- ચિરંજીવ
- પક્ષીઓ ટીકુની મમ્મીને ફરિયાદ કરવા ગયાં. મમ્મીએ પછી ટીકુને આ બાબતે સમજાવ્યો, પણ ટીકુ કોઈ વાતે સમજે જ નહીં ને! ટીકુને તો જાણે બીજાઓને પરેશાન કરવામાં જ આનંદ મળતો.
એક સુંદરવન નામનું જંગલ હતુ. જંગલ નામ પ્રમાણે જ ખૂબ જ સુંદર હતુ. વિવિધ વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, તળાવ અને પર્વતોથી તે શોભતું હતુ. બધાં જ પ્રાણીઓ ખૂબ શાંતિથી રહેતા હતા. જંગલમાં એક વિશાળ વડનું ઝાડ હતુ તેના પર ઘણાં બધાં પક્ષીઓ પોતાનો માળો બનાવીને રહેતાં હતાં. ચકલી, કાબર, પોપટ, કબૂતર વગેરે પક્ષીઓએ વડના ઝાડ પર રહેવાની બહુ મજા આવતી.
આ વિશાળ વડના ઝાડ પર વાંદરા પણ રહેતા. તેમાં એક વાંદરાનું બચ્ચું હતું, જેનું નામ હતું ટીકુ. તે પણ ત્યાં રહે. ટીકુ ખૂબ ચંચળ અને મસ્તીખોર હતો. બધાની મજાક ઉડાવવી તેને ગમે. બીજાઓને દુખી કરી તે ખુશ થતો. તે બીજાની ટીકા કરતો અને પક્ષીઓના માળા પણ વિખેરી નાખતો, પક્ષીઓનાં ઈંડાં ફોડી કાઢતો , બચ્ચા નીચે પાડી દેતો અને પોતે તેનો આનંદ લેતો. તેનાથી બધાં પક્ષીઓ ખૂબ જ પરેશાન થઈ ગયાં હતાં. પક્ષીઓ ટીકુની મમ્મીને ફરિયાદ કરવા ગયાં. મમ્મીએ પછી ટીકુને આ બાબતે સમજાવ્યો, પણ ટીકુ કોઈ વાતે સમજે જ નહીં ને! ટીકુને તો જાણે બીજાઓને પરેશાન કરવામાં જ આનંદ મળતો.
ટીકુને એક દડો ખૂબ ગમે. તે તેનાથી રમતો. એક દિવસ ટીકુ આસપાસની ડાળો પરના માળા વીંખી રહ્યો હતો ત્યારે તેની મમ્મીએ જોઈ ગઈ. મમ્મી એને વઢી. ટીકુ પાછો પોતાની ડાળ પર આવી બેઠો. જેવી તેની મમ્મી ત્યાંથી બીજે ગઈ ફરીથી ટીકુ તો માંડયો પાછો માળા વીખેરવા. તેણે એક ડાળ પર કબૂતરનો માળો જોયો, જેમાં બે ઈંડાં હતાં. ટીકુએ ઇંડાં નીચે ફેંકી દીધાં. કબૂતર અને કબૂતરી ઈંડાં ફૂટી જવાથી આક્રંદ કરવા લાગ્યાં. થોડીવાર પછી ટીકુની મમ્મીએ આવીને આ દ્રશ્ય જોયું. તેમણે ટીકુ વતી તેમની માફી માંગી અને મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે હું ટીકુને તેની ભૂલ સમજાવીને જ રહીશ. તે રાત્રે ટીકુ જેવો દડો મૂકીને ઊંઘ્યો કે તરત મમ્મીએ દડાને ઝાડની એક બખોલમાં સંતાડી દીધો. સવારે ઉઠીને ટીકુ દડો શોધવા લાગ્યો પણ દડો મળે જ નહીંને. ટીકુ તો આખા ઝાડની બધી ડાળીઓ ખૂંદી વળ્યો પણ દડો ન જ મળ્યો. ટીકુ ખૂબ દુખી થઈ ગયો. તે રડતાં રડતાં મમ્મી પાસે ગયો. મમ્મીએ તેને સમજાવતા કહ્યું કે,'જો ટીકુ, તારો મનપસંદ દડો ખોવાયો તો તને કેટલું બધું દુખ થયું! દડો તો નિર્જીવ છે. બીજો દડો લાવી શકાય છે છતાં તું દુખી છે અને રડે છે, તો વિચાર કે જે પક્ષીઓના માળા તું વિખેરતો હતો તેમને કેટલું દુખ થયુ હશે? તેમના બચ્ચાં તો સજીવ હતાં. તેમનાં ઈંડાં ફોડી નાખીને તું કેટલું ખોટું કરતો હતો!'
ટીકુને તરત પિતાની ભૂલ સમજાઈ ગઈ. બધાની મશ્કરી કરવાનું છોડી ટીકુ હવે સમજદાર અને ડાહ્યો બની ગયો, તેણે પ્રતિજ્ઞાા લીધી કે હવે પછી હું કોઈને પણ નુકસાન થાય કે દુખ પહોંચે તેવું કોઈ પણ કામ કરીશ નહીં.
બોધ
કોઈને દુખ થાય કે નુકસાન તેવું કોઈ પણ કામ કરવું જોઈએ નહીં.


