Get The App

પપ્પુનું ગુપ્પું ! .

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
પપ્પુનું ગુપ્પું !                                           . 1 - image

- સાપથી બચવા માટે પપ્પુએ બૂમાબૂમ કરી પણ કોઇ બચાવવા ન આવ્યું. તે બરાબરનો ફસાઇ ગયો! જો પાણીમાંથી બહાર નીકળે તો સાપ કરડે અને ઝાઝીવાર પાણીમાં રહે તો બિમાર પડી જવાય!

- કિરીટ ગોસ્વામી

એક હતો છોકરો.

તેનું નામ પપ્પુ.

પપ્પુ આમ ચતુર અને ચાલાક હતો, પણ ગપોડિયો ભારે!

વાતવાતમાં ગપ્પાં મારવાની તેને આદત હતી. ગમે ત્યાં ગપ્પાં મારીને તે પોતાને હોંશિયાર સમજતો હતો.

દરરોજ તે બધા મિત્રો રમતા હોય ત્યાં પહોંચે ને પછી અચાનક 'સાપ આવ્યો! સાપ આવ્યો!' એવી ખોટી બૂમાબૂમ કરે!

પછી હળવેકથી પપ્પુ બધાની નજર ચૂકાવીને ત્યાંથી ભાગી જાય!

પપ્પુની આ ખોટી બૂમાબૂમથી બધા  મિત્રો ડરી જાય. બધા વેરવિખેર થઈ જાય... પણ ખરેખર તો સાપ હોય જ નહીં!

દૂર સંતાઇને પપ્પુ આ બધુંય જુએ અને રાજી થાય!

તેને આ રીતે ગપ્પું મારીને બધાને ડરાવવાની મજા આવે!

પછી તો વારંવાર પપ્પુ આવી રીતે જ્યારે તેના મિત્રો રમતાં હોય ત્યાં  'સાપ આવ્યો! સાપ આવ્યો!' એમ ખોટી બૂમાબૂમ કરીને બધાયને ડરાવવા લાગ્યો. બધા ડરીને ભાગે. એ જોઇને મનોમન પોતે આ બધાને ડરાવવાનો આનંદ માણવા લાગ્યો.

થોડાક દિવસ આમ ને આમ ચાલ્યું.

પછી ધીમે ધીમે બધાને ખબર પડી ગઇ કે આ તો પપ્પુની મજાક છે. તે બધાંયને ડરાવવા માટે ખોટી બૂમાબૂમ કરે છે, ને આનંદ મેળવે છે. આથી એક પછી એક એમ બધા મિત્રો તેની દોસ્તી તોડવા લાગ્યા.

આખરે કોઇને પપ્પુ પર વિશ્વાસ ન રહ્યો. તે એકલો પડી ગયો!

એક દિવસની વાત.

પપ્પુ તળાવમાં ન્હાવા પડયો. બધા મિત્રો નજીકમાં રમતા હતા. એવામાં, અચાનક પપ્પુને તળાવને કિનારે ખરેખર સાપ દેખાયો!  સાપને જોઈને બધા મિત્રો ડરીને ભાગી ગયા! પપ્પુ તળાવમાં હતો અને પાણીની બહાર નીકળે તો સાપની બીક અને પાણીમાં પણ ઝાઝી વાર કેમ રહેવાય?

સાપથી બચવા માટે પપ્પુએ બૂમાબૂમ કરી પણ કોઇ બચાવવા ન આવ્યું. તે બરાબરનો ફસાઇ ગયો! જો પાણીમાંથી બહાર નીકળે તો સાપ કરડે અને ઝાઝીવાર પાણીમાં રહે તો બિમાર પડી જવાય!

આખરે ઘણીવાર પછી પપ્પુ હિંમત કરીને પાણીમાંથી બહાર નીકળ્યો. જેમ તેમ કરી ત્યાંથી ભાગવા ગયો ત્યાં બધા મિત્રોએ તેને ઘેરી લીધો અને તેને ધક્કો મારીને સાપ તરફ ધકેલી દીધો!

પપ્પુના તો હોશકોશ જ ઊડી ગયા! એ તો  ખૂબ ડરી ગયો! પણ જેવો તે સાપની નજીક ફેંકાયો તો તેને ખબર પડી કે એ સાપ સાચો નહીં પણ નકલી સાપ હતો!

બધા મિત્રોએ હે-હે-હે... કરી પપ્પુનો હૂરિયો બોલાવ્યો!

એક મિત્રએ કહ્યું- 'તું રોજ અમને ગપ્પું હાંકીને ડરાવતો હતોને! તો આજે તારો વારો! આ નકલી સાપ અમે જ તને ડરાવવા માટે મૂક્યો હતો!'

 બધા મિત્રો હસ-હસ કરતા હતા. 

પપ્પુને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે શરમથી નીચું જોઇ ગયો. પોતે બધાને રોજ ખોટી બૂમાબૂમ કરીને ડરાવતો અને હેરાન કરતો હતો એ કેટલું ગેરવ્યાજબી હતું એ વાત આજે તેને સમજમાં આવી. તેણે પોતાની ભૂલ કબૂલીને સૌની માફી માગી લીધી!

મિત્રોએ મોટું મન રાખી પપ્પુને માફી આપી. પપ્પુ ત્યાર પછી હંમેશ માટે ગપ્પું મારવાનું ભૂલી ગયો!