તેને જોયો જ હતો. વાત એટલી જ હતી કે અત્યારના પોતાના ભપકા લપકામાં તે તેને ઓળખી શકી ન હતી. આ જ તેનો કૂવો ખોદનાર મનમોહન છે, એ તે પિછાની શકી નહીં. પિછાને પણ ક્યાંથી ભપકાઓ ઘણી ભીતરથી જાહોજલાલી છૂપાવી દે છે.

તે દોડયો ઊડયો કૂદકો લગાવી ઘોડા પર સવાર થયો. દોડાવ્યો દડબડાટે ઘોડો જતાંની સાથે જ આ જાહોેજલાલીનો પોશાક ફગાવી દીધો, ફેંકી દીધો, ફરીથી સજી લીધો કૂવો ખોદનારનો વેશ અને મેળવી લીધો પ્રવેશ. કૂવો ખોદનાર પરિશ્રમી રહીમના રૂપની અંદર પેલી જિન્નાત મૂછને પણ તિલાંજલિ આપી દીધી.

અને.. દરેક રીતે, હા, દરેક રીતે બની ગયો રહીમ, કૂવો ખોદનાર રહીમ. 'પેલી સુરાહી મને મળી જ ના હોત, મળી જ ના હોત' તે બોલવા બબડવા લાગ્યો, 'શી જરૂર હતી એવા કિમિયા કરામતની? શી જરૂર હતી એવા દુનિયા બહારના ઉપાયો અને આશ્વાસનોની શી જરૂર હતી આટલા બધા લાંબા ઈંતેજાર કરવાની? શી જરૂર હતી આ બધી બનાવટી છળકપટની? ઓહ! ઓહ!! મને પેલો જીન મળ્યો જ ન હોત. એને મળવાની ય શી જરૂર હતી? કુદરતે તો પહેલેથી કમાલ કરી રાખી હતી, પછી આ બધી ઉપરની ધમાલ કરવાની જરૂર શી હતી? શી હતી?'

એવો વિચાર વખતે એ કૂવાની માટીમાં ભેદ હતો. રંગાઈ ગયો હતો. માટીનાં રંગમાં તેનો પરસેવો અને માટીની સુગંધ એકમેકમાં ભળી ગયા હતા. એ જ એનો પોશાક અને પહેરવેશ એ જ એના કોદાળી પાવડા અને તગારાં...

ન રહ્યા ઘોડા, ન રહી જાહોજલાલી, ન રહ્યું નગર, ન રહ્યું સપનું કંઈ જ ન રહ્યું, પેલી અજબગજબની મૂછ પણ નહીંજ.

અંદરના ફૂટી પડેલા આનંદની સાથ તો મહેલ તરફ દોડયો. તેના પગ કાદવવાળા થયા હતા, કેમ કે કૂવામાં પાણી દેખાયું હતું.

તે દરવાનોને ગાંઠયો નહીં, ચોકીદારોથી ચમક્યો નહીં, પહેરેગીરોથી પકડાયો નહીં. ઝંઝાવાત તોફાનની જેમ તે દોડીને રાજમહેલની અંદર ધસી જવા લાગ્યો.

શહેનશાહ અને શાહબાનુ તો બધું અદ્રશ્ય થયેલું જોઈને જ આભા બની ગયા હતા, તેમાં વળી આ આફત!

શહેનશાહે હુકમ કર્યો  : 'રોકો, રોકો એ કૂવા ખોદનારને, એ શરતનો ભંગ કરી રહ્યો છે, એને પકડીને ફેંકી દો એ જ કૂવામાં, જે એણેખોદ્યો છે.'

શાહજાદી મહેરૂન્નિસા ત્યાં સુધી આવી પહોંચી હતી. કહેતી હતી  : 'અબ્બા હજુર, આવવા દો એને એણે કોઈ શરતનો ભંગ કર્યો નથી બલકે બધી જ શરતનું પાલન કર્યું છે. કૂવા તરફ જઈને જુઓ એના પગલાં જુઓ કાદેવ પાણીથી તે લચપચ અને લથપથ છે. કૂવાએ અને એણે પાણીએ, પાણી બતાવ્યું છે. જે પાણીદાર છે  તેના પાણીના પ્રવાહને કોઈ રોકી શકતું નથી.'

કૂવો ખોદનાર રહીમ અને શાહજાદી મેહરૂન્નિસા એક બીજાને ભેટીને સ્વીકારીને એકબીજાને આત્મસાત કરીને મહેરૂન્નિસાના અંગત મહેરાવ તરફ જતા હતા ત્યારે દુનિયાના સુખીમાં સુખી માનવીઓ તેઓ જ હતા.

રહીમે પૂછયું  : 'મહેરૂ, તેં મને પહેલો જોયો હતો કે મેં તને પહેલી...?'

મહેરૂન્નિસા કહે  : 'ચાલ કૂવાને જ જઈને પૂછીએ...' 

Tags :