ફૂલેલી પૂરી - હુંદરાજ બલવાણી
પાણી-પૂરીવાળી પૂરી ઘણીવાર સુધી આ બધું જોતી રહી. હવે તેનું અભિમાન ઓછું થવા લાગ્યું. તે વિચારવા લાગી કે ખાલી પોતાની જાતને ફુલાવી રહી હતી
એ ક પાણીપૂરીવાળો હતો. દરરોજ સાંજે શહેરમાં પાણીપૂરી વેચવા જતો. તે દરરોજ સવારે ઊઠીને તૈયારીઓ કરતો. પાણીપૂરી માટેની નાનીનાની પૂરીઓ તળતો. બે-ત્રણ પ્રકારની ચટણીઓ બનાવતો અને બપોર પછી બધી વસ્તુઓ હાથલારીમાં ગોઠવીને શહેરમાં વેચવા જતો. લોકોને તેની પાણીપૂરી બહુ ભાવતી.
એક દિવસની વાત છે. રોજની જેમ તે પૂરીઓ તળીને એક મોટા વાસણમાં મૂકતો જતો હતો. પૂરીઓનો જાણે ઢગલો થઈ ગયો હતો. બધી પૂરીઓ બરાબર ફૂલેલી હતી. તેમાંની એક પૂરી પોતાને વધુ ફૂલેલી જોઈને ફુલાઈ ગઈ. તે બીજી બધી પૂરીઓને કહેવા લાગી, ''હું તમારા કરતાં વધારે ફૂલાવેલી છું.''
પૂરીઓના ઢગલામાંથી બીજી એક પૂરીએ તેને જવાબ આપ્યો, ''આપણે વધારે ફુલાવેલી હોઈએ કે ઓછી, તેમાં શો ફેર પડે છે!''
''ફેર કેમ નથી પડતો! જે વધારે ફૂલેલી હશે તે ગ્રાહકને વધારે ગમશે એમ નથી લાગતું.''
''એ તો બરાબર છે પરંતુ એમાં આપણને શો લાભ? આપણે સૌએ જવાનું તો ગ્રાહકના પેટમાં જ ને?''
ફૂલેલી પૂરી કહે, ''પણ હું કોઈના પેટમાં નહિ જાઉં. જુઓ ને, કેટલી સુંદર અને ગોળમટોળ લાગું છું.''
બીજી પૂરીએ પૂછ્યું, ''કોઈના પેટમાં નહિ જઈશ તો શું કરીશ? તેં શું વિચાર્યું છે તે તો કહે.''
ફૂલેલી પૂરીએ જવાબ આપ્યો, ''હું અહીંથી ભાગી જઈશ. કોઈના હાથમાં નહિ આવું.''
''તું કેવી રીતે ભાગી શકીશ? અહીં તો આપણને બનાવનાર બેઠો છે. તે તને ભાગવા નહીં દે.''
''હું જોઈશ કે તે મને કેવી રીતે રોકી શકે છે.'' આમ કહીને ફૂલેલી પૂરી મોકો જોવા લાગી. અને જેવું પેલા પાણીપૂરીવાળાનું ધ્યાન બીજે ગયું તેણે એક જોરદાર દોટ મૂકી. થોડીકવારમાં તે બીજી પૂરીઓથી ઘણી દૂર પહોંચી ગઈ.
ફૂલેલી પૂરી દોડતી દોડતી બજારમાં પહોંચી ગઈ. ત્યાં ખાણી-પીણીની ઘણી દુકાનો હતી. એક દુકાનની બહાર ગ્રાહકોની ખાસ્સી ભીડ હતી. એ દુકાન કાળિદાસ કચોરીવાળાની હતી. તેની કચોરી શહેરમાં પ્રખ્યાત હતી. કાળિદાસ કચોરીવાળાનો કારીગર દુકાનની બહાર ખૂણામાં બેસીને કચોરીઓ તળી રહ્યો હતો. ફૂલેલી પૂરી લોકોની ભીડમાંથી જગ્યા કરી આ બધું જોવા લાગી.
''અરે! આટલી મોટી પૂરી અને તે પણ આટલી બધી ફૂલાવેલી!'' પૂરીને આશ્ચર્ય થયું. આ કચોરી તો તેના કરતાં પણ વધુ મોટી અને ફુલાવેલી હતી. ફુલાવેલી ગરમાગરમ કચોરી જોઈને ત્યાં ઊભેલા લોકો તેને મેળવવા પડાપડી કરી રહ્યાં હતાં.
''આ કચોરી તો મારા કરતાં પણ જોરદાર નીકળી!'' પૂરીને પોતાના વિશેનું માન ઓછું થવા લાગ્યું. તેની ઈચ્છા થઈ કે કચોરી સાથે વાત કરે પણ લોકોની ભીડ જોઈને તે આવી હિંમત ન કરી શકી.
નજીકમાં બીજી દુકાન પૂરી-શાકની હતી. પૂરી દોડીને ત્યાં પહોંચી ગઈ. દુકાનની બહાર ઓટલા પર ખુરશીઓ અને ટેબલો ગોઠવેલાં હતાં. ગ્રાહકો ખુરશીઓ પર બેસીને પૂરી-શાકની લિજ્જત માણી રહ્યા હતા.
પૂરીને થયું કે જોઉં તો ખરી કે આ પૂરી-શાકવાળી પૂરી વળી કઈ બલા છે!
તે એક ટેબલની નીચે છુપાઈને ઊભી રહી. ટેબલની આજુબાજુ ગોઠવેલી ખુરશીઓ પર બેઠેલા ચાર ગ્રાહકો માટે દુકાનનો નોકર પૂરી-શાકની ચાર થાળીઓ મૂકીને ગયો ત્યારે આ પૂરીએ સહેજ ડોકું બહાર કાઢીને પૂરી-શાકની પૂરીઓ ઉપર નજર નાખી. ''અરે! આ શું? આટલી મોટી પૂરીઓ!'' દરેક થાળીમાં લગભગ થાળીના કદની એક-એક પૂરી પીરસવામાં આવી હતી. બધી પૂરીઓ મોટા કદની અને ખૂબ ફુલાવેલી હતી.
એક-એક પૂરી ખાવાથી ગ્રાહકોનું પેટ ભરાઈ ગયું.
પાણી-પૂરીવાળી પૂરી ઘણીવાર સુધી આ બધું જોતી રહી. હવે તેનું અભિમાન ઓછું થવા લાગ્યું. તે વિચારવા લાગી કે ખાલી પોતાની જાતને ફુલાવી રહી હતી. તેના જેવી તો કચોરીઓ, પૂરીઓ અને અન્ય વસ્તુઓ બજારમાં ઘણી મળે છે. તેના જેવી કેમ તેના કરતાંય મોટી અને ફુલાવેલી પૂરીઓ! તેણે પોતાની બહેનોનો સાથ છોડીને સારું નથી કર્યું.
અને તે પોતાના ઘર તરફ જવા લાગી. ઘેર પહોંચી તે પોતાની બીજી બહેનો સાથે એવી રીતે ભળી ગઈ કે કોઈને ખબર જ ન પડી કે ઘર છોડીને નાસી જનાર પૂરી આમાંથી કઈ હતી!