Get The App

પ્રીશાની હોંશિયારી .

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
પ્રીશાની હોંશિયારી                                             . 1 - image

- પ્રીશાએ ગભરાયા વગર ઘરનાં બારણાં બંધ કર્યાં. પછી થોડુંક ઇશારાથી, થોડુંક બિલકુલ ધીમા અવાજે પોતાના નાના ભાઈ પ્રનીલને સમજાવ્યું: સાંભળ, ઘરમાં ચોર પેઠા છે...

- અર્જુનસિંહ કે.રાઉલજી

જમી પરવારીને પ્રીશા હોમવર્ક કરતી હતી. પ્રીશા પહેલા ધોરણમાં ભણતી હતી, જ્યારે પ્રનીલ જુનિયર કે.જી.માં હતો. તે તેના પપ્પા સાથે ટીવી જોતો હતો. ત્યાંજ મોબાઈલની રીંગ વાગી. પ્રીશાના પપ્પાએ ફોન ઉપાડયો. તેમના ખાસ મિત્રના પપ્પાનું મરણ થયું હતું. આથી મમ્મી-પપ્પા બંનેને ત્યાં જવું પડે એમ હતું. વળી, મરણનો પ્રસંગ હતો એટલે બાળકોને લઇ શકાય એમ નહોતું.

પ્રીશા વાંચતાં વાંચતાં મમ્મી-પપ્પાની બધી જ વાતો સાંભળતી હતી.તે તેમની ચિંતા અને મુશ્કેલી સમજી ગઈ. પપ્પાને ઉદેશીને એ બોલી, 'તમે લોકો  જાઓ, અમે બંને ઘેર રહીશું. તમે જરાય ચિંતા ના કરતા. હું ભઈલાને પણ સાચવીશ.અમે બંને ભાઈબહેન બારણાં બંધ કરીને ઊંઘી જઈશું.' 

મમ્મી ઘડીભર તો પ્રીશા સામે જોઈ રહી. એ કશું બોલે તે પહેલાં તો નાનો પ્રનીલ જ બોલી ઉઠયો, 'હા મમ્મા, અમે તો રહીશું ઘેર, તમે જરાય ચિંતા ના કરશો.' 

ઘડીભર તો તેમનાં મમ્મી-પપ્પા વિચાર કરતાં રહ્યાં, પણ પછી બીજો કોઈ ઉપાય ના હોવાથી તેઓે બંને ભાઈબહેનને બારણાં બંધ કરી, ઊંઘી જવાનું કહી ચાલ્યાં ગયાં. એમના ગયા પછી પ્રીશા બારણાં બંધ કરવા જતી હતી ત્યાં તેની નજર કચરા ટોપલી પર પડી. મમ્મી કચરા ટોપલી તો પાછળ બહાર મુકવાનું ભૂલી ગઈ! આથી પ્રીશા ટોપલી ઉપાડીને બહાર મૂકવા ગઈ. 

એ પાછી આવતી હતી ત્યારે જ તેની નજર પડી કે બે ચોર પાછળના બારણેથી ઘરમાં ઘુસી ગયા છે.પ્રીશાએ ગભરાયા વગર બારણાં બંધ કર્યા અને થોડુક ઇશારાથી, થોડુક બિલકુલ ધીમા અવાજે પ્રનીલને સમજાવ્યું: ઘરમાં ચોર પેઠા છે. હવે શું કરવું છે તે પણ એણે ભાઈને સમજાવી દીધું. 

જાણે કશું જ બન્યું ન હોય એમ ભાઈબહેન પોતાના બેડરુમમાં ગયાં અને ઊંઘવાનો ડોળ કરવા લાગ્યાં.થોડીવાર પછી પ્રીશા બોલી,'પ્રનીલ, સવારે આપણે વહેલાં સ્કુલ જવાનું છે તો મમ્મી-પપ્પાને કહી આવું કે સવારે આપણને વહેલાં ઉઠાડે...' પ્રનીલ બોલ્યો, 'દીદી, તમે કહેવા જાવ છો કે હું કહી આવું ?' પ્રીશા બોલી, 'હા, તું જ કહી આવ...'  પ્રનીલ મમ્મી-પપ્પાના રૂમમાં ગયો અને જોરથી બોલ્યો, 'મમ્મી, સવારે અમારે વહેલા સ્કૂલે જવાનું છે એટલે છ વાગે ઉઠાડી દેજો...'

આટલું બોલી, મમ્મી-પપ્પાના રૂમની ડીમલાઈટ ચાલુ કરી, પ્રનીલ પાછો આવીને સુઈ ગયો. 

ઘરમાં ઘુસેલા બંને ચોરોએ આ સાંભળ્યું. એક ચોરે બીજા ચોરને કહ્યું, 'તું તો કહેતો હતો કે ઘરમાં કોઈ નથી, માત્ર બે બાળકો જ છે...' બીજો બોલ્યો, 'મને એમ જ હતું..' 

ઘરમાં બાળકો સિવાય આ છોકરાનાં મમ્મી-પપ્પા પણ છે એવું જાણીને ચોર ગભરાયા. કદાચ ઉપરના માળે કોઈ નહીં હોય, એવું વિચારીને તેઓ દબાતા પગલે પગથિયાં ચડવા લાગ્યા. પ્રીશાએ તેમનો પડછાયો ઉપર જતો જોયો. એ મોટેથી બોલી, 'પ્રનીલ, ઉપર દાદા કદાચ ડીમ લાઇટ ચાલુ કરવાનું ભૂલી ગયા લાગે છે, તો ચાલને, આપણે દાદાના રૂમની ડીમ લાઇટ  ચાલુ કરી આવીએ, નહીંતર દાદા રાતે ઉઠશે તો પાછા પડી જશે.' 

ભાઈ-બહેન એકબીજાનો હાથ પકડી બીતાં બીતાં ઉપર ગયાં અને ડીમ લાઇટ ચાલુ કરી દીધી.પાછાં ફરતાં તેમણે જોયું કે બહારની ગેલેરીમાં બંને ચોર છુપાઈને બેઠા છે. આથી ત્યાં તો તે કઈ ના બોલી પણ નીચે આવી મોબાઈલ હાથમાં લઇ સો નંબર ઉપર ફોન કરી જોરથી પેલા ચોર સાંભળે તેમ બોલી, 'હલ્લો પોલીસ સ્ટેશન ? પોલીસ સર, અમારા ઘરમાં ચોર પેસી ગયા છે, તમે જલ્દી આવી જાવ, હું લોકેશન મોકલું છું.'  

ચોરોએ આ વાત સાંભળી એટલે ગભરાયા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું ? થોડીક મિનિટોમાં અચાનક પોલીસની સાયરનનો અવાજ ગુંજવા લાગ્યો એટલે તેઓ વધારે ગભરાયા અને ઉપલા માળની બાલ્કનીમાંથી કૂદીને ભાગી ગયા! 

બાળમિત્રો, જોયું ને ? હિમતે મર્દા તો મદદે ખુદા. હિંમત રાખી વિચાર કરીએ તો રસ્તો અવશ્ય મળે છે!