FOLLOW US

વટાણો .

Updated: Mar 17th, 2023


- ડુગ્ગુ ગાડીમાં બેસી ગયો. એને એમ કે થોડીવારમાં પાછા આવી જવાશે, પણ એની ધારણા ખોટી પડી. માલિકે એને પિકનિક પર લઈ ગયા હતા. ડુગ્ગુને રાણાની ચિંતા થતી હતી. રાણાનો વિચાર કરી એ દુ:ખી દુ:ખી થઈ ગયો

મહેશ 'સ્પર્શ'

એ ક હતો વટાણો. નામ એનું રાણો. દેખાવે સુંદર, ગોળમટોળ. તેના બે ભાઈ એને એક બહેન હતી. ઘરના વાડામાં વટાણાના છોડ પર એમનું ઘર.

એક દિવસ એ ઘરના માલિક વાડામાં આવ્યા. એમને વટાણાનું શાક બહુ ભાવતું હતું. એટલે એમણે વટાણાના છોડ પરથી સીંગો તોડી લીધી. ઘરમાં બેસી સીંગો ફોલવા લાગ્યાં. રાણો જે સિંગમાં હતો એનો વારો આવ્યો. એનાં ભાઈ-બહેન ચૂપચાપ શાક બનવા તૈયાર થઈ ગયા. રાણાને એ મંજુર નહોતું. 'ભફાંગ..' રાણાએ કૂદકો લગાવ્યો. વટાણા ભરેલા વાટકાથી દૂર જઈને પડયો. ગબડતો ગબડતો દરવાજાની  બહાર પહોંચી ગયો. 

'ભૌઉં.. ભૌઉં..' પાલતું કૂતરાએ એને રોક્યો.

'હું પણ આ ઘરનો સભ્ય છું. આપણાં માલિક જ મને અહીં લાવ્યા છે.' વટાણાએ હિંમત રાખી કહ્યું. 

'એમ વાત છે? તો ભલે, આપણે હવે દોસ્ત કહેવાઈએ. મારું નામ ડુગ્ગુ છે. તારું નામ?' કૂતરાએ એમ કહી એને સ્માઈલ આપી.

'મારું નામ રાણો છે. દોસ્ત! તું મને દુનિયા બતાવીશ?' વટાણાએ ડુગ્ગુને પોતાના મનની વાત કહી. 

'હા, ચાલ તને પહેલાં ઘરની અંદરની દુનિયા બતાવું. એક કામ કર તું મારી પીઠ પર બેસી જા.' એમ કહી ડુગ્ગુ નીચે બેસી ગયો. એટલે રાણો એની પીઠ પર સવાર થઈ ગયો. 

પછી ડુગ્ગુએ રાણાને આખું ઘર બતાવ્યું.  ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, લેપટોપ ને બીજું ઘણું બતાવ્યું. એ બધું જોઈને રાણો તો રાજીનો રેડ થઈ ગયો. 

પછી બંને ઘરની બહાર વાડામાં ગયા. ત્યાં આંબાના ઝાડ નીચે ગયા. 

'પહેલા થોડો આરામ કરી લઈએ?' ડુગ્ગુએ કહ્યું.

'હા, પછી તું મને બહારની દુનિયા દેખાડજે.' એમ કહી રાણો ડુગ્ગુની પીઠ પરથી નીચે ઉતર્યો, પણ નીચે ઉતરતી વખતે તેનાથી ગબડી પડાયું. ડુગ્ગુ એને પકડે એ પહેલાં રાણો જમીનની એક તિરાડમાં ફસાઈ ગયો. એને બહાર કાઢવા ડુગ્ગુ માટી ખોતરવા લાગ્યો. 

'દોસ્ત! પહેલા મને થોડું પાણી પીવડાવ. બહુ તરસ લાગી છે.' ગભરાહટને લીધે રાણાને બહુ તરસ લાગી હતી. 

ડુગ્ગુ દોડતો ગયો અને ફટાફટ થોડું પાણી લઈ આવ્યો. પાણી પીને રાણાને થોડી રાહત મળી. પછી, ડુગ્ગુએ ફરીથી જમીન ખોતરવાનું શરૂ કર્યું. 

'ડુગ્ગુ... ડુગ્ગુ..' માલિકે બૂમ પાડી.

'માલિક બોલાવે છે. જવું પડશે, પણ તું ચિંતા ના કરીશ. હું પાછો આવીને તને બચાવી લઈશ.' રાણાને સધિયારો આપી ડુગ્ગુ એના મલિક પાસે ગયો. 

'ડુગ્ગુ ફટાફટ ગાડીમાં બેસી જા.' માલિકે કહ્યું. 

ડુગ્ગુ ગાડીમાં બેસી ગયો. એને એમ કે થોડીવારમાં પાછા આવી જવાશે, પણ એની ધારણા ખોટી પડી. માલિકે એને પિકનિક પર લઈ ગયા હતા. ડુગ્ગુને રાણાની ચિંતા થતી હતી. રાણાનો વિચાર કરી એ દુ:ખી દુ:ખી થઈ ગયો, પણ હવે એનાથી કાંઈ થઈ શકે એમ નહોતું.

ઘરે પાછા ફરતા ત્રણ દિવસ થઈ ગયા. ગાડીમાંથી ઉતરી ડુગ્ગુ સીધો જ રાણા પાસે ગયો, પણ આ શું? રાણો ત્યાં હતો જ નહીં! એની જગ્યાએ એક નાનકડો અંકુર હતો. એ જમીનમાંથી મો બહાર કાઢી મરક મરક મલકાતો હતો. ડુગ્ગુને તો કશું સમજમાં જ નહોતું આવતું. 

'દોસ્ત! તું જોઈ રહ્યો છું એ અંકુર હું જ છું. તારો દોસ્ત રાણો.' એ સાંભળીને ડુગ્ગુનું અચરજ વધી ગયું. 

'મને બચાવવા તે જમીન ખોતરી હતી. પવનથી એ ધૂળ મારા પર પડી હતી અને હું સુરક્ષિત રીતે જમીનમાં દબાઈ ગયો હતો. તે મને પાણી પાયું હતું એનાથી મારામાં જીવ આવ્યો હતો. અને અંકુર બની હું જમીનની બહાર આવી શક્યો છું. થોડાં દિવસ પછી હું છોડવો બની જઈશ. મારા જેવા અનેક વટાણાંને જન્મ આપી શકીશ. એ બધા માટે તારો ખૂબ ખૂબ આભાર.' રાણાએ ડુગ્ગુના અચરજનો અંત લાવતાં કહ્યું. 

એ સાંભળી ડુગ્ગુને આનંદ થયો.

'દોસ્ત! હું રોજ તને મળવા આવીશ. તારી સાથે વાતો કરીશ. તારી કાળજી રાખીશ.'  રાણાને વચન આપતા ડુગ્ગુએ કહ્યું. 

'મળે બધાંને દોસ્ત ડુગ્ગુ જેવો,

દોસ્ત મારા જુગજુગ જીવો...'

રાણાએ પણ ગીત ગાઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો.

Gujarat
News
News
News
Magazines