Get The App

અભિમાની અખરોટ ચાચા .

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
અભિમાની અખરોટ ચાચા                                    . 1 - image

- હવે મૃત્યુ નજીક છે એ બીકે અખરોટચાચા બોલ્યા, 'ધમધમાખી, ચક્લી, ખિસકોલી... અહીં આવો. હું તમને સૌને આશરો આપવા તૈયાર છું. તમે જ જુઓ, હવે આંબો ઘરડો થયો છે. આવી જાવ મારી બાથમાં...' 

- ડૉ. પારુલ અમિત 'પંખુડી'

ચ મક અને દમક બંન્ને ભાઈબહેન રોજ સાંજે એમના ઘર પાસે ઉગેલા બે સુંદર મજાનાં વૃક્ષ આંબાચાચા અને અખરોટચાચા જોડે રમતાં.

ચમક અને દમક બન્ને ઝાડને રોજ પાણી પીવડાવતાં, અને અઢળક વાતો કરતાં.

આંબાચાચા તેમને અને તેમના મિત્રોને પાંદડાંનું અલગ અલગ સંગીત સંભળાવતા. દોડપકડ અને છૂપાછૂપીની રમતમાં બાળકો સંતાતાં ને ખૂબ હસતાં, મજા કરતાં. પોતાનાં કાચા અને પાકાં કેરીનાં ફળ પણ બાળકોને આપતા.

પરતું અખરોટચાચા હવે ગુસ્સામાં રહેતાં. એમની આસપાસ જો કોઇ છોકરું સંતાઈ જતું તો અખરોટ માથા પર પાડતાં. એટલે બાળકો તેની આસપાસ જતા નહીં.

અખરોટ ચાચા કયારેય કોઈપણ પક્ષી, મઘમાખી, કીડી, મકોડા ને નજીક ફરકવા પણ દેતા નહીં.

આ બાજુ, આંબાચાચા બધાને આશરો આપતા. તેમના પર બેસતાં ઘણાં પશુપક્ષીઓ ચમક અને દમકના મિત્રો હતાં.

અખરોટચાચા દિવસ દરમિયાન ટેન્શનમાં રહેતાં. કોઈ એના પર બેસી એની સુંદરતા બગાડે નહી એ હેતુ એ બિલકુલ આરામ કરતાં નહીં અને ડાળી ઝુલાવી ઝુલાવી થાકી જતાં. પછી રાત પડયે ઘસઘસાટ સૂઈ જતાં.

એક વખતની વાત છે. રાત્રે સોનુ ચકલીએ અખરોટની ડાળમાં ઇંડા મૂક્યાં.

સવારે અખરોટચાચાને ચીં...ચીં... કલરવ સંભળાયો.

ચકલીના અવાજથી ખલેલ પહોચશે અને એના ચરકથી પોતે ગંદુ થશે એવું વિચારી અખરોટ ચાચા ખિજાયા. એમણે પોતાના અખરોટ ઈંડાં પર એવી રીતે ફેંક્યા કે ઈંડા ફૂટી ગયાં.

આ જોઈ સોનુ ચકલી રડવા લાગી. એને રડતી જોઇ અખરોટચાચા બોલ્યા, 'એ કર્કશ ચકલી... અહીં શા માટ બૂમો પાડે છે? ઊડી જા અહીંથી. મને શોરબકોર અને ગંદકી પસંદ નથી. ઊડી જા... નહીં તો મારી અખરોટ તારા પર ટપોટપ પાડીશ' ...

સોનું ચકલી બોલી, 'નિર્દયી, તમે જોતાં નથી હું દર્દમાં છું, અને મારો ચકો પણ ખોરાકની શોધમાં નીકળી ગયો છે. મને આમ ભગાડશો નહીં. મને આશરો આપો...'

'મારાથી આઘી ખસ નાનકડી રોતલ ચકલી... નહીં તો તારાં ઇંડાંની જે હાલત થઈ એ તારી પણ થશે...' અખરોટચાચા ગુસ્સાથી બોલ્યા.

ચકલી રોતી રોતી ચમક-દમક જ્યાં રમતાં એ આંબા પાસે ગઇ. એ બોલી, 'આંબાચાચા, મને આશરો આપો. હું દુખિયારી છું. મારું ઘર અને મારાં બાળ ગુમાવી ચુકી છું.'  

આંબાચાચા ખૂબ દયાળુ અને પ્રેમાળ હતા. એમની ડાળીઓ પર  મધમાખી, કીડીઓ, ચકલી, પોપટ, ખિસકોલી, બધાં હળીમળીને રહેતાં.

આંબો ખૂબ ભરચક હતો, છતાં આંબાચાચાએ ચકલી માટે જગ્યા કરવા આજે ખૂબ કેરીઓ ખંખેરી. બાળકો, કીડી અને ખિસકોલી કેરીઓ ખાઈને ખુશ થઈ  ગયાં. 

દમક બોલી, 'શું વાત છે, ચમક! આજે તો આંબાચાચા ભરપૂર થાકયા લાગે છે. હવે જાણે ઘરડાં થતાં જાય છે અને મજબૂત રહ્યા નથી. ચાલો, એમને આરામ કરવા દઈએ અને પેલા અખરોટચાચા પાસે રમીએ.'

સોનુ ચકલી બોલી, 'નહી બાળકો... એ ખૂબ નિર્દયી છે , એમણે મારાં ઇંડાં ફોડયા છે અને મને એમની ડાળીએથી કાઢી મૂકી છે.'

એટલાંમાં મધમાખી બોલી, 'હા, હા... અમને પણ ગણગણવાના અવાજના ગુનામાં સજા આપી ને અમને કાઢી મૂકી.' 

ખિસકોલી બોલી, 'શું વાત કરું, દમક દોસ્ત. મને તો અખરોટ મારીમારીને મારી પૂંછડી બુઠ્ઠીરી નાખી હતી'.

ચમકને યાદ આવ્યું કે બાળકો જયારે રમતાં ત્યારે અખરોટ માથા પર તો વાગતી. વળી, ખુલ્લી અખરોટ પગમાં પણ લોહી કાઢતી..

પોપટ બોલ્યો, 'આંબાચાચા બધાને આશરો આપે છે, સતત સૌનું ધ્યાન રાખે છે,  એટલે થાકી ગયા છે , અને આ અખરોટચાચા તો ફેલાતા જાય છે.. નકકી કઈક કરવું પડશે હવે.'

ચમક અને દમકે એક યુક્તિ શોધી નાખી. 

ચમક અને દમક આજે જેસીબી ડમ્પર પર બેસીને આવ્યાં અને બોલ્યાં,  'આંબાચાચા, આ જગ્યા અમારા પપ્પાએ એક બિલ્ડરને આપી દીધી છે. હવે અહીં ખુબ જ મોટો મોલ બનવાનો છે. હવે તમે કપાઈ જશો.'

આંબાચાચા બોલ્યા, 'ચમક-દમક, તમને જેમ ઠીક લાગે એમ... પરતું મારાં અમૂક ફળ કાચાં છે.'

કાચી કેરી બોલી, 'ચમક અને દમક, મારે પાકી કેરી થાવું છે. થોડો સમય રાહ જુઓ...' 

ચકલી બોલી, 'ચમક-દમક, પ્યારા દોસ્તો, મેં ગઇરાત્રે જ ઈંડાં મૂક્યાં છે, બચ્ચાને આવી જવા દો...'

 એટલામાં મધમાખી બોલી, 'ચમક- દમક, સાંભળો. થોડો સમય આપો. મારો મધપૂડો હવે તૈયાર આવ્યો છે, પરંતુ તમને જો ઉતાવળ જ હોય તો પેલા અખરોટચાચાથી શરૃઆત કરી દોને.. . જુઓ, ત્યાં કોઈ નથી. એક સામાન્ય કીડી પણ ક્યાં છે ત્યાં? વળી, તમને અખરોટ પણ કોથળે કોથળા મળશે. ઝાડ મજબૂત છે તો એને કાપવામાં સમય પણ જોઈશે. તો ત્યાંથી શરૃ કરો, દોસ્ત. ત્યાં સુઘીમાં અમે બધા તૈયારી કરી લઈશું.'

ચમક અને દમકે જેસીબીને અખરોટચાચા તરફ વાળવા કહ્યું. બધો વાર્તાલાપ અખરોટચાચા સાંભળી રહ્યા હતા.

પોતે કપાઈ જશે એ વાતે એ તો ડરી ગયા. ફફડતા ફફડતા એ ડરતાં બોલ્યાં 'અરે અરે... નહીં નહી... મને બચાવો...' 

ત્યાંથી પસાર થતો મકોડો બોલ્યો, 'ચાચા... બચાવો બચાવો અમે બધા બોલ્યા જ હતા, પરતુ તમે એવા ઘમંડી છો કે કોઇને ક્યાં ફરકવા દેતા નહોતા. હવે ભોગવો...'

અખરોટચાચાની મદદે કોઈ ના આવ્યું. એ બાળકોના પણ ક્યાં વ્હાલા હતા? અખરોટ ચાચા થરથરવા લાગ્યા, પણ બાળકો મક્કમ હતા. 

હવે મૃત્યુ નજીક છે એ બીકે અખરોટચાચા બોલ્યા, 'ધમધમાખી, ચક્લી, ખિસકોલી... અહીં આવો. હું તમને સૌને આશરો આપવા તૈયાર છું. તમે જ જુઓ, હવે આંબો ઘરડો થયો છે. આવી જાવ મારી બાથમાં...' 

એમનું આવું વર્તન જોઇ ચમક બોલી, 'અખરોટચાચા, અમે તમને બંન્ને વૃક્ષચાચાને સરખું ખાતર અને પાણી આપ્યાં છે. અમારાં માટે કોઈ ભેદભાવ નહોતો, પરતું તમે  તો...'

અખરોટચાચાને બરાબર યાદ હતું કે બાળકો બન્ને વૃક્ષોને સરખી જ માવજત કરતાં હતાં,  પરતું પોતે શાંતિ ભોગવવા ગયા ને સાચું સુખ ગુમાવ્યું. સાચો આનંદ તો પોતે માણ્યો જ નથી. 

જેસીબી ઊંચું થયું. ટપોટપ અખરોટ પડવા લાગ્યા. ખિસકોલી અને કીડીઓ અખરોટ ખાવા આવી. આ વખતે અખરોટચાચા ખિજાયા નહી.

એટલાંમાં ખિસકોલી બોલી, 'ચમક-દમક, અખરોટચાચાને હવે પસ્તાવો થઈ રહ્યો લાગે છે. એમને માફ કરો.'

દમક બોલ્યો, 'જોયું અખરોટચાચા? એક માત્ર અખરોટનો ટુકડો ખાવા મળ્યો તો પણ ખિસકોલી તમારી જિંદગી માટે આજીજી કરે  છે. તો જો તમે બધાને આશરો આપ્યો હોત તો તમારા આયુષ્ય માટે કેટલા લોકો પ્રાર્થના કરત! જે પ્રેમ આંબાચાચાને મળ્યો એ તમે પણ મેળવી શક્યા હોત...'

અખરોટચાચાએ આ વખતે દિલથી માફી માગી. બધાને પોતાની પાસે બોલાવવા ડાળીઓ ફેલાવી. બસ, તે દિવસથી બધાં પક્ષીઓ, જીવજંતુઓ અને બાળકો અખરોટચાચાની આસપાસ પણ ટેસથી રમે છે...