- 'મારી જ ભૂલ છે! હું એની સાથે દલીલ કરવા લાગ્યો. બાકી જો હું ચૂપ જ રહ્યો હોત તો ઝગડો જ ના થાત! બધી સમસ્યાઓનું સમાધના એક જ છે - મૌન!'
- દિગ્ગજ શાહ
પશાકાકાની શાકભાજી અને ફળફૂલની વાડીમાં ભાઈ, આજે તો બટાટા અને ભીંડાની જોરદાર ફાઈટ થઈ ગઈ!
બટાટાભાઈ તો હસતાં હસતાં ભીંડાની મજાક ઉડાવવા લાગ્યા. મારફાડ બોલવા લાગ્યા. સમજોને કે ભીંડાને એમણે ધોઇ જ નાંખ્યો.
ભીંડો કહે - 'એલા બટાટા! તું તારી જાતને બહું હોશિયાર ના સમજ! તું કેવો જાડોપાડો, ગોળગોળ અને જોવોય ના ગમે એવો છે! હું તે હેન્ડસમ છું!'
બટાટાએ તો જોરદાર ગુસ્સે થઈને આંખો કાઢીને કહ્યું - 'એ ભીંડા! તને મારી હેસિયતની ખબર નથી? મને બધા જ પસંદ કરે છે. તમામ શાકભાજીમાં હું મિક્સ થઈ જાઉં છું. મારા વગર તો કોઈને ચાલે જ નહીં!'
ભીંડો કહે - 'અરે, એ તો તને વ્હેમ છે! તું સપનાંની દુનિયામાં ફરે છે. ઘણાં પ્રાણીઓ તને જોઈનેજ મોં બગાડે છે. તને અડતા પણ નથી! તને ખાઈને તો શરીર બગડે. જાડાપાડા થઈ જવાય. ગેસ થઈ જાય. છી...છી...છી! '
આ સાંભળીને તો બટાટાને ફરી જોરદાર ગુસ્સો આવ્યો. પગ પછાડીને આંખોના ડોળા કાઢીને કહ્યું - 'એ સડેલાં ભીડાં..! તું છે ને તારી હદમાં રહે! માપમાં બોલ! બાકી હવે તું એક શબ્દ પણ ખરાબ બોલ્યોને તો તને કૂટી નાખીશ... અને ફેંકી દઈશ!'
ભીંડો કહે - 'એલા બટાટા..! હું તો તારી સાથે વાત જ કરવા માગતો નથી. તારું મોં પણ જોવા માગતો જ નથી. તું જ મને ખરાબ શબ્દો બોલે છે, છંછેડે છે!'
બટાટો કહે - 'અરે જા-જા! મારી પાસે તો ટાઈમ જ નથી તારી સાથે માથાકૂટ કરવાની! દૂર હો જા મેરી નજરાંે સે...નહીં તો અપુન ધો ડાલેગા તેરેકુ... પતલી ગલી સે ફૂટ લે... અભી કે અભીં...નોનસેન્સ!!'
ભીંડો કહે - 'એક દિવસ તારો ઘમંડ જ તને ડૂબાડી દેશે! સુધરી જા! કોઈનું અપમાન ના કર... ખરાબ શબ્દો ના બોલ... ઝગડા ના કર..!'
બટાટાએ આંખો કાઢીને કહ્યું - 'બસબહુ થયું હવે! મને શિખામણ ના આપ. મને એની જરૃર નથી. હું તો ખૂબજ ફેમસ છું. બધા મને ખૂબ જ લવ કરે છે! દૂર હો જા મેરી નજરોં સે...! '
ભીડો આંખમાં આસું સાથે ત્યાંથી જતો રહ્યો.
ભીંડો વિચારવા લાગ્યો - 'મારી જ ભૂલ છે! હું એની સાથે દલીલ કરવા લાગ્યો. બાકી જો હું ચૂપ જ રહ્યો હોત તો ઝગડો જ ના થાત! બધી સમસ્યાઓનું સમાધના એક જ છે - મૌન! હવે પછી હું કોઈ દિવસ ઝગડા અને દલીલો કરવામાં મારો કિંમતી સમય નહીં બગાડું..!'
બટાટાનો જ્યારે ગુસ્સો શાંત થયો ત્યારે એણે વિચાર્યું - 'બિચારા ભીંડાને મેં ખોટો ધોઈ નાંખ્યો. ખરાબ શબ્દો બોલ્યો એનું અપમાન કર્યું. બાકી ભીંડો એની જગ્યાએ શ્રેષ્ઠ છે. એને પણ ઘણાં પ્રાણીઓ ચાહે છે, પસંદ કરે છે, લવ કરે છે... મારી ભૂલ થઈ ગઈ. હવે પછી હું કોઈ દિવસ કોઈનું અપમાન નહીં જ કરું. ઝગડો નહીં કરું!'
બટાટાએ તરત જ ભીંડાને વોટ્સએપમાં મેસેજ કર્યો - સોરી! ભીંડા ભાઈ! મારી ભૂલ થઈ ગઈ! તું તો મારો જિગરી ફ્રેન્ડ છે. મેં તારું ખોટું અપમાન કર્યું. ખરાબ શબ્દો બોલ્યા. મને માફ કરી દે, યાર!!
ભીંડાએ આ મેસેજ વાંચ્યો. એ ખૂબ જ ખુશ થયો.
એણે તરત જ રિપ્લાય આપ્યો - 'ઇટ્સ ઓકે, ડિયર ફ્રેન્ડ...! દોસ્તી મેં ઐસા ચલતા હી હૈ! હું પણ તને ખરાબ શબ્દો બોલ્યો. મને પણ તું માફ કરી દે. સોરી, સોરી, સોરી!'
...અને બીજા દિવસે બટાટાભાઈ અને ભીંડાભાઈ મોજથી સાથે પાર્ટી કરતા હતા... બાપલા!


