Get The App

મોરની પ્રાર્થના .

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
મોરની પ્રાર્થના                                               . 1 - image

- સવાર થયું. રાજીવ મોર ફરીથી નાચવા લાગ્યો, પણ આ વખતનું નૃત્ય પોતાના આનંદ-પ્રમોદને માટે નહોતું. એ તો પરમેશ્વરને ધન્યવાદ આપવા માટે હતું!

- ચંદ્રકાન્ત પથિક

એક નાનકડા ગામની બહાર લીલાછમ ખેતરમાં એક શાનદાર મોર રહેતો હતો. એનું નામ હતું રાજીવ. એની પાંખો ચમકદાર, નામ અદભુત અને ટહુકો સૌને ગમી જાય તેવા!

પ્રત્યેક સવારે એ થૈ....થૈ...થૈ... નાચતાં-કુદતાં પરમેશ્વરને જણાવતો -

 'આ સૂરજ તમારો છે, ચંદ્ર, તારા અને નક્ષત્રો પણ તમારાં છે; આ ખેતર તમારું છે અને એમાં લહેરાતી મકાઈ પણ તમારી છે! પણ આ નૃત્ય મારું છે, અને એ પણ તમારી ઈચ્છાથી છે!''

પણ આ વરસે વરસાદ મોડો પડયો; ખેતરોનો પાક પાણી વગર સુકાવા બેઠો, માછલીઓ, પાણી વિના તરફડિયાં ખાવા લાગી, અને પશુ-પક્ષી ખોરાક વગર ટળવળવા લાગ્યાં.

પાપઈ પંખીએ આવીને મોરની ઠેકડી ઉડાવી -

'તારા નૃત્યથી વરસાદ આવશે ખરો? અને તારી પ્રાર્થનાઓનો હેતુ પણ શો? એ બધું ખાલીખમ અને પવનમાં બાચકા ભરવા જેવું લાગે છે?'

રાજીવ મોર હસતો રહ્યો. પછી તો એણે પોતાની બંને પાંખો ફફડાવીને પ્રાર્થના શરૂ કરી-

'હે ઈશ્વર, તમે તો મેઘોના રાજા છો, તમે ખેડૂતના અનાજને પકવો છો, અને પશુ-પક્ષીઓને ખોરાક પૂરો પાડો છો, તમે મારી પ્રાર્થના સાંભળો અને આ ખેતરમાં પાણી સીંચો...'

પ્રાર્થના પછી રાજીવ મોર ધીરજ અને વિશ્વાસથી ચૂપચાપ ત્યાં બેઠો; પપાઈ રાજીવની મશ્કરી કરતી કરતી ઉડી ગઈ...પણ....

મોડી રાત્રે અચાનક મેઘો મંડાણો... ધડધડ...ધડધડ...

મેઘરાજાએ ધમાસાણ મચાવી દીધું.

સવાર થયું. રાજીવ મોર ફરીથી નાચવા લાગ્યો, પણ આ વખતનું નૃત્ય પોતાના આનંદ-પ્રમોદને માટે નહોતું. એ તો પરમેશ્વરને ધન્યવાદ આપવા માટેનું હતું!

પપાઈ શરમથી લાચાર બની ગઈ અને બોલી, 'મોરભાઈ, તમારી પ્રાર્થના ખરેખર કામ કરે છે; તમારી ધીરજ પણ દાદ માગી લે છે, અને તમારો વિશ્વાસ પણ જબરો પાકો છે.''

મોર હસીને બોલ્યો -

'પ્રાર્થના એ વરસાદ જેવી છે, દેખાય નહીં પણ જીવન આપે છે. તું અનુભવ કરે તો તને ખબર પડે...'

તારા માટે અને સર્વ પશુ-પંખી અને માણસો માટે નૈતિક શિક્ષણ તો આ છે કે -

'ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ સુખનું બી વાવ્યા બરોબર છે; વળી પ્રાર્થના એ ખાલી બડબડાટ નથી; એ તો દિલની વાત છે. આ વાત પણ એટલી જ સાચી કે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી, કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.'