- એક વૃદ્ધ માણસ ખાડામાં પડી ગયો. બિચારો બૂમો પાડે - 'બચાવો, બચાવો!' પણ એની બૂમો કોણ સાંભળે?
- એક સાઈકલવાળો નીકળ્યો. એને જોઈને વૃદ્ધ કહે - 'ભઈલા, મને ખાડામાંથી બહાર કાઢ ને! ભગવાન તારું ભલું કરશે.'
ગામનું નામ ગોવિંદ૫ુરા. ગામથી એકાદ કિલોમીટર દૂર પ્રાથમિક શાળા. એમાં ગામનાં બાળકો ભણવા માટે જાય. તેજસ્વી પણ એમાં ભણે.
રસ્તો સાવ કાચો. કેટલાંક બાળકો ચાલતાં જાય, કેટલાંક સાઈકલ લઈને જાય અને કેટલાંકને માબાપ મૂકી આવે. તેજસ્વી ચાલતો જાય.
અડધે રસ્તે એક ખાડો આવે. રસ્તાને અડીને ચાર-પાંચ ફૂટ ઊંડો. ચોમાસાના ધોવાણથી ખાડો રસ્તાના મધ્યભાગ સુધી પહોંચી ગયો હતો. ગફલતથી એમાં કેટલાક વટેમાર્ગુ પડી જાય. કેટલાકના હાથપગ ભાંગે, કેટલાક બચી જાય.
એક વાર એક વૃદ્ધ માણસ આ ખાડામાં પડી ગયો. બિચારો બૂમો પાડે - 'બચાવો, બચાવો!'
પણ એની બૂમો કોણ સાંભળે? એક સાઈકલવાળો નીકળ્યો. એને જોઈને વૃદ્ધ કહે - 'ભઈલા, મને ખાડામાંથી બહાર કાઢ ને! ભગવાન તારું ભલું કરશે.'
પરંતુ સાઈકલવાળા પાસે સમય નહોતો. ધીરેથી તે આગળ જતો રહ્યો. એ પછી બીજા પાંચ-સાત વટેમાર્ગુઓ એ રસ્તામાંથી નીકળ્યા. બધાને વૃદ્ધે વિનંતી કરી - 'સજ્જનો, મને બહાર કાઢો ને! હું તમને રાજી કરીશ.'
પરંતુ કોઈ વૃદ્ધની વાત સાંભળવા માટે ઊભો રહેતો ન હતો. દરેક જણ વૃદ્ધની વાત સાંભળી ન સાંભળી કરીને આગળ વધી જતો હતો.
છેક સાંજે છ વાગ્યે એક છોકરો એ ખાડા પાસે પસાર થઈ રહ્યો હતો. તેને જોઈને વૃદ્ધે સાદ પાડયો - 'છોકરા, ઓ ભઈલા, જરા મારી મદદ કરને. મારે બહાર નીકળવું છે. સવારનો હું આ ખાડામાં પડયો છું. ખાધું-પીધું પણ નથી. દીકરા, આવ. તું બહું મોટો માણસ બનીશ. મારી મદદ કરી જા.'
છોકરો ઊભો રહ્યો. પછી ધીમેથી ખાડામાં ઊતર્યો. વૃદ્ધને ટેકો આપ્યો અને ઢોળાવવાળા ખાડામાંથી વૃદ્ધને બહાર કાઢ્યા. પછી વૃદ્ધ તરફ નિહાળીને જોયું. નવાઈ પામીને કહ્યું - 'અરે, આપતો સદાનંદ સાહેબ છો, રિટાયર સાહેબ! મારા પિતા આપની પાસે ભણ્યા હતા. આપનાં ખૂબ વખાણ કરે છે!'
વૃદ્ધે કહ્યું, 'હા, બેટા! હું તને પણ ઓળખું છું. તું ગોવિંદપુરા ગામનો છે?'
'હા સાહેબ! તમે મને ઠીક ઓળખ્યો. હું પાંચમા ધોરણમાં ભણું છું ને મારું નામ તેજસ્વી છે. પણ સર, તમે સવારે કઈ બાજુ જતા હતા?' તેજસ્વીએ જાણવા માટે પૂછ્યું.
હવે સદાનંદ સાહેબ સ્વસ્થ થયા હતા તેમણે કહ્યું - 'તેજસ્વી, જો આ બેગ. એમાં દસ હજાર રૂપિયા છે. તે હું બેંકમાં ડિપોઝિટ તરીકે મૂકવા માટે જતો હતો. પરંતુ હવે મારે બેંકમાં નથી મૂકવા. તું લઈ જા, અને આ ખાડો પુરાવવામાં તેનો ઉપયોગ કરજે. વધે તો તું ભણવામાં તે વાપરજે.'
તેજસ્વી કહે - 'ના સાહેબ, એ પૈસા તો હું નહીં લઉં, પરંતુ તમારી ઈચ્છા પૂરી કરીશ. દરરોજ હું ખાડાને થોડો-થોડો પૂરીશ, ને એમ એકાદ મહિનામાં આખો ખાડો પુરાઈ જશે, બસ!'
તેજસ્વીની સમજણ પર ખુશ થઈને સાહેબ કહે - 'જો બેટા તેજસ્વી, તું હજું ઘણો નાનો છે. મજૂરી કરવાનું તારું ગજુ નથી. તારે તો મજૂરો પાસે કામ કરાવવાનું છે. જાતે કામ કરવાનું નથી.'
ગામ નજીક આવી ગયું હતું. નિવૃત્ત સાહેબે બેગ તેજસ્વીને આપી. પછી બંને છૂટા પડયા.
તેજસ્વીએ પિતાની મદદ લીધી ને થોડાક જ દિવસોમાં ખાડો પુરાવી દીધો. રસ્તામાં બીજાં ગાબડાં પડયાં હતાં તે પણ સરખાં કરાવી દીધાં. હવે રસ્તો સપાટ બની ગયો હતો. લોકો હવે ઠોકર ખાધા વગર ચાલી શકતા હતા અને સાઈકલો સડસડાટ સરકી શકતી હતી.
હવે ગામમાં અને શાળામાં તેજસ્વીના કામનાં વખાણ થાય છે, ત્યારે તે કહે છે, 'આ બધું સદાનંદ સાહેબના કારણે થયું છે, તેમનો આભાર માનો.'


