Get The App

અણમોલ રતન .

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
અણમોલ રતન                                   . 1 - image

- ધોધમાર વરસાદ અને વીજળીઓના કારણે બંને ભાઈઓ અલગ અલગ દિશામાં ફંટાઈ ગયા. મદદ માટે પોકારતા તેઓ ગીચ જંગલમાં ફસાઈ ગયા હતા. 

- માધવી આશરા

એક વૃદ્ધ રાજા. રાજાને ત્રણ સંતાનો. વીરજીત, વિક્રમ, અને વિરાજ. 

ત્રણેય સંતાનો ખૂબ જ હોશિયાર, પણ વીરજીત અને વિક્રમ ખૂબ જ અભિમાની ને ઘમંડી. લોકોને ન્યાય આપે, પણ તેમની પાસે કામ પણ પડાવી લે. આથી લોકોને બંને રાજકુમારો પ્રત્યે બહુ પ્રેમભાવ ન હતો. 

ત્રીજો રાજકુમાર વિરાજ ખૂબ જ ચતુર અને પ્રેમાળ. લોકોની સેવામાં જ સાચો આનંદ માને. 

હવે રાજા તો વૃદ્ધ એટલે તેનું શરીર સાથ નહોતું આપતું. હાથ-પગ કમજોર થઈ ગયા હતા. ચાલે તો પણ લથડિયાં ખાય. ઉધરસને કારણે શરીર પણ ક્ષીણ થઈ ગયું હતું. ખોરાક સરખો લેવાતો ન હતો. એવામાં રાજાને એક જ ચિંતા હતી. 

'જો હું નહિ રહું તો રાજ્યનો તમામ ભાર મારાં સંતાનો પર આવશે. મોટા બંને પુત્રો તો ભારે અભિમાની છે. એ લોકોની સાચી સેવા નહીં કરે અને સૌથી નાના પુત્રનું પણ પત્તું કપાઈ જશે...' 

અંતે રાજાએ એક યોજના બનાવી. ત્રણેય સંતાનોને પાસે બોલાવ્યા અને કહ્યું, 'આપણા રાજ્યની પૂર્વ દિશામાં આપણા પૂર્વજોએ એક અણમોલ રતન સંતાડયું છે. હું તમને ત્રણેયને એક-એક ડાબલી આપું છું. આ ડાબલીમાં રહેલી વસ્તુઓ તમને અણમોલ રતન મેળવવામાં મદદ કરશે.'

આટલું કહી રાજા તો મૃત્યુ પામ્યા. 

વીરજીત અને વિક્રમ તો લોભના માર્યા બીજા જ દિવસે અણમોલ રતન શોધવા નીકળી પડયા, જયારે વિરાજ તો પિતાની અંતિમ ક્રિયા કરવા રોકાઈ ગયો. 

આ બાજુ બંને રાજકુમારો પૂર્વ દિશામાં પોતાના ઘોડા દોડાવી રહ્યા હતા. જોતજોતામાં એક ગીચ જંગલ આવ્યું. જંગલ ખૂબ જ બિહામણું હતું. જંગલી પ્રાણીઓના અવાજો મોટેમોટેથી સંભળાતા હતા. સિંહ, વાઘ, ચિત્તો, વરુઓ ભૂખ્યા હોવાને કારણે શિકાર માટે આમતેમ આંટા મારી રહ્યા હતા. 

ધોધમાર વરસાદ અને વીજળીઓના કારણે બંને ભાઈઓ અલગ અલગ દિશામાં ફંટાઈ ગયા. મદદ માટે પોકારતા તેઓ ગીચ જંગલમાં ફસાઈ ગયા હતા. 

બીજી બાજુ નાનો રાજકુમાર વિરાજ પિતાએ આપેલી ડાબલીને નિરાંતે ખોલીને જુએ છે. તેમાંથી કોઈ સ્થળનાં નકશાનો એક નાનકડો ભાગ નીકળે છે, પણ નકશો અધૂરો હોવાથી કશું સમજાતું ન હતું. આથી વિરાજ પિતાએ કહેલું તે પ્રમાણે રાજ્યની પૂર્વ દિશા તરફ નીકળી ગયો. 

પૂર્વ દિશામાં એક ગીચ જંગલ આવતાં તે થોભી ગયો અને વિચારવા લાગ્યો, 'પહેલાં મારે મારા બંને ભાઈઓની તપાસ કરવી જોઈએ.'

ત્યાં અચાનક તેને વીરજીતનો 'બચાવો...બચાવો....' અવાજ આવ્યો. 

વિરાજ અવાજની દિશામાં ગયો. જંગલના કાદવકીચડવાળા એક દલદલમાં ભાઈ ખૂંચી ગયો હતો. 

મહામહેનતે વિરાજે તેને બહાર કાઢયો. 

તરત જ બીજી દિશામાંથી વિક્રમનો અવાજ આવ્યો, 'બચાવો....બચાવો...' 

બંને ભાઈઓ અવાજની દિશામાં ગયા. વિક્રમ જંગલી વરુઓ વચ્ચે ઘેરાઈને ઊભો હતો. વિરાજે તરત જ એક લાકડું લઈ તેમાં આગ પેટાવી અને જંગલી વરુઓને ભગાડી કાઢયા. 

વિરાજ કહે, 'મારી પાસે અણમોલ રતનનો અધૂરો નકશો છે.'

વીરજીત કહે, 'મારી પાસે પણ અધૂરો જ નકશો છે.'

વિક્રમ કહે, 'મારી પાસે પણ....'

પછી તરત જ વિરાજે ત્રણેય નકશાને વ્યવસ્થિત ગોઠવ્યા. નકશો જોડાતાં જ એક રસ્તો જંગલની પૂર્વ દિશામાં જતો દેખાયો. 

ત્રણેય રાજકુમારો એ દિશામાં ચાલવા લાગ્યા. તેઓ ચાલતા ગયા... ચાલતા ગયા.... 

સવારથી સાંજ પડી, પણ રસ્તો કોઈ જગ્યાએ પૂરો થતો ન હતો. થાક લાગવાથી આરામ કરવા એક વિશાળ વૃક્ષ નીચે બેઠા. ત્રણેયને કકડીને ભૂખ પણ લાગેલી. આથી વૃક્ષ પરના ફળને તોડવા જતાં જ અચાનક વૃક્ષમાંથી એક અવાજ સંભળાયો, 'ખબરદાર... મારા ફળને હાથ વડે અડશો નહીં, નહિતર મૃત્યુને ભેટવું પડશે.'

ત્રણેય રાજકુમારો ચોંકી ગયા. ત્રણેયે એકબીજાની સામે જોયું. 

વિરાજે વિનમ્રભાવે કહ્યું, 'અમે અહીં અણમોલ રતનની શોધમાં આવ્યા છીએ. શું તમે અમારી મદદ કરશો?'

વૃક્ષમાંથી એક માથું બહાર આવ્યું. તેણે કહ્યું, 'અણમોલ  રતન મેળવવા માટે તમારે મારું ફળ ખાવું પડશે અને જો તમે મારું ફળ હાથ વડે અડશો તો મૃત્યુ પામશો.'

આવી વિચિત્ર વાત સાંભળી ત્રણેય રાજકુમારો તો મૂંઝાયા. હવે કરવું શું? 

વિરાજે ખૂબ વિચાર કર્યો. વૃક્ષનાં શબ્દો તેના કાને વારેવારે સંભળાઈ રહ્યા હતા. અચાનક જ વિરાજનું ધ્યાન વૃક્ષે કહેલા શબ્દો પર ગયું કે 'હાથ વડે ફળ અડશો તો મૃત્યુ પામશો.'

તેણે પોતાના ભાઈઓને આ વાત કહેતા કહ્યું, 'આપણે ફળને હાથ વડે અડવાનું નથી.'

વીરજીત કહે, 'તો પછી ફળ કેમ તોડશું?'

વિરાજ કહે, 'એક કામ કરીએ. વિક્રમ, તું પહેલા ચાર પગે વાંકો થઈ જા, પછી વીરજીત, તું તેના પર ઊભો રહે. પછી હું તારા પર ચડીને ફળને સીધું મોઢા વડે ખાઈ જઈશ.'

બંને ભાઈઓએ વિરાજની વાતને માન્ય રાખી. આમ, શરત પણ પૂરી થઈ ગઈ. 

ત્રણેયને અણમોલ રતન તરફ જવાનો રસ્તો વૃક્ષમાં જ દેખાયો. 

ત્રણેયને અણમોલ રતન મળી ગયું. 

વિરાજે કહ્યું, 'આપણું અણમોલ રતન એ આપણો સંપ છે.