લોકપ્રિય ફ્લેવર : પાઈનેપલ .
આ ઇસ્ક્રીમ, જ્યૂસ, ચોકલેટ વિગેરેમાં પાઈનેપલ ફલેવર લોકપ્રિય છે. પાઈનેપલનું ફળ પણ વિશિષ્ટ આકાર અને દેખાવનું છે. તેને આપણે અનાનસ તરીકે પણ ઓળખીએ છીએ.
અનાનસ બ્રાઝિલ અને પારાગ્વેની વનસ્પતિ છે પરંતુ હવે વિશ્વભરમાં તેની ખેતી થાય છે. અનાનસનો છોડ બેથી ચાર ફૂટ ઊંચો હોય છે. ચક્રાકાર ઊગેલા લાંબા પાનની વચ્ચે અનાનસનું ફળ બેસે છે. અનાનસના પાન લીલા હોય છે પણ પાકે ત્યારે પીળા થઈ જાય છે. અનાનસનું ફળ લીલું હોય છે તે પાકે ત્યારે પણ લીલું જ રહે છે.
અનાનસનું ફળ અર્ધો ફૂટ લંબાઈના લંબગોળ આકારનું હોય છે. તેની છાલ ચોરસ ખાનાની ચોક્કસ પેટર્નની બનેલી હોય છે. છાલ ઉતારવાથી પીળા રંગનો ગર્ભ દેખાય છે. તેમાં ચક્રાકાર ગોઠવાયેલા બીજની આસપાસ પીળો માવો હોય છે. અનાનસ સ્વાદમાં ખાટું લાગે છે. તેની ઘણી જાત છે. હિલો, કોના સુગરલોલ, નાતાલ કિવન, રેડ સ્પેનિશ, વગેરે જાણીતી જાત પણ વિકસાવાઈ છે.
જાણીને નવાઈ લાગે પણ મોટા કદના ખરબચડી છાલવાળા અનાનસને સમારવા માટે ખાસ પ્રકારનું પાઈનેપલ કટર પણ વિકસ્યું છે. પાઈનેપલનું ફળનું ચિત્ર સ્વાગતનું પ્રતિક મનાય છે અને તેના શિલ્પો સજાવટમાં વપરાય છે. ઓસ્ટ્રેલિયાના કિવન્સ લેન્ડ ખાતે ૧૬ મીટર ઊંચુ પાઈનેપલનું શિલ્પ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 'બિગ પાઈનેપલ' તરીકે ઓળખાતા આ શિલ્પ સ્થાને દર વર્ષે ફેસ્ટીવલ પણ યોજાય છે.