- 'એટલે જ હું તમને સમજાવવા માગું છું કે ભાષાના નામે, ધર્મના નામે, સંસ્કૃતિના નામે લડવાનું બંધ કરો... નહીં તો દુશ્મનો દેશમાં ઘૂસી જશે.'
- ભારતી પ્રવીણભાઈ શાહ
પ્ર ભાત થયું, અને પૂર્વ દિશામાંથી ભુવન ભાસ્કરે પોતાની સવારી આગળ વધારી. પંખીઓનો કલરવ વાતાવરણને જીવંત કરી રહ્યો હતો. ઠંડો સમીર ચારેકોર દોડવા લાગ્યો. આસપાસનું વાતાવરણ આહ્લાદક બની ગયું, અને મનને શાંતિ આપવા લાગ્યું. માનવ દુનિયા કાર્યરત બની ગઈ. થોડીવારમાં જ સોસાયટીનાં બાળકો પ્રાતઃકાર્ય પતાવી તૈયાર થઈને કોમન પ્લોટમાં એકઠા થયાં. ધ્વનિત, હર્શિવ, વ્યોમ, રિધમ અને સક્ષમ હાથમાં ક્રિકેટનાં સાધનો લઈને આવ્યા હતા. કવીન્સી, પરી, ત્રિશા, ઈફા, રિવા અને કાવ્યા બેડમિન્ટનનાં સાધનો સાથે આવ્યાં હતાં. બધાં બાળકો તેમના મિત્ર અમર અને કમલની રાહ જોતાં ઊભાં હતાં.
અમર અને કમલ અમેરિકા અને યુરોપ જેવાં પશ્ચિમી દેશોમાં ફરીને છ મહિના પછી રાતની ફલાઈટમાં ભારત પાછાં આવ્યાં હતાં. બધાં બાળકો તેમને મળવા માટે ખૂબ આતુર હતાં. લગભગ કલાક રાહ જોવડાવ્યા પછી અમર અને કમલ નીચે આવી ગયાં. બન્ને છોકરાઓનાં વસ્ત્રપરિધાન અને માથા પર હેટ, પગમાં ફેન્સી બૂટ જોઈને બધા મિત્રોની આંખો પહોળી થઈ ગઈ. જાણે કોઈ વિદેશી બાળકો... બન્નેનાં મુખ પર ગર્વનો ભાવ છલકતો હતો.
બધાં બાળકો દોડયાં અને હાથ લંબાવતાં બોલ્યાં, 'ગુડ મોર્નિંગ... તમે બન્ને કેમ છો?'
'ગુડ મોર્નિંગ... બટ ડોન્ટ કોલ મી અમર. આઈ એમ એલન... એન્ડ હી ઈઝ કેવિન!''
'હર્શિલ, આપણાં મિત્રો આમ વાત કેમ કરે છે?' ધ્વનિતે પૂછ્યું.
'અમેરિકા જઈ આવ્યા, અને નામ પણ બદલી નાખ્યા. સરપ્રાઇસ...' વ્યોમ બોલ્યો.
'આવાં નામ? મને તો આવાં નામ જરાય ન ગમે,' રિધમ બોલ્યો.
'મને પણ ન ગમે. હું તો અમર અને કમલ નામથી જ બોલાવીશ,' સક્ષમે કહ્યું.
'આપણે પહેલાં ક્રિકેટ રમીશું,' હર્શિવે કહ્યું. છોકરાઓ બે ટીમ બનાવવા લાગ્યા. 'લિસન... આઈ એમ કેપ્ટન ઓફ ટીમ 'એ', એન્ડ કેવિન વિલ બી ધ કેપ્ટન ઓફ ટીમ 'બી', ઓકે?' અમર રોફભેર બોલ્યો.
પરી અકળાઈ ગઈ. કહે, 'તમને ગુજરાતી નથી આવડતું? આમ ક્યારના ઈંગ્લિશમાં કેમ બોલો છો?'
'ઓહ... પરી, ઈંગ્લિશ ઈઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એવરીવેર ઈંગ્લિશ... તમારે બધાંએ ઈંગ્લિશમાં જ બોલવું જોઈએ... ઈફ ઈન ફ્યુચર યુ વિલ ગો આઉટ ઓફ કન્ટ્રી... ધેન?'
'અમને ઈંગ્લિશ સમજાય છે, બોલતાં પણ આવડે જ છે. ફોરેન જઈશું ત્યારની વાત ત્યારે... પણ જો આ નાનાં બાળકો રિવા, રિધમ, કાવ્યા, સક્ષમને તારી વાત ના સમજાય એટલે રમતની મજા પણ ના આવે...' ધ્વનિતે કહ્યું.
અમર અને કમલના બબડાટ વચ્ચે ક્રિકેટ રમવાની શરૂઆત થઈ. એમ્પાયર તરીકે આર્યન અને આનંદને બોલાવવામાં આવ્યા. બન્ને ટીમોએ વારાફરતી બેટિંગ કરી. નાનાં બાળકો પ્લેયરોને ચીઅર-અપ કરતાં રહ્યાં. લગભગ એક કલાક બાદ રમત પૂરી થઈ. છોકરાઓ બધા ઓટલા પર બેસી ગયા. એટલામાં શિવમ્ અને અંશુલ ત્યાં આવ્યા.
હવે વારો હતો છોકરીઓનો બેડમિન્ટન રમવાનો. શિવમ્ અને અંશુલની સાથે આર્યન અને આનંદ જતા રહ્યા, પછી દાવની શરૂઆત ક્વીન્સી અને ત્રિશાએ કરી. તે બન્નેને રમતની ફાવટ સારી હતી. થોડીવાર બાદ રિવા અને કાવ્યાનો વારો આવ્યો. તે બન્ને નવા નિશાળિયાં હતાં એટલે બરાબર રમી શકતા નહીં. આ જોઈને અમર અને કમલ અટ્ટહાસ્ય કરવા લાગ્યા.
'ઓય રીવા... ડુ યુ નો, હાવ ટુ પ્લે?... એન્ડ કાવ્યા... શી ઇઝ સચ અ ડમ્બ... શી ડઝન્ટ નો એનીથીંગ! હા-ેહા-હા...' અમરે કહ્યું.
હર્શિવ ચિડાઈને બોલ્યો, 'ઓ મિસ્ટર કમલ, સોરી, કેવિન... બધા ઉપરથી શીખીને નથી આવતાં. આ બન્ને તો હજુ નાના અને શિખાઉ છે. ડોન્ટ લાફ!'
અમર ઉર્ફે એલન બોલ્યો, 'અમેરિકામાં બાળકોને શિખવાડવા માટે દરેક એરિયામાં સ્પોર્ટ્સ કલબ હોય છે. આ લોકોએ પણ સ્પોર્ટ કલબમાં જવું જોઈએ. ધે વિલ લર્ન ઈન શોર્ટ ટાઇમ. હા-હા...'
કવીન્સી બોલી,'છ મહિના અમેરિકા શું જઈ આવ્યા, અહીંનું બધું ભૂલી ગયા...?'
'અમેરિકા એટલે અમેરિકા. કહેવું પડે! વોટ અ વન્ડરફુલ કન્ટ્રી! હાઈરાઇઝ બિલ્ડિંગ્સ... ગ્રેટ મોલ્સ... કલ્બસ... ટુરિસ્ટ સ્પોટ્સ... અમે તો છક જ થઈ ગયા. જ્યાં જઈએ ત્યાં... એવરીબડી ટોક્સ ઈન ઈગ્લિંશ... ઈન ઈંગ્લિશ... એન્ડ ઈંગ્લિશ...''
કમલ ઉર્ફ કેવિન કહે, 'ઈન્ડિયાથી ગયા પછી ચાર-પાંચ વર્ષમાં મારાં અંકલ અને આન્ટી કેટલું ફાંકડુ ઈંગ્લિશ બોલતાં થઈ ગયાં છે. અરે, એમને ત્યાં તો ઈન્ડિયન સર્વન્ટ્સ પણ ઈંગ્લિશ બોલે.'
ઇફા બોલી, 'તારી અમેરિકાની વાતો બંધ કર. અમે અહીં રોજ જુદી જુદી ગેમ્સ હળીમળીને રમતાં હતાં. કોઈની મજાક-મશ્કરી નહીં, લડવા ઝઘડવાનું નહીં. હંમેશા એકબીજાને મદદ કરતા, પણ તમારી વાતોથી અમારા બધાની મજા બગડી ગઈ...'
એક બાજુ અમર અને કમલ, બીજી બાજુ સોસાયટીનાં બાળકો. સામસામી આક્ષેપબાજી થતી રહી. લાગતું હતું કે હમણાં મારામારી કરશે. એટલામાં આર્યન, આનંદ, ધ્વનિલ, અંશુલ અને શિવમ્ આવી પહોંચ્યા. અહીંનું દ્રશ્ય જોઈને એમ્પાયરો સમજી ગયાં કે વાતાવરણ બગડેલું છે.
'મારા દોસ્તો... શું થયું? બધાંના મોં પર ગુસ્સો છે. કારણ શું છે?' એમ્પાયર ધ્વનિલે પૂછ્યું.
આનંદ કહે, 'તમે બધાએ મારામારી તો નથી કરીને?'
હર્શિવે આખી ઘટના રજુ કરી દીધી. આ સાંભળીને આર્યને કહ્યું, 'આજકાલ તો ઘણા બધા લોકો વિદેશ ફરવા જાય છે. તેમાં કશું નવું નથી. પણ તેનો અર્થ એ નથી કે જે વિદેશ નથી ગયા તેમનું અપમાન કરવું.'
શિવમ્ બોલ્યો, 'દેશ-વિદેશમાં ફરવાથી ઘણી બધી માહિતી મળે, જુદી જુદી સંસ્કૃતિ જાણી શકાય. ત્યાંના લોકો પરિચય થાય... પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે આપણાં મિત્રો, આપણી ભાષા અને આપણી સંસ્કૃતિનું અપમાન કરવું.'
'હું વિદેશ ભણીને આવ્યો, મને મોટી ડીગ્રી પણ મળી ગઈ... પરંતુ તેનો અર્થ એ નથી કે હવે હું મારી જાતને ખૂબ ઊંચો સમજું... અને બીજાને નીચા,' અંશુલે કહ્યું.
આર્યને ઉમેર્યું, 'અરે, આજકાલ વિદેશ જવું એ કંઈ મોટી વાત નથી. ઘણાં લોકો વિદેશ જાય છે, તો ઘણા વિદેશીઓ આપણા દેશમાં પણ આવે છે.'
'અમર અને કમલ, બરાબર સાંભળી લો... તમે અમેરિકા જઈ આવ્યા એમાં કોઈ નવી નવાઈની વાત નથી... ' ધ્વનિત ધીરેથી બબડયો.
બાલ્કનીમાં બેઠાં બેઠાં છાપુ વાંચી રહેલાં દિગેશ અંકલે આ બધું જોઈ-સાંભળી રહ્યા હતા. તેઓ નીચે આવ્યા અને બાળકોને સંબોધીને બોલ્યા, 'આજે આખું વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે. નવા સમય સાથે કદમ મિલાવવા માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસાર્થે બાળકો જાય છે તેમાં કશું ખોટું નથી... પણ ખોટું એ છે કે વિદેશમાં પ્રાપ્ત કરેલું જ્ઞાાન પોતાના દેશ માટે વાપરવાને બદલે ફોરેનમાં જ સ્થાયી થઈ જવું...'
એમણે ઉમેર્યું, 'જ્યારે આખું વિશ્વ પછાત હતું ત્યારે લોકો જ્ઞાાન પ્રાપ્તિ માટે આપણાં વિદ્યાલયોમાં આવતાં હતાં. કાશી વિશ્વ વિદ્યાલય, નાલંદા વિદ્યાલય જેવા અનેક ગુરૂકુળોમાં જ્ઞાાનનો ખજાનો હતો, અને વિદેશી વિદ્યાર્થીઓ અહીં જ્ઞાાનપ્રાપ્તિ માટે આવતા હતા. આપણાં વેદશાસ્ત્રો, ઉપનિષદો, રામાયણ, મહાભારત જેવા ધાર્મિક પુસ્તકો વાંચીને તેઓ નવાઈ પામતાં. આયુર્વેદમાં વનસ્પતિ, જડીબુટ્ટી ક્યા રોગ પર અસર કરે છે તેની વાતો છે. જ્યારે એન્જિનીયરિંગ વિકસ્યું નહોતું એવા જમાનામાં આપણા પૂર્વજોએ પર્વતની ટોચ પર શિખરબંધ મંદિરો અને દેરાસરોની રચના કરી હતી. આખી દુનિયા અબુધ હતી ત્યારે માત્ર સમયયંત્રમાં કાંટાના પડછાયાને આધારે સમય જાણવો, ગણતરીપૂર્વક આવનારા વર્ષો માટે પંચાગની રચના કરવી, આ બધું ખૂબ અદ્ભૂત છે. આપણા અભણ કારીગરોએ તાજમહેલ, લાલ કિલ્લો, લોહસ્તંભ જેવી ઐતિહાસિક ઈમારતોની રચના કરી છે. સાહિત્યક્ષેત્રે, વિજ્ઞાાનક્ષેત્રે, ઔષધિક્ષેત્રે જે જ્ઞાાન ભારતવાસીઓ પાસે હતું, તે દુનિયામાં બીજા કોઈની પાસે નહોતું...
'દિગેશ અંકલ, આપણી પાસે આટલું બધું હોવા છતાં આજે આપણે કેમ પાછળ રહી ગયા?'વ્યોમે પૂછ્યું.
'સરસ સવાલ... હમણાં થોડીવાર પહેલાં તમે માંહે માંહે લડતાં હતા ને, બસ તેવું જ આપણાં દેશમાં થયું. તે વખતના રજવાડાઓના શાસકો સ્વાર્થી હતા. રાજાઓ આખા રાષ્ટ્રનું વિચારવાને બદલે ફક્ત પોતાના રાજ્યનું વિચારતા. ધીમે ધીમે ધર્મમાં સડો પેસી ગયો. કુરીતિઓ આવી, કુરિવાજો આવ્યા, ઊંચનીચના ભેદભાવ જેવી સામાજિક બદીઓ આવી... બસ, આનો જ ગેરલાભ વિદેશી આક્રમણખોરો લઈ ગયા. તેમણે સદીઓ સુધી ભારતને ગુલામ રાખ્યું.'
'આ બધું તો દુઃખદ કહેવાય...' કવીન્સી બોલી.
'એટલે જ હું તમને સમજાવવા માગું છું કે ભાષાના નામે, ધર્મના નામે, સંસ્કૃતિના નામે લડવાનું બંધ કરો... નહીં તો દુશ્મનો દેશમાં ઘૂસી જશે.' આનંદે કહ્યું.
અંશુલ કહે, ''સંપ, એકતા અને ભાઈચારામાં જે તાકાત અને સુખશાંતિ છે, તે બીજામાં નથી.'
અમર અને કમલને પસ્તાવો થયો. તેઓ કહે, 'અંકલ, તમે કેટલી સરસ વાત અમને બધાને સમજાવી. અમે અમારા ભૂલની, વર્તનની માફી માંગીએ છીએ.'
બધાં બાળકો આ સાંભળીને ખુશ ખુશ થઈ ગયાં.
તો બાળ મિત્રો, આ એક વાત હંમેશા ધ્યાનમાં રાખો. દેશનું અપમાન ક્યારેય કરવું પણ નહીં અને કોઈ કરે તો સહેવું પણ નહીં.


