પાવલો પા, મામાને ઘેર જા
- મોંઘી રમત રહેવા દો, જૂની રમત વહેવા દો.
- બીએ તો બીવા દે, ખોબો આંસુ પીવા દે.
કસરતની કસરત ને રમતની રમત... ન જોઇએ ય્રૂસ્ કે ન જોઇએ અખાડો
પ ગ ઉપર નાન બાળકને ઝુલાવવાની, ઉછાળવાની રમત દુનિયામાં ઉમદામાં ઉમદા રમત છે. બાળકને અનહદ આનંદ આપે છે. સાથે જ ઝુલાવનારની ખુશી વધારે છે. મોટે ભાગે આ જવાબદારી માતા કે દાદાજીને માથે જ આવે છે. પરંપરાથી ચાલતી આ ગીત-ગમ્મત-રમત આજે ય એટલો જ આહલાદ આપે છે. આપણે બાળપણમાં જે ગીત ગાયું સાંભળ્યું છે. એ જ ગીત આજે ય ચાલુ છે એ ગીતના શબ્દો છે : 'પાવલો પા, મામાને ઘેર જા...' સૌરાષ્ટ્ર બાજુ 'પાવલો' શબ્દ 'પાગલો'ની રીતે બોલાય છે : 'પાગલો પા, મામાને ઘેર જા' મૂળ ગીત પ્રથમ આપ્યું છે, પણ બાળકને ફરી ફરીને ઝૂલવા જોઇએ તો એમાં નવાં ગીતો ઉમેરાવાં જોઇએ. બાળક કંઇ એક જ ઝૂલાથી સંતોષ પામતું નથી. જમાના મુજબનાં નવાં ગીતો જોડવાનો અહીં પ્રયાસ થયો છે. આપ સહુ બાળમિત્રો, વડિલો, શિક્ષકો, દાદાજીઓને વિનંતી કે આવા વધુ ગીતો જોડતાં રહેજો. બાવીસમી સદીનાં બાળકોને ક્યાં સુધી ઓગણીસમી સદીનાં ગીતો સંભળાવીશું.
પાવલો પા,
મામાને ઘેર જા
ખીચડી ખા
ખીચડી તો કાચી
નાની માસી નાચી
નાચે તો નાચવા દે
કૂદે તો કૂદવા દે
હું તો મારે નાચું
હું તો મારે કૂદું
પાવલો પા
પાણી ભરવા જા
પાણી તો ખલાસ થયાં
વાવ-કૂવા સૂકાઈ ગયાં
નદી-નાળાં ગુમ થયાં
સરોવર સંતાઈ ગયાં
રિસાય તો રિસાવા દે
વિસરાય તો વિસરાવા દે
હું તો મારે નાચું
હું તો મારે કૂદું
પાવલો પા
નિશાળે જા
નિશાળ ઘણી આઘી
શિક્ષિકા બાઘી
બેબી રડવા લાગી
રડે તો રડવા દે
પડે તો પડવા દે
હું તો મારે નાચું
હું તો મારે કૂદું
પાવલો પા
હીંચકો ખા
હીંચકો ગયો આકાશે
આકાશે દેડકી
દેડકીની હેડકી
હેડકી હીંક
આવી ગઈ છીંક
લાગી ગઈ બીક
બીએ તો બીવા દે
ખોબો આંસુ પીવા દે
હું તો મારે નાચું
હું તો મારે કૂદું
પાવલો પા
સરકસમાં જા
સરકસમાં તોપ
ધમ્મ દઇને ફૂટી
ફૂટે તો ફૂટવા દે
કાચા કાન કૂટવા દે
કાને દીધા હાથ
હાથ પાડે તાળી
તાળી તાળી રમવા દે
તાબોટા પાડવા દે
હું તો મારે નાચું
હું તો મારે કૂદું
પાવલો પા
મામાને ઘેર જા
મામાનું ઘર યુ.એસ.
નો-નો યસ યસ
'નો'ને કહે ને
'યસ'ને કહે યે
યે યે કરવા દે
વિમાનમાં ઊડવા દે
હું તો મારે નાચું
હું તો મારે ગાઉં
હું તો મારે કૂદું
પાવલો પા
ગાડીમાં જા
ગાડી મારે સીટી
ગાય બીચારી બીધી
બીધી ગાય દોડી ગઇ
ઊછળી ઊછળી દોડી ગઈ
દોડે તો દોડવા દે
ઊછળે તો ઊછળવા દે
હું તો મારે નાચું
હું તો મારે ગાઉં
હું તો મારે કૂદું
પાવલો પા
મામાને ઘેર જા
મામા રમે ક્રિકેટ
(મને) ક્રિકેટ રમવા દે
ચોગ્ગાઓ મારવા દે
છગ્ગાઓ મારવા દે
તેંડુલકર બનવા દે
તેંડુલ થયો કેચ
તેંડુલને કેચ થવા દે
તંબુ ભેગો થવા દે
હું તો મારે નાચું
હું તો મારે કૂદું
પાવલો પા
દિલ્હી જા
દિલ્હીમાં નેતા
કાલની વાતો કહેતા
કહે તો કહેવા દે
ઠાલી તાળી પાડવા દે
લોકો પાડે તાળી
હસી દે છે માસી
માસીને હસવા દે
ખી-ખી હસવા દે
હું તો મારે નાચું
હું તો મારે ગાઉં
હું તો મારે કૂદું
પાવલો પા
ભાષણમાં જા
ભાષણમાં ચૂંટણી
આંગળીએ ડોટ
ડોટ બધા ભેગા થાય
વધી જાય તે જીતી જાય
જીતે તેને જીતવા દે
સરકારમાં જવા દે
હું તો મારે નાચું
હું તો મારે કૂદું
પાવલો પા
લીંબુ લેવા જા
લીંબુ થયા મોંઘા
મોંઘા લીંબુ લેવાય કેમ?
ભાવ જરા ઊતરવા દે
ભાવ વધ્યા કે ઊતરે નહિ
સોંઘવારી થાય નહિ
મોંઘવારી જાય નહિ
મોંઘવારી ને રહેવા દે
કરકસર કરવા દે
બીજી વાતો જાવા દે
હું તો મારે નાચું
હું તો મારે કૂદું
માસ્ક વગર નીકળશો નહિ
ટોળે વળીને ફરશો નહિ
જાહેરમાં છીંક ખાશો નહિ
ઊઘાડે ખાંસી ખાશો નહિ
ખતરનાક છે કોરોના
જાતે જ સાવધ રહેજો
કહેવાથી કોઇ સાંભળે નહિ
ના સાંભળે તો ટળવા દો
ભલે ને તેઓ ટળવળતા
હું તો મારે નાચું
હું તો મારે કૂદું
આવ રે વરસાદ
મોંઘવારીનો છે પરસાદ
સસ્તું કંઈ મળે નહિ
જોઇતા ભાવમાં ભળે નહિ
કારેલા તો નહિ નહિ નહિ
કાંદા નહિ
બટાકા ય નહિ
પત્તરવેલિયા? ના યે ના
ઊના ઊના ભજિયાં
જા જા રે જા રે જા
તેલ ક્યાંથી લાવશે ?
અગન ક્યાંથી લાવશે ?
અગન તો બની ગઈ 'ગન'
'ગન'ને ધડાકા કરવા દે
જાતે સહન કરવા દે
સહન કરતાં સીખી જાઉં
હું તો મારે નાચું