અભિમાની આંબો .
- બાવળ તો સાવ બૂઠ્ઠો થઈ ગયો હતો, છતાં તે મુસ્કુરાતો હતો. તેના ચહેરા પર દુ:ખની રેખા નહોતી. આ જોઈ આંબાને અચરજ થયું. આ બાવળિયો સાવ બૂઠ્ઠો થઈ ગયો છે છતાં આનંદમાં છે. આમ કેમ?
કનુજી કેશાજી ઠાકોર 'કનકસિંહ'
એ ક મોટું જંગલ હતું. જંગલમાં ઘણાં બધાં પશુપંખીઓ રહેતાં હતાં.જંગલમા ઘણાં નાનાં મોટાં ઝાડ હતાં.આ જંગલના છેવાડે એક નાનું સરોવર હતું. આ સરોવરના કિનારે એક ઘટાદાર આંબાનું ઝાડ હતું. તેની નજીક એક લીમડાનું અને એક બાવળનું ઝાડ હતું
આંબાનું ઝાડ એટલું બધું ઘટાદાર હતું કે તેનો છાંયડો દૂર સુધી પથરાયેલો રહેતો. પોતાનો છાંયડો જોઈ આંબો ખૂબ જ રાજી થતો. તે બાજુમાં આવેલા બાવળનાં ઝાડને તુચ્છ ગણતો. વાતવાતમાં તેની મજાક કરે, તેને ઉતારી પાડે, પણ બાવળનું ઝાડ કંઈ પણ બોલ્યાં વગર સહન કરતું રહે. આ બધું બાજુમાં ઊભેલું લીમડાનું ઝાડ સાંભળતું રહેતું, પરંતુ એ પણ કંઈ જ ના બોલતું.
સમય વીતવા લાગ્યો. એક દિવસ આંબો તો બાવળને કહેવા લાગ્યો, 'હે બાવળિયા... હે કાંટાળિયા... તને ભગવાને કેવો બનાવ્યો છે! તારો નથી કંઈ છાંયડો કે નથી તારાં સારાં ફળ! તારા પાંદડાં તો સાવ નાનાં નાનાં...ને તારા કાંટા તો જો!
...અને મારી સામે જો. હું કેવો ઘટાદાર! મારાં પાંદડાં કેવાં સુંદર! મારે માર આવે અને મધમીઠી કેરી આવે! મારા ફળને લોકો આનંદથી ખાય છે. મારું ફળ ફળોમાં રાજા કહેવાય!
...મારા છાંયડે મુસાફરો, ખેડૂત, ગોવાળ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આરામ કરે અને તારી પાસે તો કોઈ ના આવે!
હે બાવળિયા, તારું મારી પાસે કંઈ ના આવે! તું ક્ષુલ્લક છાંયડાવાળુ ઝાડ અને હું તો ઘટાદાર ઝાડ!'
આ બધું બાજુમાં ઊભેલો લીમડો સાંભળતો હતો. લીમડાએ આખરે કહ્યું, 'હે આંબા, આટલું બધું અભિમાન ના કરાય! ભગવાને તને ઘટાદાર બનાવ્યો છે એનો અર્થ એ નથી કે તું બીજાના દોષ જોઈ એની મજાક કરે.'
આંબો તો લીમડાની વાત સાંભળીને લીમડાને પણ કડવો કહેવા લાગ્યો. લીમડો કંઈ ના બોલ્યો.
લીમડો મનોમન વિચારતો હતો કે આ આંબાનુ અભિમાન ઉતારવું પડશે... પણ કંઈ રીતે?
લીમડાએ બાવળને કહ્યું, 'તું મન પર આંબાની વાત ના લઇશ.એ તો અભિમાનમાં ને અભિમાનમાં ગમે તેમ બોલે છે. એક દિવસ એનું અભિમાન ઉતરશે. ત્યારે એને એની ભૂલ સમજાશે!'
બાવળ કહે, 'મને આંબાની વાતથી જરાય દુ:ખ નથી. મને તો કુદરતે જે રૂપ આપ્યું છે, જે રીતે મને બનાવ્યો છે તેનાથી ખુશ છું. આંબાની વાતનો રંજ નથી.'
લીમડો કહે, 'વાહ! બાવળભાઈ, બસ, આ રીતે મોજમાં રહો. સમય આવશે ત્યારે આંબાને સાચી વાત સમજાશે!'
સમય વીતવા લાગ્યો. એક દિવસ જંગલમાં બે કઠિયારા લાકડાં કાપવા આવ્યા.બાવળના ઝાડને કાપવા લાગ્યા. આખેઆખો બાવળ કાપી નાખ્યો. બાવળ તો બૂચોબચ થઈ ગયો. પછી એ કઠિયારા આંબાના ઝાડે આરામ કરવા લાગ્યા. આરામ કરતાં કરતાં એક કઠિયારાની નજર આંબાની એક સીધી જાડી ડાળ પર પડી. તેને થયું કે આ ડાળ મારા ઘરની આગળ છાપરે લગાવવા કામ આવશે! તરત આંબા ઉપર ચઢી એ ડાળ કાપી નાથી. આંબાને બહુ દુ:ખ થયું!
આંબો રડવા લાગ્યો. પણ શું કરે? પછી કઠિયારા લાકડાં લઇ ત્યાંથી નીકળી ગયા.
બાવળ તો સાવ બૂઠ્ઠો થઈ ગયો હતો, છતાં તે મુસ્કુરાતો હતો. તેના ચહેરા પર દુ:ખની રેખા નહોતી.
આ જોઈ આંબાને અચરજ થયું. આ બાવળિયો સાવ બૂઠ્ઠો થઈ ગયો છે છતાં આનંદમાં છે. આમ કેમ? લાવ એણે પૂછું!
આંબો તો બાવળને પૂછે છે, 'ઓ બાવળિયા, તને ઓલા કઠિયારા સાવ બૂઠ્ઠો કરી ગયા છતાં તું હસે છે? તને દુ:ખ નથી થતું?'
બાવળ કહે, 'ના આંબાભાઈ, મને જરાય દુ:ખ નથી.'
ત્યાં તો લીમડાએ બાવળની વાત વચ્ચેછી અટકાવીને બોલ્યો, 'ઓ આંબાભાઈ, મને એક વાત જણાવો. આ કઠિયારાએ તમારી એક ડાળી કાપી તોય તમે રડવા લાગ્યા. કદાચ આ કઠિયારાઓએ તમને સાવ બુઠ્ઠા કરી નાખ્યા હોત તો?'
આંબો કહે, 'તો તો હું તો રડી રડીને સાવ સૂકાઈ જાઉં... મરી જાઉં!'
લીમડાએ તરત કહ્યું, 'જુઓ, આ બાવળ આખેઆખો બૂઠ્ઠો થયો છે તોય આનંદમાં જીવે છે. બીજા માટે કામમાં આવીને પોતાનાં જીવનને ધન્ય માને છે. આંબાભાઈ, આ બાવળ કાંટાવાળો હોય, છાંયડો ઓછો આપે! ફળ એના કોઈ ના ખાય ! પણ એનું બળતણ સૌથી પહેલાં વપરાય છે. બાવળ તો રણનું ઝાડ છે.
...હાલ માનવજાત બળતણ માટે આડેધડ વૃક્ષો કાપે છે. આ એકવીસમી સદી એટલે ટેકનોલોજીનો યુગ છે, છતાં માણસજાત વૃક્ષો ઉછેરવાને બદલે વૃક્ષોનું નિકંદન કાઢે છે અને આ બાવળ તો ઠેર ઠેર જોવા મળે છે. લોકો બાવળ કાપી એનો બળતણ તેમજ બીજી રીતે પણ ઉપયોગ કરે છે. એ બાવળનાં લીધે આજે આપણે આમ ઘટાદાર ઊભા છીએ.
...આ જંગલ કે આ ધરતી પર જો બાવળ જ ના હોત તો આ કઠિયારા અને બીજા લોકો તમને અને મને તેમજ બીજા ઝાડને આડેધડ કાપી નાખત તો ધરતી પર આપણું અસ્તિત્વ જ ના રહે.
...આ બાવળ પોતાના શરીરરૂપી લાકડાં આપી આપણા માટે નિ:સ્વાર્થ સેવા આપે છે. બાવળ પોતે જાણે છે કે હું પોતે કપાઈશ, પણ બીજા ઝાડને કપાવા નહીં દઉં. તમે, આંબાભાઈ, એની મજાક કરો, અભિમાન કરો એ વ્યાજબી નથી.'
આંબાને પોતાની ભૂલ સમજાઈ! એને ખરેખર પસ્તાવો થયો. તેને બાવળ અને લીમડાની માફી માંગી અને કહ્યું, 'હું ક્યારેય કોઈ બીજા વૃક્ષની પણ મજાક નહીં કરું.'
આંબાને સમજાયું કે કુદરતે સૌને એમની યોગ્યતા મુજબ જ બનાવ્યા છે. કોઈની મજાક ના કરાય! આંબાએ હવે બાવળ અને લીમડા સાથે પાક્કી મિત્રતા કરી લીધી છે.