- ભરત અંજારિયા
કોઈ એક નગરના તળાવને કિનારે એક માછીમાર માછલી મારવા માટે બેઠો હતો. તેણે પોતાની જાળ માછલી મારવા માટે પાણીમાં નાખી હતી. ઘણી રાહ જોયા બાદ તેની જાળમાં સળવળાટ થયો તેણે જાળને ખેંચવા માટે કોશીશ પણ કરી. બરાબર તે જ સમયે એક રાહગીર (પથિક) તેની પાસે આવ્યો અને તેણે પુછયું કે 'સુનીલકુમાર બેનરજીનું ઘર ક્યાં છે ? શું તમે તેને ઓળખો છો ? શું તમે સરનામું બતાવી શકશો ?'
માછીમારે કંઈ જવાબ ન આપ્યો. તે તો બસ પોતાની જાળ ખેંચવામાં જ વ્યસ્ત હતો. તેના હાથ પણ ધુ્રજી રહ્યા હતા અને તેનું લક્ષ્ય પેલી માછલી પકડવા પર જ હતું.
ત્યાર બાદ પેલો પથિક નિરાશ થઈને ત્યાંથી જવા લાગ્યો. તે જ્યારે ત્યાંથી દૂર ચાલ્યો ગયો બરોબર તે જ સમયે માછીમારે જોરથી જાળને ખેંચીને કિનારે ઘસડી લાવ્યો. સાથે માછલી પણ આવી. તે પછી તેણે પોતાનાં વસ્ત્રથી પોતાનું મુખ લુછ્યું અને પેલા પથિકને રાડો પાડીને બોલાવવા લાગ્યો. પથિક પાછો વાળવા માગતો ન હતો પરંતુ માછીમારે વારંવાર બોલાવ્યો તેથી પાછો આવ્યો. તેણે માછીમારને પૂછયું, 'મને શા માટે બોલાવો છો ?'
ત્યારે માછીમારે કહ્યું, ''મહાશય ! તમે મને શું પૂછી રહ્યા હતા?' પથિકે કહ્યું, 'મેં તમને તે સમયે પુછયું હતું તે તમે સાંભળ્યું ન હતું. તમારું ધ્યાન જ કંઈક અન્ય કામમાં હતું.'
માછીમારે કહ્યું, ''તે સમયે જાળ ડુબી રહી હતી અને મારૃં ધ્યાન તેમાં જ હોવાથી મને કંઈ સંભળાયું ન હતું.''
આ વાતનો સાર એ છે કે ધ્યાનમાં એકાગ્રતા હોય છે. તે સમયે કંઈ સંભળાતું કે દેખાતું હોતું નથી. માટે દરેક કામ મન પરોવીને કરવું જોઈએ.


