- રામુકાકા જઇને રૂપલબેનને બોલાવી લાવ્યા. ઓરડીની અંદરનું દ્રશ્ય જોઇને રૂપલબેન પણ દંગ થઈ ગયાં. તેમણે ગલુડિયાની પાસે જઇને ધીરે ધીરે પંપાળ્યું અને ખોળામાં લીધું. રામુકાકાને દૂધ લાવવા કહ્યું. દૂધ આવ્યું એટલે ચમચી વડે ધીરે ધીરે પીવડાવવા લાગ્યાં.
- 'તું માત્ર હોસ્ટેલની વાતથી આટલો બધો દુઃખી થયો છે, તો પેલા નાનકડા ગલુડિયાને તેં પાંચ-છ દિવસ તેની માથી દૂર રાખ્યું. ગલુડિયાને એની મમ્મી વગર કેટલું દુઃખી થયું હશે?'
ભારતી પ્રવીણચંદ્ર શાહ
ર વિવારનો દિવસ હતો. શાળામાં રજા હોય એટલે સ્વાભાવિક રીતે બાળકો આરામથી મોડાં ઉઠે, પરંતુ આજે તેમ ના થયું. સોસાયટીનાં બધાં બાળકો વહેલાં જાગી પ્રાતઃકાર્ય પરવારીને સોસાયટીના કોમન પ્લોટમાં આવી ગયાં. આજે સોસાયટીની જય ક્રિકેટ ટીમની બીજા સોસાયટીની શૌર્ય ક્રિકેટ ટીમ સાથે મેચનું આયોજન કર્યું હતું. જય ક્રિકેટ ટીમના મેનેજર તરીકે નૈનેશભાઈ ફરજ બજાવવાના હતા. દરેક ખેલાડીની પાસે બેગ, જરૂરી વસ્તુઓ અને પાણીની બોટલ હતી. ધ્વનિલની આગેવાની હેઠળ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમના વિકેટકીપર તરીકેની જવાબદારી આર્યનની હતી. તેની પાસે સ્ટમ્પ, બેટ, બોલ હતાં. બીજા ખેલાડીઓ શિવમ્, પાર્થ, અંશુલ, આનંદ, હેતાંશ, ધૈર્ય અન ધુ્રવ હતા. જય ટીમના કેટલાક ખેલાડીઓ સાયકલ પર સવાર થઈને ક્રિકેટ અંગે વાતો કરતાં કરતાં મેદાન તરફ જવા લાગ્યા. કેટલાક બાળકોએ ચાલતાં જવાનું પસંદ કર્યું. મેદાનમાં પહોંચીને ખેલાડીઓએ પોતાનો સામાન એક બાજુ મૂક્યો.
થોડીવારમાં શૌર્ય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. શૌર્ય ટીમના કેપ્ટન કુમાર અને તેના સાથી ખેલાડીઓ રાકેશ, નિલય, ઋષભ, રચીત, સાર્થક, શુભ અને દેવાંગ હતા. શૌર્ય ટીમના વિકેટકીપર તરીકે દેવાંગની વરણી થઇ હતી.
બંને ટીમના ખેલાડીઓએ ગુડ મોર્નિંગ કહીને પરસ્પર હાથ મિલાવ્યા અને મેચ રમવાની શરૂઆત કરી. એમ્પાયર તરીકે દિગેશભાઈ અને ધર્મેશભાઈ ફરજ બજાવવા લાગ્યા. થર્ડ અમ્પાયરની જવાબદારી વિશાલભાઈને સોંપવામાં આવી. પ્રેક્ષકગણ તરીકે બન્ને સોસાયટીનાં નાનાં બાળકો - રિધમ, કાનો, ક્વીન્સી, ત્રિશા, કાવ્યા, પરી, રવા, ઇફા વગેરે શાંતિથી બેઠાં હતાં. બન્ને ટીમના ખેલાડીઓ ખેલદિલીપૂર્વક મેચ રમતા હતા. ચોગ્ગા, છક્કા વાગતાં બાળકો ખુશ થઇને ખેલાડીને તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહન આપતાં, અને જો વિકેટ પડે ત્યારે 'આઉટ થઇ ગયો... હત્ત્ તેરી કી' બોલીને નિરાશ થઇ જતાં હતાં.
લગભગ ત્રણ કલાકની રમત બાદ મેચ ડ્રોમા પરિણમી. બધા ખેલાડીઓએ સાથે બેસીને ગપ્પાં મારતાં મારતાં સાથે આણેલા નાસ્તો ખાવા લાગ્યા. બંને ટીમના મેનેજર અલ્પેશભાઈ અને નૈનેશભાઈએ હવે મેચનું આયોજન ક્યારે કરવું તેની ચર્ચા કરવા લાગ્યા રાકેશે કહ્યું, 'હવે પરીક્ષા પછી જ મેચ રાખજો. લગભગ થોડા દિવસોમાં બધાની પરીક્ષાઓ આવશે.'
'સાવ સાચી વાત... અમારે પણ પરીક્ષાઓ શરૂ થવાની છે.' ધ્વનિલ અને આર્યન બોલ્યા બધા ખેલાડીઓએ રાકેશ અને ધ્વનિલની વાતને ટેકો આપ્યો.
પછી બધા ખેલાડીઓ વિખરાયા. અને ઘર તરફ વળ્યા. સાયકલસવારો સાયકલ પર વિદાય થયા અને બીજા કેટલાંક ચાલતાં થયા. શુભ અને સાર્થક ચાલતાં ચાલતાં ગપાટા મારતાં ઘર તરફ જતાં હતાં. ત્યાં અચાનક સાર્થકની નજર એક નાનકડા ગલુડિયા પર પડી. ગલુડિયું બંગલાના કમ્પાઉન્ડના દરવાજા પાસે રમતું હતું. તે સફેદ રંગનું, હૃષ્ટપૃષ્ટ અને સુંદર હતું. શુભ અને સાર્થકે તેની તરફ બિસ્કીટના ટુકડા ફેંક્યા એટલે ગલૂડિયું કમ્પાઉન્ડની બહાર આવી બિસ્કીટ ખાવા લાગ્યું. શુભ ગલૂડિયાને પંપાળતો ગયો અને ગલુડિયું બિસ્કીટ ખાતું ગયું. સાર્થકે ધીરેથી ગલુડિયું ઉપાડી લીધું. અને ઘર તરફ ઝડપથી જવા લાગ્યો. 'સાર્થકભાઈ, આ ગલુડિયાને તમે ક્યાં લઇ જાવ છો?' શુભે પૂછ્યું.
'મને ગલુડિયું ખૂબ ગમે છે, એટલે ઘરે લઇ જઈશ.' સાર્થકે જવાબ વાળ્યો.
'પણ તારી મમ્મી વઢશે તો?' શુભે પૂછ્યું.
'હું મમ્મીને ખબર પડવા જ નહીં દઉં. તું પણ કોઇને કહતો નહીં, સમજ્યો ?' સાર્થકે જવાબ આપ્યો. બન્ને જણાં ગલુડિયું લઇને સાર્થકના બંગલાની પાછળ પહોંચ્યા. પાછળના ભાગમાં ઘરનોકર રામુકાકાની ઓરડી હતી. રામુકાકા ગામડે ગયા હતા એટલે ઓરડી ખાલી હતી.
રસ્તામાં આવતી વેળા ગલુડિયાએ સાર્થકના હાથમાંથી છૂટવા ઘણાં પ્રયત્નો કર્યા હતા, પણ તે નિષ્ફળ રહ્યું. ગલુડિયું થાકીને સૂઈ ગયું હતું. એટલે સાર્થક અને શુભે રામુકાકાની ઓરડીમાં પડેલાં જૂનાં કપડાં પાથરીને તેમણે ગલુડિયાને તેના પર સુવાડી દીધું.
શુભ પોતાના ઘરે પાછો વળ્યો. સાર્થક ચૂપચાપ ઘરમાં દાખલ થયો. મમ્મી ઘરનું કામકાજ પરવારીને આરામ કરતી હતી. જાતે થાળી પિરસીને એ જમ્યો અને પોતાના રૂમમાં જઇને સૂઇ ગયો.
બપોરે ચાના સમયે સાર્થકની મમ્મી રૂપલબેને તેને જગાડયો અને પૂછ્યું, 'આજે મેચમાંથી આવતાં મોડું થયું હતું? કોણ જીત્યું? તારી રાહ જોતાં જોતાં જ હું સૂઈ ગઈ.'
'મેચ ડ્રો ગઈ...' સાર્થકે જવાબ વાળ્યો.
'હવે બહુ રમી લીધું. માટે ચૂપચાપ ભણવા બેસી જજે.'
સાર્થક રૂમમાં જઇ ભણવા બેસી ગયો, પણ તેનું મન ભણવામાં લાગ્યું નહીં. વારેવારે તેને ગલુડિયાની યાદ આવતી હતી. મમ્મી કામમાં હોય અથવા કશેક બહાર ગઈ હોય ત્યારે એ તો ગલુડિયા માટે દૂધ-રોટલી લઇને તેની પાસે પહોંચી જતો. અવારનવાર તેના મિત્ર શુભ, રચિત, ઋષભ છાનામાના ત્યાં આવતાં, અને રમાડવાનો પ્રયત્નકરતાં. ગલુડિયું બરાબર ખાતુંપીતું નહોતું અને રમતું પણ ન હતું. સાર્થક શાળાએ જાય ત્યારે ગલૂડિયાને રામુકાકાની ઓરડીમાં પૂરીને તેની પાસે ખાવાનું મૂકીને જતો. આમ ત્રણચાર દિવસ ચાલ્યું.
અફસોસ... ધીરે ધીરે ગલુડિયાએ ખાવાનું સાવ બંધ કરી દીધું. તે કમજોર બનીને પડી રહેતું. ધીરે ધીરે તેની તબિયત વધારે બગડી. હવે સાર્થક થોડો ગભરાયો, પણ ચૂપ રહ્યો. બીજે દિવસે તે શાળાએ ગયો ત્યારે ગામડે ગયેલા રામુકાકા આવી ગયા. તેમણે પોતાની ઓરડી ખોલી. ઓરડીની અંદરનું દ્રશ્ય જોઇને અવાક્ થઇ ગયા. ગલુડિયું પડયું પડયું રડતું હતું તેમ લાગ્યું.
રામુકાકા જઇને રૂપલબેનને બોલાવી લાવ્યા. ઓરડીની અંદરનું દ્રશ્ય જોઇને રૂપલબેન પણ દંગ થઈ ગયાં. તેમણે ગલુડિયાની પાસે જઇને ધીરે ધીરે પંપાળ્યું અને ખોળામાં લીધું. રામુકાકાને દૂધ લાવવા કહ્યું. દૂધ આવ્યું એટલે ચમચી વડે ધીરે ધીરે પીવડાવવા લાગ્યાં. રૂપલબેને તેને પંપાળતા ગયાં, તેની સાથે વાતો કરતાં ગયાં. એટલામાં શુભની મમ્મી સોનલબેન અને બીજલબેન ત્યાં આવી પહોંચ્યાં. સોનલબેન બોલ્યાં, 'મને ગલૂડિયાની વાત શુભ પાસેથી જાણવા મળી એટલે અહીં આવી.'
'હવે બીજી બધી વાત પછી પહેલાં આ ગલુડિયાને પ્રાણીઓના ડોક્ટર પાસે લઇ જઇએ,' બીજલબેને સૂચન કર્યું. બધા ગલુડિયાને લઇને પ્રાણીઓના ડૉક્ટર પાસે પહોંચી ગયાં. અનુભવી ડોક્ટરે ગલુડિયાને પંપાળતા પંપાળતા ઇલાજ શરૂ કર્યો. પછી પૂછ્યું, 'આ ગલુડિયું તમે ક્યાંથી લાવ્યાં? અને તેની મા ક્યાં છે?'
સાર્થકની મમ્મી અને શુભની મમ્મીએ જેટલી ખબર હતી એ સઘળી વાત ડોક્ટરને કરી. ડૉક્ટરે કહ્યું, 'આ બચ્ચાંને વહેલામાં વહેલી તકે તેની મા પાસે મૂકી આવો.'
રૂપલબેન, સોનલબેન, બીજલબેન ગલૂડિયાને લઇને ઘરે આવ્યાં. સાર્થક અને શુભ શાળાએથી જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમની પાસેથી આખી વાત જાણી લેવામાં આવી. બધા સાર્થક અને શુભની મદદથી ગલૂડિયાને બંગલામાં જઇને છોડી દીધું. બચ્ચું દોડીને સીધું પોતાની માતા પાસે પહોંચ્યું. બંગલામાંથી તરલિકાબેન બહાર આવ્યાં. ત્રણએે આખી વાત સમજાવી ને માફી માગી. તરલિકાબેન બોલ્યાં, 'અમારી સ્વીટી કૂતરી પણ બચ્ચાં વગર બેહાલ હતી. અમે પણ ચારેબાજુ એના બચ્ચાની શોધ આદરી હતી.'
લગભગ અઠવાડિયા પછી સાર્થકનો જન્મદિવસ હતો. તેના બન્ને મામા અજયભાઈ અને જયેશભાઈ પરિવાર સહિત સાર્થકના ઘરે આવ્યા. સાર્થકના પરાક્રમની વાત તેઓ જાણી ચૂક્યા હતા. મામાઓ સાર્થકને સાચી સમજણ આપવા માગતા હતા. સાર્થકના અજયમામાએ તેને અભિનંદન આપ્યા અને ભેટ પણ આપી. તેઓ કહે, 'સાર્થક, હવે તો તારે ભણવા માટે હોસ્ટેલમાં જવાનું છે. તારો જન્મદિવસ હવે પછી તારે ત્યાં મનાવવો...'
મામા વાત પૂરી કરે તે પહેલાં સાર્થક રડવા લાગ્યો અને બોલ્યો, 'ના...ના...ના. હું મારી મમ્મીથી દૂર નહીં જાઉં... મને મમ્મી વગર ના ચાલે, મારે તો મમ્મી જોઇએ... એં...એં...' આટલું બોલીને વધારે જોરથી ધુ્રસ્કા ભરવા લાગ્યો.
જયેશમામા બોલ્યા. 'તું માત્ર હોસ્ટેલની વાતથી આટલો બધો દુઃખી થયો છે, તો પેલા નાનકડા ગલુડિયાને તેં પાંચ-છ દિવસ તેની માથી દૂર રાખ્યું. ગલુડિયાને એની મમ્મી વગર કેટલું દુઃખી થયું હશે ? માણસ હોય કે જાનવર, બાળક અને માતાનો સંબંધ સૌથી શ્રેષ્ઠ છે. ઝાડે ઝાડે કૂદતી વાંદરી ક્યારેય શરીરને વળગીને રહેલા પોતાના બચ્ચાને પડવા દેતી નથી, ઊની આંચ પણ આવવા દેતી નથી. તને ખબર છે કે માની મમતા પાસે તો પ્રભુની પ્રભુતા પણ ટળવળે છે એટલે ક્યારેય...'
'બસ, મામા, બસ. મને મારી ભૂલ સમજાઈ ગઇ છે. હવે હું ક્યારેય ભૂલ નહીં કરું. કોઈ પણ અબોલજીવના બચ્ચાંને તેની માતાથી દૂર નહીં કરું...'
સાર્થકને માફી મળી પછી બધા ધામધૂમથી તેનો જન્મદિન ઉજવ્યો.
વ્હાલા બાલમિત્રો, તમે જીવનમાં ક્યારેય સાર્થકે કરી હતી તેવી ભૂલ ના કરતાં. ક્યારેય કોઈ નાનકડા બચ્ચાને તેની માતાથી વિખૂટું ના પાડતા.


