- ડૉ. હાથી કહે, 'આ પોપટ ચાર સફરજન ખાઈ ગયો છે... ત્રણ સફરજન એના પેટમાંથી બહાર કાઢવા પડશે... તો અને તો જ એનો પેટનો દુખાવો મટશે...!'
દિગ્ગજ શાહ
સવાર-સવારમાં પોપટભાઈ ફરવા નીકળ્યા. પોપટભાઈને જોરદાર ભૂખ લાગી હતી. ઈચ્છા તો સફરજન ખાવાની હતી.
એક વાડીમાં લાલ લાલ સફરજન દેખાયા. પોપટભાઈ સફરજન જોઇને ખુશ ખુશ થઈ ગયા.
પોપટભાઈ તો ખૂબ જ મોજમાં આવી ગયા હતા. એમણે એક સફરજન ફટાફટ તોડયું ને પટાપટ ખાવા માંડયું.
એક સફરજન ખાધું એટલામાં તો પોપટભાઈ થાકી ગયા.
પોપટભાઈ તો વિચારવા લાગ્યાં: મારું પેટ તો ભરાઈ ગયું છે, પણ મારે તો હજુ બે-ચાર સફરજન ખાવા પડે એમ છે. મારું પેટ તો ના પાડે છે, પણ મને તો ખાવાની ખૂબ જ ઈચ્છા છે. હવે
કરવું શું...?'
પોપટ ભગવાનને કહે: 'હે ભગવાન..! તમે મને પેટ એક જ કેમ આપ્યું? પેટ તો તમારે મને ચાર-પાંચ આપવા જોઈતા હતાં! મારો પ્રિય શોખ તો ખાવાનો જ છે... ભગવાન કંઈક તો કરો...!'
ભગવાને કંઈ જવાબ ન આપ્યો.
પણ પોપટભાઈના પેટમાં જગ્યા નહોતી તોય એનાથી રહેવાયું નહીં અને એ ત્રણ સફરજન ઝાપટી ગયા...!
દસ જ મિનિટ પછી પોપટભાઈ ને તો પેટમાં ધમાધમ દુ:ખવા લાગ્યું.
એ તો બૂમાબૂમ કરવા લાગ્યા, ચીસો પાડવા લાગ્યા.
'ઓ બાપ રે... મરી ગયો! કોઈ મને ડોક્ટર પાસે લઇ જાઓ રે બાપા...! મારા પેટમાં કોઈ ધમ્માલ કરી રહ્યું છે...!'
પોપટનું બૂમરાણ સાંભળીને આજુબાજુનાં ઘણાં બધાં પ્રાણીઓ ભેગા થઇ ગયાં.
બધાં એને ડોક્ટર હાથી પાસે લઇ ગયાં.
ડોક્ટર હાથીએ ચેક-અપ કરીને કહ્યું: 'આ પોપટ ચાર સફરજન ખાઈ ગયો છે... ત્રણ સફરજન એના પેટમાંથી બહાર કાઢવા પડશે... તો અને તો જ એનો પેટનો દુખાવો મટશે...!'
બધાં કહે: 'ડોક્ટર સાહેબ...! પોપટભાઈનું ઓપરેશન કરી નાખો...! ત્રણ સફરજન બહાર કાઢી નાખો... કોઈ પણ બિચારાને બચાઓ....!'
ડોક્ટર હાથી હસતાં હસતાં કહે : 'અરે..! ઓપરેશનની કોઈ જરૂર નથી. હું દવા આપું છું. હમણાં જ કલાકમાં આરામ થઇ જશે...!'
હાથીભાઇએ પોપટભાઈ ને દવા આપી.
પોપટભાઈએ દવા ખાધી.
બે કલાક પછી પોપટભાઈ સ્વસ્થ થઈ ગયાં.
પોપટભાઈ શરમાતાં શરમાતાં કહે: 'અરે ડોક્ટર હાથીસાહેબ..! તમે મને બચાવ્યો... થેંક્યુ વેરી મચ!! હવે હું ખાવાંનું ઝાપટવામાં ધ્યાન રાખીશ. મને માફ કરી દો...!'
ડોક્ટર હાથી કહે : 'તને તારી ભૂલ સમજાઈ ગઈ એ મને ગમ્યું... માલ પારકો છે, પણ પેટ તો આપણું છે. જેટલી ભૂખ હોય એનાથી થોડું ઓછું જ ખાવું જોઈએ. તો કોઈ દિવસ પેટની તકલીફ ના થાય. કમ ખાઓ... ઔર ખુશ રહો! સમજે પોપટભાઈ?'
પોપટભાઈ કહે : 'સમજ ગયા અપુન...! અબ કભી ભૂલ નહીં હોગી...! થેંક્યુજી ...!!'
હાથીભાઈ એ હસતાં હસતાં બધાને વિદાય આપી...બાપલા!


