શિકારી વનસ્પતિ : પિચર પ્લાન્ટ

વ નસ્પતિ જગતમાં ૨૦૦ જેટલી વનસ્પતિ જંતુઓનો શિકાર કરનારી છે. તેમની શિકાર કરવાની રીત પણ જુદી જુદી હોય છે. શિકારી વનસ્પતિ પિચર પ્લાન્ટ નોંધપાત્ર અને જાણીતી વનસ્પતિ છે. વનસ્પતિને જમીનમાંથી પોષક દ્રવ્યો મળે છે અને ફોટોસિન્થેસીસ દ્વારા તેનાં પાન ખોરાક બનાવી શકે છે તેમ છતાં આ વનસ્પતિને જંતુઓ ખાવાની શું જરૂર તેવો સવાલ પણ થાય.
વનસ્પતિને પોષણ માટે પૂરતા પ્રમાણમાં પોષકદ્રવ્યો જોઈએ. કેટલાક પ્રદેશમાં વધુ વરસાદથી જમીન ધોવાઈ જાય. પૂરતો સૂર્યપ્રકાશ ન મળતો હોય તેવી સ્થિતિમાં થતી વનસ્પતિ ઉત્ક્રાંતિકાળમાં જંતુભક્ષી બની હતી. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા પિચર પ્લાન્ટ લગભગ સો જાતના હોય છે. પિચર પ્લાન્ટના ફૂલ છટકાં જેવા હોય છે. તે લટકતી કોથળી જેવા હોય છે. તેમાં ચીકણું પાચક દ્રવ્ય હોય છે. જંતુઓ તેની ઉપર બેસે એટલે ચોંટી જાય અને ધીમે ધીમે કોથળીમાં ઉતરી જાય. કોથળીની અંદરની સપાટી મીણ જેવી ચિકણી અને નીચેની તરફ ઝૂકેલા સુક્ષ્મ તાંતણાની બનેલી હોય છે. જંતુ તેમાં ફસાય એટલે લપસીને કોથળીના તળિયે જઈને પડે. પિચર પ્લાન્ટમાં સૌથી મોટા કોબ્રા લીલી તો સાપની ફેણ જેવા હોય છે.

