Get The App

અભિમાની હાથી .

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
અભિમાની હાથી                                             . 1 - image

- ભારતી પી. શાહ

- હાથી ખુશખુશ થઈ ગયો, અને મનોમન વિચારવા લાગ્યો, 'મારી તાકાતથી ડરેલાં બધાં પશુઓએ પહેલેથી જ ફળો લાવીને મૂકી દીધા છે. વાહ, વાહ! આમેય મારી તાકાત પાસે આ બધાં વન્ય પશુનું શું ગજુ છે? હા-હા-હા...' અટ્ટહાસ્ય કરતાં હાથીભાઈ ફળોના ઢગલા પાસે પહોંચ્યા અને ધડામ્... ધૂમ... ધડામ કરતાં ખાડામાં પડયા!

અલકનંદા નામનું એક જંગલ હતું. આ જંગલમાં અનેક જાતનાં નાનામોટાં પ્રાણીઓ સંપીને રહેતાં હતાં. આ જંગલમાં એક હાથી રહેતો હતો, અને તેનું નામ હતું હેમરાજ. હેમરાજ બાજુના જંગલની વ્યાયામશાળામાં જઈને ઘણી કસરતો શીખીને તૈયાર થઈ ગયો હતો, અને તેને ત્યાં તેની શક્તિ પ્રદર્શન માટે ઈનામો પણ મળ્યા હતા. હેમરાજ જ્યારે અલકનંદા પરત ફર્યો ત્યારે તેના મનમાં ઘણું ઘમંડ ભરાઈ ગયું હતું. તે પોતાની જાતને સૌથી તાકાતવર માનવા લાગ્યો હતો. હેમરાજ જ્યારે પરત આવ્યો ત્યારે અલંકનંદા વનરાજ જાત્રાએ ગયા હતા. બસ, હેમરાજને હવે કોઈનો ડર ન હતો.

હેમરાજ જ્યારે વનમાં ફરવા નીકળે ત્યારે પોતાની તાકાતનું પ્રદર્શન અવશ્ય કરે. છોડવા, વેલાને પગ નીચે કચડી નાંખે, ઝાડ ઉખાડી નાખે, પાંદડાંઓને પીંખીપીંખીને નીચે ફેંકી દે. હેમરાજની આ હરકતોથી નાનાં વન્યપ્રાણીઓ, પંખીઓ ચીસો પાડતાં, ડરીને સંતાઈ જતાં. આ બધું જોઈને હેમરાજ હાથીને બહુ મઝા પડતી. જો કોઈ મોટું વન્યપ્રાણી તેને સમજાવવા જાય તો હેમરાજ હાથી તેને સૂંઢથી ઊંચકીને દૂર ફેંકી દે. આખરે વન્યપ્રાણીઓએ ભેગા થઈને હેમરાજનાં માતા-પિતાને ફરિયાદ કરી. બધાની ફરિયાદ સાંભળી હેમરાજનાં માતા-પિતા ખૂબ દુ- ખી થઈ ગયાં.

એકવાર તક જોઈને હેમરાજની માતા બોલી, 'બેટા, હમણાં હમણાં તારાં તોફાન વધી ગયાં છે, વનમાં બીજાં બધાં શાંતિથી રહે છે, પણ તું સૌને કેમ સતાવે છે? આપણે તો બધાની સાથે હળીમળીને રહેવું જોઈએ. કોઈક વાર મુસીબત આવે ત્યારે આ બધા પડોશી મિત્રો જ કામ આવે છે.'

'મા, મારે તો કોઈની જરૂર નથી. હું એકલો જ બધાને પહોંચી વળું તેમ છું. મારી ચિંતા નહીં કરવાની. મારે કોઈની પણ જરૂર નથી...' હેમરાજ હાથીનો જવાબ સાંભળી તેનાં માતા-પિતા ખૂબ દુખી થઈ ગયાં.

દિન-પ્રતિદિન હેમરાજની ધમાલ, તોફાન વધતાં ગયાં. વૃક્ષો ઉપરનાં ફળો જેટલાં ખાવા હોય તેટલા ખાય, બાકીના પગ નીચે ચગદી નાખે, પરિણામે વન્યજીવોને ભૂખ્યાં રહેવું પડતું. ઝાડનાં ઝાડ ઝંઝોળી કાઢે એટલે પક્ષીઓના માળા વેરવિખેર થઈ જાય, ઈંડાં ફૂટી જાય, બચ્ચાંઓ રોવા લાગે.

આખરે વન્ય પશુઓ ભેગાં થઈને વનરાજના સલાહકાર શાણા શિયાળ પાસે ગયા, પોતાની ફરિયાદ રજુ કરી. વન્ય પશુઓની ફરિયાદ જાણી શાણા શિયાળને ખૂબ જ દુખ થયું. શાણા શિયાળે ડાહ્યા ડુક્કર અને જગુ જિરાફ સાથે આ અંગે ચર્ચા-વિચારણા કરી.

'બધાં જ વન્ય પશુઓ હળીમળીને શાંતિથી રહે છે. હેમરાજ હાથી તેમને આ રીતે પરેશાન કરે તે યોગ્ય નથી,' ડાહ્યા ડુક્કરે રજુઆત કરી.

'આટલું બધું નુકશાન... આવું ના ચાલે. નાના જીવો જાય ક્યાં? તેઓ બિચારા ભૂખે મરે છે. આ હેમરાજને પાઠ તો ભણાવવો પડશે...' જગુ જિરાફ અકળાઈને બોલ્યું. 

'પણ હેમરાજ હાથીને પાઠ ભણાવીશું કેવી રીતે?' શાણા શિયાળે પૂછ્યું. 

શાણા શિયાળ, ડાહ્યા ડુક્કર અને જગુ જિરાફે આખરે એક યોજના બનાવી. ત્રણે જણાને ખબર હતી કે હેમરાજ હાથી સામાન્ય સજાથી સીધો થાય તેમ નથી, એટલે તેઓ એક મોટી યોજના અમલમાં મૂકવા તૈયાર થયા. હેમરાજ હાથીને ખબર ના પડે તેમ વન્યપશુની સભા બોલાવી અને તેમની સમક્ષ આખી યોજના રજુ કરી. આયોજન મુજબ, જે ઝાડ ઉપર મધમાખીનો મધપૂડો હોય તેની નજીક એક મોટો ખાડો ખોદવો. આ ખાડાને સૂકી ડાળીઓ, ઘાસ અને પાંદડાંથી ઢાંકી દેવો. તેની ઉપર જાતજાતના ખાદ્યપદાર્થો મૂકવા. હાથી તે ખાવા માટે લલચાશે, અને જેવો ખાવા જશે કે તે ખાડામાં ભફાંગ કરતો પડશે. અને પછી આગળ શું કરવું તે બધું ચતુર વાલુ વાંદરાને સમજાવી દેવામાં આવ્યું છે.

આખી યોજના સાંભળી હસુ હરણી બોલી, 'અમારે બધાએ શું કામ કરવાનુ છે?'

'હું પણ એવું જ વિચારતો હતો.' શકુ સસલો બોલ્યો. 

'તમારે બધાએ ઝાડની ડાળીઓ, ઘાસ, પાંદડાં લાવવાના અને ખાડામાં નાંખવાના.' શાણા શિયાળે કહ્યું.

'એ વાત સાચી, પણ આટલો મોટો ખાડો બનાવશે કોણ?' મધુ મયૂર બોલ્યો.

'આપણા ભાઈબંધુ ચકુ ચિત્તો, રામુ રીંછ અને બાકીના સૌએ બધાએ ભેગા થઈને આ કામ પાર પાડવાનું છે. વળી, તમારી મદદ માટે અમે તો છીએ જ,' ડાહ્યા ડુક્કરે કહ્યું.

જગુ જિરાફે બધાને સમજાવતાં કહ્યું, 'આખો ખાડો તૈયાર કરવા માટે આપણે બધાએ આખી રાત જાગવું પડશે. રાતે હાથી સૂઈ જાય ત્યારે આ કામ પતાવીને બધાએ દૂર જઈને સંતાઈ જવાનું છે.' 

બધાં વન્ય પશુઓ વિખરાયાં અને રાત પડે તેની રાહ જોવા લાગ્યાં. હેમરાજ હાથી ઘસઘસાટ ઊંઘી ગયો છે તેવી ખાતરી કર્યા પછી બધાં ઝટઝટ કામે લાગી ગયાં. વડીલ વન્ય પશુની સૂચના મુજબ બધાં કામ કરતા ગયાં. સવાર પડે તે પહેલાં કામ પાર પાડયું. પછી બધા દૂરદૂર જઈને સંતાઈને બેઠાં.

સવાર પડી. સૂર્યદેવ પધાર્યા. ચારેબાજુ સોનેરી કિરણ વેરાયાં. હાથીભાઈ જાગ્યા અને જોરથી આળસ મરડી ઊભા થયા. હેમરાજ હાથીને ભૂખ લાગી હતી અને પગ પછાડતા પછાડતા ચાલવા લાગ્યો. તેણે દૂર ખાડા ઉપર ગોઠવેલાં ફળોનો ઢગલો જોયો. હેમરાજ હાથી ખુશખુશ થઈ ગયો, અને મનોમન વિચારવા લાગ્યો, 'મારી તાકાતથી ડરેલાં બધાં પશુઓએ પહેલેથી જ ફળો લાવીને મૂકી દીધા છે. વાહ, વાહ! આમેય મારી તાકાત પાસે આ બધાં વન્ય પશુનું શું ગજુ છે? હા-હા-હા...' 

અટ્ટહાસ્ય કરતાં હાથીભાઈ ફળોના ઢગલા પાસે પહોંચ્યા અને ધડામ્... ધૂમ... ધડામ કરતાં ખાડામાં પડયા! એમની સાથે બધાં ફળો પણ ખાડામાં...!

ખાડો ઊંડો હોવાથી હાથી નીકળી શકે તેમ નહતો. ડાળીઓ વગેરે એના શરીરને ચૂભવા લાગ્યું. યોજના મુજબ વાલુ વાંદરાએ મોટી ડાળી લઈને મધપૂડા ઉપર ફેંકી... બસ! પછી તો મધમાખીઓ ઊંડીઊંડીને હાથીને ચોંટી પડી અને ડંખ મારવા લાગી. હાથીએ પોતાની સૂંઢ ઉછાળી તેમને ભગાડવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો. મધમાખીઓએ ધરાઈને ડંખ માર્યા અને હાથીભાઈ ચીસો પાડતા રહ્યા, મદદ માટે બધાને બોલાવવા રહ્યા. એક પણ વન્ય પશુ તેમની મદદે ના આવ્યું.

હેમરાજ હાથીનાં માતા-પિતાને આ વાતની જાણ થતાં ત્યાં દોડી આવ્યા. પુત્રની દશા જોઈ તેઓ રડી પડયાં. તેઓ વડીલ વન્ય પશુઓને મદદ માટે બોલાવવા લાગ્યાં. માતા-પિતા કોઈના પણ હોય, પરંતુ તેમના આંસુ સજ્જનને રોવડાવે છે. શાણા શિયાળ ડાહ્યા ડુક્કર અને જગુ જિરાફની સાથે બધાં જ વન્ય પશુઓ દોડી આવ્યા. તેમણે હેમરાજ હાથીનાં માતા-પિતાને સાંત્વન આપ્યું. મોટા મોટા દોરડા લાવી, તેના ગાળિયા બનાવી હેમરાજ હાથીના ગળામાં નાખી, બધાએ જોર લગાડયું. મધમાખીઓને ચાલ્યા જવાનો આદેશ આપવામાં આવ્યો. બધાં વન્યપશુની મદદથી હેમરાજ હાથીને બહાર કાઢ્યો ત્યારે વેદનાથી કણસતો હતો. 

વન્ય વૈદરાજને બોલવવામાં આવ્યા. તેમણે આવીને હેમરાજનો ઈલાજ શરૂ કર્યો. બધે મલમ લગાડી પાટાપીંડી કરવામાં આવી. વૈદરાજે ચાર-પાંચ દિવસ સુધી સારવાર આપી પછી હાથીભાઈ સારા થઈ ગયા. હાથીભાઈએ બે હાથ જોડી માફી માંગતા કહ્યું, 'મારા સાથીઓ, મેં તમને બધાને ખૂબ સતાવ્યા હતાં, મને મારી તાકાતનું ખૂબ અભિમાન હતું. આજે મને એક વાત સમજાઈ ગઈ છે કે હળીમળીને, સંપીને રહેવામાં જ સુખશાંતિ છે. ક્યારેય પણ આપણી કોઈ પણ પ્રકારની શક્તિનું અભિમાન કરાય નહીં. તમે બધા મને માફ કરજો.' 

વન્ય પશુઓએ હાથીને માફી આપી અને પછી બધા સંપીને રહેવા લાગ્યા.

બાળમિત્રો, રાવણમાં અપાર શક્તિ અને વિદ્યા હતાં, પરંતુ તેના અભિમાનને કારણે તેનો અંત થયો. તમારા જીવનમાં ક્યારેય અભિમાનને પ્રવેશવા દેશો નહીં અને સંપીને રહેજો.