શક્તિદાયક ફળ : ખજૂર .
ઉ ત્તરાયણ અને હોળી એટલે ધાણી ચણા અને ખજૂર ખાવાના તહેવાર. આ રિવાજ આપણા આરોગ્ય સાથે સંકળાયેલો છે. ખજૂર એ સૌથી વધુ શક્તિ દાયક ફળ ગણાય છે. ખજૂર વિશે ઘણી રસપ્રદ વાતો પણ જાણવાની મજા પડશે.
- ખજૂર એક બીજ કે ઠળિયાવાળું ફળ છે. તે દરિયા કિનારે નાળિયેરી જેવા ઊંચા વૃક્ષ પર ઊગે છે.
- વૃક્ષ ઉપર ખજૂર ઝુમખા રૂપે ઊગે છે. એક ઝુમખામાં ૫૦૦ થઈ ૨૦૦૦ નાનાં ફળો હોય છે.
- વૃક્ષ ઉપર શરૂઆતમાં લીલા રંગની ખજૂરના ઝુમખા બાઝે છે તે પાકીને પીળાં થાય છે.
- ખજૂરના ફળને બજારમાં પહોંચતા પહેલા ત્રણ તબક્કા છે. પીળાં રંગના સખત ફળને ખલાલ (આપણે ત્યાં ખલેલા) કહે છે. ત્યારબાદ રૂતાબ અને છેલ્લે બજારમાં મળતી પોચી ખજૂર.
- ખજૂરી પરથી ઉતાર્યા પછી બજારમાં ખજૂર તરીકે આવતાં ૨૦૦ દિવસ લાગે છે.
- ખજૂરીના ઝાડ ૨૦ થી ૨૫ મીટર ઊંચા હોય છે.
- ખજૂરીને ડાળીઓ હોતી નથી. થડ ઉપર છેક ઊંચે લાંબાં પાન ચારે તરફ ફેલાય છે. તે જ રીતે જમીનમાંથી માત્ર એક જ મૂળ ઊંડે સુધી જાય છે.
- ખજૂરીના પાન ૨ થી ૫ મીટર લાંબા હોય છે.
- ખજૂરીના ઝાડ નર અને માદા એમ બે જાતના હોય છે. માત્ર માદા ખજૂરી ઉપર જ ખજૂર પાકે છે.
- ખજૂરીનું એક ઝાડ એક સિઝનમાં ૧૦૦ કિલો ખજૂર આપે છે.
- ઇરાન, ઇજિપ્ત અને સાઉદી અરેબિયામાં બધી મળીને વર્ષે લગભગ એક કરોડ ટન ખજૂર પાકે છે.
- ખજૂરના ફળને તડકે સૂકવીને ખારેક બનાવાય છે.
- ભારત પણ ખજૂરની નિકાસ કરનાર મોટો દેશ છે.