- 'અરધી પેન્સિલથી તો હજી ઘણું હોમવર્ક થઈ શકે! આમ એને ફેંકી ન દેવાય!'
- કિરીટ ગોસ્વામી
પિહુને દાદાજી ખૂબ વ્હાલા.
દાદાજીની પાસે બેસીને પિહુ, દરરોજ હોમવર્ક કરે.
હામવર્ક કરતાં-કરતાં પિહુ વારેવારે નોટનાં પાનાં ફાડે અને અરધી વપરાયેલ પેન્સિલ ફેંકી દે.
આવું રોજ-રોજ ચાલ્યા કરે!
થોડા દિવસ આ જોયા પછી દાદાજીએ પિહુને પૂછયું- 'બેટા, આ નોટનાં પાનાં કેમ ફાડે છે? ને અરધી થાય ત્યાં પેન્સિલ કેમ ફેંકી દે છે?'
પિહુ બોલી- 'એ તો ભૂલ પડે એટલે પાનાં ફાડી નાખવાનાં! ને અરધી પેન્સિલ તો મને ફાવે જ નહીં!'
દાદાજીએ કહ્યું- 'ના,બેટા! અરધી પેન્સિલથી તો હજી ઘણું હોમવર્ક થઈ શકે! આમ એને ફેંકી ન દેવાય!'
પિહુએ કહ્યું- 'પણ દાદાજી, એ નકામી થઈ ગઈ કહેવાય. આથી હવે નવી પેન્સિલ લેવાય ને!'
દાદાજીએ સમજાવ્યુ- 'ના,બેટા! આમ કાગળ અને પેન્સિલનો બગાડ ન કરાય. તને ખબર છે, એને બનાવવા માટે કેટલી વનસ્પતિઓ કપાય છે?'
'વનસ્પતિઓ?' પિહુએ નવાઇભેર પૂછયું.
'હા,' દાદાજીએ તેને સમજાવતાં કહ્યું- 'આ કાગળ અને પેન્સિલ બનાવવા માટે વનસ્પતિઓનો જ ઉપયોગ થાય છે.એક તો આપણી પૃથ્વી પરથી વૃક્ષો, વનસ્પતિઓનું પ્રમાણ દિવસે ને દિવસે ઓછું થઈ રહ્યું છે... ને આપણે આમ કાગળ કે પેન્સિલનો બગાડ કરીએ તો એ સારી બાબત ન જ ગણાય!'
પિહુને પોતાની ભૂલ સમજાઈ ગઇ. તે બોલી- 'સારી, દાદાજી! હવેથી હું એમ નહીં કરું. હવેથી હું કાગળનો ખૂબ ચીવટથી ઉપયોગ કરીશ અને પેન્સિલ પણ છેક પૂરી થાય ત્યાં સુધી એનાથી લખીશ!'
દાદાજીએ રાજી થતાં કહ્યું- 'શાબ્બાશ, બેટા! આ જ વાત અને વન - વનસ્પતિઓનું મહત્ત્વ તું તારા મિત્રોને પણ સમજાવજે!'
'હા, દાદાજી!' પિહુએ હસીને કહ્યું.
'મારી ડાહી દીકરી...' કહીને દાદાજીએ પિહુને ખૂબ વહાલ કર્યું.


