પીચુ પોપટ .

Updated: Jan 20th, 2023


- અર્જુનસિંહ.કે.રાઉલજી

- 'આપ તો સૃષ્ટિના સર્જનહાર છો. આપ તો સમજો કે ઉપકાર ઉપર અપકાર કરવો એ ક્યાંનો ધર્મ? સુખમાં તો સૌ સાથે રહે, પણ જેણે દુખમાં તમારો સાથ આપ્યો હોય તેના કપરા દિવસ આવે તો સાથ છોડી દેવો?'

- 'આ વડદાદાએ મને અત્યાર સુધી આશરો આપ્યો છે. ટાઢ, તડકા અને વરસાદમાં મારું અને મારાં બચ્ચાનું રક્ષણ કર્યું છે. હવે જ્યારે દાદાનો ખરાબ સમય આવ્યો ત્યારે હું તેમનો સાથ છોડી દઉં?'

નંદનવન નામે મોટું જંગલ. જંગલની લગભગ વચ્ચે એક વિશાળ વડલો – વીણુ વડ. ઘટાટોપ વડલો. મોટી મોટી વડવાઇઓ. ટેટા પણ પુષ્કળ લાગે. વડલો જંગલની વચ્ચે આવેલો હતો એટલે ઘણાં બધાં પક્ષીઓએ તેના ઉપર પોતાના માળા બનાવ્યા હતા અને લહેરથી રહેતાં હતાં. આજુબાજુ ઘણી ઝાડી અને વનરાજી હતી એટલે આખા જંગલમાં સલામત સ્થાન આ જ હતું. વડલા ઉપર રમતાં અને ચિચિયારીઓ પાડતાં પક્ષીનાં બચ્ચાંને પણ આ વડલો આખો દિવસ રક્ષણ પૂરું પાડતો. જંગલી પશુઓ અને શિકારીઓથી આ વડલો તેના ઉપર રહેતાં પક્ષીઓને અને તેમનાં કુટુંબોને બચાવતો. એ વડલાની એક બખોલમાં પીચુ પોપટ રહે. વરસોથી, તેના બાપદાદાના વખતથી જ પીચુ પોપટ પરિવારનું આ જ ઘર. આખો દિવસ પોતાનાં બચ્ચાંને એકલાં મૂકીને પણ પીચુ પોપટ પોતાના ચણની શોધમાં જંગલમાં ભટકતો રહેતો. વીણુ વડ પીચુની ગેરહાજરીમાં તેનાં બચ્ચાને ટાઢ, તડકો અને વરસાદથી બચાવતો. બચ્ચાં વડલાની વડવાઇઓ ઉપર ઝુલતાં રહેતાં, રમતાં, મીઠાં ગીતો ગાતાં અને વડના ટેટા ખાઇ પોતાનું પેટ ભરતાં. એક વખત બન્યું એવું કે શકરો શિકારી વરુનો શિકાર કરવા જતો હતો. તેણે બાણ ચઢાવ્યું અને તેને જોઇ સમજુ શિયાળ તેના હાથ ઉપર કૂદ્યું એટલે તે નિશાન ચૂકી ગયો, વરુ બચી ગયું. શકરાને સમજુના નખ વાગ્યાએ વધારામાં. તે વખતથી શકરાને સમજુ ઉપર દાઝ. એટલે ત્યાર પછી થોડા દિવસ તો શકરો શાંત રહ્યો, પણ તે તકની રાહ જોતો હતો. એક દિવસ તેના હાથમાં જીવલેણ ઝેર આવી ગયું. તેણે પોતાના તીરની ધાર ઉપર ઝેર ઘસી ઘસીને એકદમ ઘાતક બનાવી દીધું. શકરા શિયાળનું તીર ઝેર પી પીને બરાબર તૈયાર થઈ ગયું એટલે એક દિવસ તે તીરકામઠું લઇ સમજુ શિયાળની શોધમાં નીકળી પડયો. સમજુ તડકો બરાબર હોવાથી વીણુ વડલાના છાંયે આરામ કરતું હતું. શકરા શિકારીએ આ જોયું અને સમજુને ખતમ કરી નાખવા માટે પણછ ઉપર ઝેર પાયેલું તીર ચઢાવ્યું... પણ સમજુનું કિસ્મત જોર કરતું હશે તે છેલ્લી ક્ષણે તેની નજર શકરા શિકારી અને તેના બાણ ઉપર પડી એટલે તે ઝડપથી કૂદીને નાઠું. ત્યાં સુધીમાં તો તીર કમાનમાંથી છટકી ગયું હતું. ઝેર પાયેલું તીર સમજુને વાગવાના બદલે વીણુ વડલાના થડની વચ્ચોવચ્ચ ઉંડે સુધી ઘુસી ગયું. ઝેરે તો પોતાની અસર બતાવવાની ચાલુ કરી દીધી. વડલો દિવસે દિવસે સૂકાવા લાગ્યો. તેનાં પાન પણ ખરવા લાગ્યાં. લીલાં લીલાં કુમળાં પાન ખરવા લાગ્યાં. તેની વડવાઇઓ પણ સૂકાવા લાગી. હવે વડલો બરાબર છાંયો આપતો નહોતો અને જંગલી પશુઓ કે શિકારીઓથી રક્ષણ પણ કરી શકતો નહોતો. વડલા ઉપર રહેતાં પક્ષીઓને દાણો પાણી મળવાનાં ફાંફા પડવા લાગ્યા. એટલે એક પછી એક બધાં પક્ષીઓ વડલો છોડવા લાગ્યાં. જંગલની આગળની બાજુ નદીકિનારે જ એક બીજું વિશાળ ઝાડ હતું ત્યાં રહેવા લાગ્યાં. એક બીના બિલાડી પોતાનાં ચાર બચ્ચાંને લઈને ત્યાં રહેતી હતી, તેને બચ્ચાં લઈને જવાનું મુશ્કેલ હતું એટલે તે ત્યાં જ રહેતી હતી અને બીજો પીચુ પોપટ! એક રાતે બીના બિલાડીનાં ચાર પૈકીના એક બચ્ચાને કોઇક જંગલી પશુ ઉપાડી ગયું. દુખી બીનાએ નછૂટકે હવે પોતાનો મુકામ બદલવાનો નિર્ણય કરવો પડયો. તેણે પીચુ પોપટને કહ્યું, 'ચાલો, પીચુભાઇ. આપણે પણ નદીકિનારે આવેલા પેલા ઝાડ ઉપર જતાં રહીએ. હવે અહીં તો આપણી કોઇ સલામતી નથી, વડદાદા ઉપર આપણને કશું ખાવાપીવાનું પણ મળતું નથી. તે સૂકાઇ ગયા છે એટલે આપણું ટાઢ, તડકા કે વરસાદ સામે પણ રક્ષણ કરવાના નથી. પછી શું કરવા અહીં પડી રહેવું?' પીચુ પોપટ ઘડીભર તો બીના બિલાડી સામે તાકી રહ્યો અને પછી ધીરે રહીને બોલ્યો, 'બીના બિલાડી, હું તમારા બધાં જેવો સ્વાર્થી નથી. આ વડદાદાએ મને અત્યાર સુધી આશરો આપ્યો છે. ટાઢ, તડકા અને વરસાદમાં મારું અને મારાં બચ્ચાનું રક્ષણ કર્યું છે. હવે જ્યારે દાદાનો ખરાબ સમય આવ્યો ત્યારે હું તેમનો સાથ છોડી દંઉ? હું એવો નગુણો નથી.' પણ બીના બિલાડીએ તેની એક વાત ના માની. એ વીણુ વડ છોડીને ચાલી ગઈ. વડ હવે દિવસે અને દિવસે સૂકાવા લાગ્યો. વડદાદાએ પોતે જ પીચુ પોપટને કહ્યુ, 'પીચુ, હવે અહીં રહેવામાં તારી કે તારાં બચ્ચાની કોઇ સલામતી નથી, હવે તો મારું પોતાનું અસ્તિત્ત્વ જ જોખમમાં છે.' પીચુ પોપટ બોલ્યો, 'વડદાદા, તમે મને અત્યાર સુધી સાચવ્યો છે, મારું અને મારાં બચ્ચાંનુ પાલન કર્યુ છે. જેણે મને આખી જિંદગી આશરો આપ્યો તેને દુખના સમયે છોડીને ચાલ્યો જાઉ એવો સ્વાર્થી હું નથી જ. જ્યારે તમે જમીનદોસ્ત થઈ જશો અને મારે બીજું રહેઠાણ શોધવાની જરૂર પડશે ત્યારે જ હું અહીંથી જઈશ.' વડદાદા કશું ના બોલ્યા, પણ એ સમયે જંગલમાં ફરવા નીકળેલા બ્રહ્માજીએ એમની આ વાત સાંભળી લીધી. તેઓ પીચુ પોપટ પાસે આવ્યા અને બોલ્યા, 'પોપટજી, વડદ્દાદાની વાત તો સાચી જ છે, તમારે તમારું બીજું રહેઠાણ શોધી નાખવું જોઇએ.'પીચુ પોપટ બોલ્યો, 'ભગવાન, આપ પણ આવી સલાહ આપો છો? આપ તો સૃષ્ટિના સર્જનહાર છો. આપ તો સમજો કે ઉપકાર ઉપર અપકાર કરવો એ ક્યાંનો ધર્મ? સુખમાં તો સૌ સાથે રહે, પણ જેણે દુખમાં તમારો સાથ આપ્યો હોય તેના કપરા દિવસ આવે તો સાથ છોડી દેવો?' બ્રહ્માજીએ તેને ખૂબ ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પીચુ પોપટ એકનો બે ના થયો તો ના જ થયો. આથી બ્રહ્માજી તેના ઉપર ખુશ થયા અને કહ્યું, 'હું તારી આ વાતથી ખૂબ જ પ્રભાવિત થયો છું. તારી સાચી ભાવના જોઇ મારું હૃદય દિલ ભરાઇ આવે છે. હું તને વરદાન આપવા માગું છું. માગ માગ, તું જે માગીશ તે હું આપીશ.' બ્રહ્માજીની વાત સાંભળી પીચુ પોપટે ઘડીનોય વિલંબ કર્યા વિના માગી લીધું, 'મારા વડદાદાના શરીરમાં પ્રસરી ગયેલું ઝેર દૂર થઈ જાય અને વડદાદા ફરી પાછા હર્યાભર્યા થઈ જાય.' બ્રહ્માજીના વરદાનથી વડલામાં નવી કુંપળો ફૂટી. ફરીથી વડલો પહેલાં જેવો જ હર્યોભર્યો થઈ ગયો. વડલાને છોડી ગયેલાં બધાં જ પક્ષીઓ ફરીથી વડલા ઉપર રહેવા આવી ગયાં. વડલાએ પણ સૌને પ્રેમથી આવકાર્યા.

    Sports

    RECENT NEWS